Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં નવાં શિખર જારી, રોકડામાં સુસ્તી, આઇટી-રિયલ્ટી-હેલ્થકૅર અને મીડિયામાં પીછેહઠ

શૅરબજારમાં નવાં શિખર જારી, રોકડામાં સુસ્તી, આઇટી-રિયલ્ટી-હેલ્થકૅર અને મીડિયામાં પીછેહઠ

06 December, 2023 07:40 AM IST | Mumbai
Anil Patel

અદાણી ગ્રુપમાં લાવલાવ, દસેદસ શૅર સવાસાત ટકાથી માંડી ૨૦ ટકાની તેજીમાં બંધ : અદાણી પોર્ટ‍્સ તથા અદાણી પાવર ઑલટાઇમ હાઈ, ‘એ’ ગ્રુપના ટૉપ ૧૦ ઇનરમાં ૯ શૅર અદાણીના : બજારનું માર્કેટ કૅપ ૩૪૬.૪૬ લાખ કરોડ વધ્યું એમાં અદાણીનો ફાળો ૧.૯૩ લાખ કરોડ રૂપિયાનો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારમાં નવા શિખર જારી રહ્યા છે. મંગળવારે સેન્સેક્સ ૬૯,૩૮૧ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૪૩૧ પૉઇન્ટ વધીને ૬૯,૨૯૬ તથા નિફ્ટી ૨૦,૮૬૪ની ઑલટાઇમ હાઈ બાદ ૧૬૮ પૉઇન્ટની આગેકૂચમાં ૨૦,૮૫૫ બંધ થયો છે. બજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ હતું. બ્રૉડર માર્કેટ નવા બેસ્ટ લેવલે જઈ પોણો ટકો વધ્યો છે, પરંતુ મિડ કૅપ અને સ્મૉલ કૅપ નવા શિખર થવા છતાં નહીંવત જ પ્લસ હતા. બૅન્ક નિફ્ટી ૪૭,૨૩૦ની ટોચે જઈ સવા ટકો કે ૫૮૧ પૉઇન્ટની તેજીમાં ૪૭,૦૧૨ બંધ આવ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા, એનર્જી ઇન્ડેક્સ ૧.૨ ટકા, ઑટો ઇન્ડેક્સ અડધો ટકો, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક પોણાબે ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અડધા ટકા નજીક, કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ સવા ટકો, ફાઇનૅન્સ બેન્ચમાર્ક પોણો ટકો વધી નવી ઊંચી સપાટીએ ગયાં છે. અદાણીના જોરમાં પાવર ઇન્ડેક્સ ૬.૧ ટકા, યુટિલિટીઝ ઇન્ડેક્સ સાડાછ ટકા તથા નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ત્રણ ટકા ઊંચકાયા છે. આઇટી, ટેક્નૉલૉજીસ, નિફ્ટી મીડિયા, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ અડધા ટકાની આસપાસ તથા હેલ્થકૅર અને એફએમસીજી ઇન્ડેક્સ સામાન્ય નરમ હતા. રોકડામાં નેગેટિવ બની છે. એનએસઈ ખાતે ૯૭૦ શૅર પ્લસ તો ૧૧૫૯ જાતો ઘટી છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બજારનું માર્કેટ કૅપ ૨.૯૯ લાખ કરોડ રૂપિયાના ઉમેરામાં ૩૪૬.૪૬ લાખ કરોડને વટાવી ગયું છે, જેમાં અદાણી ગ્રુપનું પ્રદાન ૧.૯૩ લાખ કરોડ રૂપિયાથી વધુનું હતું. ગઈ કાલે ‘એ’ ગ્રુપ ખાતે વઘેલા ટોચના ૧૦ શૅરમાંથી ૯ શૅર અદાણીના હતા. તાતાની રાલિસ ઇન્ડિયા ૯.૮ ટકાની તેજીમાં ૨૫૬ નજીક બંધ આપી અત્રે નવમા ક્રમે હતી. 
મૂડીઝ તરફથી વધતા દેવાના પરિણામે ચાઇનાનો ક્રેડિટ આઉટલૂક સ્ટેબલમાંથી નેગેટિવ કરવામાં આવતાં ત્યાંના શૅરબજારનો શાંઘાઈ ઇન્ડેક્સ પોણાબે ટકા ગગડ્યો છે. એની પાછળ હૉન્ગકૉન્ગ લગભગ બે ટકા ખરડાયું હતું. જપાન ૧.૪ ટકા, તાઇવાન અડધો ટકો, સાઉથ કોરિયા પોણો ટકો, સિંગાપોર સાધારણ નરમ હતાં. થાઇલૅન્ડ રજામાં હતું. ઇન્ડોનેશિયા નહીંવત સુધર્યું છે. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી ઇન્ડેક્સ પોણો ટકો ડાઉન હતો. અન્ય બજારો નહીંવતથી સામાન્ય સુધારો દર્શાવતી હતી. પાકિસ્તાની શૅરબજાર આગઝરતી તેજીમાં ૬૩,૦૩૮ના સર્વોચ્ચ શિખરે જઈ રનિંગમાં ૫૩૫ પૉઇન્ટની આગેકૂચમાં ૬૩,૦૨૮ જોવાયું છે. બ્રેન્ટ ક્રૂડ નરમ વલણ સાથે ૭૮ ડૉલરની નીચે રહ્યું છે. નાયમેક્સ ક્રૂડ ૭૩ ડૉલરની અંદર હતું. હાજર સોનું રનિંગમાં નજીવા ઘટાડે ૨૦૨૫ ડૉલર ચાલતું હતું. ચાંદી એકાદ ટકો ઘટી હાજરમાં ૨૪.૨૮ ડૉલર દેખાતી હતી. 


આઇસીઆઇસીઆઇ બૅન્ક નવા શિખરે, પાવર ગ્રિડ અને એનટીપીસી નવી ટોચે 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર વધ્યા છે. સેન્સેક્સ ખાતે પાવર ગ્રિડ ૪.૫ ટકા ઊછળી ૨૨૨ રૂપિયા અને એનટીપીસી ૩.૯ ટકાની મજબૂતીમાં ૨૮૬ રૂપિયા નજીકના બેસ્ટ લેવલે બંધ આપી મોખરે હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક સવાબે ટકા વધી ૧૦૧૩ના શિખરે જતાં એનું માર્કેટ કૅપ ૭.૧૦ લાખ કરોડ વટાવી ગયું છે. સ્ટેટ બૅન્ક ૨.૩ ટકા, મહિન્દ્ર ૧.૭ ટકા, ટાઇટન ૧.૭ ટકા, મારુતિ સુઝુકી ૧.૧ ટકા, એશિયન પેઇન્ટ્સ એક ટકો પ્લસ હતા. રિલાયન્સ ૦.૭ ટકા વધીને ૨૪૩૭ હતી. વૉલ્યુમ સરેરાશ કરતાં ૨૨ ટકાનું હતું. નિફ્ટી ખાતે અદાણી એન્ટર ૪૨૮ રૂપિયા કે ૧૬.૯ ટકા અને અદાણી પોર્ટ્સ ૧૫.૩ ટકા કે ૧૩૪ રૂપિયાના ઉછાળે ટૉપ ગેઇનર હતા. ભારત પેટ્રો સવાબે ટકા, ગ્રાસીમ એક ટકા નજીક, એચડીએફસી બૅન્ક ૦.૯ ટકા અને નેસ્લે પોણા ટકાથી વધુ પ્લસ થયાં છે. 
હિન્દુસ્તાન યુનિલીવર દોઢ ટકાના ઘટાડે ૨૫૬૩ના બંધમાં સેન્સેક્સ ખાતે અને લાટિમ ૧.૬ ટકા બગડી ૫૪૮૭ના બંધમાં નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. અન્યમાં એચસીએલ ટેક્નૉલૉજીસ દોઢ ટકા નજીક, બજાજ ફાઇ. અને વિપ્રો પોણો ટકો, ઇન્ફોસિસ પોણા ટકા નજીક, આઇટીસી તથા ઇન્ડ્સઇન્ડ બૅન્ક અડધો ટકો. દિવીસ લૅબ દોઢ ટકો, આઇશર અને બજાજ ઑટો એક-એક ટકો, અપોલો હૉસ્પિટલ્સ પોણો ટકો માઇનસ હતા. સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં અદાણી ગ્રુપ તરફથી ઓપન ઑફર માટે શૅરદીઠ ૧૧૪ રૂપિયાની ઑફર વધારી ૧૨૨ જેવી કરવામાં આવી છે. શૅર સાડાત્રણ ગણા કામકાજ સાથે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૦ નજીક બંધ હતો. 



મારફાડ તેજીમાં અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ ૧.૯૩ લાખ કરોડ રૂપિયા વધ્યું
અદાણી ગ્રુપ તરફથી સબસિડિયરી અદાણી પોર્ટ્સ મારફત શ્રીલંકા ખાતે મહત્ત્વાકાંક્ષી પોર્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેના ભાગરૂપ અત્રે કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ માટે અમેરિકન સરકારના પીઠબળથી ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન (ડીએફસી) ૫૫૩૦ લાખ ડૉલર અર્થાત આશરે ૪૬૦૦ કરોડ રૂપિયાની લોન આપવાની છે. હિન્ડનબર્ગ દ્વારા અદાણીને કૉર્પોરેટ ઇતિહાસમાંના સૌથી મોટા ઠગ ગણાવી ગ્રુપની કથિત ગેરરીતિઓના મુદ્દે વિગતવાર સ્ફોટક અહેવાલ જારી થતાં આ લોન અટવાઈ પડી હતી. હવે ડીએફસી તરફથી કહેવાયું છે કે અદાણી ગ્રુપના મામલે હિન્ડનબર્ગ રિપોર્ટમાં જે આક્ષેપ થયા છે એ ગ્રુપ સબસિડિયરી અદાણી પોર્ટને લાગુ પડતા નથી. આથી ઉક્ત લોન આપવામાં વાંધો નથી. એશિયન વિસ્તારમાં ચાઇનાના વધતા પ્રભુત્વને ખાળવા અમેરિકા શ્રીલંકન પોર્ટ પ્રોજેક્ટમાં ઊંડો રસ લઈ રહ્યું છે એ વાત જગજાહેર છે. હવે ડીએફસી દ્વારા અપાયા નિર્દેશના પગલે અટવાઈ પડેલો શ્રીલંકન પ્રોજેક્ટ આગળ વધશે, એમ લાગે છે. આ ઘટનાક્રમના પગલે ગઈ કાલે અદાણી ગ્રુપના શૅરોમાં તેજીની નવી ભરતી જોવા મળી છે. ફ્લેગશિપ અદાણી એન્ટર પાંચ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૯૯૬ થઈ ૧૭ ટકા કે ૪૩૧ની તેજીમાં ૨૯૬૦ બંધ હતી. અદાણી પોર્ટ્સ ૧૦૨૪ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૩૩ રૂપિયા કે ૧૫.૨ ટકાના ઉછાળે ૧૦૧૨ રહી છે. અદાણી પાવર ૫૪૬ની વિક્રમી સપાટી નોંધાવી ૧૫.૯ ટકાના જમ્પમાં ૫૩૮ થયો છે. અદાણી ટ્રાન્સ અર્થાત અદાણી એનર્જી સોલ્યુશન્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૦ રૂપિયા ઊછળી ૧૦૮૩ હતો. અદાણી ગ્રીન પણ ૨૨૫ રૂપિયા કે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૩૪૮ રહ્યો છે. અદાણી ટોટલ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૭૮ વટાવી ૧૪૬ રૂપિયાની મજબૂતીમાં ત્યાં જ બંધ આવ્યો છે. અદાણી વિલ્મર ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૩૮૧ નજીક જઈને ત્યાં જ બંધ હતો. એસીસી ૨૧૯૨ થઈ ૮.૨ ટકાની મસ્તીમાં ૨૧૮૫ તો અંબુજા સિમેન્ટ્સ ૫૧૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૭.૨ ટકાના ઉછાળે ૫૦૯ બંધ થયો છે. એનડીટીવી ૨૬૯ થઈ ૧૮.૪ ટકાની તેજીમાં ૨૬૬ હતો. ગઈ કાલે અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ ૧.૯૩ લાખ કરોડ રૂપિયા વધીને ૧૩.૮૭ લાખ કરોડે પહોંચ્યું છે. અદાણી સાથે સંબંધિત મોનાર્ક નેટવર્થ એકાદ ટકો અને ક્વિન્ટ ડિજિટલ ૧.૮ ટકા અપ હતા. બાય ધ વે, એલઆઇસી પોણો ટકો ઘટી ૭૧૪ હતી. જ્યારે સ્ટેટ બૅન્ક સવાબે ટકાની આગેકૂચમાં ૬૦૮ થઈ છે. બાબા રામદેવની પતંજલિ ફૂડ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૫૦૯ ઉપરના બંધમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. 


એમસીએક્સ ત્રણ ટકા વધીને બંધ, બીએસઈ ઘટ્યો, મામા અર્થ તૂટ્યો 
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે સવા ટકો વધીને ૪૭,૦૧૨ના શિખરે બંધ થયો છે. અત્રે એક માત્ર ઇન્ડ્સઇન્ડ બૅન્ક અડધો ટકો નરમ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના જોરમાં ૧.૪ ટકા વધી ૫૪૦૭ની ટોચે ગયો છે. બૅન્કિંગના ૩૯માંથી ૩૧ શૅર વધ્યા છે. ડીસીબી બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, બંધન બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, સ્ટેટ બૅન્ક, કૅનેરા બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક પોણાબેથી સવાત્રણ ટકા ઊંચકાઈ હતી. સૂર્યોદય બૅન્ક સાડાત્રણ ટકા ગગડી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૨ શૅરના સુધારે પોણો ટકો વધી ૧૦,૨૨૫ની ટોચે બંધ હતો. એમસીએક્સ, કામા હોલ્ડિંગ્સ, પિલાણી ઇન્વેસ્ટમેન્ટ, આસ ફાઇ તથા જીએફએલ લિમિટેડ ત્રણથી પાંચેક ટકા મજબૂત હતા. પૈસાલો ડિજિટલ સવાચાર ટકા, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ચાર ટકા, આઇસીઆઇસીઆઇ પ્રુ ૩.૪ ટકા, આઇએફસીઆઇ ત્રણ ટકા બગડ્યાં છે. બીએસઈ લિમિટેડ પોણાત્રણ ટકા ખરડાઈ ૨૪૪૪ હતો. પેટીએમ ૧.૯ ટકા અને પૉલિસી બાઝાર બે ટકાથી વધુ ડૂલ થયો છે. મામા અર્થવાળી હોનાસા કન્ઝ્યુ. પાંચ ટકા ગગડી ૩૬૪ની અંદર ગયો છે. નાયકા અડધા ટકાની નરમાઈમાં ૧૭૨ રહ્યો છે. બીએસઈ મેટલ ઇન્ડેક્સ ૦.૨ ટકા કે ૩૭ પૉઇન્ટ જેવો નહીંવત વધ્યો છે, પણ નિફ્ટી મેટલ ત્રણ ટકા ઊંચકાયો છે, જે અદાણી એન્ટર.ની તેજીને આભારી છે. 

મોટા ભાગના જ્વેલરી શૅર ઝંખવાયા, 63 મૂન્સ ઉપલી સર્કિટે નવા શિખરે
અદાણી ટ્રાન્સ, અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ઉપરાંત નૅશનલ જેવી રોકડાની જાતોય ૨૦-૨૦ ટકા વધીને બંધ થઈ છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શને તેની સ્વીસ સબસિડિયરીનું ૯૨૮ કરોડમાં ફ્રેન્ચ કંપનીને વેચાણ કરતાં શૅર ૩૨ ઉપર નવી ટોચે જઈ પોણાસાત ટકા ઊછળી ૩૨ નજીક બંધ હતો. રિલાયન્સની ટીવી-૧૮ ૫૩ના શિખરે જઈ પોણાછ ટકા વધી ૫૨ વટાવી ગઈ છે. નાથ ઇન્ડસ્ટ્રીઝ સવાદસ ટકા ગગડી ૬૮ની અંદર ગયો છે. ફ્લૅર રાઇટિંગ બે દિવસથી મંદીની સર્કિટ બાદ ગઈ કાલે ૩૮૮ના નવા તળિયે જઈ ચાર ટકા ખરડાઈ ૩૯૧ હતો. તાતા ટેક્નૉલૉજીસ ૧૧૯૨ના આગલા લેવલે જૈસે-થે રહ્યો છે. 63 મૂન્સ એક વધુ તેજીની સર્કિટમાં ૫૬૭ નજીક સાડાદસ વર્ષની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. તાતા ગ્રુપની તાતા મેટલિક્સ, ટ્રેન્ટ તથા ટાઇટન નવા શિખરે ગઈ છે. સનફાર્મા પોણો ટકો વધી ૧૨૪૦ની ટોચે બંધ હતી. વેલસ્પન કૉર્પ સાડાપાંચ ટકા ઊંચકાઈ ૫૬૨ના બેસ્ટ લેવલે જોવાઈ છે. સોનાના ભાવ તેજીમાં રહેતાં મોટા ભાગના જ્વેલરી શૅર ઘટ્યા છે. ગોલ્ડિયમ ઇન્ટર પાંચ ટકા, સેન્કો ગોલ્ડ બે ટકા, રાજેશ એક્સપોર્ટ્સ સવા ટકો, એશિયન સ્ટાર ૧.૧ ટકા, રેનેસાં ગ્લોબલ બે ટકા નજીક, વૈભવ ગ્લોબલ ૧.૯ ટકા, ટીબીઝેડ અઢી ટકા, વીરકૃપા ૪.૭ ટકા, ભક્તિ જેમ્સ બે ટકા, શીતલ ડાયમંડ બે ટકા, પીસી જ્વેલર્સ અડધો ટકો ઝંખવાયા હતા. સામે થંગમયિલ ૧.૯ ટકા, ખજાનચી જ્વેલ ૨.૮ ટકા, ઉદય જ્વેલરી ૯.૯ ટકા, આશાપુરી ગોલ્ડ સવાત્રણ ટકા, નર્મદા જેમ્સ ૫.૪ ટકા, એઈટી જ્વેલર્સ ૨૦ ટકા, ઝોડિયાક જેઆરડી પાંચ ટકા, પામ જ્વેલ્સ ૪.૨ ટકા, કલ્યાણ જ્વેલર્સ સાધારણ સુધારે બંધ હતા. 


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2023 07:40 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK