Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કે વ્યાજના દર ન તો ઘટાડ્યા કે ન તો વધાર્યા

રિઝર્વ બૅન્કે વ્યાજના દર ન તો ઘટાડ્યા કે ન તો વધાર્યા

Published : 14 August, 2023 01:11 PM | IST | Mumbai
Jitendra Sanghvi

નાના અને નબળા દેશોનાં અર્થતંત્ર ન સુધરે તો વિશ્વનું આર્થિક હિત જોખમાઈ શકે

પ્રતીકાત્મક તસવીર

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર


અપેક્ષા પ્રમાણે રિઝર્વ બૅન્કે ગયા અઠવાડિયે રેપો રેટ યથાવત્‌ જાળવી રાખ્યો છે. આમ એપ્રિલ મહિનાથી સતત ત્રીજી વાર વ્યાજના દર સ્થગિત કરાયા છે અને ઘટાડવાની શરૂઆત મુલતવી રખાઈ છે. ભાવવધારો એ હજી પણ ચિંતાનો વિષય છે જે રિઝર્વ બૅન્કના નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે. બીજી તરફ દેશમાં વરસાદની વહેંચણી અસમાન હોવા છતાં રિઝર્વ બૅન્કે આર્થિક વિકાસના દરના અંદાજમાં કોઈ ઘટાડો કર્યો નથી. અલબત્ત, મૉનિટરી પૉલિસી કમિટીએ સિસ્ટમમાંથી લિ​ક્વિડિટી પાછી ખેંચીને ઓછી કરવાનાં પગલાં લીધાં છે જેથી ભાવવધારાને ઉત્તેજન ન મળે.

દરમ્યાન જૂન મહિને ઔદ્યોગિક ઉત્પાદનનો આંક ત્રણ મહિનાનો સૌથી નીચો છે. જીએસટી અને પ્રત્યક્ષ વેરાની આવક અંદાજપત્રના લક્ષ્યાંક કરતાં વધી રહી છે. પરિણામે સરકાર માટે મૂડી રોકાણનો ખર્ચ વધારવાનું (ફિસ્કલ ડેફિસિટ મર્યાદામાં રાખીને) શક્ય બન્યું છે. વરસાદની અનિયમિતતાને કારણે ગ્રામ્ય વિસ્તારની માગ ઘટતાં જુલાઈ મહિને ટૂ વ્હીલરના વેચાણમાં ઘટાડો થયો છે. સતત વધતા જતા ઍર પૅસેન્જરને કારણે ૨૦૨૨માં દિલ્હીનો વિશ્વના પ્રથમ દસ ઍરપોર્ટમાં સમાવેશ થયો છે. ૨૦૨૩ના વરસે પણ ઍર પૅસેન્જર્સની સંખ્યા સતત વધતી ચાલી છે. જે ઉપલા મધ્યમ વર્ગની સુધરતી આર્થિક પરિસ્થિતિનો નિર્દેશ કરે છે.



ઑગસ્ટમાં સારી શરૂઆત અને ભારે વરસાદ પછી વરસાદનું જોર નરમ પડતાં ફરી એકવાર દેશમાં વરસાદની નજીવી પણ ખાધ ઊભી થઈ છે. ઑગસ્ટ મહિને તો આ ખાધ બહુ મોટી છે. ટમેટાં પછી કાંદાના ભાવ આસમાને પહોંચ્યા છે. ફળોના ભાવ પણ વધ્યા છે. આમ આ ભાવના વધારાને કારણે ખાદ્ય પદાર્થોનો ભાવવધારો ચિંતાનો વિષય બન્યો છે. 


સરકારે કઠોળ અને ટમેટાંની આયાત માટેનાં પગલાં લીધાં છે. ભાવને કન્ટ્રોલ કરવા સરકારે વધારાના ઘઉં અને ચોખા ખુલ્લા બજારમાં વેચવાનું નક્કી કર્યું છે. વરસાદની ભુલભુલામણી વચ્ચે પણ ઓવરઑલ કૃષિ ઉત્પાદન જળવાઈ રહેવાનો વિશ્વાસ નીતિ આયોગે વ્યક્ત કર્યો છે.

રાજકીય ક્ષેત્રે વિપક્ષો દ્વારા સરકાર સામેની અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો છે અને બીજું થાય પણ શું? સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે રાહુલ ગાંધીને સાંસદ તરીકેના અધિકાર ફરી એકવાર પ્રાપ્ત થયા છે. વિપક્ષોના વિરોધ વચ્ચે સંસદના ચાલુ સત્રમાં અનેક બિલો પાસ કરાયાં છે.


વિશ્વના અનેક દેશોની આર્થિક મુશ્કેલીઓ ચાલુ છે. અમેરિકા અને યુરોઝોનને ઇન્ફ્લેશનની ચિંતા છે તો ચીન ડિફ્લેશનથી પીડાઈ રહ્યું છે. આર્થિક સ્લોડાઉન અને પશ્ચિમના દેશો સાથેના એના વધતા જતા જિયો-પૉલિટિકલ તણાવને કારણે ચીનના સ્ટૉક માર્કેટમાં વિદેશી પોર્ટફોલિયો મૂડી રોકાણ ધીમું પડી રહ્યું છે. ૨૦૧૭ પછી પહેલી વાર જૅપનીઝ કંપનીઓના સ્ટૉકમાં વિદેશી મૂડી રોકાણ ચીનની કંપનીઓમાં થતાં આવાં રોકાણ કરતાં વધુ થયું છે.

રિઝર્વ બૅન્કે સતત ત્રીજી વાર વ્યાજના દર ન વધાર્યા કે ન ઘટાડ્યા

ચોમાસાની અનિશ્ચિતતાને કારણે ભાવવધારાનું જોખમ માથા પર ઊભું હોવાથી રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીના બધા  સભ્યોએ સર્વાનુમતે એક અવાજે સતત ત્રીજી વાર વ્યાજના દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. 

એમપીસીએ ચાલુ નાણાકીય વર્ષ માટેનો  ભાવવધારાનો અંદાજ ૫.૧ ટકામાંથી વધારીને ૫.૪ ટકાનો કર્યો છે.

ભાવવધારો હમણાં તો આપણો પીછો છોડે એમ નથી

બૅન્કના મતે શાકભાજીનો ભાવવધારો કામચલાઉ હોય છે અને એક બે મહિનામાં એ ઘટીને નૉર્મલ  પણ  થઈ જતો હોય છે, પણ ભાવવધારા પરનું મોટું જોખમ તો આપણાં ધાન્ય  અને કઠોળના વધતા ભાવનું અને વિશ્વ બજારમાં ચીજવસ્તુઓના વધતા ભાવનું છે. ખાદ્ય ચીજોનો ભાવવધારો સામાન્ય ઓવરઑલ ભાવવધારામાં ન પરિણમે ત્યાં સુધી આપણે સાવચેત રહેવું ઉચિત ગણાય. આ તબક્કે  કોઈ ઉતાવળિયું પગલું ભરવું ન જોઈએ. આમ ભાવવધારા વિશે સાવધાનીભર્યું વલણ લેવા છતાં ચાલુ ફિસ્કલના અંત (માર્ચ ૨૦૨૪) સુધી રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારે કે ઘટાડે એવી કોઈ શક્યતા જણાતી નથી. વ્યાજના દરના ઘટાડાની શરૂઆત એપ્રિલ  ૨૦૨૪ પહેલાં થવાનો ચાન્સ નથી. વ્યાજના દરના ઘટાડાનો આધાર જેટલો આપણા ભાવવધારા પર છે એટલો જ આધાર વિશ્વના અન્ય દેશોમાં પ્રવર્તતા વ્યાજના દર પર પણ છે જ. એટલે ફેડરલ રિઝર્વ વ્યાજના દર ઘટાડવાની શરૂઆત ન કરે ત્યાં સુધી રિઝર્વ બૅન્ક આવી શરૂઆત નહીં કરે, કારણ કે એમ કરવાથી દેશમાં આવતો મૂડી રોકાણનો પ્રવાહ ઓછો થાય, અટકી પણ જાય, આવેલી મૂડી પાછી જતી રહે.

જુલાઈ મહિને છૂટક ભાવવધારો જૂનના આંકડા કરતાં વધીને આવવાની ધારણા છે (છ ટકા ઉપર એટલે કે બૅન્કની ભાવવધારાની ઉપરની મર્યાદાથી વધુ).

સપ્ટેમ્બર ક્વૉર્ટર માટેનો ભાવવધારાનો અગાઉનો અંદાજ પણ ૫.૨ ટકામાંથી વધારી ૬.૨ ટકાનો કરાયો છે. ઑલ ઇન ઑલ, હજી થોડા મહિનાઓ માટે ભાવવધારાની સમસ્યા આપણો પીછો છોડવાની નથી. એટલે કે ભાવવધારો બૅન્કના ચાર ટકાના લક્ષ્યાંક કરતાં વધારે રહેશે.

છૂટક ભાવાંકમા ખાદ્ય ચીજોનું વજન લગભગ ૬૫ ટકા જેટલું હોવાથી ખાદ્ય ચીજોના ભાવ વધારાની મોટી અસર છૂટક ભાવાંક પર પડે છે. ઉપરાંત ખાદ્ય ચીજોના ભાવોને ઘટાડવાનો કોઈ ઉપાય રિઝર્વ બૅન્ક પાસે નથી. ખાદ્ય ચીજોના ભાવો વધતાં છૂટક ભાવો વધશે એવો ભય લોકોમાં ઊભો થાય છે. એટલે સામાન્ય રીતે પાણી પહેલાં પાળ બાંધવાના ઉપાય જેમ રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારે છે.

રિઝર્વ બૅન્કે બૅ​ન્કિંગ સિસ્ટમમાં લિ​ક્વિડિટી ઘટાડવા માટેનાં પગલાં લીધાં

રિઝર્વ બૅન્કે બૅન્કોને તેમની નેટ ડિપોઝિટમાં મે ૧૯થી જુલાઈ ૨૮ સુધી જે વધારો થયો હોય એના ૧૦ ટકા રોકડ રિઝર્વ તરીકે રિઝર્વ બૅન્કમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે (સરકારે બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચી લેતાં બૅન્કો પાસે આ નોટોના સ્વરૂપમાં મોટી ડિપોઝિટો આવી છે). પરિણામે બૅ​ન્કિંગ સિસ્ટમમાંથી લગભગ એક લાખ કરોડ રૂપિયા પાછા ખેંચાઈ જશે. એ પછી પણ ધિરાણ માટેની માગને પહોંચી વળવા માટે બૅન્કો પાસે પૂરતું ફન્ડ રહેશે. ૨૦૧૬ના ડીમૉનેટાઇઝેશન પછી પણ રિઝર્વ બૅન્કે બૅન્કોને તેમની વધારાની ડિપોઝિટના ૧૦૦ ટકા રોકડ રિઝર્વ તરીકે રિઝર્વ બૅન્કમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

ઑગસ્ટ મહિને બૅ​ન્કિંગ સિસ્ટમમાં રોજની ૨.૪૮ લાખ કરોડ રૂપિયાની સરપ્લસ લિ​​ક્વિડિટી (વધારાનાં નાણાં જે બૅન્કો રિઝર્વ બૅન્કમાં જમા કરાવે છે) જોવા મળી છે જે છેલ્લા ૧૪ મહિનાની સૌથી ઊંચી છે. 

બે હજાર રૂપિયાની નોટો બૅન્કોમાં જમા કરાવાઈ એ ઉપરાંત નીચેનાં કારણોસર પણ બૅન્કોની ડિપોઝિટોમાં મોટો વધારો થયો જણાય છે.

૧. ૨૦૨૩માં લાઇનબંધ આવી રહેલી વિધાનસભાઓની અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓના સંદર્ભમાં ચાલુ વરસના શરૂઆતના મહિનાઓમાં સરકારી ખર્ચમાં કરાયેલો મોટો વધારો.

૨. વિદેશી પોર્ટફોલિયો મૂડીના ભારે ઇન્ફલો/આઉટફ્લોને કારણે રૂપિયાની બાહ્ય કિંમત ટકાવી રાખવા માટે વિદેશી હૂંડિયામણના બજારમાં રિઝર્વ બૅન્કની મધ્યસ્થી.

૩. રિઝર્વ બૅન્ક દ્વારા સરકારને ટ્રાન્સફર કરાયેલનું એક્સ્ટ્રા ફન્ડ.

૪. સૈદ્ધાંતિક રીતે બૅ​ન્કિંગ સિસ્ટમની સરપ્લસ લિ​ક્વિડિટી જુદા-જુદા વર્ગની અસ્કયામતોના ભાવ વધારે, જે ભાવવધારા સામેનું મોટું જોખમ ગણાય.

વ્યાજના દરો વધતાં હોમ લોન લેનારનું બજેટ ખોરવાયું છે

એપ્રિલ ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી છ વારના વધારા દ્વારા રેપો રેટ ૨૫૦ બેસિસ પૉઇન્ટ વધારીને ૬.૫ ટકા કરાયો હતો. પરિણામે હોમ લોન લેનારના ઈએમઆઇ વધતા તેમના બજેટ ખોરવાય એ સ્વાભાવિક છે. રેપો રેટના આ વધારાને કારણે હોમ લોન પરના વ્યાજના દર ૬.૫થી ૭ ટકામાંથી વધીને ૯થી ૧૦ ટકા થયા. ૪૦ લાખની ૨૦ વરસની લોનનો માસિક હપ્તો ૬.૫ ટકાના દરે ૨૯,૮૦૦ રૂપિયામાંથી વધીને ૯ ટકા વ્યાજના દરે લગભગ ૩૬,૦૦૦ રૂપિયા થયો જે ૨૦ ટકાનો વધારો દર્શાવે છે. હોમ લોન પરના વ્યાજના દર જો આમ જ વધતા રહે તો લાંબે ગાળે રિયલ એસ્ટેટ માર્કેટ (નવાં મકાનોની લોન દ્વારા કરાતી ખરીદી) પર એના ગંભીર પ્રત્યાઘાત પટ્યા સિવાય રહે નહીં.

એક આઇટમના ખર્ચમાં ૨૦ ટકા જેટલા મોટા વધારાને પહોંચી વળવા આવી હોમ લોન લેનારે તેના ઘરવપરાશની  અન્ય આઇટમોની ખરીદી પર કાપ મૂકવો પડે. બજારની માગ પર આની બહુ મોટી અને ગંભીર અસર પડી શકે.

આર્થિક તણાવમાં આવેલા દેશોને લોન આપવાની આઇએમએફ અને વિશ્વ બૅન્કની પૉલિસીની સમીક્ષાની જરૂર

ઘણા નાના અને વિકસતા દેશો તેમણે ચીન પાસેથી લીધેલી લોન પરત કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એ સંદર્ભમાં રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. દાસે આઇએમએફ અને વિશ્વ બૅન્કને તેમની આવા દેશોને લોન આપવાની પૉલિસીમાં ફેરવિચારણા કરવાની અરજ કરી છે. આઇએમએફ પાસેથી તેમની જરૂરિયાત મુજબ પૂરતી નાણાકીય સહાય ન મળતાં આવા દેશોએ નાણાકીય સહાય કરી શકે એવા ચીન જેવા દેશો ભણી નજર દોડાવવી પડે છે, પણ ટૂંકમાં જ આવી લોનો લાંબા સમય માટે ચાલુ રાખવાની જરૂરિયાત ઊભી થતાં આવા દેશો મુશ્કેલી અનુભવે છે.

ચીન જેવા દેશો આ સંજોગોમાં આ દેવાદાર દેશોની નબળી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી જે પ્રોજેકટ માટે મદદ લંબાવી હોય એવા પ્રોજેક્ટો (બંદર, રસ્તા વગેરે) જ હડપ કરી જાય છે. આવા દેશોને લોન આપવા માટેની શરતો હળવી કરવાની અપીલ પણ ગવર્નરે કરી છે.

આ જ સંદર્ભમાં નાણાપ્રધાન સીતારમણે મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બૅન્કો (વિશ્વ બૅન્ક, એશિયન ડેવલપમેન્ટ બૅન્ક)ની મૂડીનો બેઝ વધારી નાના અને વિકસતા દેશોને મદદ કરવાની અને વધારવાની વાત કરી છે. આપણી G-20ની પ્રેસિડન્સીના જિયો-પૉલિટિકલ મતભેદો આંતરરાષ્ટ્રીય કો-ઑપરેશનના એજન્ડાને બાજુએ ન હડસેલી દે અને દેવાના ભાર નીચે દબાયેલા નબળા દેશોને તેમની દેવાની સમસ્યા હલ કરવામાં એમડીબી સહાયરૂપ બને એ એજન્ડા પર ભારતે સતત ભાર મૂક્યો છે.

દેવાની આ સમસ્યા હલ ન થાય તો નાના, નબળા અને વિકસતા દેશો વિકાસના પંથે આગેકૂચ નહીં કરી શકે. એટલું જ નહીં, ચીન જેવા દેશો આને એક તક સમજી આવા દેશોને હંમેશને માટે તેમના આર્થિક ગુલામ બનાવી દેશે એ નક્કી સમજો. નાના દેશોને પણ વિકાસની પૂરી અને સમાન તકો ન મળે તો લાંબે ગાળે પૂરા વિશ્વનું આર્થિક હિત જોખમાઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2023 01:11 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK