Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડૉલર સામે રૂપિયાના રેલામાં બજાર ગબડીને ૮૫,૦૦૦ની અંદર ઊતર્યું

ડૉલર સામે રૂપિયાના રેલામાં બજાર ગબડીને ૮૫,૦૦૦ની અંદર ઊતર્યું

Published : 17 December, 2025 08:38 AM | Modified : 17 December, 2025 08:39 AM | IST | Mumbai
Anil Patel

એક ટ્રિલ્યન ડૉલરની ટ્રેડ-સરપ્લસ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ ચાઇના બન્યો : ડૉલર સામે રૂપિયો નિતનવા તળિયે, ૨૦૨૫ની વિદાય ૯૨ રૂપિયાના ડૉલરથી થવાની દહેશત : NDTV ૫૧૫ આઠ ટકા ખરડાઈ એ-ગ્રુપમાં એન્ટર અને એનો પાર્ટ પેઇડ ડબલ ડિજિટની તેજીમાં બંધ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


નવેમ્બરમાં દેશની નિકાસ ૨૩.૨ ટકાના સાડાત્રણ વર્ષના બેસ્ટ ગ્રોથ સાથે વધીને ૩૮૧૩ કરોડ ડૉલર થઈ હોવાના અહેવાલ છે. ટ્રમ્પના ટૅરિફના દંડા વચ્ચે પણ અમેરિકા ખાતે નિકાસ બાવીસ ટકા વધી એનાથી ઘણા પોરસાઈ રહ્યા છે. ગયા મહિને આપણી નિકાસ સવાત્રેવીસ ટકા અને અમેરિકા ખાતેની એક્સપોર્ટ્‍સ બાવીસ ટકા વધી છે ત્યારે ચાઇનાની નિકાસ આ ગાળામાં કેવળ ૫.૯ ટકા જ વધી છે. એમાંય અમેરિકા ખાતેની એની નિકાસ તો ૨૯ ટકા ગગડી છે. સરસ, પણ આટલું વાંચીને વિશ્વગુરુનો ડંકો વગાડવા મંડી ન પડતા, કેમ કે નવેમ્બરના અંતે, ચાલુ વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ચીનની વેપાર-પુરાંત (ટ્રેડ-સરપ્લસ) ૨૦૨૪ના ૯૯૩ અબજ ડૉલરથી વધીને ૧૦૮૦ અબજ ડૉલર થઈ ગઈ છે. ટ્રિલ્યન ડૉલરની ટ્રેડ-સરપ્લસ હાંસલ કરવાના મામલે ચીન વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આની તુલનામાં ભારતની નિકાસ એપ્રિલથી નવેમ્બરના આઠ મહિનામાં ૨૯૨ અબજ ડૉલર તથા આયાત ૫૧૫ અબજ ડૉલર થઈ છે. એટલે ટ્રેડ ડેફિસિટ ૨૨૩ અબજ ડૉલર વટાવી ગઈ છે. ક્યાં ૧૦૮૦ કરોડ અબજ ડૉલરની પુરાંત અને ક્યાં ૨૨૩ અબજ ડૉલરની ખાધ. હવે વગાડો ડંકો.

ડૉલર સામે રૂપિયો નવા વર્સ્ટ લેવલની હારમાળામાં ગઈ કાલે ૯૧.૧૪ના ઑલટાઇમ તળિયે પહોંચ્યો છે. લાગે છે કે કૅલેન્ડર ૨૦૨૫ની વિદાય ૯૨ રૂપિયાના ડૉલરથી થવાની છે. ડૉલર સામે માર ખાતો રૂપિયો આમ જ દયામણી હાલતમાં રહ્યો તો ૨૦૨૬માં શૅરબજારમાં બહુ સારા વળતરની આશા ધૂળધાણી થઈ જશે. એશિયન બજારો બહુધા મંગળવારે પણ માયૂસ રહ્યાં છે. ગઈ કાલે સાઉથ કોરિયા સવાબે ટકા, હૉન્ગકૉન્ગ અને જપાન દોઢ-દોઢ ટકો, તાઇવાન સવા ટકો, ચાઇના તથા થાઇલૅન્ડ એક ટકો ડાઉન હતું. યુરોપ રનિંગમાં નહીંવત્થી સાધારણ સુધારો દર્શાવતું હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૭૧,૯૨૩ નજીક નવી ઑલટાઇમ હાઈ બતાવી રનિંગમાં ૧૫૨ પૉઇન્ટ ઘટીને ૧,૭૦,૫૮૯ ચાલતું હતું. બિટકૉઇન નરમાઈમાં ૮૬,૩૫૦ ડૉલરની અંદર હતો. હાજર અને વાયદામાં સોનું અડધો ટકો તથા ચાંદી પોણો ટકો નરમ હતાં. બ્રેન્ટક્રૂડ એક ટકો ગગડી ૬૦ ડૉલરની અંદર આવી ગયું છે.



શૅરબજાર મંગળવારે મૂરઝાયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૮૮ પૉઇન્ટની નબળાઈમાં ૮૫,૦૨૫ ખૂલી છેવટે ૫૩૩ પૉઇન્ટ ખરડાઈ ૮૪,૬૮૦ અને નિફ્ટી ૧૬૭ પૉઇન્ટ બગડી ૨૫,૮૬૦ બંધ થયો છે. આરંભથી અંત સુધી માઇનસ રહેલા માર્કેટમાં શૅરઆંક ઉપરમાં ૮૫,૦૬૦ તથા નીચામાં ૮૪,૬૨૦ થયો હતો. નિફ્ટીમાં ૨૫,૮૩૪ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ હતી. NSEમાં વધેલા ૧૦૨૩ શૅર સામે ૨૦૯૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩.૧૬ લાખ કરોડ રૂપિયાના ઘટાડે ૪૬૭.૭૧ લાખ કરોડ રહ્યું છે. જૂજ અપવાદ સિવાય તમામ ઇન્ડાઇસિસ ડાઉન થયાં છે. સેન્સેક્સ નિફ્ટીના ૦.૬ ટકા જેવા ઘટાડા સામે રિયલ્ટી ૧.૪ ટકો, IT ૦.૯ ટકા, મેટલ ૦.૮ ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ સવા ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી–ઑઇલ-ગૅસ-ફાઇનૅન્સ-બેન્ક નિફ્ટી પોણા ટકા જેવા ડૂલ થયા છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૦.૭ ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અડધો ટકો સુધર્યો છે.


રેર પ્રાઇસ ઇન્વર્ઝનના કેસમાં હાલમાં ક્રૂડના મુકાબલે ચાંદીનો ભાવ વધી ગયો છે. ક્રૂડ ૬૦ ડૉલરની અંદર છે, સામે ચાંદી ૬૩ ડૉલરની ઉપર ચાલે છે. અગાઉ આવી ઘટના પ્રથમ ૧૯૮૦ના આરંભમાં બની હતી. ૨૦૨૨ના મધ્ય ભાગમાં ક્રૂડ ૯૫ ડૉલર અને ચાંદી ૨૦ ડૉલરે હતી. મોટે ભાગે ક્રૂડનો ભાવ ચાંદી કરતાં ૩થી ૫ ગણો વધુ રહેતો આવ્યો છે.

એ-વન લિમિટેડ બોનસ શૅર વિભાજનમાં સતત ત્રીજા દિવસે ઉપલી સર્કિટમાં


ઇન્દોરની સૉફ્ટવેર ડેવલપમેન્ટ અને ઑફ્ફશોર આઉટ સોર્સિંગ કંપની સિલ્ફ ટેક્નૉલૉજીઝ ૧૧ શૅરદીઠ પાંચ બોનસમાં આજે એક્સ બોનસ થશે. શૅરની ફેસવૅલ્યુ એક રૂપિયાની છે. ઇક્વિટી ૮૪૭૭ લાખ રૂપિયા છે. ૧૦૦ ટકા પબ્લિક હોલ્ડિંગ છે. ૩૫,૮૪૯ કુલ શૅર હોલ્ડર્સમાંથી ૩૫,૩૩૬ જેટલા નાના શૅરધારક પાસે જોકે માત્ર ૧૬.૯ ટકા માલ છે. શૅરદીઠ બુક વૅલ્યુ ફક્ત ૯૭ પૈસા છે છતાં ૧૧ શૅરદીઠ પાંચનું બોનસ આપી રહી છે. માત્ર BSEમાં લિસ્ટેડ છે. ભાવ ગઈ કાલે સવાસાત ટકા વધીને ૧.૦૪ બંધ થયો છે. ૧૦ ઑક્ટોબરે શૅર ૬૯ પૈસાના તળિયે હતો. ૨૭ જુલાઈએ વર્ષની ટૉપ ૧૪૦ પૈસા બની હતી. મુંબઈના પવઈ ખાતેની કૃષિવલ ફૂડ્સ ૩૦૧ શૅરદીઠ ૪૫ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૩૦૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં આજે એક્સ રાઇટ થશે. શૅર ગઈ કાલે ત્રણ ટકા વધીને ૪૯૩ બંધ થયો છે. ૨૩ ઑક્ટોબરે શૅર ૫૦૬ના બેસ્ટ લેવલે ગયો હતો. કંપનીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ  રાયપુરના નામે ૧૦.૯ ટકા હોલ્ડિંગ છે જે રસપ્રદ કહી શકાય. કંપનીએ ગયા વર્ષે ૧૭૩ કરોડની આવક ઉપર ૧૩૫૪ લાખ નફો કર્યો છે. હાલની ઇક્વિટી ૨૨૯૩ લાખની છે.

સરકારે એની ૮૨.૪ ટકા માલિકીની જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશનમાં ૧૦ ટકા માલ ડાઇવેસ્ટ કરવા રોડ-શો શરૂ કર્યો હોવાના અહેવાલ છે. શૅર ગઈ કાલે સવા ટકો ઘટીને ૩૭૮ બંધ થયો છે. ભાવ ૨૦૨૪ની ૨૦ ડિસેમ્બરે ૫૨૫ના શિખરે હતો. અમદાવાદી એ-વન લિમિટેડ જે અગાઉ એ-વન ઍસિડ ઍન્ડ કેમિકલ્સ તરીકે ઓળખાતી હતી એના દ્વારા એક શૅરદીઠ ૩ બોનસ તથા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજન માટે ૩૧ ડિસેમ્બરની રેકૉર્ડડેટ જાહેર થઈ છે. શૅર ગઈ કાલે પાંચ ટકા વધીને ૨૦૫૫ બંધ થયો છે. ૨૮ નવેમ્બરના રોજ શૅર ૨૮૧૬ વટાવીને સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. આ કંપની ૨૦૧૮ની ૨૫ સપ્ટેમ્બરે ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવથી ૧૮ કરોડનો BSE SME ઇશ્યુ લાવી હતી. ઓલા ઇલેક્ટ્રિક ૭.૭ ટકા તૂટી ૩૪.૫૦ હતી. વેદાન્તાના ડી-મર્જરને એનક્લેટ તરફથી લીલી ઝંડી મળતાં શૅર ૫૭૧ ઉપર નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૩ ગણા કામકાજમાં સાડાત્રણ ટકાની આગેકૂચમાં ૫૬૯ બંધ આવ્યો છે. 

ICICI પ્રુડેન્શિયલ AMCનો ઇશ્યુ ૪૦ ગણો છલકાયો, પ્રીમિયમ ૩૪૬ થઈ ગયું

પુણેની KSH ઇન્ટરનૅશનલનો પાંચના શૅરદીઠ ૩૮૪ની અપરબૅન્ડ સામે કુલ ૭૧૦ કરોડનો IPO ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૩૦ ટકા સહિત કુલ ૧૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. જ્યારે મેઇન બોર્ડ ખાતે હાઈ પ્રોફાઇલ ICICI-પ્રુડેન્શિયલ AMCનો એકના શૅરદીઠ ૨૧૬૫ના ભારેખમ ભાવનો ૧૦,૬૦૩ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં અઢી ગણા સહિત કુલ ૪૦ ગણો પ્રતિસાદ મેળવી ગઈ કાલે પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં ૨૯૨વાળું પ્રીમિયમ વધીને હાલ ૩૪૬ બોલાય છે.

SME સેગમેન્ટમાં કચ્છની નેપ્ચ્યુન લૉજિટેકનો ૧૦ના શૅરદીઠ ૧૨૬ના ભાવનો ૪૬૬૨ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ સવા ગણો ભરાયો છે. હાલ પ્રીમિયમ ઝીરો થઈ ગયું છે. આ ઉપરાંત ૩ SME ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે એમાં થાણેની અશ્વિની કન્ટેનર મૂવર્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૨ના ભાવનો ૭૧ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં સવાગણા સહિત કુલ બે ગણો, અમદાવાદી સ્ટેનબિક ઍગ્રોનો ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવનો ૧૨૨૮ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં પોણાબે ગણા સહિત કુલ દોઢ ગણો અને એ​ક્ઝિમ રાઉટ્સનો પાંચના શૅરદીઠ ૮૮ના ભાવનો ૪૩૭૩ લાખનો NSE SME IPO રીટેલમાં ૯.૭ ગણા સહિત કુલ ૧૫.૫ ગણો ભરાઈને પૂરો થયો છે. હાલ સ્ટેનબિકમાં ઝીરો, અશ્વિનીમાં ૩ રૂપિયા અને એક્ઝિમ રાઉટ્સમાં ૩નું પ્રીમિયમ છે.

આજે મેઇનબોર્ડમાં નેક્રોકૅર હેલ્થ સર્વિસ તથા પાર્ક મેડિવર્લ્ડનું લિસ્ટિંગ છે. નેફ્રોકૅરમાં ૪૧ રૂપિયા અને પાર્ક મેડિવર્લ્ડમાં પાંચ રૂપિયા પ્રીમિયમ છે. SME કંપની યુનિસેમ ઍગ્રિટેક અને શીપવેવ્સ ઑનલાઇન પણ આજે લિસ્ટિંગમાં જશે. પ્રીમિયમ ઝીરો છે. 

ટ્રૅક-રેકૉર્ડ આપવામાં સદંતર બેદરકાર બે કંપની આજે SME ઇશ્યુ લાવશે

આજે બે SME ભરણાં ખૂલવાનાં છે જેમાં હરિયાણાના ગુડગાંવની માર્ક ટેક્નોક્રેટ્સ ૧૦ના શૅરદીઠ ૯૩ની અપરબૅન્ડમાં કુલ ૪૨૫૯ લાખ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. એમાંથી ૮૪૬ લાખ OFS પેટે પ્રમોટર્સ ઘરભેગા કરશે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની ઇન્ફ્રાસ્ટ્રકચર કન્સલ્ટન્સી સર્વિસિસ ક્ષેત્રે કામ કરે છે. કંપનીની કામગીરીનો ટ્રેક-રેકૉર્ડ વિચિત્ર છે. ૨૦૨૪ની ૩૧ માર્ચે પૂરા થયેલા વર્ષે કંપનીએ ૩૧ ટકા વધારામાં ૨૬૯૪ લાખની આવક તથા ૩૦.૬ ટકા વધારામાં ૩૪૫ લાખ નેટ નફો કર્યો હતો. ત્યાર પછી ૨૦૨૪ની ૩૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા ૬ મહિનામાં જ કંપનીએ ૨૨૧૪ લાખની આવક તેમ જ ૩૭૮ લાખ નેટ નફો બતાવી દીધો છે. આજે ડિસેમ્બર ૨૦૨૫ ચાલે છે છતાં સપ્ટેમ્બર ૨૦૨૪ પછીની કામગીરી કંપની આપી શકી નથી. NSEવાળા પણ હવે કમાલની કંપનીઓ લાવી રહ્યા છે. આશિષબાબુ, ધ્યાન આપો જરા. બીજી કંપની મુંબઈના અંધેરી ઈસ્ટની ગ્લોબલ ઓશિયન લૉજિસ્ટિક્સ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૭૮ના ભાવથી ૩૦૪૧ લાખનો BSE SME IPO બુધવારે લાવી રહી છે જેમાં QIB પોર્શન ૫૦ ટકા છે. એટલે રીટેલ પોર્શન ૩૫ ટકા રહે છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની મલ્ટિ મોડલ લૉજિસ્ટિક્સ સૉલ્યુશન્સ સાથે ફ્રેઇટ ફૉર્વડિંગ સેગમેન્ટમાં કાર્યરત છે. કંપનીએ ગયા વર્ષે ૮૫ ટકા વધારામાં ૧૯૧ કરોડ પ્લસની આવક ઉપર ૧૫૯ ટકા વૃદ્ધિદરથી ૬૮૨ લાખ નેટ નફો બતાવી દીધો છે. ત્યાર પછી ચાલુ વર્ષના નવ માસ પૂરા થવામાં છે છતાં કંપની એક પણ ક્વૉર્ટરનો હિસાબ આપી શકી નથી. ગ્રેમાર્કેટમાં માર્ક ટેક્નોક્રેટ્સમાં ઝીરો તથા ગ્લોબલ ઓસિયનમાં પણ ઝીરો પ્રીમિયમ બોલાય છે.

માર્જિન રિકવરીના વસવસામાં ઍક્સિસ બૅન્ક પાંચ ટકા તૂટીને ટૉપ લૂઝર

સિટી ગ્રુપ તરફથી ઍક્સિસ બૅન્કમાં માર્જિનની રિકવરી ઢીલમાં પડવાની આશંકા વ્યક્ત થતાં શૅર ગઈ કાલે નીચામાં ૧૨૧૭ થઈ પાંચ ટકા ગગડી ૧૨૧૯ બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બનીને સેન્સેક્સને ૧૫૭ પૉઇન્ટ નડ્યો છે. એટર્નલ પાંચ મહિનાના મોટા એક દિવસીય કડાકામાં ૨૮૨ થઈને ૪.૭ ટકા ગગડીને ૨૮૪ થઈ છે. હરીફ સ્વિગી ૪ ટકા ખરડાઈને ૩૯૬ હતી. ઇન્ફીના પરિણામ ૧૪ જાન્યુઆરીના રોજ આવવાની જાહેરાત થઈ છે. શૅર એકાદ ટકો ઘટીને ૧૫૯૨ હતો. HCL ટેક્નો ૧.૯ ટકા, TCS પોણો ટકા, વિપ્રો એક ટકો તથા લાટિમ પોણો ટકો ઘટી છે.

રિલાયન્સ એકાદ ટકાની નરમાઈમાં ૧૫૪૨ તો જિયો ફાઇનૅન્સ દોઢ ટકા ડૂલ થઈને ૨૯૫ રહી છે. અન્યમાં JSW સ્ટીલ ૨.૯ ટકા, બજાજ ફિનસર્વ ૧.૯ ટકા, તાતા સ્ટીલ પોણાબે ટકા, અલ્ટ્રાટેક ૧.૭ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૪ ટકા, અદાણી એન્ટર દોઢ ટકા, ONGC ૧.૩ ટકા, હિન્દાલ્કો સવા ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૧ ટકા, મેક્સ હેલ્થકૅર ૧.૧ ટકા, HDFC લાઇફ ૧.૧ ટકા માઇનસ થઈ છે. 
ટાઇટન ૧.૬ ટકા વધીને ૩૯૨૭ બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બની છે. ભારતી ઍરટેલ ૧.૪ ટકા, મહિન્દ્ર અડધો ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૧ ટકા, બજાજ ઑટો પોણો ટકા સુધરી છે. અશોક લેલૅન્ડ ૧૬૯ નજીક નવું શિખર મેળવીને સાધારણ સુધારામાં ૧૬૭ વટાવી ગઈ છે. હિન્દુસ્તાન ઝિન્ક ૫૭૩ નજીક નવી ટૉપ દર્શાવી નહીંવત્ ઘટી ૫૬૭ હતી. કિર્લોસ્કર ઑઇલ એન્જિન નબળા બજારમાં ૧૮ ગણા વૉલ્યુમે ૧૨૬૨ના બેસ્ટ લેવલે જઈને ૧૦ ટકાથી વધુ કે ૧૧૫ના ઉછાળે ૧૨૫૨ બંધ આપીને એ-ગ્રુપમાં ઝળકી છે. નઝારા ટેક્નો ૭ ટકા તથા નિયોજેમ કેમિકલ્સ સવાપાંચ ટકા ઊંચકાઈ છે. પૉલિસી બાઝાર સાડાપાંચ ટકા કે ૧૦૬ રૂપિયા તૂટી ૧૮૧૯ રહી છે. પેટીએમ સવાબે ટકા નરમ હતી. અદાણી એન્ટર દોઢ ટકા ઘટીને ૨૨૪૩ તો એનો પાર્ટપેઇડ ૪ ટકા તૂટી ૧૩૨૩ નજીક હતો. અદાણીની NDTV ૫૧૫ ગણા જંગી વૉલ્યુમમાં ૯૬.૫૨ બતાવી પોણાબાર ટકા ઊછળીને ૯૨ વટાવી ગઈ છે લૉઇડ્સ એન્ટર પ્રાઇસિસ ૧૧ ટકા તથા એનો પાર્ટપેઇડ શૅર સાડાદસ ટકાની તેજીમાં બંધ થયો છે. અદાણી ગ્રુપની ACC લિમિટેડ સવાત્રણ ગણા વૉલ્યુમે ૧૭૬૮ની ૨૯ મહિનાની બૉટમ બનાવી અડધો ટકો ઘટીને ૧૭૬૯ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

17 December, 2025 08:39 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK