સૉવરિન ગોલ્ડ બૉન્ડ ભારત સરકારે બહાર પાડેલો એક પ્રકાર છે. સરકાર રિઝર્વ બૅન્ક મારફતે આ બૉન્ડનું વેચાણ કરે છે. એની શરૂઆત સૌપ્રથમ નવેમ્બર ૨૦૧૫માં કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘ચળકે એ બધું સોનું નહીં’ એવી એક ઉક્તિ ખરેખર સાચી છે. સોનામાં રોકાણ કરવા વિશે લોકો ઘણી વાર સવાલ પૂછતા હોય છે. આજે આપણે એનો સવિસ્તર જવાબ જોઈ લઈએ. ફિઝિકલ સોનું, ડિજિટલ સોનું અને પેપર ગોલ્ડ એમ ત્રણ પ્રકારે સોનામાં રોકાણ કરવામાં આવતું હોય છે.
ફિઝિકલ સોનું
અત્યાર સુધીનું સોનામાં કરાતું આ સૌથી વધુ પ્રચલિત રોકાણ છે. લોકો સિક્કા, લગડી, ઘરેણાં એમ વિવિધ સ્વરૂપે ફિઝિકલ સોનું ખરીદતા હોય છે.
ડિજિટલ સોનું
સોનામાં ડિજિટલ સ્વરૂપે રોકાણ કરવા માટે આજકાલ અનેક ઍપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. સ્માર્ટફોન પર બે-ચાર ક્લિક કરીને સહેલાઈથી રોકાણ કરી શકાય છે. દરેક ઍપ્લિકેશન રોકાણની લઘુતમ રકમ નક્કી કરે છે અને આ રોકાણ રૂપિયામાં કરી શકાય છે.
પેપર ગોલ્ડ
રોકાણકાર જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડ, સૉવરિન ગોલ્ડ બૉન્ડ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)માં રોકાણ કરે એને પેપર ગોલ્ડ કહેવાય છે.
સોના પરનો કૅપિટલ ગેઇન
સોનાનું વેચાણ કરવામાં આવે ત્યારે એના પર મળતા કૅપિટલ ગેઇનને લૉન્ગ ટર્મ અને શૉર્ટ ટર્મમાં વિભાજિત કરવામાં આવે છે અને એના આધારે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે. જો ૩૬ મહિના કરતાં વધુ સમય સુધી સોનું રાખ્યા પછી વેચવામાં આવે તો એને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન કહેવાય છે. એનાથી ઓછો સમય શૉર્ટ ટર્મ ગણાય છે. લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇનનું મૂલ્ય નક્કી કરવા માટે ફિઝિકલ સોનું ખરીદવા માટે કરાયેલા ખર્ચ પર ઇન્ડેક્સેશન બેનિફિટ આપવામાં આવે છે. આ કૅપિટલ ગેઇન પર ૨૦ ટકા ટૅક્સ વત્તા ચાર ટકા સેસ લાગુ પડે છે. આમ, કુલ કરવેરો ૨૦.૦૮ ટકા થાય છે.
જો ૩૬ મહિના કરતાં ઓછા સમયમાં સોનું વેચવામાં આવે તો એના પરનો શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન કુલ આવકમાં સામેલ ગણવામાં આવે છે અને સામાન્ય ટૅક્સ બ્રેકેટ અનુસાર એના પર કરવેરો લાગુ પડે છે. સૉવરિન ગોલ્ડ બૉન્ડ સિવાય ફિઝિકલ, ડિજિટલ અને પેપર ગોલ્ડને લાગુ પડતો કરવેરો સમાન હોય છે.
આ પણ વાંચો: શૅરના બાયબૅક સંબંધે શૅરધારકોને લાગુ પડતા કરવેરા વિશે જાણો
સૉવરિન ગોલ્ડ બૉન્ડ ભારત સરકારે બહાર પાડેલો એક પ્રકાર છે. સરકાર રિઝર્વ બૅન્ક મારફતે આ બૉન્ડનું વેચાણ કરે છે. એની શરૂઆત સૌપ્રથમ નવેમ્બર ૨૦૧૫માં કરવામાં આવી હતી.
કોઈ પણ વ્યક્તિગત રોકાણકાર અને હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી મહત્તમ ચાર કિલોના સૉવરિન ગોલ્ડ બૉન્ડ ખરીદી શકે છે. ટ્રસ્ટ તથા અન્ય એન્ટિટીઝ ૨૦ કિલો સોનાની ખરીદી કરી શકે છે. સૉવરિન ગોલ્ડ બૉન્ડમાં રોકાણકારને રોકાણના મૂલ્ય પર પ્રતિ વર્ષ ૨.૫ ટકાના દરે વ્યાજ મળે છે. આ વ્યાજની ચુકવણી દર છ મહિને કરવામાં આવે છે. સૉવરિન ગોલ્ડ બૉન્ડ આઠ વર્ષે પાકે છે. જોકે પાંચ વર્ષ પૂરાં થયાં પછી એનું રિડમ્પ્શન કરાવી શકાય છે. સ્ટૉક એક્સચેન્જ પર કોઈ પણ સમયે એનું ટ્રેડિંગ શક્ય છે.
અહીં જણાવવું રહ્યું કે સૉવરિન ગોલ્ડ બૉન્ડ પર મળતું વ્યાજ અન્ય સ્રોતમાંથી મળેલી આવક તરીકે કરપાત્ર બને છે.
સૉવરિન ગોલ્ડ બૉન્ડનું સ્ટૉક એક્સચેન્જ મારફતે વેચાણ કરવામાં આવે ત્યારે એના પર મળતા લાભને રોકાણના સમયગાળા અનુસાર લૉન્ગ ટર્મ અથવા શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન લાગુ પડે છે. જો રોકાણનો સમયગાળો ૩૬ મહિના કરતાં ઓછો હોય તો વ્યક્તિના ટૅક્સ સ્લેબ અનુસાર કરવેરો લાગુ પડે છે. લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સનો દર ૨૦ ટકા વત્તા ૪ ટકા સેસ છે.
પાંચ વર્ષ પછી અને પાકતી મુદત પહેલાં જો સૉવરિન ગોલ્ડ બૉન્ડનું વેચાણ કરવામાં આવે તો એને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ પડે છે. આ કૅપિટલ ગેઇનની ગણતરી માટે ઇન્ડેક્સેશનનો લાભ મળે છે. સૉવરિન ગોલ્ડ બૉન્ડનું આઠ વર્ષની મુદત પૂરી થયે રિડમ્પ્શન કરવામાં આવે તો એને કરમુક્તિ લાગુ પડે છે.
સવાલ તમારા…
મને મારાં મમ્મી પાસેથી પાંચ લાખ રૂપિયા મૂલ્યનાં સોનાનાં ઘરેણાં ભેટમાં મળ્યાં છે. શું એના પર કરવેરો લાગુ પડે?
નિશ્ચિત સંબંધીઓ પાસેથી મળતી કોઈ પણ ભેટને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. માતાનો સંબંધ આમાં આવી જાય છે. આથી તમને માતા પાસેથી મળેલાં ઘરેણાં પર કરવેરો લાગુ નહીં પડે.
મારાં લગ્ન વખતે મારા એમ્પ્લૉયરે મને પાંચ લાખ રૂપિયા મૂલ્યનાં સોનાનાં ઘરેણાં ભેટમાં આપ્યાં હતાં. શું એના પર કરવેરો લાગુ પડશે?
એમ્પ્લૉયરનો સંબંધ સામાન્ય સંજોગોમાં નિશ્ચિત શ્રેણીમાં આવતો નહીં હોવાથી તમને મળેલી ભેટ પર કરવેરો લાગુ પડી શકે છે, પરંતુ લગ્ન સમયે મળેલી ભેટને વિશેષ મુક્તિ આપવામાં આવી હોવાથી તમારી આ ભેટ પર કરવેરો લાગુ નહીં પડે.
મારી દીકરીના જન્મ સમયે મારા મિત્ર પાસેથી મને એક લાખ રૂપિયાના સોનાના દાગીના ભેટમાં મળ્યા હતા. શું એના પર કરવેરો લાગુ પડશે?
મિત્રનો સંબંધ નિશ્ચિત શ્રેણીમાં આવતો નહીં હોવાથી તમને કરવેરો લાગુ પડી શકે છે. જોકે સંબંધી ન હોય એવી વ્યક્તિઓ પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા કરતાં ઓછા મૂલ્યની કોઈ પણ ભેટ પર કરવેરો લાગુ પડતો નથી. તમને એક લાખ રૂપિયાના દાગીના મળ્યા હોવાથી તમારી સંપૂર્ણ રકમ પર કરવેરો લાગુ પડશે.