Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચાર દિવસમાં બજારના અઢી હજાર પૉઇન્ટ અને રોકાણકારોના સવાનવ લાખ કરોડ રૂપિયા ડૂલ

ચાર દિવસમાં બજારના અઢી હજાર પૉઇન્ટ અને રોકાણકારોના સવાનવ લાખ કરોડ રૂપિયા ડૂલ

19 April, 2024 07:03 AM IST | Mumbai
Anil Patel

દેશના સંસદીય ચૂંટણીના પ્રથમ તબક્કાનો આજે શુક્રવારથી આરંભ થઈ રહ્યો છે ત્યારે શૅરબજારની ગુરુવારની ચાલ બેશક અકળાવનારી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઇન્ફોસિસ અને બજાજ ઑટોનાં સારાં પરિણામો આજે બજારને સધિયારો આપે એવી આશા : પૉઝિટિવ ઓપનિંગ બાદ ૫૨૯ પૉઇન્ટ મજબૂત બનેલો સેન્સેક્સ દોઢ વાગતાં માત્ર ત્રણ મિનિટમાં ૬૫૦ પૉઇન્ટ તૂટી ગયો એની ભારે નવાઈ : દિવસ દરમ્યાન ૨૦૦૦ પૉઇન્ટની બેતરફી ઊથલપાથલમાં ટ્રેડર્સ ધોવાયા : વોડાફોનના ફૉલોઑન ઇશ્યુને પ્રથમ દિવસે પ્રોત્સાહક પ્રતિસાદ, ગ્રે માર્કેટમાં દોઢ રૂપિયાનું પ્રીમિયમ, સબ્જેક્ટ-ટૂમાં ૧૫૦૦નો રેટ : ભારતી ઍરટેલ નવી ટૉપ સાથે સવાસાત લાખ કરોડની કંપની બની, ભારતી હેક્સાકોમ તથા ઇન્ડ્સ ટાવર ઑલટાઇમ હાઈ : ક્રિસિલ નફાના વસવસામાં વધુ ઢીલો પડ્યો, જસ્ટ ડાયલ પરિણામ પાછળ ૧૧૬ ઊછળ્યો : રિલાયન્સની લોટસ ચૉકલેટ દમદાર રિઝલ્ટ બાદ પ્રૉફિટ બુકિંગનો શિકાર બની, એક્સાઇડમાં ૯ દિવસની તેજી અટકી

દેશના સંસદીય ચૂંટણીના પ્રથમ તબક્કાનો આજે શુક્રવારથી આરંભ થઈ રહ્યો છે ત્યારે શૅરબજારની ગુરુવારની ચાલ બેશક અકળાવનારી રહી છે. ત્રણ દિવસમાં ૨૦૪૦ પૉઇન્ટની ખરાબી બાદ બજાર ગઈ કાલે અઢીસો પૉઇન્ટ જેવું પ્લસમાં ૭૧,૧૮૩ ખૂલી ઉપરમાં ૭૩,૪૭૩ વટાવી ગયું ત્યારે બધાને લાગતું હતું કે નરમાઈની હૅટ-ટ્રિક પૂરી થઈ, પરંતુ દોઢ વાગ્યાની આસપાસ એકાએક માર્કેટ લથડ્યું, સેન્સેક્સ ત્રણ જ મિનિટમાં સાડાછસ્સો પૉઇન્ટની નોઝડાઇવ લગાવી રેડ ઝોનમાં ગયો અને ત્યાર પછી બેડોના થઈ શક્યો, જેમાં શેર આંક ઉપલા મથાળેથી ૧૧૦૭ પૉઇન્ટ તૂટી ૭૨,૩૬૬ની અંદર ગયા પછી છેવટે ૪૫૫ પૉઇન્ટના ઘટાડે ૭૨,૪૮૯ બંધ રહ્યો છે. નિફ્ટી ૧૫૨ પૉઇન્ટના બગાડમાં ૨૧,૯૯૬ થયો છે. આ સાથે છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ કુલ મળીને ૨૪૯૫ પૉઇન્ટ ધોવાયો છે, રોકાણકારોના ૯.૩૦ લાખ કરોડ રૂપિયા એમાં સાફ થઈ ગયા છે. દોઢ વાગ્યાની આસપાસ બજારમાં એકાએક વેચવાલીનાં પોટલાં છૂટ્યાં અને નાનકડા ધરતીકંપ જેવી સ્થિતિ જોવાઈ એ વિશે કોઈ જ સંતોષકારક કારણ મળતું નથી. બજારની ટેક્નિકલ નબળાઈ, અતિ ઊંચે ગયેલા વૅલ્યુએશનથી માંડીને ગીનગીન કે બદલો લેવાની ઇઝરાયલની મંશા સુધીની વિવિધ વાતો મંડાય છે, પરંતુ આ બધું વાર્તા જેવું છે. અમૃતકાળમાં સાચું બોલતા લોકોને ભારે શ્રમ પડી રહ્યો છે. વાત સમજાય તો ઇશારો કાફી છે. 

નાબાર્ડના ઑર્ડરના કરન્ટમાં ડાયનાકોન્સ નવા શિખરે 
સ્મૉલકૅપ આઇટી ઇન્ફ્રા કંપની ડાયનાકોન્સ સિસ્ટમ્સને નાબાર્ડ તરફથી ૨૩૩ કરોડનો ઑર્ડર મળવાના પગલે શૅર ૯ ગણા કામકાજે ૧૩૧૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૦ ટકા કે ૧૪ના ઉછાળે ૧૨૪૮ બંધ થયો છે. ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૧૦૧ ટકા વધી ગયેલો આ શૅર વર્ષ પૂર્વે ૩૫૬માં મળતો હતો. એક્સાઇડ ઇન્ડ. સળંગ નવમા દિવસની તેજીમાં ૪૮૧ની નવી ટોચે જઈ પ્રૉફિટ બુકિંગ શરૂ થતાં બે ટકા ઘટી ૪૫૦ બંધ થઈ છે. રિલાયન્સની જસ્ટ ડાયલે ૩૮ ટકાના વધારામાં ૧૧૬ કરોડ નજીકનો નફો દર્શાવ્યો છે. શૅર ૫૫ ગણા ચિક્કાર વૉલ્યુમે ૧૦૨૫ની ટૉપ બનાવી ૧૩ ટકા કે ૧૧૬ની તેજીમાં ૧૦૧૦ રહ્યો છે. રિલાયન્સની ૭૦ ટકા માલિકીની લોટસ ચૉકલેટ ૫૮૦ લાખની નેટલોસ સામે ૮૦ લાખના નફામાં આવી છે. ત્રિમાસિક આવક ૧૨૩૩ લાખથી વધી ૫૨૮૮ લાખ થઈ છે, પણ શૅર પાંચ ગણા કામકાજે સવાબાર ટકા બગડી ૩૯૫ની અંદર ગયો છે. હિન્દ રેક્ટિફાયર કોઈક સારા સમાચારની હવામાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૬૭૦ વટાવી ગઈ છે. અંબુજા સિમેન્ટ્સમાં અદાણીએ હોલ્ડિંગ વધારી ૭૦ ટકા પ્લસનું કર્યું છે. આઇસેક દ્વારા ૮૩૧ની ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ આવી છે. શૅર ત્રણ ગણા કામકાજે ૬૪૧ના બેસ્ટ લેવલે જઈ નજીવા ઘટાડે ૬૧૬ બંધ થયો છે. 

ઇન્ફીનાં દમદાર પરિણામો પછી એડીઆરમાં ઘટાડાથી ચિંતા
બજાર બંધ થયા પછી આઇટી અગ્રણી ઇન્ફોસિસે ધારણા કરતાં સારાં પરિણામ સાથે શૅરદીઠ ૨૮ રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ ચાલુ વર્ષ માટેનું રેવન્યુ ગાઇડન્સિસ ઘટાડીને એકથી ત્રણ ટકા કર્યું છે. કંપનીએ ૩૭,૯૨૩ કરોડની આવક સાથે ૭૯૬૯ કરોડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ કર્યો છે. ધારણા ૩૮,૪૧૩ કરોડ આવક અને ૬૧૨૮ કરોડના નફાની હતી. પરિણામ ચોક્કસ સારાં છે, પરંતુ રિઝલ્ટ બાદ અમેરિકા ખાતે ઇન્ફીનો એડીઆર ૧૬.૯૫ ડૉલરના આગલા બંધ સામે નરમ ખૂલી નીચામાં ૧૬.૦૪ ડૉલર થઈ રનિંગમાં સવાત્રણ ટકાના ઘટાડે ૧૬.૪૦ ડૉલર દેખાયો છે એ જોતાં ઇન્ફીની હાલત પણ ઘરઆંગણે ટીસીએસ જેવી થવાની આશંકા જાગે છે. બજાજ ઑટો ૧.૧ ટકો વધી ૯૦૧૮ બંધ હતો. બંધ બજારે કંપનીએ ૧૧,૦૯૬ કરોડની આવક અને ૧૮૧૬ કરોડના નફાની ધારણા સામે ૧૧,૨૫૦ કરોડની આવક તથા ૨૦૧૧ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. ૮૦૦ ટકાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. માથે પરિણામ વચ્ચે રિલાયન્સ ગઈ કાલે ઉપરમાં ૨૯૭૧ થઈ વેચવાલીના પ્રેશરમાં ૨૯૧૯ બતાવી નહીંવત ઘટાડે ૨૯૨૮ બંધ થયો છે. નેસ્લે તથા ટાઇટન સવાત્રણ ટકાથી વધુ ખરડાયા હતા. 

બ્રિટિશ ડિફેન્સ મિનિસ્ટ્રીના ઑર્ડરમાં માસ્ટેક તગડા ઉછાળે નવી ટોચે
પરિણામ પૂર્વે ઇન્ફોસિસ દોઢાથી વધુ વૉલ્યુમે ઉપરમાં ૧૪૪૪ વટાવી છેલ્લે અડધા ટકાના સુધારામાં ૧૪૨૦ બંધ થયો છે. ટીસીએસ બહેતર પરિણામ પછીય બે દિવસની નબળાઈ બાદ સાધારણ ઘટી ૩૮૬૩ હતો. મેક્વાયર દ્વારા લાટિમમાં ૭૦૫૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૬૨૫૦ કરાઈ હોવા છતાં ભાવ પોણો ટકો સુધરી ૪૬૯૯ રહ્યો છે. સામે વિપ્રો પરિણામની પૂર્વસંધ્યાએ એક ટકો ઘટી ૪૪૪ હતો. ટેક મહિન્દ્ર ૧.૪ ટકા અને એચસીએલ ટેક્નૉ સાધારણ નરમ હતી. સેકન્ડ લાઇન અને મિડકૅપ આઇટી શૅરો આથી વિપરિત ચાલમાં સારા એવા ઝળક્યા છે. માસ્ટેકને બ્રિટિશ ડિફેન્સ મિનિસ્ટ્રીનો ૧૨૦ કરોડ પાઉન્ડનો ઑર્ડર મળતાં શૅર ૧૨ ગણા વૉલ્યુમે ૨૦ ટકાના ઉછાળે ૩૧૦૦ વટાવી સવાઆઠ ટકાની મજબૂતીમાં ૨૭૯૬ થયો છે. મોસ્ચીપ ટેક્નૉ આઠ ગણા કામકાજે તેજીની ચાલ આગળ ધપાવતાં ૧૩૨ના શિખરે જઈ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ત્યાં જ રહ્યો છે. કોરિયન ઍરલાઇન સાથેની ડીલનો કરન્ટ જાળવી રાખતાં રામકો સિસ્ટમ્સ અઢી ગણા કામકાજે ૪૪૯ના બેસ્ટ લેવલે જઈ સવાનવ ટકાના જમ્પમાં ૪૨૨ વટાવી ગયો છે. ૧૦ એપ્રિલે અહીં ૩૨૦નો ભાવ હતો. મૅપ માય ઇન્ડિયા સવાપાંચ ટકા અને નેટવેબ ટેક્નૉ પોણાપાંચ ટકા અપ હતી. સોનાટા સૉફ્ટવેર પોણાત્રણ ટકા, ૬૩ મૂન્સ સાડાત્રણ ટકા, ન્યુજેન સૉફ્ટવેર ચાર ટકા તથા જેનેસિસ પાંચેક ટકા તૂટી છે. પહેલી એપ્રિલે ઑરેકલમાં ૯૦૨૧ની ઑલટાઇમ હાઈ બની ત્યાર પછી શૅર ઘસાતો રહ્યો છે. ભાવ ગઈ કાલે દોઢ ટકાની નરમાઈમાં ૭૭૪૦ હતો. પરિણામ ૨૪મીએ છે. આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૯ શૅરના ઘટાડે ૬૭ પૉઇન્ટ ઘટ્યો છે. 

ટેલિકૉમમાં તેજીની રિંગ વાગી, ભારતી ગ્રુપ ડિમાન્ડમાં
ટેરિફ રેટ ટૂંકમાં ૧૫-૧૭ ટકા વધવાના અહેવાલ વચ્ચે વોડાફોનના ૧૮,૦૦૦ કરોડના મેગા ઇશ્યુને એન્કર્સ બુકમાં મળેલા સારા પ્રતિસાદના પગલે ટેલિકૉમ શૅરોમાં તેજીનો રિંગટોન શરૂ થયો છે. જેફરીઝ તરફથી ૧૦૮૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુને લઈ મંગળવારે તગડો જમ્પ મારનારી ભારતી હેક્સાકોમ ૧૦૧૫ની વિક્રમી સપાટી નોંધાવી સાડાસાત ટકા ઊંચકાઈ ૯૭૨ થઈ છે. એમાં ૭૦ ટકા માલિકી ધરાવતી ભારતી ઍરટેલ ૧૨૮૧ની ઑલટાઇમ હાઈ બનાવી ૪.૨ ટકાના જોરમાં ૧૨૬૭ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર રહી છે. એનું માર્કેટકૅપ સાત લાખ કરોડ વટાવી ૭.૧૮ લાખ કરોડ થઈ ગયું છે. ભારતી ઍરટેલનો પાર્ટપેઇડ ૯૧૦ના બેસ્ટ લેવલે જઈ સવાછ ટકા વધી ૮૮૪ નજીક ગયો છે. વોડાફોન ૩ ટકાથી વધુનો તથા ભારતી ઍરટેલ ૪૮ ટકાનો સહપ્રમોટર તરીકે હિસ્સો ધરાવે છે એ ઇન્ડ્સ ટાવર ૩૫૪ નજીકની ટૉપ હાંસલ કરીને સાડાત્રણ ટકા વધી ૩૪૪ ઉપર પહોંચી છે. વોડાફોનનો શૅરદીઠ ૧૧ની અપર બેન્ડ સાથેનો ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો મેગા ફૉલોઑન ઇશ્યુ ગુરુવારે પ્રથમ દિવસે કુલ ત્રીસેક ટકા ભરાયો છે. ક્યુઆઇબી પોર્શન ૬૭ ટકા ભરાયો છે જે ભરણાને ધારણાથી સારો રિસ્પૉન્સ મળવાના અણસાર કહી શકાય. ગ્રે માર્કેટમાં દોઢ જેવું પ્રીમિયમ છે. સબ્જેક્ટ-ટૂમાં ૧૫૦૦ના રેટ ક્વોટ થાય છે. વોડાફોનનો શૅર આની અસરમાં ઉપરમાં સાડાતેર વટાવી સવાબે ટકા વધી ૧૩.૨૦ બંધ થયો છે. જીક્યુજી પાર્ટનરને ઇશ્યુમાં મોટા પાયે રસ હોવાની ચર્ચા છે. સ્ટરલાઇટ ટેક્નૉ. પોણાનવ ટકા ગગડી ૧૩૦ની અંદર ગઈ છે. ટેલિકૉમ ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુ રણકી ૨૬૦૨ના શિખરે બંધ થયો છે. 


જિયો ફાઇ. પરિણામની પૂર્વસંધ્યાએ ઑલટાઇમ હાઈ
બૅન્કિંગ ફાઇનૅન્સમાં નરમાઈ આગળ વધી છે. પ્રારંભિક મજબૂતી આભાસી નીવડી છે. બૅન્ક નિફ્ટી ૪૭,૮૩૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૪૬,૯૮૨ થઈ ૪૧૫ પૉઇન્ટ બગડી ૪૭,૦૬૯ રહ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ફક્ત ૧૪ શૅર પ્લસ હતા, જેમાંથી આઠ જાતો સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કિંગ સેક્ટરની હતી. સૂર્યોદય બૅન્ક સાડાછ ટકા, ઉત્કર્ષ બૅન્ક સવાચાર ટકા અને બૅન્ક ઑફ બરોડા પોણાબે ટકા વધી મોખરે હતી. એચડીએફસી બૅન્કનાં પરિણામ ૨૦મીએ છે. શૅર એક ટકો ઘટી બજારને ૯૮ પૉઇન્ટ નડ્યો છે. ઍક્સિસ બૅન્ક પોણાત્રણ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક સવા ટકા નજીક, સ્ટેટ બૅન્ક એક ટકા નજીક ઘટી હતી. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૫૦માંથી ૮૫ શૅરની નબળાઈમાં અડધો ટકો ડૂલ થયો છે. ધાની સર્વિસિસ ૫૫ની નવી ટોચે જઈ સાડાછ ટકાની આગેકૂચમાં બાવન નજીક સરકી છે. નફામાં પાંચ ટકાના ઘટાડાનો વસવસો જાળવી રાખતાં ક્રિસિલ સાડાત્રણ ટકાની વધુ ખરાબી સાથે ૪૫૧૯ હતો. જિયો ફાઇનૅન્શિયલનાં પરિણામ આજે, ૧૯મીએ છે. શૅર ૩૮૪ના શિખરે જઈ સાડાચાર ટકાની આગેકૂચમાં ૩૭૮ બંધ આવ્યો છે. એમસીએક્સ માથે પરિણામ વચ્ચે ચાર ટકા કે ૧૪૯ની આગેકૂચમાં ૩૮૯૪ થયો છે. શૅર ૨૩મી સુધીમાં નવી વિક્રમી સપાટી બતાવીને રહેશે. બીએસઈ લિમિટેડમાં મોતીલાલવાળા ૩૦૦૦નું ટાર્ગેટ લાવ્યા છે. શૅર ગઈ કાલે બે ટકા ઘટી ૨૭૮૧ હતો. આઇઆઇએફએલ ફાઇ. દ્વારા શૅરદીઠ ૩૦૦ના ભાવે ૯ શૅરદીઠ એકના પ્રમાણમાં રાઇટ જાહેર થયો
છે. શૅર અડધો ટકો ઘટીને ૪૨૦ બંધ હતો. 


 

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 07:03 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK