Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > નાણાકીય વર્ષની શરૂઆતમાં તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરી લો

નાણાકીય વર્ષની શરૂઆતમાં તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરી લો

01 April, 2024 07:40 AM IST | Mumbai
Khyati Mashru Vasani

વ્યાજદરો વૈશ્વિક સ્તરે ઊંચા છે, પરંતુ ૨૦૨૪માં દરો નીચે આવે એવા સંકેતો છે.

પ્રતીકાત્મક તસવીર

ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક તસવીર


આપણે નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે ગયા વર્ષના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જોઈએ. 


નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ ની મહત્ત્વની ઘટનાઓ :
નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ૭.૮ ટકાથી વૃ​દ્ધિ પામ્યો હતો, બીજા ત્રિમાસિકમાં ૭.૬ ટકા વૃ​​દ્ધિ થઈ હતી (સ્રોત : આંકડા મંત્રાલય). એસ ઍન્ડ પી ગ્લોબલ અનુસાર, ૨૦૨૩માં ભારત G20 (વિશ્વની ૨૦ સૌથી મોટી અર્થવ્યવસ્થા) દેશોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહી છે. ૨૦૨૩માં ઇક્વિટી માર્કેટના સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ બન્ને રેકૉર્ડ સ્તરે ઊંચાઈ પર પહોંચ્યા હતા. આપણે વિવિધ માર્કેટ કૅપિટલાઇઝેશન સેગમેન્ટમાં મજબૂત પ્રદર્શન જોયું.  મિડકૅપ્સ અને સ્મૉલકૅપ્સ બન્નેનાં પ્રદર્શન લાર્જ કૅપ્સથી પણ આગળ વધી ગયાં. બધાં ઔદ્યોગિક ક્ષેત્રોનાં પણ આપણે મજબૂત પ્રદર્શન જોયાં.  



વ્યાજદરો વૈશ્વિક સ્તરે ઊંચા છે, પરંતુ ૨૦૨૪માં દરો નીચે આવે એવા સંકેતો છે. ૧૨મી અને ૧૩મી  ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મળેલી છેલ્લી મૉનિટરી પૉલિસીની બેઠકમાં યુ. એસ. ફેડરલ રિઝર્વે ૨૦૨૪ના વર્ષમાં વ્યાજદરો ઓછા કરવાનો સંકેત આપ્યો હતો. ઘટતા વ્યાજ દર ડેબ્ટ માર્કેટ માટે સકારાત્મક હોઈ શકે છે. આવનારા મહિનાઓ અને ત્રિમાસિકો દરમ્યાન ડેબ્ટ ફન્ડ્સના રોકાણકારો વૉલેટિલિટીમાં ઘટાડાની અપેક્ષા રાખી શકે છે. ઓછા વ્યાજદરો ઇક્વિટીના રોકાણકારો માટે પણ સકારાત્મક હોઈ શકે છે, કેમ કે વ્યાજદરો ઓછા થવાથી ગ્રાહકોના વપરાશ ખર્ચ (કન્ઝ્યુમર સ્પેન્ડિંગ)માં વૃ​દ્ધિ થઈ શકે છે અને એને કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થઈ શકે છે. ઓછા વ્યાજના દરોને કારણે મૂડીનો વિસ્તાર કરવા માટે (કૅપિટલ એક્સપે​ન્ડિચર પર ખર્ચ કરવા માટે) કંપનીઓ લોન લઈ શકે છે. મોટી વસ્તુઓ જેવી કે ઘર, વાહનો વગેરે ખરીદવા માટે લોન લેવામાં લોકોને સરળતા રહે છે, પરંતુ વ્યાજદરો ઓછા થાય એ માટે આપણે હજી થોડા ત્રિમાસિકો સુધી રાહ જોવી પડી શકે છે. મધ્યમ ગાળા માટે ઇક્વિટી અને ડેબ્ટ બન્ને માટે સકારાત્મક વાતાવરણ છે. 


વર્ષ ૨૦૨૪ માટે આગાહી 
ઊંચો ફુગાવો, ઊંચા વ્યાજના દર, જિયોપૉલિટિકલ તકરારો અને અપેક્ષા કરતાં ધીમા ચીનના રિકવરીના દરને કારણે ધ ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કોઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી) નાણાકીય વર્ષ ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની અપેક્ષા રાખે છે. જોકે મજબૂત મેક્રો-ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સને આધારે ભારતનો દેખાવ બહુ જ સારો રહેશે એવી અપેક્ષા રાખી શકાય છે. આઇએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટે ભારતની જીડીપી વૃદ્ધિની આગાહી વધારીને ૬.૩ ટકા કરી છે. આપણા અર્થતંત્રના ઊજળા પ્રદર્શનને કારણે આપણે વૈશ્વિક રોકાણની વધુ હિસ્સેદારીની અપેક્ષા રાખી શકીએ છીએ. ૨૦૨૪ ભારતમાં ચૂંટણીનું વર્ષ પણ છે. છેલ્લાં ૨૦ વર્ષના ઐતિહાસિક ડેટાએ બતાવ્યું છે કે ચૂંટણી પહેલાં બજારમાં ઉછાળો આવે છે. લાંબા ગાળાના દૃષ્ટિકોણથી ભારતની વૃદ્ધિ લાંબા ગાળે ઇક્વિટીને પણ વૃદ્ધિ તરફ દોરી જશે. 

રોકાણકારો માટે બોધપાઠ  
ઍસેટ ક્લાસ તરીકે ઇક્વિટી અસ્થિર પ્રકારની ઍસેટ છે. ૨૦૨૩માં ઘણા મહિનાઓ વધારે અસ્થિરતાભર્યા હતા, પરંતુ નિફ્ટી ૫૦ ટીઆરઆઇએ વર્ષમાં આજની તારીખ સુધી ૧૯ ટકાનું વળતર આપ્યું (૧૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ, સ્રોત : એનએસઈ) તમારે અસ્થિર તબક્કાઓ દરમ્યાન ધૈર્ય રાખવું જોઈએ અને હંમેશાં લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ. એસઆઇપી મારફત શિસ્તદ્ધ રોકાણ કરવાથી તમારા નાણાકીય લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે એમ જ નીચલા સ્તરે ઓછા ભાવની ખરીદીનો લાભ આ અસ્થિરતાના સમય દરમ્યાન લઈ શકાય છે. 


પોર્ટફોલિયોની સમીક્ષાકરવાનું મહત્ત્વ  
આપણે હવે નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં પ્રવેશી ચૂક્યા છીએ. આ સમય છે જ્યારે તમારે તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરીને વર્ષ માટેનું આયોજન કરવું જોઈએ. તમારા પોર્ટફોલિયોમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઉપરાંત બીજાં પણ રોકાણો હોઈ શકે છે. આથી નીચે આપેલાં કારણોસર પોર્ટફોલિયોની સમીક્ષા કરવી મહત્ત્વપૂર્ણ છે.  તમારાં નાણાકીય લક્ષ્યો અનુસાર પોર્ટફોલિયોની પ્રગતિની તુલના કરવામાં અને એ અનુસાર જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં મદદ કરશે. તે તમને તમારા પોર્ટફોલિયોમાં જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે અને તેને સંતુલિત કરવા માટે પગલાં લેવામાં મદદ મળશે. 

તે તમને નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ માટે તમારા ટૅક્સ-પ્લાનિંગ કરવામાં મદદ કરશે.
તે તમને તમારા પોર્ટફોલિયોને તર્કસંગત બનાવવામાં મદદ કરશે.
તે તમને તમારાં નાણાકીય લક્ષ્યો માટે શિસ્તબદ્ધ રહેવામાં મદદ કરશે.

તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કેવી રીતે કરવી?
તમારાં નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો. જીવનના ઉંમરના વિવિધ પડાવોને અનુરૂપ, આવકમાં થતા બદલાવને અનુરૂપ, જીવનશૈલીમાં થતા બદલાવોને અનુરૂપ તમારાં નાણાકીય લક્ષ્યો પણ બદલાઈ શકે છે. આ બદલાવોને આધારે તમારે તમારા નાણાકીય લક્ષ્યમાં પણ ફેરફારો કરવા જોઈએ. લાંબા સમય ગાળાને ધ્યાનમાં રાખીને (દા.ત. ઇક્વિટી ફન્ડ્સ માટે ઓછામાં ઓછા ૩ વર્ષ) બેન્ચમાર્ક ઇન્ડેક્સની અપેક્ષાએ તમારા મ્યુચ્યુઅલ ફન્ડે આપેલા વળતરની તુલના કરો. તમારા ઍસેટ એલોકેશનની સમીક્ષા કરો. તમારી જોખમ લેવાની ક્ષમતા તેમ જ તમારાં નાણાકીય લક્ષ્યો સમય સાથે બદલાઈ શકે છે. જરૂર પડે ત્યારે તમારા ઍસેટ એલોકેશનમાં સંતુલન કરો.   

શું તમારો પોર્ટફોલિયો વધારેપડતો વૈવિધ્યપૂર્ણ છે? મોટી સંખ્યામાં વિવિધ યોજનાઓમાં કરેલું રોકાણ જોખમને ઓછું કરશે એવું હોતું નથી. તમારાં રોકાણો પર ટૅક્સ કેવી રીતે લાગુ પડી શકે છે એની પણ સમીક્ષા કરો અને એ મુજબનું આયોજન કરો, જેથી તમારે ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ઓછો ટૅક્સ ભરવો પડે. ટૅક્સની બચત કરવા માટે ઇન્કમ-ટૅક્સનાં વિવિધ સેક્શન્સ હેઠળની જોગવાઈનો લાભ પણ તમે લઈ શકો છો. 

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 07:40 AM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK