Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બધો આધાર ઇલેક્શનના પરિણામ પછીના દિવસો પર : જેટલું તૂટશે એટલું રિકવર થશે અને પછી ઊછળશે

બધો આધાર ઇલેક્શનના પરિણામ પછીના દિવસો પર : જેટલું તૂટશે એટલું રિકવર થશે અને પછી ઊછળશે

13 May, 2024 06:43 AM IST | Mumbai
Jayesh Chitalia

વીતેલા સપ્તાહમાં ઓછા મતદાનના ભયમાત્રથી બજારને કડાકાના જોરદાર આંચકા લાગ્યા. નવા સપ્તાહમાં ઇન્ફ્લેશન ડેટા અને યુએસ આર્થિક સંજોગો પર નજર રહેશે. બાકી ઇલેક્શન પર તો નજર છે જ. બધું બરાબર રહ્યું તો જેટલું તૂટ્યું છે એટલું રિકવર થઈને હજી ઊછળશે

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારના ટ્રેન્ડ સામે હવે સવાલો વધવા લાગ્યા છે, ચૂંટણીનો દોર આગળ ને આગળ ચાલતાં હવે લોકોની નજર જૂન પર મંડાવાની શરૂ થઈ છે. મોદી સરકાર પાછી આવશે અને વધુ બેઠકો સાથે આવશે એવા વિશ્વાસે માર્કેટ ધારણા કરતાં ઑલરેડી વધુ ઊંચે ગયા બાદ હાલ વૉલેટિલિટીએ માર્કેટ પર પકડ જમાવી છે. જોકે ઓછા મતદાનના અહેવાલોએ ચૂંટણીના પરિણામની અનિશ્ચિતતા ઊભી કરતાં માર્કેટ પર ગયા સપ્તાહમાં જોરદાર નેગેટિવ અસર થઈ હતી. બીજી બાજું, ફૉરેન ઇન્વેસ્ટર્સ સતત વેચવાલીનું આક્રમણ કરી રહ્યા હોવાથી પણ માર્કેટ તૂટતું રહ્યું. ચોથા ક્વૉર્ટરનાં કૉર્પોરેટ પરિણામ એકંદરે સારાં રહેવા છતાં એની પૉઝિટિવ અસર જોવાઈ નહીં.  

માર્કેટકૅપના ધોવાણનું સપ્તાહ
ગયા સપ્તાહનો પ્રથમ દિવસ વૉલેટિલિટી સાથે શરૂ થયો અને અંતમાં માર્કેટ ફ્લૅટ બંધ રહ્યું. જોકે મિડકૅપ અને સ્મૉલકૅપ સ્ટૉક્સમાં ગાબડાં પડ્યાં હતાં. આ કરેક્શન સારું હતું એ માનવું રહ્યું. મંગળવારે પણ વેચવાલીનો દોર ચાલુ રહ્યો, કંઈક અંશે પ્રૉફિટ-બુકિંગનું પરિબળ કામ કરી રહ્યું હતું. સેન્સેક્સ ૩૮૪ પૉઇન્ટ અને નિફ્ટી ૧૪૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. ખાસ કરીને રિયલ્ટી સ્ટૉક્સમાં મોટી વેચવાલી હતી, જેના ભાવ અગાઉના દિવસોમાં નોંધપાત્ર ઊંચા ગયા હતા. આ સેક્ટરમાં તેજીની ધારણા હજી પણ અકબંધ છે. આ સાથે સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સનું ધોવાણ પણ ચાલુ રહ્યું હતું. બુધવારે પણ માર્કેટનો મૂડ કરેક્શનનો જ રહ્યો હતો. જોકે સ્મૉલ-મિડકૅપમાં કંઈક અંશે રિકવરી જોવાઈ હતી, જે નીચા ભાવે આશાસ્પદ ખરીદીનો સંકેત ગણી શકાય. જોકે માર્કેટની વધઘટ સાથે સેન્સેક્સ માત્ર ૪૫ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. ગુરુવારે બજારે નેગેટિવ મૂડ સાથે શરૂઆત કરી છેવટ સુધી માત્ર કડાકા જ દર્શાવ્યા હતા. સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ ઉપર તૂટી ગયો અને નિફ્ટી ૪૫ પૉઇન્ટના ક્રૅશ સાથે ૨૨,૦૦૦ નીચે ઊતરી ગયો હતો. સ્મૉલ અને મિડકૅપ ઇન્ડેક્સમાં પણ મોટાં ગાબડાં પડ્યાં. બૅન્ક નિફ્ટી ૫૦૦ પૉઇન્ટ તૂટ્યો હતો. ફૉરેન રોકાણકારોના સેલિંગ પ્રેશરે તેમ જ ઇલેક્શનની અનિશ્ચિતતાએ કડાકામાં મોટી ભૂમિકા ભજવી હતી. એમાં વળી યુએસ ફેડરલ રિઝર્વનો અભિગમ પણ નકારાત્મક પરિબળ બન્યો હતો. કરેક્શનને બ્રેક લાગી
શુક્રવારે બજારના કડાકા જેવા કરેક્શનને બ્રેક લાગી અને અંતમાં સેન્સેક્સ ૨૬૦ પૉઇન્ટ અને નિફ્ટી ૯૭ પૉઇન્ટના સુધારા સાથે ૨૨,૦૦૦ની ઉપર પાછો ફરી ગયો હતો. ઘટ્યા ભાવોએ ખરીદી આવી હતી. ચૂંટણીના પરિણામ પૂર્વેના દિવસોમાં વૉલેટિલિટી ઇન્ડેક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ગયા ઇલેક્શનમાં પણ આવું જ જોવામાં આવ્યું હતું, જેથી અત્યારનું કરેક્શન ખરીદીની તક ગણાવવામાં આવે છે, કારણ કે પરિણામ બાદ માર્કેટ ઊંચકાશે અને ઝડપથી વધશે એવી ધારણા મક્કમ બની રહી છે. હાલ ગ્લોબલ માર્કેટ રૅલી સારી ચાલી રહી હોવાનું નોંધાયું છે. આગામી દિવસો હજી વૉલેટિલિટીના જ રહે તો નવાઈ નહીં. રાજકીય સંકેતો હાલ બજારને વધઘટ કરાવ્યા કરશે. જૂનના પ્રથમ સપ્તાહ સુધી માહોલમાં ગડમથલ ચાલ્યા કરશે, જે વધઘટને તોફાની રાખી શકે, આવામાં લગડી સ્ટૉક્સ પર જ ફોકસ કરો, બાકી ટ્રેડિંગ માટે જોખમ લેવું હોય તો સ્મૉલ–મિડકેપ સ્ટૉક્સ પર ધ્યાન આપો.


ફૉરેન ઇન્વેસ્ટર્સની એપ્રિલની લે-વેચ
એક નોંધવા જેવી બાબત એ છે કે ફૉરેન ઇન્વેસ્ટર્સે એપ્રિલના બીજા પખવાડિયામાં ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેક્ટરના સ્ટૉક્સમાં ઊંચી વેચવાલી કરી છે, આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વેચાણ આ સ્ટૉક્સનું કરાયું છે. છેલ્લા ચાર મહિનાનો ગાળો ગણતરીમાં લઈએ તો આ સ્ટૉક્સનું વેચાણ ૪૬,૦૦૦ કરોડ રૂપિયા જેટલું થયું છે. આમ બનવાનું કારણ રિઝર્વ બૅન્ક દ્વારા લિસ્ટેડ બૅન્કો અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ, ફિનટેક કંપનીઓ પર મુકાયેલા અંકુશો ગણાય છે. જ્યારે કે ફૉરેન ઇન્વેસ્ટર્સે ટેલિકમ્યુનિકેશન સ્ટૉક્સમાં ૬૬૦૦ કરોડ રૂપિયાની ખરીદી કરી છે. આમ તો એપ્રિલના બીજા પખવાડિયામાં ફૉરેન ઇન્વેસ્ટર્સે ૧૪ જુદાં-જુદાં સેક્ટર્સના ૨૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કર્યું છે. અલબત્ત, એક ધારણા એવી છે કે આ રોકાણકારો હાલના માહોલમાં પ્રૉફિટ-બુકિંગનો અભિગમ અપનાવી રહ્યા છે, જ્યારે કે ભાવિ વિકાસની સંભાવના ધરાવતા સ્ટૉક્સમાં ખરીદી પણ કરી રહ્યા છે. આ જાયન્ટ ઇન્વેસ્ટર્સના ટ્રેન્ડ પર ધ્યાન રાખવા જેવું ખરું. અહીં એ જાણવું જરૂરી છે કે આ બધી માહિતી અખબારો તેમ જ એક્સચેન્જની વેબસાઇટ પર મળતી હોય છે, જે તમને તમારો વ્યૂહ લેવામાં સહાયરૂપ થઈ શકે છે.

ડીમૅટ અકાઉન્ટ્સની વધતી સંખ્યા 
રોકાણકારોનો શૅરબજારમાં સતત રસ અને પ્રવાહ વધી રહ્યો છે. સેન્ટ્રલ ડિપોઝિટરીએ ૨૦૨૩-’૨૪ના છેલ્લા ક્વૉર્ટરમાં-માત્ર ત્રણ મહિનામાં એક કરોડથી વધુ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ખોલ્યાં છે, જે આ હકીકતનો સજ્જડ પુરાવો ગણાય. આ સાથે સેન્ટ્રલ ડિપોઝિટરી પાસે કુલ ડીમૅટ અકાઉન્ટ્સની સંખ્યા ૧૧.૫૦ કરોડ ઉપર પહોંચી છે. એક અભ્યાસ મુજબ રોજના સવા લાખ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ઓપન થાય છે. નાનાં શહેરોમાંથી આ પ્રવાહ વધુ આવી રહ્યો છે, આમાં હજી વૃદ્ધિ થવાની આશા છે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

ફ્યુચર્સ-ઑપ્શન્સ ટ્રેડિંગ માટે સમય વધારવાની નૅશનલ સ્ટૉક એક્સચેન્જની દરખાસ્ત સેબીએ હાલ નકારી કાઢી છે. 
દેશનો આર્થિક વિકાસદર ૨૦૨૪માં ૮ ટકાને સ્પર્શે એવી આશા ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝરે વ્યક્ત કરી છે. 
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત મુજબ ૮૧ લિસ્ટેડ જાહેર સાહસોના માર્કેટકૅપમાં ત્રણ વર્ષમાં ૨૨૫ ટકા વૃદ્ધિ નોંધાઈ છે અર્થાત આ સ્ટૉક્સ ધરાવનારની મૂડીમાં આટલી વૃદ્ધિ થઈ છે. આમાં ૧૨ જાહેર ક્ષેત્રની બૅન્કો સામેલ છે. 
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે એનો પાયાનો વ્યાજદર ૫.૨૫ ટકાએ જાળવી રાખ્યો છે. એ રેટ કટ તરફ આગળ વધી રહી છે, જે પરિસ્થિતિમાં સુધારાનો સંકેત આપે છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 06:43 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK