બૅન્કે કરેલી જાહેરાત મુજબ રીટેલ ગ્રાહકો બિટકૉઇન, એક્સઆરપી અને ઇથેરિયમ જેવી ડિજિટલ ઍસેટ્સમાં ખરીદી, વેચાણ અને સ્વૉપ કરી શકશે
બિટકૉઇનની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની આરએકે બૅન્કે રીટેલ ગ્રાહકો માટે બિટકૉઇન, એક્સઆરપી તથા અન્ય ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવા માટેની સુવિધા શરૂ કરી છે. દેશમાં આ પ્રકારની સેવા આપનારી એ પ્રથમ બૅન્ક બની છે. બૅન્કે કરેલી જાહેરાત મુજબ રીટેલ ગ્રાહકો બિટકૉઇન, એક્સઆરપી અને ઇથેરિયમ જેવી ડિજિટલ ઍસેટ્સમાં ખરીદી, વેચાણ અને સ્વૉપ કરી શકશે. આ બધું બૅન્કની મોબાઇલ ઍપ્લિકેશન–એઈડી મારફત થઈ શકશે. UAEની પરંપરાગત નાણાકીય વ્યવસ્થામાં ડિજિટલ ઍસેટ્સને આવરી લેવા માટેના પ્રયાસમાં આ બહુ મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે. એની મોબાઇલ ઍપ મારફત કરન્ટ અને સૅવિંગ્સ ખાતાના ગ્રાહકો પ્રત્યક્ષપણે દિરહામની મદદથી ટ્રેડિંગ કરી શકશે. આમ વિદેશી ચલણમાં રૂપાંતર કરવાની જરૂર નહીં પડે અને એ રીતે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જોનો પણ ઉપયોગ કરવો નહીં પડે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટની નજર બુધવારે અમેરિકામાં જાહેર થનારી નાણાનીતિની સમીક્ષા પર છે. એ જાહેરાત થવા પહેલાં મંગળવારે સાંજ સુધીમાં કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૪૩ ટકા ઘટીને ૩.૮૮ ટ્રિલ્યન ડૉલર રહ્યું હતું. બિટકૉઇનનો ભાવ ચોવીસ કલાકના ગાળામાં નહીંવત્ ઘટ્યો હતો અને ૧,૧૮,૦૦૦ ડૉલરની આસપાસ ચાલી રહ્યો હતો. આ જ રીતે ઇથેરિયમમાં પણ નોંધપાત્ર વધઘટ બાદ ભાવ લગભગ ૩૭૯૦ ડૉલરના સ્તરે સ્થિર હતો. એક્સઆરપીમા ૧.૫૭ ટકાનો ઘટાડો થયો હતો.


