આ શબ્દો છે SEBIનાં ચૅરપર્સનના : F&Oમાં લૉ સાઇઝ વધારવા સહિતનાં વિવિધ અંકુશાત્મક પગલાં અમલમાં મૂકવાની તૈયારીમાં છે SEBI
SEBIનાં ચૅરપર્સન માધબી બુચ સાથે ડાબેથી NSE ક્લિયરિંગ કૉર્પોરેશનના CEO વિક્રમ કોઠારી, NSE ઇન્ડાઇસિસ કંપનીના CEO મુકેશ અગ્રવાલ, NSEના MD આશિષકુમાર ચૌહાણ, CDSLના MD નેહલ વોરા અને NSEના ચીફ રેગ્યુલેટરી ઑફિસર પીયૂષ ચૌરસિયા
ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ (F&O) ટ્રેડિંગમાં વર્ષે ભારતીય રોકાણકારો (ટ્રેડર્સ) પોતાની ઘરગથ્થુ બચતનાં નાણાંમાંથી આશરે ૬૦,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવે છે. આ આંકડો આંચકાજનક અને ગંભીર ગણાય. આ શબ્દો છે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)નાં ચૅરપર્સન માધબી પુરી-બુચનાં. મંગળવારે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)માં યોજાયેલા એક પ્રસંગમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યાં ત્યારે તેમણે પત્રકાર પરિષદ દરમ્યાન આ નિવેદન કર્યું હતું. ઇન્ટ્રા-ડે ઇક્વિટી શૅર ટ્રેડિંગમાં દસમાંથી સાત લોકો નાણાં ગુમાવે છે એવો રિપોર્ટ તાજેતરમાં જ SEBIએ બહાર પાડ્યો હતો. આ પહેલાં SEBIએ F&Oમાં દસમાંથી નવ લોકો નાણાં ગુમાવતા હોવાનો અહેવાલ બહાર પાડ્યો હતો. હવે SEBI ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગના કિસ્સામાં વિવિધ અંકુશાત્મક પગલાં અમલમાં મૂકવાની તૈયારીમાં છે.
પૅસિવ ફન્ડ્સ માટે ખાસ વેબસાઇટ
ADVERTISEMENT
NSEએ ઇન્ડિયન કૅપિટલ માર્કેટમાં ટેક્નૉલૉજી અને રિફૉર્મ્સ મારફત આવેલા પરિવર્તન સંબંધી તૈયાર કરેલા એક અભ્યાસપૂર્ણ અહેવાલનું માધબી પુરી - બુચે વિમોચન કર્યું હતું તેમ જ NSE તરફથી પૅસિવ ફન્ડ્સ માટે તૈયાર કરેલી દેશની પ્રથમ ડેડિકેટેડ વેબસાઇટનું પણ તેમણે લૉન્ચિગ કર્યું હતું. આ વેબસાઇટ પૅસિવ ફન્ડ્સ-ઇન્ડેક્સ ફન્ડ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) વિશે અથથી ઇતિ માહિતી અને માર્ગદર્શન આપે છે, જે રોકાણકારો માટે બહુ જ ઉપયોગી સાબિત થાય એવી છે.
સટ્ટાના અતિરેકને ડામવાનું લક્ષ્ય
F&O સેગમેન્ટમાં થતા સટ્ટાના અતિરેકને ડામવાના અને ખાસ કરીને રીટેલ રોકાણકારો એમાં મોટા પાયે નાણાં ગુમાવી માર્કેટનો વિશ્વાસ ગુમાવી રહ્યા હોવાથી SEBIને અંકુશનાં પગલાં લેવાની ફરજ પડી છે. આમાં કૉન્ટ્રૅક્ટની વૅલ્યુ-સાઇઝ વધારવા સહિત મલ્ટિપલ ઑપ્શન એક્સપાયરી પર અંકુશ લાવવા માગે છે. બ્રોકરો ગ્રાહકો પાસે અપફ્રન્ટ ધોરણે ઑપ્શન્સ પ્રીમિયમ કલેક્ટ કરે એવી પણ જોગવાઈ થશે. SEBI માર્જિન ટ્રેડિંગ ફન્ડિંગ વિશે પણ ચોક્કસ અંકુશો લાવવા વિચારશે, એવો સંકેત પણ અપાયો હતો.
આ પ્રસંગે NSEના મૅનેજિંગ ડિરેક્ટર આશિષ કુમાર ચૌહાણે પ્રાસંગિક વક્તવ્ય આપીને SEBIનાં ચૅરપર્સનને આવકાર આપ્યો હતો. NSEના ઉચ્ચ અધિકારી મુકેશ અગ્રવાલે ભારતીય ઇકૉનૉમી અને માર્કેટના વિકાસના ડેટા જાહેર કરી આગામી સમયનો ઉજ્જ્વળ ચિતાર રજૂ કર્યો હતો. આ કૅપિટલ માર્કેટના ટ્રાન્સફૉર્મેશનના રિપોર્ટને તૈયાર કરવામાં તેમણે અને NSEના રિસ્ક મૅનેજમેન્ટ અધિકારી પીયૂષ ચાૈરસિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે કૅપિટલ માર્કેટની અગ્રણી સંસ્થાઓ-હસ્તીઓ હાજર રહ્યાં હતાં.

