સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સ બાબતમાં સેબીએ ફન્ડ્સ-ઉદ્યોગને આપેલી સૂચનાનો અર્થ સમજવામાં દરેક રોકાણકાર માટે સાર રહેશે
પ્રતીકાત્મક તસવીર
સ્મૉલકૅપ અને મિડકૅપ સ્ટૉક્સથી સાવચેત રહો, એમાં જોખમની માત્રા વધુ હોય છે. અરે દોસ્તો, આવું માત્ર અમે નથી કહેતા, નિયમનતંત્ર સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) પણ કહે છે. તાજેતરમાં જ સેબીએ તમામ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓને તેમની મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓમાં સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સનું એક્સપોઝર કેટલું અને કેવું છે એ વિશે રોકાણકારો-યુનિટધારકોને માહિતગાર કરવાનો આદેશ આપ્યો હતો, જેને પગલે શરૂમાં તો થોડું પૅનિક પણ થયું હતું. એ આદેશને કારણે તો સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સ તૂટ્યા પણ હતા.
આમ સેબીએ શા માટે કહ્યું?
વાસ્તવમાં વર્તમાન તેજીમાં લોકો તો આડેધડ રોકાણ કરી રહ્યા છે, એમાં વળી લેભાગુઓ, કથિત નિષ્ણાતો, ઍનલિસ્ટો, ઇન્ફ્લ્યુન્સર્સ વગેરે પણ તેમનાં સ્થાપિત હિતો માટે ધંધે લાગી ગયાં છે, જે બીજાઓને ખોટે ધંધે લગાડી દેતા હોય છે. ટિપ્સ ફેલાવવા ઉપરાંત આ લેભાગુઓ ખોટા સમાચારો પણ ફેલાવે છે. કેટલાક સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સ સાથે ભાવોનાં ચેડાં પણ કરાવે છે. નાના-નવા રોકાણકારોને આકર્ષવા-લલચાવવા આ ટેક્નિક અસરકારક રહે છે. ભાવ ઊંચા ખેંચાવો, મલ્ટિબેગર્સ (મલ્ટિબેગર્સ એટલે જે સ્ટૉક્સના ભાવમાં અનેકગણો ઉછાળો-કમાણી)ની વાતો ફેલાવો, પ્રિન્ટ યા ઇલેક્ટ્રૉનિક મીડિયા અને સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરો. અમુક કિસ્સાઓમાં તો કેટલીક કંપનીઓના લેભાગુ પ્રમોટર્સ પણ સ્થાપિત હિત ખાતર એમાં સક્રિય બની જાય છે, તેમના શૅરોની વૅલ્યુ તો માર્કેટની ગેમમાં ઊંચે જતી હોવાથી પ્રમોટર્સને તો ઘેર બેઠાં ગંગા નહાયા જેવો લાભ થાય છે.
ADVERTISEMENT
છેલ્લા એકાદ વરસમાં સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સના ભાવ જે પ્રમાણે ઊંચા ગયા છે એમાં જે મલ્ટિપલ વધારો થયો છે એ આંખે ઊડીને વળગે એવો છે. આપણે અગાઉ પણ વાત કરી જ છે કે તેજી સતત ચાલે છે ત્યારે ઘોડા ભેગા ગધેડા પણ દોડે જ છે, પરિણામે નાના રોકાણકારોના ગેરમાર્ગે દોરાવાના સ્કોપ વધતા જાય છે. હાલ આવી યોજનાઓના પોર્ટફોલિયની સંખ્યા નોંધપાત્ર વધી છે, જે તેમની પાત્રતા કરતાં વધુ હોવાનું કહેવામાં ખોટું નથી.
જોખમ વધુ એથી સાવચેતી પણ વધુ
હવે એ સમજીએ કે સેબીએ ઍસેટ મૅનેજમેન્ટ કંપની (એએમસી)ઓને જે કહ્યું એનો અર્થ શું થાય? સેબીના આદેશ મુજબ હવે પછી નિયમિતપણ ફન્ડ્સે તેમની સ્મૉલ–મિડકૅપ સ્કીમ્સની સ્ટ્રેસ-ટેસ્ટ જાહેર કરવી પડશે, સ્ટ્રેસ-ટેસ્ટમાં સ્કીમની જોખમની માત્રાનો સંકેત મળે છે. સેબીની સૂચનાને પગલે એસો. ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયા (એમ્ફી)એ પણ તમામ એએમસીને આનું પાલન કરવા જણાવ્યું છે, સેબીના મતે સ્મૉલ-મિડકૅપ મામલે જોખમનું પ્રમાણ વધુ હોય છે એટલે વધુ સાવચેતી પણ આવશ્યક બને છે, ખાસ કરીને છેલ્લા અમુક સમયમાં જે રીતે આ સ્ટૉક્સના ભાવ વધ્યા છે એ સંદેહ જગાવે છે. આ સ્ટૉક્સમાં થતી ઊથલપાથલ પણ શંકાને જન્મ આપે છે. કંપનીઓના ફન્ડામેન્ટલ્સ કરતાં પણ એના ભાવ વધુપડતા ઊંચે જાય ત્યારે કોઈને પણ આશ્ચર્ય થવું સહજ છે. અલબત્ત, નાના-નવા-સીધા-સાદા રોકાણકારોને આમ નહીં
થાય, કેમ કે તેમને એટલી સમજ નથી અથવા તેઓ તણાઈ રહ્યા છે કે પછી લાલસાનો ભોગ બની રહ્યા છે, પરંતુ નિયમન સંસ્થા તો આ સમજે જ છે અને જો એ સમજ બાદ નિયમન સંસ્થા સાવચેતી રાખવાનો સૂર ન આપે તો એ એના પક્ષે ગફલત અને ગુનો પણ ગણાય.
ફન્ડ્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સામે ચાલીને આમ નહીં કરે અથવા ભારપૂર્વક નહીં કરે. સ્માર્ટ અને નૈતિકતા સાથે સ્કીમ ચલાવતા ફન્ડ્સ સાવચેત રહેશે અને રોકાણકારોને નુકસાન થાય એવા નિર્ણયોથી દૂર રહેશે, પરંતુ મોટા ભાગના તો તકનો લાભ લઈ લેવામાં માનતા હોય છે. જોકે ફન્ડ્સ-ઉદ્યોગ આ વિષયમાં હવે રોકાણકારોનાં હિતોની રક્ષા માટે ચોક્કસ નીતિઓ ઘડી રહ્યું છે, જેમાં કઈ બાબતોનો સમાવેશ હશે એ હવે પછી જોઈશું.

