Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > હેવીવેઇ‍ટ્સના જોરમાં સેન્સેક્સ તથા નિફ્ટીની નવા શિખર સાથે આગેકૂચ

હેવીવેઇ‍ટ્સના જોરમાં સેન્સેક્સ તથા નિફ્ટીની નવા શિખર સાથે આગેકૂચ

Published : 30 August, 2024 08:40 AM | IST | Mumbai
Anil Patel

માર્કેટબ્રેડ્થ ખાસ્સી નેગેટિવ, બજારનું માર્કેટકૅપ ૪૭૦૦૦ કરોડ ડાઉન

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


નિફ્ટી સળંગ ૧૧મા દિવસે વધ્યો, ૧૭ વર્ષ અર્થાત્ ૩ ઑક્ટોબર ૨૦૦૭ પછીની પ્રથમ ઘટના : માર્કેટબ્રેડ્થ ખાસ્સી નેગેટિવ, બજારનું માર્કેટકૅપ ૪૭૦૦૦ કરોડ ડાઉન : બજાર બંધ થવાના છેલ્લા કલાક દરમ્યાન નોંધપાત્ર ઊથલપાથલ: છેલ્લા કલાકના ખેલમાં તાતા મોટર્સ જબરી ડિમાન્ડમાં : પ્રોક્ટર ગૅમ્બલમાં નફો ઘટતાં શૅરદીઠ ૯૫ રૂપિયાનું ડિવિડન્ડ બેકાર ગયું : બ્લૉક ડીલમાં વેલસ્પન લિ‌વિંગ નવી ટોચે જઈ ગગડ્યો : SME સેગમેન્ટમાં આજે રૅપિડ મલ્ટિ મૉડલનું લિસ્ટિંગ

મૂડીઝ તરફથી ૨૦૨૪ માટે ભારતનો જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૮ ટકાથી અપવર્ડ કરી ૭.૨ ટકા તથા ૨૦૨૫ માટે ૬.૪ ટકાથી વધારી ૬.૬ ટકા થયો છે. રિલાયન્સે શૅરદીઠ એકનું અણધાર્યું બોનસ જાહેર કરી દીધું છે. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ ૭૦૦૦ કરોડનો ઇશ્યુ લાવવાની તૈયારીમાં છે. સરવાળે નહીંવત્ સુધારામાં ખૂલેલું બજાર ગુરુવારે નવાં શિખર હાંસલ કરવામાં સફળ થયું છે. સેન્સેક્સ ૩૭ પૉઇન્ટના સુધારે ૮૧૮૨૨ ખૂલી ૩૪૯ પૉઇન્ટ વધી ૮૨૧૩૫ની ટોચે તો નિફ્ટી સળંગ ૧૧મા દિવસની આગેકૂચમાં ૧૦૦ પૉઇન્ટ વધીને ૨૫૧૫૨ના શિખરે બંધ થયો છે. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ ૮૨૨૮૬ની વિક્રમી સપાટીએ તથા નિફ્ટી ૨૫૧૯૩ની નવી સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. દિવસનો મોટો ભાગ પૉઝિટિવ ઝોનમાં રહેલું બજાર છેલ્લા કલાક દરમ્યાન પ્રમાણમાં મોટી ઊથલપાથલમાં જોવા મળ્યું હતું, જેમાં શૅરઆંક ૮૨૧૬૮થી એકાએક તૂટી નીચામાં ૮૧૭૪૦ થઈ ગયો હતો અને ત્યાંથી શાર્પ બાઉન્સબૅકમાં ૮૨૨૮૬ નજીક દેખાયો હતો. આ સમગ્ર ખેલ અઢીથી ત્રણની વચ્ચે માંડ અડધા કલાકમાં જોવા મળ્યો હતો. બજારની ગઈ કાલની મજબૂતી ફ્રન્ટલાઇન ચલણી શૅર પૂરતી સીમિત હતી. રોકડું નબળું હતું એટલે માર્કેટ બ્રેડ્થ નોંધપાત્ર રીતે ખરાબ રહી છે. NSEમાં વધેલા ૭૨૪ શૅરની સામે બમણાથી વધુ ૧૬૨૪ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૪૭૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૪૬૨.૫૬ લાખ કરોડ નોંધાયું છે. બન્ને બજારનાં સેક્ટોરલ મિશ્ર વલણમાં બહુધા સામાન્ય વધ-ઘટમાં હતાં. સેન્સેક્સ નિફ્ટીના ૦.૪ ટકાના સુધારા સામે ઑઇલ અને ગૅસ બેન્ચમાર્ક ૦.૯ ટકા, એનજી ઇન્ડેક્સ ૦.૯ ટકા નજીક, FMCG ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ, નિફ્ટી ઑટો અને નિફ્ટી આઇટી ઇન્ડેક્સ અડધા ટકા નજીક પ્લસ હતા. સામે કૅપિટલ ગુડ્સ ૦.૯ ટકા, નિફ્ટી મેટલ અને નિફ્ટી ફાર્મા અડધો ટકો, પાવર બેન્ચમાર્ક પોણો ટકો, યુટિલિટીઝ અડધો ટકો કટ થયા છે. સિંગાપોરના સાધારણ તથા હૉન્ગકૉન્ગના અડધા ટકાના સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર નરમ રહ્યાં છે. સાઉથ કોરિયા એક ટકો, તાઇવાન પોણો ટકો, ચાઇના-થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા અડધો ટકો માઇનસ હતા. યુરોપ રનિંગમાં લગભગ અડધો-પોણો ટકો અપ હતું. 



એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં હવે રિલાયન્સનું રાજ ચાલશે


CCI તરફથી રિલાયન્સની મીડિયા કંપની વાયકૉમ૧૮ તથા વૉલ્ટ ડિઝની ઇન્ડિયન સબસિડિયરી ડિઝની ઇન્ડિયા વચ્ચેના મર્જરની યોજનાને લીલી ઝંડી મળી ગઈ છે. હવે NCLTની મંજૂરી મળી જાય તો આખી યોજના અમલમાં આવશે. આશરે સાડાઆઠ અબજ ડૉલર અર્થાત્ ૭૧૫૦૦ કરોડના ડીલને આવરી લેતું આ મર્જર અસ્તિત્વમાં આવતાં એન્ટરટેઇનમેન્ટ કે મનોરંજનની દુનિયામાં મુકેશ અંબાણીનું રાજ ચાલશે. ૧૨૦ ટીવી-ચૅનલ તથા બે સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ સાથે સાકાર થવાની નવી કંપનીમાં રિલાયન્સ ૧૬.૩ ટકા, વાયકૉમ૧૮ ૪૬.૮ ટકા તથા ડિઝની ૩૬.૮ ટકા હિસ્સો ધરાવશે. આ અહેવાલ પાછળ ગઈ કાલે રિલાયન્સના મીડિયા શૅરમાં નેટવર્ક૧૮ સાડાત્રણ ટકા, ટીવી૧૮ પોણાઆઠ ટકા, ડેન નેટવર્ક સવા ટકો, હેથવે કેબલ સામાન્ય વધ્યા છે.

ગઈ કાલે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરના ઘટાડામાં ૦.૩ ટકા નરમ હતો. ઝી એન્ટરપ્રાઇઝ ૨.૧ ટકા, ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ સવા ટકો, નઝારા ટેક્નો અડધો ટકો, સનટીવી અડધો ટકો, સારેગામા સાધારણ નરમ હતા. સાઇડ શૅરમાં સિનેવિસ્ટા ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં સવાઓગણીસ વટાવી ત્યાં જ બંધ હતો.


રિલાયન્સ ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા સામાન્ય નરમ, આલોક ઇન્ડસ્ટ્રીઝ અડધો ટકો પ્લસ, સ્ટર્લિંગ વિલ્સન દોઢ ટકો માઇનસ, લોટસ ચૉકલેટ ચોથી નીચલી સર્કિટમાં પાંચ ટકા ડાઉન, જિયો ફાઇનૅન્સ સર્વિસિસ એક ટકો વધીને બંધ હતા. મુકેશ અંબાણીના પરમ સખા આનંદ જૈનની જયકૉર્પ ૩૯૨ના લેવલે ફ્લૅટ રહી છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોણો ટકો, રિલાયન્સ પાવર સવાબે ટકા અને રિલાયન્સ હોમ પાંચ ટકા ગગડી છે.

ગંગવાલે રાબેતા મુજબ ઇન્ડિગોની ઉડાન બગાડી

ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન બુધવારે ૪૯૪૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૪૮૫૯ બંધ થયો અને વળતા દિવસે એક્સ-ફાઉન્ડર ગંગવાલ દ્વારા મલ્ટિપલ બ્લૉકડીલમાં માલ વેચી ૧૧૦૦૦ કરોડની રોકડી કરવામાં આવતાં ભાવ નીચામાં ૪૭૧૪ થઈ બે ટકા ઘટી ૪૭૫૯ બંધ થયો છે. આ કાઉન્ટરમાં બ્રોકરેજ હાઉસ તરફથી બુલિશ વ્ય‌ુ જારી થાય, શૅરના ભાવ વધી નવી ટોચે પહોંચે કે તરત ગંગવાલ રોકડી કરે એ ઘટનાક્રમ લગભગ નિયમ બની ગયો છે. સવાલ એ છે કે ગંગવાલ પાસે માલ પતી જશે પછી આ શૅરનું શું થશે? પૉલિસી બાઝારમાં ટેન્સેન્ટ કલાઉટ તરથી બે ટકા હોલ્ડિંગ બ્લૉકડીલ મારફત વેચવામાં આવ્યું છે. શૅર ઉપરમાં ૧૭૯૭ નજીક જઈ નીચામાં ૧૭૧૯ થઈ પોણો ટકો ઘટીને ૧૭૨૫ બંધ આવ્યો છે.

પ્રોક્ટર એન્ડ ગૅમ્બલ હાઇજીને ૪૪ ટકા જેવા ઘટાડે ૩૧ કરોડનો ત્રિમાસિક નફો બતાવી નબળાં પરિણામ જાહેર કર્યાં છે. એનું હિસાબી વર્ષ જૂનમાં પૂરું થાય છે એટલે શૅરદીઠ ૯૫નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. શૅર નીચામાં ૧૬૩૪૨ થઈ ૨.૪ ટકા કે ૩૯૯ રૂપિયા ઘટી ૧૬૫૮૨ બંધ થયો છે. ફેસવૅલ્યુ ૧૦ની છે. બ્રોકરેજ ફર્મ યુબીએસ દ્વારા પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશનમાં ૬૭૦ અને આરઈસીમાં ૭૨૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ આવી છે. પાવર ફાઇનૅન્સ ૨.૯ ટકા વધી ૫૫૪ તથા આરઈસી સવા ટકો વધી ૬૨૬ બંધ હતી. સરકારી કંપની NBCC ઇન્ડિયાએ કમર્શિયલ સ્પેસ વેચી ૨૨૫૧ કરોડની રોકડી કરતાં શૅર પ્રારંભિક ઉછાળે ૨૦૬ નજીક જઈ નીચામાં ૧૯૩ થઈ અડધો ટકો ઘટી ૧૯૫ રહ્યો છે. બોનસ માટે ૩૧મીએ બોર્ડ મીટિંગ છે. વેલસ્પન લિવિંગ ૨૧ લાખ શૅરની બ્લૉકડીલમાં તગડા વૉલ્યુમે ૨૧૩ની ટોચે જઈ ૫.૪ ટકા ગગડી ૧૯૬ બંધ થયો છે. સોનાટા સૉફ્ટવેરને અમેરિકન હેલ્થ કંપની તરફથી મોટો ઑર્ડર મળતાં શૅર પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૬૭૭ બતાવી ૫.૨ ટકા ઊંચકાઈ ૬૫૮ બંધ આવ્યો છે.

રિલાયન્સનું ૭ વર્ષ બાદ પાંચમું બોનસ, ભાવ ૩૫૦૦ થશે?

રિલાયન્સની ૪૭મી AGMમાં શૅરદીઠ એક બોનસની જાહેરાત કરી મુકેશ અંબાણીએ શૅરધારકોને ખુશ કરી દીધા છે. બોનસ માટે બોર્ડ મીટિંગ પાંચમી સપ્ટેમ્બરે મળશે. કંપનીનું આ પાંચમું બોનસ છે. છેલ્લે જુલાઈ ૨૦૧૭માં શૅરદીઠ એક બોનસ જાહેર થયું હતું. બોનસની જાહેરાત સાથે શૅર ગઈ કાલે ૨૯૮૮ના ઇન્ટ્ર-ડે બૉટમથી ઊંચકાઈ ૩૦૭૫ થઈ દોઢ ટકો વધીને ૩૦૪૧ બંધ થયો છે. વૉલ્યુમ અઢી ગણું હતું. રિલાયન્સ થકી સેન્સેક્સને ૧૩૩ પૉઇન્ટનો તથા રોકાણકારોને ૩૦૫૧૪ કરોડ રૂપિયાનો લાભ ગુરુવારે થયો છે. કંપનીની હાલની ઇક્વિટી ૬૭૬૬ કરોડ રૂપિયાની છે. સામે રિઝર્વ ૫૦૮૩૩૦ કરોડ રૂપિયા છે. દેવું ૧૬૧૦૫૯ કરોડનું છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૦.૩ ટકા છે. કુલ શૅરધારકોની સંખ્યા ૩૪૯૩૧૨૫ની છે. એલઆઇસી પાસે સવાછ ટકા તો SBI મ્યુચ્યુઅલ ફન્ડ પાસે લગભગ અઢી ટકા માલ છે. FIIનું હોલ્ડિંગ ૨૦.૮ ટકા છે. ૩૩૭૧૬૫૪ જેટલા નાના ઇન્વેસ્ટર્સ પાસે ૭.૪ ટકા હોલ્ડિંગ છે. મુકેશ અંબાણીએ અણધાર્યા બોનસની જાહેરાત કરી છે એ જોતાં રિલાયન્સ એના ટેલિકૉમ અને રીટેલ બિઝનેસનો ચિરપ્રતિક્ષિત આઇપીઓ લઈ મૂડીબજારમાં ટૂંકમાં પ્રવેશ કરે તો નવાઈ નહીં. જાણકારો વધ-ઘટે શૅર ૩૫૦૦ થવાની વાત લાવ્યા છે.

રિસોર્સફુલ ઑટોમાં ભાવોભાવ લિસ્ટિંગ, ઑપરેટરોએ રમત બદલી

તાતા મોટર્સ સવાચાર ટકાના જમ્પમાં ૧૧૨૦ નજીક બંધ આપી બન્ને બજારમાં વૉલ્યુમ સાથે બેસ્ટ ગેઇનર હતો. અઢી વાગ્યા સુધી આ શૅર ૧૦૭૧-૭૨ આસપાસ હતો એ છેલ્લા કલાકમાં સડસડાટ શા માટે વધી ગયો એની કોઈને ખબર નથી. આ શૅરની તેજી બજારને ૬૯ પૉઇન્ટ ફળી હતી. આઇટીસી દોઢ ટકો વધી ૫૦૫ના બંધમાં ૬૩ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સનો ૭૦૦૦ કરોડનો ઇશ્યુ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહના અંતે આવવાની વાત છે. આ કંપની બજાજ ફાઇનૅન્સની ૧૦૦ ટકા માલિકીની હોવાથી એને ઑફર ફૉર સેલ પેટે ૩૦૦૦ કરોડ રૂપિયા ઇશ્યુમાંથી મળશે. જ્યારે બજાજ ફાઇનૅન્સમાં પ્રમોટર તરીકે બજાજ ફિનસર્વ ૫૧.૩ ટકા હો‌લ્ડિંગ ધરાવે છે. ઇશ્યુમાં આ બન્ને કપંનીઓના શૅરધારકો માટે રિઝર્વ ક્વોટા રહેવાનો છે એથી આ બન્ને શૅર ગઈ કાલે અઢી ટકા નજીક આગળ વધ્યા છે. HCL ટેક્નૉ પોણાબે ટકા વધી ૧૭૪૮ના શિખરે બંધ હતો. ભારત પેટ્રો ૨.૪ ટકા, બ્રિટાનિયા સવાબે ટકા, અપોલો હૉસ્પિટલ્સ સવા ટકા નજીક, હીરો મોટોકૉર્પ ૧.૨ ટકા મજબૂત હતો. બજાજ ઑટો ૧૦૮૩૮ની વિક્રમી સપાટી બનાવી ૧.૭ ટકા વધી ૧૦૮૩૧ બંધ થતાં એનું માર્કેટકૅપ ૩.૦૨ લાખ કરોડને વટાવી ગયું છે. ટેક મહિન્દ્ર ૧.૪ ટકા વધીને ૧૬૫૦ના શિખરે બંધ રહી છે. ગ્રાસિમ દોઢ ટકો, મહિન્દ્ર સવા ટકાથી વધુ, JSW સ્ટીલ એક ટકો, સન ફાર્મા અને કોટક બૅન્ક પોણો ટકો નરમ હતા. ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો ઘટ્યો છે.

એ-ગ્રુપ ખાતે આરતી ફાર્માલૅબ્સ, જીએસપીએલ, વ્હર્લપૂલ, કૉન્કૉર્ડ બાયો, ગૉડફ્રે ફિલિપ્સ, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ પાંચથી સવાસાત ટકા ઝળક્યા હતા; સામે એડલવાઇસ, બૉમ્બે ડાઇંગ, ઈપીએલ, ઇલેક્ટ્રૉનિક્સ માર્ટ, કામા હોલ્ડિંગ્સ, ડેટા મેટિક્સ, ઝેન્ટેક ચારથી પાંચ ટકા બગડ્યા છે. તાતા ઍલેક્સી ૩૦૩ રૂપિયા કે સાડાત્રણ ટકા ગગડી ૭૯૨૯ હતો. રેમન્ડમાંથી ડી-મર્જ થયેલી રેમન્ડ લાઇફ સ્ટાઇલનું મર્જર આગામી સપ્તાહે અપેક્ષિત છે. રેમન્ડ દોઢ ટકો સુધરી ૧૯૮૮ હતો.

રિસોર્સફુલ ઑટો મોબાઇલ જે માત્ર ૮ કર્મચારી અને બે શોરૂમના સહારે યામાહાની બાઇક વેચવાનો ધંધો કરે છે એનો ૧૦ના શૅરદીઠ ૧૧૭ના ભાવનો ૧૧૯૯ લાખ રૂપિયાનો ઇશ્યુ ૪૧૯ ગણો છલકાઇ જતાં SME IPO સેગમેન્ટમાં વ્યાપક ગેરરીતિ અને ભાવો ઉછાળવાના ખેલ બેલગામ ચાલી રહ્યા હોવાની શંકા મજબૂત બની હતી. કંપની બધાની નજરમાં આવી ગઈ હતી. આથી ગ્રે માર્કેટમાં ૧૦૫ના પ્રીમિયમ છતાં આ શૅર ગઈ કાલે ભાવોભાવ ૧૧૭ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૨૩ નજીક બંધ થતાં માત્ર પાંચ ટકાનું રિટર્ન મળ્યું છે. ઑપરેટરોએ રમત બદલી લાગે છે. શૅર ભાવોભાવ લિસ્ટેડ કરવા પછીથી ઉપલી સર્કિટની હારમાળામાં ભાવ ખેંચવાનું નક્કી કર્યું લાગે છે.

માંડ સવાબે ટકા માર્જિન કમાતી બાઝાર સ્ટાઇલ આજે મૂડીબજારમાં

મેઇન બોર્ડમાં કલકત્તાની બાઝાર સ્ટાઇલ રીટેલ પાંચના શૅરદીઠ ૩૮૯ની અપર બૅન્ડ સાથે આશરે કુલ ૮૩૫ કરોડનો ઇશ્યુ શુક્રવારે કરવાની છે જેમાં ઑફર ફૉર સેલ લગભગ ૬૮૭ કરોડનું છે. રેખા ઝુનઝુનવાલા કંપનીમાં ૭.૭ ટકા કે ૫૪.૪૬ લાખ શૅર ધરાવે છે એ અડધો, ૨૭.૨૩ લાખ શૅર OFSમાં વેચી ૧૦૬ કરોડ રૂપિયા ઘરભેગા કરશે. ૧૧ વર્ષ જૂની આ કંપની મુખ્યત્વે પશ્ચિમ બંગાળ અને ઓડિશા ખાતે ફૅશન રીટેલિંગ બિઝનેસમાં છે. સ્ત્રી, પુરુષ, બાળકોનાં કપડાં ઉપરાંત હોમ ફર્નિશિંગ પ્રોડક્ટ્સ અને જનરલ મર્ચન્ડાઇઝ પ્રોડક્ટસ પણ વેચે છે. ૯ રાજ્યમાં કંપનીના ૧૬૨ સ્ટોર કાર્યરત છે. કંપનીએ ગયા વર્ષે ૯૮૩ કરોડની આવક પર બાવીસ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. માંડ સવાબે ટકાનુંય માર્જિન થતું નથી. મારા ગામડાનો પાનવાળો અને કરિયાણાવાળો વર્ષેદહાડે આનાથી ૪-પ ગણું માર્જિન સહેલાઈથી કમાઈ લે છે. કંપનીના માથે ૧૭૮ કરોડનું દેવું છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ ઈપીએસ ૧.૬૧ની છે. ગયા વર્ષની કમાણીના આધારે ઇશ્યુ પ્રાઇસ ૧૩૨થી વધુનો પી/ઈ બતાવે છે. આવી વાહિયાત કંપનીના ઇશ્યુમાંય હાલ ગ્રે માર્કેટમાં ૧૩૦નું પ્રીમિયમ બોલાય છે. પ્રીમિયર એનર્જીઝનો એકના શૅરદીઠ ૪૫૦ના મારફાડ ભાવનો ૨૮૩૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે કુલ ૭૪.૯ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૪૦૭ જેવું છે. ઇકોસ મોબિલિટીનો બેના શૅરદીઠ ૩૩૪ની અપર બૅન્ડવાળો ૬૦૧ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૯.૬ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૬૦નું છે. SME સેગમેન્ટમાં ટ્રાવેલ્સ ઍન્ડ રેન્ટલ્સનો ૪૦ના ભાવનો ૧૨૨૪ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે ૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૪નું છે. શૅરદીઠ ૧૨૫ની ઇશ્યુ પ્રાઇસવાળી અમદાવાદી એરોન કમ્પોઝિટનો ૫૬૧૦ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે પાંચ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ નથી. ઇન્ડિયન ફૉસ્ફેટનો શૅરદીઠ ૯૯ના ભાવનો ૬૭૩૬નો ઇશ્યુ ૨૬૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટીને ૧૦૦ બોલાય છે. વીડીલ ૬૯ ગણા અને જેબી લેમિનેશન્સ ૧૧૨ ગણા પ્રતિસાદ સાથે પૂરા થયા છે. પ્રીમિયમ અનુક્રમે ૨૫ તથા ૯૦ના છે. પૅરામેટ્રિક્સના ભરણાને ૩.૮ ગણો પ્રતિસાદ મળ્યો છે. ઇશ્યુ આજે બંધ થશે. પ્રીમિયમ નથી.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2024 08:40 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK