Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > બિઝનેસ સમાચાર > > > સેન્સેક્સ સળંગ ૧૧ દિવસની ૨૦૦૭ પછીની લાંબી રૅલી બાદ ચાલુ મહિનામાં પ્રથમ વાર રેડ ઝોનમાં

સેન્સેક્સ સળંગ ૧૧ દિવસની ૨૦૦૭ પછીની લાંબી રૅલી બાદ ચાલુ મહિનામાં પ્રથમ વાર રેડ ઝોનમાં

19 September, 2023 11:01 AM IST | Mumbai
Anil Patel

પીએસયુ બૅન્ક નિફ્ટી અને ઑટો ઇન્ડેક્સ વિક્રમી સપાટી સાથે સુધારામાં, ટેલિકૉમ અને હેલ્થકૅર નવી ટૉપ બનાવી ઢીલા પડ્યા ઃ બજારના મોટા ભાગનાં સેક્ટોરલ રેડ ઝોનમાં, માર્કેટ બ્રેડ્થ માઇનસ ઝોનમાં ઃ મુંબઈના મુલુંડની જ્યુપિટર લાઇફ લાઇન ધારણાથી સારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોમવારે સેન્સેક્સ આશરે પોણાબસ્સો પૉઇન્ટના ગૅપમાં નીચે, ૬૭,૬૬૪ ખૂલી છેવટે ૨૪૨ પૉઇન્ટની નરમાઈમાં ૬૭,૬૯૭ બંધ થયું છે. નિફ્ટી ૫૯ પૉઇન્ટ ઘટી ૨૦,૧૩૩ રહ્યો છે. આ સાથે સેન્સેક્સમાં ૨૦૦૭ પછીની સૌથી લાંબી એવી સળંગ ૧૧ દિવસની તેજી અટકી છે. આ ૧૧ દિવસમાં સેન્સેક્સ ૩૦૦૮ પૉઇન્ટ તથા નિફ્ટી ૯૩૮ પૉઇન્ટ વધી ગયા હતા, જેના પગલે માર્કેટ કૅપની રીતે રોકાણકારોની સંપત્તિમાં કુલ મળીને ૧૩.૮૨ લાખ કરોડનો વધારો થયો હતો. વધુમાં સેન્સેક્સમાં ગઈ કાલનો ઘટાડો એ ચાલુ સપ્ટેમ્બર માસમાંનો પ્રથમ ઘટાડો છે. બજારમાં વધઘટની રેન્જ ઘણી સાંકડી હતી. સેન્સેક્સ ઉપરમાં ૬૭,૮૦૩ અને નીચામાં ૬૭,૫૩૩ થયો હતો. બન્ને બજારના બહુમતી ઇન્ડાઇસિસ માઇનસ ઝોનમાં બંધ આવ્યા છે. નિફ્ટી મીડિયા ૧.૩ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો, મેટલ બેન્ચમાર્ક ૦.૯ ટકા, આઇટીટી ઇન્ડેક્સ પોણો ટકો, ટેક્નૉલૉજી ૦.૯ ટકા, હેલ્થકૅર અડધો ટકો ડાઉન હતા. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ અડધો ટકો તો મિડ કૅપ અને બ્રૉડર માર્કેટમાં સાધારણ નબળાઈ હતી. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ શૅર પ્લસમાં આપી ૫૨૯૨ની શિખરે જઈને ૩.૪ ટકાની તેજીમાં ૫૨૧૭ બંધ થયો છે. જોકે બૅન્ક નિફ્ટી ૨૫૨ પૉઇન્ટ કે અડધો ટકો ઘટ્યો હતો. ઑટો બેન્ચમાર્ક બુલરન જાળવી રાખતાં ૩૭,૬૭૪ થયો છે. ઇન્ટ્રા-ડેમાં હેલ્થકૅર ઇન્ડેક્સ ૨૮,૭૮૩ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ ૨૧૩૬ના બેસ્ટ લેવલે જઈ ૧.૯ ટકા કટ થઈ ૨૦૭૮ રહ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ બેન્ચમાર્ક ૪૬,૮૪૨ની ઐતિહાસિક ઊંચી સપાટી દેખાડી એક ટકો વધી ૪૬,૭૨૫ હતો. પાવર ઇન્ડેક્સ પોણા ટકાથી વધુ તો યુટિલિટીઝ એક ટકો ઝળક્યા છે. માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ આવી છે. એનએસઈમાં વધેલા ૭૯૬ શૅરની સામે ૧૨૭૭ કાઉન્ટર ઘટ્યાં છે.
એશિયા ખાતે જપાન રજામાં હતું. ચાઇના સામાન્ય સુધર્યું છે, જ્યારે હૉન્ગકૉન્ગ દોઢ ટકા નજીક, તાઇવાન સવા ટકાથી વધુ, સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ એક-એક ટકો, ઇન્ડોનેશિયા પોણા ટકા નજીક અને સિંગાપોર અડધો ટકો માઇનસ હતા. યુરોપ રનિંગમાં અડધાથી એકાદ ટકો નીચે હતું. લંડન બજાર સાધારણ નરમ દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ ઉપરમાં ૯૫ ડૉલર નજીક જઈ રનિંગમાં ૯૪.૪ ડૉલર ચાલતું હતું. 

ટાઇટન, મહિન્દ્ર અને બજાજ ઑટોમાં નવાં શિખર જારી, રિલાયન્સ ડાઉન 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૪ શૅર વધ્યા છે. પાવર ગ્રિડ કૉર્પો ત્રણ ટકાની તેજીમાં ૨૦૦નો બંધ આપી બન્ને બજારમાં મોખરે હતો. ટાઇટન ૩૩૫૧ની ટૉપ બનાવી પોણાત્રણ ટકા વધી ૩૩૩૯ તો મહિન્દ્ર ૧૬૭૦ની વિક્રમી સપાટી દેખાડી ૨.૭ ટકા વધી ૧૬૪૩ બંધ રહી છે. મહિન્દ્રનું માર્કેટ કૅપ ૨.૦૪ લાખ કરોડના બેસ્ટ લેવલે પહોંચ્યું છે. બજાજ ઑટો ૫૨૭૨ના શિખર બાદ ૦.૯ ટકા વધી ૫૧૭૭ રહી છે. એનટીપીસી બે ટકા, બજાજ ફીનસર્વ ૧.૪ ટકા, તાતા મોટર્સ એક ટકો, સ્ટેટ બૅન્ક એક ટકા નજીક, એચડીએફસી લાઇફ અને ભારત પેટ્રો. સવાબે ટકા, હીરો મોટોકૉર્પ દોઢ ટકા તથા બ્રિટાનિયા ૧.૪ ટકા મજબૂત હતા. રિલાયન્સ એકાદ ટકો ઘસાઈ ૨૪૩૬ તો જિયો ફાઇ. પોણાત્રણ ટકા ગગડી ૨૩૩ની અંદર ગયો છે. એચડીએફસી બૅન્ક બે ટકા ખરડાઈ ૧૬૨૯ બંધ આપી બજારને સર્વાધિક ૨૧૮ પૉઇન્ટ નડી હતી. ભારતી પોણાબે ટકા, ઇન્ફોસિસ અને અલ્ટ્રાટેક ૧.૪ ટકા, તાતા સ્ટીલ સવા ટકો, વિપ્રો ૧.૨ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક એક ટકો, હિન્દાલ્કો અઢી ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૬ ટકા, ડિવીઝ લૅબ પોણો ટકો ડાઉન હતા. 


અદાણી એન્ટર દોઢ ટકા અને અદાણી પોર્ટ્સ પોણાબે ટકા નજીક નિફ્ટી ખાતે માઇનસ થયા છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર સવા ટકા નજીક, એસીસી એક ટકો, અંબુજા સિમેન્ટ્સ બે ટકા, એનડીટીવી પોણો ટકો ડાઉન હતા. અદાણી એનર્જી એક ટકો તો અદાણી ટોટલમાં સામાન્ય સુધારો હતો. અન્ય શૅર નજીવી વધઘટે બંધ હતા.
યાત્રા ઑનલાઇન નબળા પ્રતિસાદમાં ૩૨ ટકા ભરાયો, બુધવારે છેલ્લો દિવસ 


સોમવારે મેઇનબોર્ડમાં મુંબઈના મુલુન્ડની જ્યુપિટર લાઇફ લાઇન હૉસ્પિટલ્સ ૭૩૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ચાલતા ૨૩૩ના પ્રીમિયમની સામે ૯૬૦ ખૂલી ઉપરમાં ૧૧૦૭ વટાવી ૧૦૭૫ ઉપર બંધ થતાં ૪૬.૩ ટકા કે શૅરદીઠ ૩૪૦ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. કલકત્તાની જીવનરામ શિવદત્તરાય ઇન્ડ. ૨૩ની ઇશ્યુ પ્રાઇસ સામે ૩૦ ખૂલી ૨૮.૫૦ બંધ થતાં અહીં લગભગ ૨૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

મુંબઈના લોઅર પરેલની યાત્રા ઑનલાઇનનો એકના શૅરદીઠ ૧૪૨ની અપર બેન્ડ સાથે ૭૭૫ કરોડનો ઇશ્યુ બુધવારે બંધ થવાનો છે. ભરણું અત્યાર સુધીમાં એકંદર કંગાળ રિસ્પૉન્સમાં ૩૨ ટકા ભરાયું છે. આ કંપનીમાં ગ્રે માર્કેટ ખાતે કોઈ કામકાજ નથી. નવી દિલ્હીની સતત ખોટ કરતી સમી હોટેલ્સનો એકનો શૅરદીઠ ૧૨૬ની ઇશ્યુ પ્રાઇસવાળો ૧૩૭૦ કરોડનો ઇશ્યુ સોમવારે છેલ્લા દિવસના અંતે કુલ ૫.૬ ગણો ભરાયો છે, પરંતુ ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ જે એક તબક્કે ઉપરમાં ૩૫ બોલાવાયું હતું એ ગગડતું રહી હાલ ત્રણ રૂપિયા થઈ ગયું છે. જ્યારે હૈદરાબાદી ઝગલ પ્રીપેઇડનો એકના શૅરદીઠ ૧૬૪ની અપર બેન્ડ સાથે ૫૬૩ કરોડનો ઇશ્યુ છેલ્લા દિવસે કુલ ૧૨.૯ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં ૩૬ રૂપિયેથી પ્રીમિયમના સોદા શરૂ થયા હતા. રેટ ઘસાતો રહી હાલ નવ રૂપિયા થઈ ગયો છે. ગુજરાતના જામનગરની મધુસુદન મસાલાનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૨૩૮૦ લાખનો એસએમઈ આઇપીઓ પ્રથમ દિવસે કુલ ૨૭.૩ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ સુધરીને ૬૦ જેવું બોલાય છે. 


ઝોડિઍક જેઆરડી-એમકેજીમાં ૧૩૩ની બુક વૅલ્યુ સામે ૩૩ના ભાવે ઓપન ઑફર 
મુંબઈ ખાતેની જ્વેલરી કંપની ઝૉડિઍક જેઆરડી-એમકેજી ઉપલી સર્કિટના સિલસિલામાં ૫ ટકા વધી ૬૮ની ઉપર બંધ થઈ છે, જે મે ૨૦૧૮ પછીની ટૉપ છે. ચાલુ મહિને ૫ સપ્ટેમ્બરે ભાવ ૩૨ની નીચે બંધ હતો. કંપનીમાં તેજીનું કારણ ટેકઓવર છે. કેમિકલ કંપની ડીસીડબ્લ્યુ લિ.ના પ્રમોટર મુદીત જૈન અને બ્લુરોક તરફથી ઝૉડિઍકમાં ૪૧.૯ ટકા હિસ્સો ધરાવતા પ્રમોટર ઝવેરી પરિવાર પાસેથી શૅરદીઠ ૩૩ના ભાવે ૨૭.૩ ટકા હોલ્ડિંગ હસ્તગત કરવામાં આવ્યું છે એના પગલે ૩૩ના ભાવે ઓપન ઑફર લાવવાની જાહેરાત છે. મઝાની વાત એ છે કે કંપનીના શૅરની બુકવૅલ્યુ ૧૩૩ની છે. એની સામે ૩૩નો ભાવ કંઈ ન કહેવાય. પ્રમોટર ઝવેરી ફૅમિલીએ શું જોઈને તેમનું ૨૭.૩ ટકા હોલ્ડિંગ ૩૩ના ભાવે વેચ્યું એ એક સવાલ છે. ૧૩૩નો શૅર પ્રમોટરોએ ૩૩ના ભાવે શા માટે વેચ્યો? ખરેખર સોદો આ ભાવે જ થયો છે કે પછી પડદા પાછળ કંઈક બીજું રંધાયું છે? કંપનીમાં બે વિદેશી કંપની ૨૮.૯ ટકા હિસ્સો ધરાવે છે. ૧.૭ ટકા માલ કૉર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી પાસે પરોક્ષ રીતે પડેલો છે. ઓપન ઑફર મિડ નવેમ્બરમાં આવવાની ધારણા છે. આવો જ એક કિસ્સો સુરતની ક્લાસિક ફિલામેન્ટ્સનો છે, જેમાં ૧૦ના શૅરદીઠ લગભગ સાડાછ રૂપિયા (ચોક્કસ કહીએ તો ૬.૬૦ રૂપિયા)ના ભાવે ઓપન ઑફર નવેમ્બરના પ્રારંભે આવવાની છે અને શૅરનો ભાવ હાલમાં લગભગ ૫૨ રૂપિયાનો છે. અહીં ૫ જાન્યુ. ૨૦૨૩ના રોજ સવાછની આસપાસની બૉટમ બની હતી. 

રામકો સિસ્ટમ્સમાં ૧૪ ટકાનો ઉછાળો, ટીસીએસ વર્ષની ટોચે જઈને ફ્લૅટ
ગઈ કાલે સરકારનું ૯૯ ટકા હોલ્ડિંગ ધરાવતી કેઆઇઓસીએલ લિમિટેડ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૧૪ ઉપરની ટોચે બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. આઇઓબી ૧૭.૯ ટકા તથા યુકો બૅન્ક ૧૫ ટકાના જમ્પમાં નવી ઊંચી સપાટીએ ગયા છે. સેન્ટ્રલ બૅન્ક પણ ૧૦ ટકાના ઉછાળે નવા શિખરે બંધ રહી છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સાડાછ ટકા, કર્ણાટકા બૅન્ક સવાપાંચ ટકા, આઇડીબીઆઇ બૅન્ક સવાચાર ટકા મજબૂત હતા. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૧૨ ગણા વૉલ્યુમે નવ ટકા કે ૨૨૪ની તેજીમાં ૨૬૯૨ વટાવી ગયો છે. ડીબી રિયલ્ટી તેજીની આગેકૂચમાં સવાપાંચ ટકા ઊછળી ૧૭૨ નજીક નવી ટોચે પહોંચી છે. બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, પીએનબી, ઇન્ડિયન બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક ત્રણથી ચાર ટકાના જમ્પમાં નવા બેસ્ટ લેવલે બંધ થઈ છે. 
રેમન્ડ સવાપાંચ ટકા કે ૧૦૫ના ગાબડામાં ૧૯૦૦ થયો છે. વોડાફોન સાતેક ટકા કટ થઈ ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. બ્લુડાર્ટ ત્રણ ટકા કે ૨૦૮ રૂપિયા ડૂલ થયો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ખાતે પેનેસિયા બાયો ૧૧ ટકાના ઉછાળે ૧૬૫ બંધ આપી ઝળક્યો હતો. આઇટીમાં ૫૬માંથી ૪૨ શૅર માઇનસ હતા, પરંતુ રામકો સિસ્ટમ્સ ૧૪ ટકાની તેજીમાં ૩૧૩ વટાવી ગયો છે. ઇન્ફીના પરિણામ ૧૨ ઑક્ટોબરે નક્કી થયા છે. શૅર ૧.૪ ટકા ગગડી ૧૪૯૧ હતો. ટીસીએસ ૩૬૧૯ની વર્ષની ટોચે જઈ નહીંવતત સુધારે ૩૬૦૫ રહ્યો છે. ઑટોમાં બજાજ ઑટો, તાતા મોટર્સ, હીરો મોટોકૉર્પ, ટીવીએસ મોટર્સ અને મહિન્દ્ર એકાદ ટકાથી લઈ અઢી ટકા વધ્યા હતા. મારુતિ ૧૦,૫૨૨ના આગલા લેવલે લગભગ ફ્લૅટ હતો. રિયલ્ટી ઇન્ડેક્સના દસેદસ શૅર ડાઉન હતા.

19 September, 2023 11:01 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK