ક્રિપ્ટો ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની ગૅલૅક્સી ડિજિટલે ૩.૭ અબજ ડૉલર મૂલ્યના ૩૫,૫૬૮ બિટકૉઇન શુક્રવારે એક્સચેન્જમાં ખસેડ્યા હતા
બિટકૉઇનની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બિટકૉઇનના મોટા ધારકોએ અબજો ડૉલરના બિટકૉઇન પોતપોતાના વૉલેટમાંથી એક્સચેન્જમાં મૂક્યા એની અસર તળે શુક્રવારે બિટકૉઇનના ભાવ પર દબાણ આવ્યું હતું. ગઈ કાલે સાંજે ૮ વાગ્યે બિટકૉઇનનો ભાવ ૨.૪૬ ટકાના ઘટાડા સાથે ૧,૨૫,૪૯૨ ડૉલર ચાલી રહ્યો છે.
બિટકૉઇન વૉલેટમાંથી એક્સચેન્જમાં ખસેડવાનો અર્થ એમ થાય છે કે બજારમાં વેચવાલી આવવાની શક્યતા છે. નોંધનીય છે કે ક્રિપ્ટો ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની ગૅલૅક્સી ડિજિટલે ૩.૭ અબજ ડૉલર મૂલ્યના ૩૫,૫૬૮ બિટકૉઇન શુક્રવારે એક્સચેન્જમાં ખસેડ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે બિટકૉઇનની વેચવાલીનું દબાણ વધી રહ્યું છે. આ કૉઇનમાં ઓપન ઇન્ટરેસ્ટ ૩.૮ અબજ ડૉલર વધી ગયું છે. એના ટ્રેડિંગ વૉલ્યુમમાં પણ ૩૭ ટકાનો વધારો થયો છે. જોકે હજી બજારમાં ડરનો માહોલ આવ્યો નથી. ગુરુવારની તુલનાએ ક્રિપ્ટો ફિયર ઍન્ડ ગ્રિડ ઇન્ડેક્સમાં માત્ર ૧ પૉઇન્ટનો ઘટાડો થઈને આંક ૭૦ પર પહોંચ્યો છે.
ADVERTISEMENT
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટનું કૅપિટલાઇઝેશન ૧.૨૧ ટકા ઘટીને ૩.૮૧ ટ્રિલ્યન ડૉલર થયું છે. ઇથેરિયમમાં ૦.૫૧ ટકાનો ઘટાડો થઈને ભાવ ૩૬૬૪ ડૉલર પર પહોંચ્યો છે. XRPમાં ૪.૩૬ ટકાના ઘટાડા સાથે ભાવ ૩.૦૩ ડૉલર ચાલી રહ્યો છે.


