Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આગામી બજેટ સંબંધે સરકારને કેટલાંક સૂચનો

આગામી બજેટ સંબંધે સરકારને કેટલાંક સૂચનો

20 December, 2022 03:41 PM IST | Mumbai
Nitesh Buddhadev

ડેટ ફન્ડના યુનિટ ઓછામાં ઓછાં ત્રણ વર્ષ રાખ્યા બાદ લૉન્ગ-ટર્મ કૅપિટલ ઍસેટ કહેવાય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)

ટેક્સ રામાયણ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)


મેં આગામી બજેટને અનુલક્ષીને સરકારની વિચારણા માટે કેટલાક મુદ્દાઓ તૈયાર કર્યા છે. ચાલો, એના પર નજર કરીએ:

આજની તારીખે તમામ કૅપિટલ ઍસેટ્સનો હોલ્ડિંગ પિરિયડ અને કરવેરાના દર અલગ-અલગ છે. સરકારે એમનું સરળીકરણ કરવું જોઈએ. ડેટ ફન્ડના યુનિટ ઓછામાં ઓછાં ત્રણ વર્ષ રાખ્યા બાદ લૉન્ગ-ટર્મ કૅપિટલ ઍસેટ કહેવાય છે. આ જ રીતે ઇક્વિટી ફન્ડના યુનિટ એક વર્ષ અને રિયલ એસ્ટેટ તથા અનલિસ્ટેડ શૅર બે વર્ષ રાખી મુકાયાં હોય તો જ લૉન્ગ-ટર્મ ઍસેટ કહેવાય છે. અહીં જણાવવું રહ્યું કે બૉન્ડને શૉર્ટ-ટર્મ ઍસેટ ક્લાસ અને ઇક્વિટીને લૉન્ગ-ટર્મ ઍસેટ ક્લાસ ગણવામાં આવે છે. સરકારે કરવેરાની દૃષ્ટિએ લૉન્ગ-ટર્મ કૅપિટલ ઍસેટનો હોલ્ડિંગ-પિરિયડ એટલો રાખવો જોઈએ કે ઇક્વિટીમાં લાંબા ગાળાનું રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે. લૉન્ગ-ટર્મ ઍસેટ પરનો એક લાખ રૂપિયા સુધીની કૅપિટલ ગેઇન કરમુક્ત અને એનાથી વધુ રકમ પર ૧૦ ટકાના દરે લૉન્ગ-ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડતો હોવાથી ઘણા રોકાણકારો એક વર્ષની અંદર જ સ્ટૉક્સ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં કરાયેલું રોકાણ છૂટું કરી દેતા હોય છે. ખરી રીતે તો લોકો ઇ​ક્વિટીમાં સાચા અર્થમાં લાંબા ગાળાનું રોકાણ કરવા પ્રોત્સાહિત થાય એટલો કરવેરાનો દર લાગુ કરવો જોઈએ. જો લિસ્ટેડ સ્ટૉક્સ, અનલિસ્ટેડ સ્ટૉક્સ કે ઇ​ક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણનો સમયગાળો ઓછામાં ઓછાં દસ વર્ષનો હોય તો એના પર મળનારી કૅપિટલ ગેઇનને કરમુક્ત રાખવામાં આવવી જોઈએ. 


ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઇ)એ પણ સરકારને આ પ્રમાણેનાં કેટલાંક સૂચનો કર્યાં છેઃ

૧) સરકારે આવકવેરા માટેની બેઝિક એક્ઝેમ્પશન લિમિટ હાલના ૨.૫ લાખ રૂપિયાથી વધારી દેવી જોઈએ. 


૨) પગાર : આવકવેરા ધારાની કલમ ૧૬ હેઠળનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઓછામાં ઓછું એક લાખ રૂપિયા જેટલું હોવું જોઈએ. પગારદાર વર્ગને વધતા ફુગાવાની સામે રક્ષણ આપવા માટે કરવેરાનો બોજ ઘટવો જરૂરી છે. 

આ પણ વાંચો : સરકારે એનઆરઆઇ કરદાતાને ટીડીએસ માટે મૅન્યુઅલી ફૉર્મની મંજૂરી આપી

૩) ઈપીએફ : સરકારે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફન્ડ (ઈપીએફ)માં અઢી લાખ રૂપિયા કરતાં વધુના કન્ટ્રિબ્યુશન પરનું વ્યાજ કરપાત્ર બનાવ્યું છે. સરકારે આ વ્યાજની રકમનો ઉપાડ થાય એ વખતે એને કરપાત્ર બનાવવું જોઈએ. અત્યારની અઢી લાખ/પાંચ લાખ રૂપિયાની મર્યાદા ઓછી કહેવાય. ઘણા લોકોના બેઝિક પગારના ૧૨ ટકાના હિસાબે ઈપીએફનું કન્ટ્રિબ્યુશન અઢી લાખ રૂપિયા કરતાં વધારે થઈ જવાને લીધે એના પરનું વ્યાજ કરપાત્ર બની જાય છે. આથી આ મર્યાદા વધારીને બેઝિક પગારના ૧૨ ટકા અને પાંચ લાખ રૂપિયા એ બન્નેમાંથી જે રકમ વધારે હોય એટલી રાખવી જોઈએ, જેથી મધ્યમ વર્ગના કરદાતાઓનું નિવૃત્તિ વખતનું ભંડોળ સારુંએવું જમા થઈ શકે. દેશમાં હજી સુધી સામાજિક સુરક્ષાની પૂરતી વ્યવસ્થા થઈ નહીં હોવાથી આ જોગવાઈ કરવી જોઈએ.

૪) ચેપ્ટર ૬એ : પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડમાં કરાતા કન્ટ્રિબ્યુશન માટેની ૧.૫ લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા વધારીને ૩ લાખ રૂપિયા કરી દેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વીમાના પ્રીમિયમ માટે કલમ ૮૦ડી હેઠળ પૂરેપૂરું ડિડક્શન આપવામાં આવવું જોઈએ. એને મેડિકલ ખર્ચના ડિડક્શનની સાથે જોડવું જોઈએ નહીં. આરોગ્ય વીમાના પ્રીમિયમ માટે મળતા ડિડક્શન ઉપરાંત મેડિકલ ખર્ચ માટે અલગ ડિડક્શન આપવામાં આવવું જોઈએ. આ સૂચન પાછળનું કારણ પણ દેશમાં સામાજિક સુરક્ષા માટેની અપૂરતી જોગવાઈ છે. સરકાર જાહેર આરોગ્ય સેવા હેઠળ કરદાતાઓને આવશ્યક સુવિધા પૂરી પાડી શકતી નથી એ પણ એક કારણ છે. કલમ ૮૦સી હેઠળનું ડિડક્શન ૧.૫ લાખ રૂપિયાથી વધારીને ૨.૫ લાખ રૂપિયા કરવામાં આવવું જોઈએ, જેથી લોકોને બચત કરવા માટે પ્રોત્સાહન મળે. કલમ ૮૦જી હેઠળની કુલ આવકના ૧૦ ટકા સુધીની મર્યાદા બાબતે પણ પુનઃ વિચાર કરવામાં આવવો જોઈએ. 

૫) લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીને કૅપિટલ ઍસેટ ગણીને કલમ ૨(૧૪) હેઠળ પ્રૉપર્ટીની વ્યાખ્યામાં ગણી લેવાવી જોઈએ એવું પણ સૂચન કરવામાં આવ્યું છે. આ ફેરફાર કરવા માટે સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરી લેવો જરૂરી છે, અન્યથા બિનજરૂરી કાનૂની ખટલા થશે. ચૂકવાયેલાં પ્રીમિયમ માટે ઇન્ડેક્સેશન બેનિફિટ આપવામાં આવશે તો લોકોને ફુગાવાની અસર સામે રક્ષણ મળશે. કરમુક્તિની મર્યાદા પ્રીમિયમ અને સમ અશ્યૉર્ડના ગુણોત્તરના આધારે નક્કી કરવામાં આવવી જોઈએ નહીં. સરકારે ૧૦ વર્ષ કરતાં વધુ મુદતની તમામ પૉલિસીઓને કરમુક્ત બનાવવી જોઈએ. આ રીતે લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો : આવકવેરાના રીફન્ડના મુદ્દે વડી અદાલતે આપ્યો નોંધપાત્ર આદેશ

૬) નિશ્ચિત બૉન્ડમાં રોકાણ માટેની સમયમર્યાદા : નિશ્ચિત બૉન્ડમાં રોકાણ માટેની હાલની સમયમર્યાદા ટ્રાન્સફરની તારીખથી છ મહિના સુધીની છે. ઘણા કિસ્સાઓમાં કરદાતાઓને કરમુક્તિની જોગવાઈની જાણ હોતી નથી અને તેઓ આવકવેરાનું રિટર્ન ભરવા માટે ટૅક્સ કન્સલ્ટન્ટ પાસે જાય ત્યારે જ એની જાણ થાય છે અને ઘણી વાર છ મહિના સુધીની મુદત વીતી ગઈ હોય છે. આમ કરદાતાને કરમુક્તિનો લાભ મળતો નથી. આથી કલમ ૫૪ઈસીમાં સુધારો કરીને આ સમયમર્યાદા સંબંધિત નાણાકીય વર્ષનું આવકવેરાનું રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ સુધીની કરી દેવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2022 03:41 PM IST | Mumbai | Nitesh Buddhadev

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK