ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > બિઝનેસ સમાચાર > > > મેટલ, પાવર, એનર્જીના ભારમાં બજારની સુધારાની મથામણ પર પાણી ફરી વળ્યું

મેટલ, પાવર, એનર્જીના ભારમાં બજારની સુધારાની મથામણ પર પાણી ફરી વળ્યું

11 May, 2022 04:48 PM IST | Mumbai
Anil Patel

બીટકૉઇન ૩૦,૦૦૦ ડૉલરની અંદર, ૧૦ મહિનાની બૉટમ બની, ૬ મહિનામાં ભાવ અડધાથી વધુ ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

અજન્ટા ફાર્માના બોનસ પર નબળાં પરિણામ હાવી રહ્યાં, શૅર ઉપલા મથાળેથી ૧૧૪ રૂપિયા ડાઉન થયો : અદાણી-વિલ્મર સતત પાંચમા દિવસે મંદીની સર્કિટમાં : કોલ ઇન્ડિયા સાડાસાત ટકાના ધોવાણમાં નિફ્ટી ખાતે, તો તાતા સ્ટીલ સાત ટકા પીગળી સેન્સેક્સમાં ટૉપ લુઝર બન્યા : રિલાયન્સ વધુ પોણાબે ટકા બગડીને બજારને સૌથી વધુ નડ્યો : માર્કેટ-બ્રેડ્થ બગડેલી રહી

અમેરિકન ડાઉ બે ટકાની ખરાબીમાં ૩૨૨૪૫ની વર્ષની તથા નૅસ્ડૅક સવાચાર ટકાના ધોવાણમાં ૧૧૬૨૩ની દોઢ વર્ષની નીચી સપાટીએ સોમવારે બંધ થયા એની પાછળ એશિયા માટેનો એમએસસીઆઇ ઇન્ડેક્સ પણ બે વર્ષની બૉટમ પર આવી ગયો છે. કહે છે કે નૅસ્ડૅક ખાતે છેલ્લા ત્રણ દિવસની ખરાબીમાં દોઢ લાખ કરોડ ડૉલર એટલે કે આશરે ૧૧૬ લાખ કરોડ રૂપિયાનું માર્કેટકૅપ સ્વાહા થઈ ગયું છે. મંગળવારે એશિયા ખાતે ચાઇના અને થાઇલૅન્ડ એકાદ ટકો સુધર્યા હતા. હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, સિંગાપોર તથા ઇન્ડોનેશિયા સવા ટકો તો જપાન અને સાઉથ કોરિયા અડધા ટકાની આસપાસ નરમ હતા. વિશ્વસ્તરે વ્યાજદરમાં વધારાનો નવો દોર શરૂ થયો છે. સસ્તાં નાણાં કે ટ્રી મનીનો યુગ પૂરો થયો છે. એની સાથે ઍડ્જસ્ટ થતાં શૅરબજારોને સમય લાગશે. ત્યાં સુધી વધ-ઘટે વલણ ઘટાડાનું રહેવાનું છે. ડાઉન ફ્યુચર તથા યુરોપનાં શૅરબજારો મંગળવારે નીચલા મથાળે ટેકારૂપ લેવાલીમાં એકથી પોણાબે ટકાના પ્રત્યાઘાતી સુધારામાં દેખાયાં છે. ક્રૂડ ઘટીને ૧૦૫ ડૉલરે આવી ગયું છે. કૉપર, ઝ‌િન્ક, ઍલ્યુમિનિયમ, ટ‌િન, સીસા જેવી ઇન્ડસ્ટ્ર‌િયલ મેટલ બેથી પોણાછ ટકા વધુ ડાઉન થઈ છે. ઘરઆંગણે સેન્સેક્સ ૧૦૬ પૉઇન્ટ તથા નિફ્ટી ૬૨ પૉઇન્ટ ઘટ્યા છે. દિવસ દરમ્યાન ઊથલપાથલ જોકે પ્રમાણમાં મોટી હતી. સેન્સેક્સ નીચામાં ૫૪૨૬૯ બતાવીને બાઉન્સબૅકમાં ૫૪૮૫૭ વટાવી ગયા બાદ છેલ્લા અડધા કલાક દરમ્યાન ૫૪૨૨૬ જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટીના મામૂલી ઘટાડા વચ્ચે ગઈ કાલે બ્રૉડર માર્કેટ એક ટકો તથા રોકડું બે ટકા જેવું ખરડાયું છે. ઈવન બીએસઈનો લાર્જકૅપ ઇન્ડેક્સ પણ ૯૦માંથી ૬૩ શૅરના ઘટાડે પોણો ટકો ડાઉન હતો. સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૯૧૮માંથી ૧૧૫ શૅર પ્લસમાં આપીને ૫૬૩ પૉઇન્ટ કે ૨.૧ ટકા ધોવાયો છે. એફએમસીજી તથા ફાઇનૅન્સના સાધારણ અને બૅન્કેક્સના અડધા ટકાના સુધારાને અપવાદ ગણતાં બાકીના તમામ ઇન્ડેક્સ માઇનસ ઝોનમાં હતા. મેટલ ઇન્ડેક્સ તમામ શૅરની ખરાબીમાં સર્વાધિક ૫.૬ ટકા કે ૧૧૪૦ પૉઇન્ટ લથડ્યો છે. પાવર તથા યુટિલિટીઝ બેન્ચમાર્ક સાડાચાર ટકા આસપાસ તો એનર્જી ઇન્ડેક્સ અઢી ટકા ડૂલ થયો છે. રિયલ્ટી બેન્ચમાર્ક ત્રણ ટકા તૂટ્યો છે. માર્કેટ-બ્રેડ્થમાં કંગાલિયત બરકરાર છે. એનએસઈમાં વધેલા ૪૦૭ શૅર સામે ગઈ કાલે ૧૬૮૬ કાઉન્ટર રેડ ઝોનમાં રહ્યા છે. બીએસઈ ખાતે ઘટેલા ૨૪૭૭ શૅરમાંથી ૩૩૯ જાતો મંદીની સર્કિટમાં બંધ થઈ છે. 
બીટકૉઇન ૩૦,૦૦૦ ડૉલરની નીચે, ૧૦ મહિનાનું બૉટમ બન્યું
ક્રિપ્ટો સેગમેન્ટની હાલત પણ શૅરબજાર જેવી છે. માર્કેટ લીડર બીટકૉઇન મંગળવારે નીચામાં ૨૯૭૬૩ ડૉલર થયો હતો, જે ૨૦ જુલાઈ ૨૦૨૧ પછીના ૧૦ મહિનાની બૉટમ છે ત્યારે ભાવ નીચામાં ૨૯૩૦૧ ડૉલર થયો હતો. ગયા વર્ષે નવેમ્બરના સેકન્ડ વીક દરમ્યાન બીટકૉઇન ૬૮૯૯૧ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો. ૬ મહિનામાં ભાવ અડધાય નથી રહ્યા. ઇન્ડિયન કરન્સીમાં બીટકૉઇન ૨૦૨૧ની ૧૦ નવેમ્બરે ૫૩.૩૭ લાખ રૂપિયાના બેસ્ટ લેવલે જોવા મળ્યો હતો, જે ગગડતો રહીને ગઈ કાલે નીચામાં ૨૩.૧૮ લાખ થઈ રનિંગ ક્વોટમાં ૨૪.૩૩ લાખ રૂપિયા દેખાતો હતો. રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરીના પગલે ડૉલર સામે ૭૭.૪૬ની ઑલટાઇમ બૉટમ બતાવનાર રૂપિયો ગઈ કાલે ૧૩ પૈસા જેવા સામાન્ય સુધારામાં ૭૭.૩૩ રહ્યો છે. દરમ્યાન મંગળવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૨ તથા નિફ્ટીના ૫૦માંથી ૧૬ શૅર વધ્યા હતા. હિન્દુસ્તાન યુનિલીવર સવાત્રણ ટકાની મજબૂતીમાં ૨૧૮૪ બંધ આપી બન્ને બજારમાં મોખરે હતો. એશિયન પેઇન્ટ્સ તરફથી માર્ચ ક્વૉર્ટરમાં ૨૦.૬ ટકાના વધારામાં ૭૮૯૦ કરોડની આવક ઉપર નહીંવત્ ઘટાડામાં ૮૫૦ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શ્રીલંકાની આર્થિક કટોકટી તથા શ્રીલંકન રૂપીના અવમૂલ્યનને કારણે ૪૮ કરોડ સહિત કુલ ૧૧૫ કરોડની વન ટાઇમ કે અસાધારણ લૉસની જોગવાઈ કંપનીએ કરી છે એની અસર નેટ પ્રૉફિટ પર થઈ છે. શૅર ૩૧૩૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અઢી ટકા વધી ૩૦૮૪ના બંધમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. જ્યારે ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૪ ટકા વધી ૯૧૧નો બંધ આપી ત્યાર પછી ત્રીજા ક્રમે હતી. તાતા સ્ટીલ બમણા કામકાજ સાથે નીચામાં ૧૧૫૮ થઈ સાત ટકાના કડાકામાં ૧૧૬૫ બંધ આપી બન્ને બજાર ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે.
રિલાયન્સનો માર બરકરાર, અદાણીના તમામ શૅર ડાઉન
રિલાયન્સમાં પરિણામનો વસવસો ચાલુ રહેતાં શૅર ગઈ કાલે નીચામાં ૨૪૫૯ થઈ વધુ પોણાબે ટકા બગડી ૨૪૭૩ બંધ થયો છે જેને લીધે બજારને સર્વાધિક ૧૩૪ પૉઇન્ટની હાનિ થઈ છે. તાતા સ્ટીલની ખુવારી એમાં ૬૧ પૉઇન્ટનો ઉમેરો બની હતી. રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા પોણાપાંચ ટકા, ટીવી૧૮ સવાછ ટકા, નેટવર્ક૧૮ પોણાબે ટકા, જસ્ટ ડાયલ ત્રણેક ટકા, હેથવે કેબલ પોણાપાંચ ટકા, ડૅન નેટવર્ક પોણા બે ટકા, આલોક ઇન્ડ. પોણાપાંચ ટકા અને સ્ટર્લિંગ  વિલ્સન પોણાત્રણ ટકા ગગડ્યા છે. અદાણી ગ્રુપ મંગળવારે સારા એવા ધોવાણમાં હતું. ફ્લૅગશિપ અદાણી એન્ટર ચાર ટકા, અદાણી પોર્ટ્સ ૨.૭ ટકા, અદાણી પાવર પાંચ ટકાની નીચલી સર્કિટે, અદાણી ટ્રાન્સમિશન ૨૧૯ રૂપિયા કે ૮.૧ ટકા, અદાણી ગ્રીન ૨૨૧ રૂપિયા કે સવાઆઠ ટકા અને અદાણી ટોટલ અડધો ટકો ડૂલ થયા છે. અદાણી વિલ્મર સતત પાંચમી મંદીની સર્કિટમાં સતત આઠમા દિવસે ગગડી પાંચ ટકાની ખરાબીમાં ૫૮૩ જોવાયો છે. રામદેવની રુચિ સોયા ઇન્ડ. પોણાત્રણ ટકાની નરમાઈમાં ૧૦૪૪ હતી. અદાણીના શૅરોની ખરાબી સાથે એનએચપીસી, ટૉરન્ટ પાવર, તાતા પાવર, એબીબી, ગેઇલ, રિલાયન્સ પાવર, વાટેક વાબેગ, રિલાયન્સ ઇન્ફ્રા, બીએફ યુટિલિટીઝ, પીટીસી જેવી જાતો ત્રણથી પાંચ ટકા તૂટતાં પાવર અને યુટિલિટીઝ બેન્ચમાર્ક સાડાચાર ટકાની આજુબાજુ ગગડ્યા છે. દીપ ઇન્ડસ્ટ્રીઝ પોણાચૌદ ટકા, ઑઇલ ઇન્ડિયા ૯ ટકા, કોલ ઇન્ડિયા સાત ટકા, ઓએનજીસી સવાછ ટકા તૂટતાં એનર્જી ઇન્ડેક્સ અઢી ટકા કટ થયો છે. 
બૅન્કિંગના ૩૬માંથી ૧૦ શૅર વધવા છતાં બૅન્ક નિફ્ટી પૉઝિટિવ ઝોનમાં 
બજારના ખરાબ આંતરપ્રવાહ વચ્ચે બૅન્ક નિફ્ટી સર્વાધિક ૦.૬ ટકા કે ૨૦૭ પૉઇન્ટ વધ્યો છે. જોકે એના ૧૨માંથી ૯ શૅર માઇનસ હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક અને એચડીએફસી બૅન્ક દોઢેક ટકાથી માંડીને અઢી ટકાની નજીક પ્લસ થયા છે. પીએસયુ સેગમેન્ટમાં યુનિયન બૅન્ક એક ટકો વધી હતી. પંજાબ સિંધ બૅન્ક જૈસે-થે હતી. બાકીનાં ૧૦ કાઉન્ટર ડાઉન હતાં. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ બરોડા સવાબે ટકાની આજુબાજુ કટ થયા છે. સ્મૉલ બૅન્કમાં ઇક્વિટાસ યથાત્ હતી. સૂર્યોદય બૅન્ક પોણાત્રણ ટકા અને ફીનો પેમેન્ટ બૅન્ક સવાબે ટકા ઘટી છે. ખાનગી ઉદ્યોગની ૧૯માંથી ૯ બૅન્ક વધી છે, પણ ઍક્સિસ બૅન્ક નબળાઈની હૅટ ટ્રિકમાં ૦.૭ ટકા ઘટીને ૬૬૦ની અંદર ગઈ છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૮માંથી ૩૦ શૅરના સુધારામાં સાધારણ સુધર્યો છે. આવાસ ફાઇ. ઇન્ટ્રા-ડેમાં ૨૩૮૦ થઈ સવાચાર ટકાની તેજીમાં ૯૫ રૂપિયા ઊંચકાઈને ૨૨૯૯ હતો. સામે એપ્ટ્સવૅલ્યુ પાંચ ટકા તૂટી ૨૯૧ રહ્યો છે. એચડીએફસી દોઢ ટકો વધી ૨૨૦૦ હતો. પૂનાવાલા ફિનકૉર્પમાં સાડાપાંચ ટકાની ખુવારી હતી. ઑટો સેગમેન્ટમાં મારુતિ બે ટકાની આગેકૂચમાં ૭૫૧૭ થયો છે. તાતા મોટર્સ ત્રણ ટકા ગગડી ૩૯૨ હતો. આઇશર સવાત્રણ ટકા વધ્યો છે. હિન્દુ યુનિલીવર સાથે મારિકો, ગોદરેજ કન્ઝ્યુમર, વરુણ બિવરેજિસ, કોલગેટ, નેસ્લેના સુધારામાં એફએમસીજી ઇન્ડેક્સ સામાન્ય વધ્યો છે. આઇટીસી સવા ટકાની નરમાઈમાં ૨૬૦ નજીક ગયો છે. પરિણામ ૧૮ મેએ છે. 
સનફાર્માને યુએસએફડીએ નડી, બોનસ છતાં અજન્ટા ફાર્મા ગગડ્યો 
ફાર્મા જાયન્ટ સનફાર્માના હાલોલ પ્લાન્ટની કામગીરીને લઈને યુએસ એફડીએ તરફથી ઑબ્ઝર્વેશન્સ નોટિસ જારી થવાના પગલે શૅર દોઢા કામકાજમાં નીચામાં ૮૪૫ થઈ ૨.૭ ટકાની ખરાબીમાં ૮૬૧ બંધ થયો છે. અજન્ટા ફાર્માએ બે શૅરદીઠ એક બોનસ જાહેર કર્યું છે. કંપનીની માર્ચ ક્વૉર્ટરની કામગીરી નબળી રહી છે. શૅર ૧૭૫૪ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૧૬૪૦ થઈ પોણાચાર ટકાની ખુવારીમાં ૧૬૫૭ બંધ થયો છે. ન્યુલૅન્ડ લૅબ પણ ખરાબ રિઝલ્ટમાં ૧૪૨૫ની ઇન્ટ્રા-ડે હાઈ પછી ૧૧૮૮ થઈ ૬ ગણા કામકાજમાં ૧૦૩ રૂપિયા કે પોણાઆઠ ટકા તૂટીને ૧૨૩૯ રહ્યો છે.
આઇટી ઇન્ડેક્સ ૬૨માંથી ૫૫ શૅરના ઘટાડા સાથે સવા ટકો કે ૩૮૦ પૉઇન્ટ બગડ્યો છે. ઇન્ફી એક ટકો, ટીસીએસ સાધારણ, ટેક મહિન્દ્ર દોઢ ટકો અને એચસીએલ સામાન્ય નરમ હતા. વિપ્રો સવા ટકો ઘટી ૪૭૮ થયો છે. રામકોસિસ્ટમ્સ ૮.૭ ટકા, ઇન્ફીબીમ ૭.૪ ટકા, રેટગેઇન સાત ટકા, ઇન્ટલેક્ટ ડડિઝાઇન ૬.૯ ટકા, તાન્લા સાડાછ ટકા, મૅપ માય ઇન્ડિયા સાડાછ ટકા, તાતા ઍલેક્સી પોણાછ ટકા કે ૪૧૪ રૂપિયા લથડ્યા છે. ૬૩ મૂન્સમાં પાંચ ટકાની સતત બારમી નીચલી સર્કિટ લાગી છે. નઝારા ટેક્નૉ ૫.૪ ટકા તૂટી ૧૨૭૫ના તળિયે પહોંચ્યો છે. ભારતી ઍરટેલ એક ટકો અને ઇન્ડસ ટાવર એક ટકાની નજીક સુધર્યા હતા. વોડાફોન અઢી ટકા, એમટીએનએલ સાડાચાર ટકા, એચએફસીએલ સાડાપાંચ ટકા, વીંધ્ય ટેલિ ત્રણેક ટકા ડૂલ થયા છે. 


11 May, 2022 04:48 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK