Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સળંગ ચોથા દિવસની નરમાઈમાં બજારે ‘૬૬’નું લેવલ ગુમાવ્યું, વીકલી ધોરણે એચડીએફસી બૅન્ક ૮ ટકા ખરડાયો

સળંગ ચોથા દિવસની નરમાઈમાં બજારે ‘૬૬’નું લેવલ ગુમાવ્યું, વીકલી ધોરણે એચડીએફસી બૅન્ક ૮ ટકા ખરડાયો

Published : 23 September, 2023 01:30 PM | IST | Mumbai
Anil Patel

બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલની નરમાઈ વચ્ચે પીએસયુ બૅન્ક નિફ્ટી સાડાત્રણ ટકાની તેજીમાં ઃ હેલ્થકૅર અને ફાર્મામાં વ્યાપક નબળાઈ, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ ઝોનમાં ઃ શમી હોટેલ્સમાં ૧૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો, ઝગલ પ્રીપેઇડ ડિસ્કાઉન્ટમાં ગયો ઃ ‘એ’ ગ્રુપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચાઇના વિદેશી રોકાણને આકર્ષિત કરવા સ્થાનિક કંપનીઓમાં વિદેશી હોલ્ડિંગની મહત્તમ મર્યાદા વધારવા વિચારી રહ્યું છે. હાલમાં આ લિમિટ ૩૦ ટકાની છે. આ પગલું અમલી બને તો આશરે સાડાનવ લાખ કરોડ ડૉલરનું માર્કેટ કૅપ ધરાવતું ચાઇનીઝ શૅરબજાર વિદેશી રોકાણ માટે ખાસ્સી ડિમાન્ડમાં આવવાની ગણતરી છે. આ હિલચાલની તાત્કાલિક અસરમાં શુક્રવારે શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ દોઢ ટકો અને હૉન્ગકૉન્ગ માર્કેટ સવાબે ટકા મજબૂત થયાં છે. એશિયા ખાતે થાઇલૅન્ડ અડધો ટકો તથા સિંગાપોર, તાઇવાન અને ઇન્ડોનેશિયા નહીંવતથી સાધારણ સુધર્યા હતા. જપાન અડધો ટકો તો સાઉથ કોરિયા સામાન્ય નરમ હતું. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી અડધા ટકા નજીક પ્લસ હતો. અન્ય બજાર સામાન્યથી માંડી અડધા ટકા જેવા માઇનસ હતાં. અમેરિકા ખાતે નૅસ્કેડ ઘટાડાની ચાલમાં ગુરુવારની મોડી રાત્રે વધુ પોણાબે ટકા ડાઉન થયું છે. વીકલી ધોરણે આ બજાર પોણાપાંચ ટકા બગડી ચૂક્યું છે. બ્રેન્ટ ક્રૂડ પોણા ટકાના સુધારામાં ફરી પાછું ૯૪ ડૉલરે આવી ગયું છે.

નરમાઈની હૅટ-ટ્રિકમાં ૧૬૦૯ પૉઇન્ટ ઘટ્યા પછી સેન્સેક્સ શુક્રવારે નેગેટિવ બાયસમાં ફ્લૅટ, ૬૬,૨૧૫ ખૂલી છેવટે ૨૨૧ પૉઇન્ટની વધુ કમજોરીમાં ૬૬,૦૦૯ બંધ થયો છે. ઊંટના ઢેકા જેવી ચાલમાં શૅર આંક ઉપરમાં ૬૬,૪૪૫ અને નીચામાં ૬૫,૯૫૩ થયો હતો. નિફ્ટી ૬૮ પૉઇન્ટના ઘટાડે ૧૯,૬૭૪ બંધ રહ્યો છે. બન્ને બજારના મોટા ભાગના સેક્ટોરલ રેડ ઝોનમાં હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ સવા ટકા અને નિફ્ટી ફાર્મા દોઢ ટકા પટકાયા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તથા રિયલ્ટી બેન્ચમાર્ક પોણો ટકો અને ઑઇલ-ગૅસમાં અડધા ટકાની નબળાઈ હતી. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅર વધવા છતાં ૧૨ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરની મજબૂતીમાં સાડાત્રણ ટકા ઊછળ્યો છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે.  
દરમ્યાન શુક્રવારે નવી દિલ્હીની સતત ખોટ કરતી સમી હોટેલ્સનો એકના શૅરદીઠ ૧૨૬ના ભાવનો ઇશ્યુ ૧૩૦ ખૂલી નીચામાં ૧૨૭ અને ઉપરમાં ૧૪૬ વટાવી ૧૪૩ ઉપર બંધ થતાં ૧૪ ટકા જેવો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે હૈદરાબાદી ઝગલ પ્રીપેઇડ ઓસિઅન સર્વિસિસ ૧૬૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં, ૧૬૨ ખૂલી ઉપરમાં ૧૭૬ અને નીચામાં ૧૫૬ની અંદર જઈને ૧૫૮ બંધ રહ્યો છે. સરવાળે અહીં સાડાત્રણ ટકાનું નેગેટિવ રિટર્ન મળ્યું છે. 



ટીસીએસ અને ટેક મહિન્દ્ર સુધારા સાથે નવી ટોચે, વિપ્રો સવાબે ટકા ડૂલ 
સેન્સેક્સના ૩૦માંથી ૧૩ અને નિફ્ટીના ૫૦માંથી ૨૦ શૅર સુધર્યા છે. ઇન્ડસઇન્ડ બૅન્ક બમણા વૉલ્યુમે ત્રણેક ટકા ઊછળી ૧૪૫૩ના બંધમાં બજાર ખાતે મોખરે હતી. મારુતિ સુઝુકી ૨૪૦ રૂપિયા કે ૨.૩ ટકાની મજબૂતીમાં ૧૦,૫૩૬ થયો છે. સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા, મહિન્દ્ર દોઢ ટકા, બજાજ ફીનસર્વ, એશિયન પેઇન્ટ્સ તથા ટેક મહિન્દ્ર એકાદ ટકો પ્લસ હતા. કોલ ઇન્ડિયા એક ટકો વધી ૨૮૩ વટાવી ગઈ છે. વિપ્રોમાં ચીફ ફાઇ. ઑફિસરના રાજીનામાના પગલે શૅર સવાબે ટકા ખરડાઈ ૪૧૯ નીચે ઊતરી ગયો છે. એચડીએફસી બૅન્ક દોઢા વૉલ્યુમે ૧.૬ ટકા ખરડાઈ ૧૫૨૯ના બંધમાં બજારને ૧૬૨ પૉઇન્ટ નડી છે. આ કાઉન્ટર સપ્તાહમાં આઠ ટકા ધોવાયું છે. ડૉ. રેડ્ડીઝ લૅબ પોણાત્રણ ટકા કે ૧૫૫ રૂપિયા ગગડ્યો છે. સિપ્લા ૧.૭ ટકા, યુપીએલ ૧.૬ ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકો, પાવરગ્રિડ અને સનફાર્મા સવા ટકાની આસપાસ, એસબીઆઇ લાઇફ તથા ડિવીઝ લૅબ એક ટકાથી વધુ, તાતા મોટર્સ એક ટકા, આઇટીસી તેમ જ આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકા નજીક નરમ હતા. રિલાયન્સ અડધો ટકો નજીક ઘટી ૨૩૫૪ તથા જિયો ફાઇ. ૨૨૮ નજીક આગલા લેવલે ફ્લૅટ હતો. અદાણી ગ્રુપ ખાતે અદાણી ટ્રાન્સમિશન એક ટકો, અદાણી ગ્રીન પોણો ટકો, અદાણી વિલ્મર તથા એસીસી એકાદ ટકો, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો, અદાણી એન્ટર અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ અડધો ટકો અને એનડીટીવી સામાન્ય નરમ હતા. ગ્રુપમાં એકમાત્ર અદાણી પાવર સીમિત સુધારે પૉઝિટિવ ઝોનમાં બંધ રહ્યો છે. ટીસીએસ ૪૦ ટકા કામકાજે ૩૬૩૩ની વર્ષની ટૉપ બતાવી ૩૬૦૩ નજીક બંધ થયો છે. ટેક મહિન્દ્ર પણ
૧૩૨૦ના શિખર બાદ એકાદ ટકો વધીને ૧૩૦૫ થયો છે. 


કરસન પટેલની એન્ટ્રીમાં ગ્લેનમાર્ક લાઇફ વધ્યો, ગ્લેનમાર્ક ફાર્મા ત્રણ ટકા ગગડ્યો 
ગ્લેનમાર્ક ફાર્માની ૮૨.૯ ટકા માલિકીની સબસિડિયરી ગ્લૅનમાર્ક લાઇફ સાયન્સમાં કરસન પટેલના નિરમા ગ્રુપે શૅરદીઠ ૬૧૫ના ભાવે ૫૬૫૧ કરોડમાં ૭૫ ટકા હિસ્સો લેવાના કરાર કર્યા છે. આના પગલે શૅર ત્રણ ટકા વધી ૬૪૫ બંધ થયો છે. નિરમાવાળાએ ગ્લૅનમાર્ક લાઇફના ડીલિસ્ટિંગનો ઇરાદો નહીં હોવાની ચોખવટ કરી છે, પરંતુ જે લોકો કરસન પટેલ અને નિરમા મૅનેજમેન્ટની મથારાવટી જાણે છે તેઓ વિશ્વાસ કરવા તૈયાર નથી. ઇન્વેસ્ટર્સની હકાલપટ્ટી કરીને આખી કંપની હડપ કરી લેવામાં આ લોકો બહુ માહેર છે. દરમ્યાન કરસન પટેલની નુવાકો વિસ્ટા ગઈ કાલે અડધો ટકો ઘટી ૩૬૭ તથા શ્રીરામ મલ્ટિટેક બે ટકા વધીને ૧૯ બંધ રહી છે. ગ્લૅનમાર્ક ફાર્મા ત્રણ ટકા ગગડી ૮૦૨ હતી. 
ગઈ કાલે હુડકો ૧૯ ટકાની તેજીમાં ૮૬ના શિખરે, આઇએફસીઆઇ સવાચૌદ ટકા ઊછળી ૨૩ની ટોચે, આઇટીઆઇ ૧૦ ટકાની તેજીમાં ૧૯૧, એમટીએનએલ નવ ટકાના જમ્પમાં ૨૯ની ઉપર નવી ટોચે તથા સેન્ટ્રલ બૅન્ક સાડાઆઠ ટકાની મજબૂતીમાં ૫૧ નજીક બંધ આપીને ‘એ’ ગ્રુપમાં મોખરે હતા. આ પાંચેપાંચ શૅર સરકારી છે. સેન્ચુરી ટેક્સટાઇલ સાડાછ ટકા વધી ૧૦૮૪ થઈ છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ સવાછ ટકા કે ૧૬૪ રૂપિયા ઊચકાઈ ૨૭૯૪ની ટોચે ગઈ છે. થ્રીએમ ઇન્ડિયા ૫ ટકા કે ૧૫૦૯ની તેજીમાં ૩૧,૪૧૦ થઈ છે. 
બર્ગર પેઇન્ટ્સ પાંચ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ૬૭૯નું શિખર બનાવી સાડાછ ટકા ઊછળીને ૬૬૮ બંધ આવી છે. વીર હેલ્થકૅર શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં પાંચ ટકાની ઊપલી સર્કિટમાં ૨૧.૬૫ રહ્યો છે. લાન્સર કન્ટેનર્સ એક શૅરદીઠ બે બોનસમાં એક્સ-બોનસ થતાં ૧૦૬ની ટૉપ બતાવી સાડાબાર ટકાના જમ્પમાં ૧૦૧ નજીક બંધ હતો. 

બૅન્કિંગના ૩૮માંથી ૩૦ શૅર વધ્યા, પીએનબી ગિલ્ટ ૨૦ ટકાની તેજીમાં બંધ 
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅર પ્લસ અને એક યથાવત્ રહેવા છતાં ૧૨ પૉઇન્ટ ઘટ્યો એ હેવી વેઇટ્સ એચડીએફસી બૅન્કની ખરાબીનું પરિણામ છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની તેજીમાં સાડાત્રણ ટકા વધ્યો છે. બૅન્કિંગના ૩૮માંથી ૩૦ શૅર વધ્યા હતા. બૅન્ક ઑફ બરોડા, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, કૅનેરા બૅન્ક, યુનિયન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક ચારથી સાડાઆઠ ટકા ઊચકાઈ છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક એકાદ ટકો, એચડીએફસી બૅન્ક ૧.૬ ટકા અને તામિલનાડુ બૅન્ક ૧.૭ ટકા કટ થઈ હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૮૬ શૅરના સુધારા વચ્ચે નહીંવત નરમ હતો. પીએનબી ગિલ્ટ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૮૨ નજીકના શિખરે બંધ હતો. કામકાજ ૨૯ ગણું હતું. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૫માંથી ૬૫ શૅરના ઘટાડે ૧.૩ ટકા બગડ્યો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ, સનફાર્મા, સિપ્લા, લુપિન, મેક્સ હેલ્થકૅર, ડિવીઝ લૅબ, ઝાયડ્સ લાઇફ, ગ્લૅનમાર્ક ફાર્મા, અલ્કેમ, ફોર્ટિસ, ડૉ. લાલ પેથલૅબ, આરતી ડ્રગ્સ, જેબી કેમિકલ્સ ઇત્યાદી જેવી ચલણી જાતો રેડ ઝોનમાં ગઈ છે. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા સવાચાર ટકા, બજાજ હેલ્થકૅર પોણાછ ટકા અને આર્ટિમિઝ મેડીકૅર સાડાનવ ટકા ઊછળ્યા હતા. 
એફએમસીજીમાં ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ ૮ ગણા કામકાજે ૩૨૬ની ટોચે જઈ ૬ ટકાના જમ્પમાં ૩૧૫ થયો છે. પ્રૉક્ટર ગૅમ્બલ હાઇજીન ૧૭,૮૦૦ના શિખરે જઈ સવાત્રણ ટકા કે ૫૪૫ની તેજીમાં ૧૭,૬૯૮ વટાવી ગયો છે. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૦ શૅરના ઘટાડે નજીવો નરમ હતો, પણ ક્વિક હીલ ૨૪૯ની ટૉપ બતાવી ૧૧.૭ ટકાના ઉછાળે ૨૪૫ રહ્યો છે. કૅપિટલ ગુડ્સમાં થર્મેક્સ ૧૦૫ રૂપિયા કે પોણાચાર ટકા વધી ૨૯૭૧ થયો છે. યુટિલિટીઝમાં જેએસડબ્લ્યુ એનર્જી સાત ટકા ઝળકી ૪૨૨ નજીક ગયો છે. રિયલ્ટીમાં લોઢાની મેક્રોટેક પાંખા કામકાજે ત્રણ ટકા તરડાઈને ૭૪૦ હતી.  


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2023 01:30 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK