આ દેશની ખરાબ હાલત જોઈને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ પોતાનું રોકાણ કાઢી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર
ચીનની આર્થિક સ્થિતિ વધારે ને વધારે ખરાબ થઈ રહી છે. એવામાં વિદેશી રોકાણકારો આ દેશમાંથી પોતાનું રોકાણ કાઢી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ચીનના સ્ટૉક્સ અને ડેટમાં વિદેશી હોલ્ડિંગ્સમાં ડિસેમ્બર ૨૦૨૧ની સરખામણીમાં ૧૮૮ અબજ ડૉલર (૧૫,૬૨૦.૯૯ અબજ રૂપિયા) એટલે કે ૧૭ ટકાનો ઘટાડો થયો છે. આ નંબર જૂન સુધીના છે. એના પછીથી વિદેશી રોકાણકારોએ ચીનની માર્કેટમાંથી પોતાના ઘણા રૂપિયા કાઢ્યા છે. માત્ર ઑગસ્ટની વાત કરીએ તો ગયા મહિને ચીનની માર્કેટમાંથી રેકૉર્ડ ૧૨ અબજ ડૉલર (૯૯૭.૦૮ અબજ રૂપિયા) કાઢવામાં આવ્યા છે. ચીનને રિસન્ટલી આર્થિક મામલે એક પછી એક આંચકા લાગી રહ્યા છે. હૉન્ગકૉન્ગ સ્ટૉક માર્કેટમાં ફૉરેન ફન્ડની ભાગીદારી ૨૦૨૦ની સરખામણીમાં એક તૃતીયાંશ કરતાં પણ ઓછી છે. ચીનની ઇકૉનૉમીમાં રિયલ એસ્ટેટનો ઘણો વધારે ભાગ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સેક્ટર મુશ્કેલીમાં છે, જેના કારણે સમગ્ર દેશની ઇકૉનૉમી પર ઊંડી અસરો થશે, એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સાથે જ ચીનમાં કન્ઝ્યુમર્સ દ્વારા કરાતા ખર્ચમાં પણ ભારે ઘટાડો થયો છે. આ વર્ષે એમએસસીઆઇ ચાઇના ઇન્ડેક્સમાં સાત ટકાનો ઘટાડો થયો છે. આ જ કારણે રોકાણકારો ચીનમાંથી પોતાના રૂપિયા કાઢીને ભારત અને લેટિન અમેરિકા જેવા દેશોમાં રોકી રહ્યા છે.