આશરે ૩૦૦ કરોડની ગરબડ : શૅરોના ભાવો સાથે રમત કરતા પ્રમોટર્સ
પ્રતીકાત્મક તસવીર
મૂડીબજારનું નિયમન કરતા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો પાડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ દરોડા મુંબઈ, અમદાવાદ અને ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં પડાયા છે. આમાં આશરે ૩૦૦ કરોડ રૂપિયાનું રૅકેટ બહાર આવ્યું છે. અમુક કંપનીઓના પ્રમોટર્સ ખુદ માર્કેટમાં નાણાં નાખતાં હતાં અને ઉપાડતાં હતાં જેને પમ્પ ઍન્ડ ડમ્પ સ્કીમ પણ કહેવાય છે જેને આધારે તેઓ પોતાની જ કંપનીના શૅરોના ભાવો સાથે રમત કરતા હતા.
આ દરોડામાં ૧૫થી ૨૦ શેલ કંપનીઓ અર્થાત્ બોગસ કે કાગળ પરની કંપનીઓને કવર કરાઈ છે. કેટલીક લિસ્ટેડ કંપનીઓના કેટલાક પ્રમોટર્સ દ્વારા પોતાના શૅરોના ભાવ સાથે ચેડાં કરવા અને એનો લાભ (ગેર) ઉઠાવવા આ પ્રવૃત્તિ કરી રહ્યા હતા. તેઓ એક નેટવર્ક બનાવી શૅરોના ભાવ સાથે મૅનિપ્યુલેશન કરતા હતા. આ દરોડામાં SEBIએ ઢગલાબંધ દસ્તાવેજો, રબર-સ્ટૅમ્પ વગેરે સામગ્રી જપ્ત કરી છે.

