Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં નહીં, માત્ર સિલેક્ટિવ સ્ટૉક્સમાં રોકાણ કરવાનું રાખજો

શૅરબજારમાં નહીં, માત્ર સિલેક્ટિવ સ્ટૉક્સમાં રોકાણ કરવાનું રાખજો

10 June, 2024 08:45 AM IST | Mumbai
Jayesh Chitalia

મોદી સરકારની આર્થિક નીતિઓ માર્કેટને બૂસ્ટ કરતી રહેશે એવી આશા છે, પણ એની ગતિ ધીમી પડવાની શક્યતા ખરી

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


આ ટાઇટલ તમને કદાચ વિચિત્ર લાગી શકે, પરંતુ આમ કહેવાનો ભાવાર્થ એ છે કે બદલાયેલા સંજોગોમાં શૅરબજારની ચાલનાં કોઈ ચોક્કસ ઠેકાણાં રહે, ન રહે એવું બની શકે; એમાં વૉલેટિલિટી વધી શકે, અનેકવિધ પરિબળો અસર કરી શકે; પણ તમે રાઇટ સ્ટૉક્સ-રાઇટ કંપનીમાં રોકાણ કર્યું હશે તો તમારી સામે જોખમ નહીંવત્ અથવા મર્યાદિત રહેશે. હાલના સમયમાં આ વાત ખાસ સમજવી જોઈશે. બાકી, મોદી સરકારની આર્થિક નીતિઓ માર્કેટને બૂસ્ટ કરતી રહેશે એવી આશા છે, પણ એની ગતિ ધીમી પડવાની શક્યતા ખરી


ગયા સોમવાર અને મંગળવારના અણધાર્યા અને આઘાતજનક ચિત્રને જોયા બાદ બુધવારે બજારે રિકવરી બતાવવાની શરૂઆત તો કરી, પરંતુ માર્કેટમાં એક પ્રકારની અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ની અંદર કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા ભય ઊભો કરી રહી હતી. બીજી બાજુ વિરોધપક્ષોની તાકાત અને મનોબળ વધ્યા હોવાથી મોદી સરકાર બન્યા બાદ પણ તેઓ સરકારને કેટલું શાંતિથી કામ કરવા આપે છે એના વિશે શંકા અને સવાલો ઊભાં થઈ રહ્યાં છે. આવામાં માર્કેટ માટે હાલ તો કોઈ ચોક્કસ ધારણા બાંધવામાં જોખમ જેવું ગણાય. દસ વરસની એકધારી ગતિ સામે એકસાથે અનેક અવરોધ આવી ગયા હોવાનું જણાય છે. આ અનિશ્ચિતતાનું ચિત્ર સ્પષ્ટ થવા માટે સમય આપવો જોઈશે. ભારતીય રાજકારણ સંવેદનશીલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે જેની અસર અર્થકારણ પર પડ્યા વિના રહેશે નહીં. પરિણામે જોખમ લઈ શકનારા ભલે પોતાની લે-વેચની રમત રમે, પરંતુ સામાન્ય-સીધા-સાદા રોકાણકારો બહુ જ સાવચેતી સાથે આગળ વધે એ તેમના હિતમાં રહેશે.



કડાકા બાદ રિકવરીનો દોર


બુધવારે માર્કેટે રિકવરી શરૂ કરી હતી, મોદી સરકાર જ સત્તા પર આવશે એવું ફાઇનલ થવા સાથે સેન્સેક્સ ૨૩૦૦ પૉઇન્ટ અને નિફટી ૭૩૫ પૉઇન્ટ રિકવર થયો હતો. જોકે એ પહેલાં દિલ્હીમાં સતત રાજરમત ચાલતી રહી હતી, પરંતુ બજારમાં મોદી પાછા ફરવાની વાતને પકડી રાખી લેવાલી ચાલુ રહી હતી. એમ છતાં હજી મોદીની સરકાર બન્યા બાદ આર્થિક સુધારા સામે અવરોધો ઊભા થવાનો ભય પ્રવર્તી રહ્યો છે. કૉર્પોરેટ સેક્ટરમાં પણ એ વાતે ચિંતા ચર્ચાઈ રહી છે. નવી સરકાર અગ્રતાના ધોરણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ ઉત્પાદન ક્ષેત્રને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ્ઝ (PLI) મારફત બૂસ્ટ આપે એવી આશા રાખવામાં આવી રહી છે.

ગુરુવારે બજારે રિકવરી ચાલુ રાખતાં સેન્સેક્સ ૭૫ હજારને પાર થઈને કરેક્શન બાદ પણ ઉપર જ બંધ રહ્યો હતો. સેન્સેક્સ ૬૯૨ પૉઇન્ટ અને નિફટી ૨૦૧ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. ધીમે-ધીમે લૉસ રિકવર થઈ રહ્યો હોવાનું જણાતું હતું. સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં પણ રિકવરી જોવાઈ હતી. બાય ધ વે, એકિઝટ પોલને મણ-મણની ગાળો પડી રહી હતી. એની સામે તપાસની માગણી પણ થઈ અને શંકાના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. દરમ્યાન BJPને ધારણા કરતાં ઓછી બેઠકો મળવાને પરિણામે શૅરબજારમાં સ્ટૉક્સ કે સેક્ટરની પસંદગી બદલાઈ રહી છે, જેમાં હવે પછી ગ્રામ્ય ડિમાન્ડ વધવાની ધારણાએ તથા અન્ય પરિબળોને કારણે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG), હેલ્થકૅર અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સેક્ટર પર ભાર મુકાશે.


બજાર પુનઃ ઊંચા લેવલે

શુક્રવારે બજારમાં રિકવરીની હૅટ-ટ્રિક થઈ હતી. સેન્સેક્સે ૭૫ હજારની ઉપર અને નિફ્ટીએ ૨૩ હજાર ઉપર સ્થાન બનાવ્યું હતું. એક અંદાજ મુજબ ચૂંટણીના પરિણામ બાદનું મૂડીધોવાણ પોતે જ ધોવાઈ જવા આવ્યું છે, અર્થાત્ જેટલું માર્કેટ ઘટ્યું હતું એમાંથી ઘણુંખરું રિકવર થઈ ગયું. આખરે સરકાર મોદીની બને છે એ ઇકૉનૉમી અને માર્કેટ માટે મોટી હૈયાધારણ રહી. દરમ્યાન શુક્રવારે રિઝર્વ બૅન્કે રેપોરેટ (વ્યાજદર) જાળવી રાખતાં બજારની ધારણા મુજબ થયું. પૉઝિટિવ સંકેત એ હતા કે રિઝર્વ બૅન્કે ૨૦૨૪-’૨૫ માટે વિકાસદર ૭.૨ ટકાનો અંદાજ્યો છે, જયારે કે ઇન્ફ્લેશન દર ૪.૫ ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. રિઝર્વ બૅન્કના નિવેદનથી માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું હતું. આખરમાં સેન્સેક્સ ૧૬૧૮ પૉઇન્ટ અને નિફ્ટી ૪૬૮ પૉઇન્ટની વૃદ્ધિ સાથે બંધ રહ્યા હતા. આમ માર્કેટ આ ત્રણ દિવસમાં એકિઝટ પોલ પહેલાંના લેવલે આવી ગયું હતું. શુક્રવારે સેન્સેક્સે ૭૬,૬૯૩ પૉઇન્ટની અને નિફ્ટીએ ૨૩,૨૯૦ પૉઇન્ટની નવી હાઈ બનાવી હતી. મોદી સરકાર કામ કરતી થઈ ગયા બાદ કેટલીક અનિશ્ચિતતા આપોઆપ દૂર થઈ જશે અને કેટલાંક નવાં પગલાં સામે આવશે. આ ઉપરાંત બજેટ પણ જુલાઈમાં મહત્ત્વનું દિશાલક્ષી પરિબળ બનશે.

પૉઝિટિવ-નેગેટિવ બન્ને ધારણા

મોદી સરકાર સત્તા પર ત્રીજી વાર જે રીતે અને જે સંજોગોમાં બિરાજમાન થઈ છે એને ધ્યાનમાં રાખતાં બે વાતની મુખ્ય ચર્ચા થઈ રહી છે. એક, આર્થિક નીતિઓ-સુધારાઓનો દોર ચાલુ રહેશે એવી પૉઝિટિવ વાત અને બીજી, આ સુધારા કરવામાં મોદી સરકારને અવરોધો નડશે એવી નેગેટિવ વાત છે. ઇન શૉર્ટ, આ ત્રીજી ટર્મ મોદી સરકાર માટે વધુ પડકારરૂપ બને એવી શક્યતા વધી રહી છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ વર્ગની પણ આ ચિંતા રહેશે. અલબત્ત, સરકાર કામ કરતી થયા બાદ થોડા દિવસોમાં સ્ટેબિલિટી અને નિર્ણયોની મજબૂતી દેખાશે તો ચિંતા ઘટશે અને વિશ્વાસ વધશે એવું કહેવાય છે.

હાલના સંજોગોમાં સરકાર માટે જીએસટીના સુધારા, ખાનગીકરણ, પબ્લિક ફાઇનૅન્સ, ફૂડ ઇન્ફલેશન, ધિરાણ સમસ્યા, નાના-મધ્યમ એકમો, ઉત્પાદન અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર વગેરે વિષયોમાં બોલ્ડ પગલાં લેવાનું સંભવત્ મુશ્કેલ બની શકે. કૃષિ, નિકાસ, જુડિશ્યલ રિફૉર્મ્સ ક્ષેત્રે આવશ્યક સુધારાના મામલે ક્યાંક પીછેહઠ, ક્યાંક બાંધછોડ કરવી પડશે. હાલ તો મોદીએ જે પ્રથમ ૧૦૦ દિવસનાં કાર્યોની વાત કરી હતી એનો અમલ કેવો થાય છે એના પર પણ નજર રહેશે.

માર્કેટના વૅલ્યુએશન સામે સવાલ

બજારમાં છેલ્લા થોડા દિવસોમાં જે ઊથલપાથલ થઈ છે અને નવી ઊંચી સપાટી બનવા સાથે વિવિધ સ્ટૉક્સનાં વૅલ્યુએશન હાઈ ગયાં છે એ નવેસરથી અભ્યાસનો વિષય બનશે. સ્ટૉક્સના વ્યુ લેતી વખતે રોકાણકારોએ લાંબા ગાળાનું વિચારવામાં જ વધુ શાણપણ રહેશે. ભારતીય ઇક્વિટી માર્કેટ મોંઘી બની છે અને એને કરેક્શનની જરૂર હતી અને હજી પણ છે એટલે કરેક્શન ગમે ત્યારે આવવાની સંભાવના ઊભી છે. સ્ટૉક-સિલેક્શન બાબતે રોકાણકારોએ વધુ સ્માર્ટ અને સાવચેત બનવું જોઈશે. માત્ર ભાવિ આશાવાદને આધારે સ્ટૉક્સ ખરીદવામાં જોખમ રહેશે. લોકોએ કંપનીની મજબૂતીનો, વિકાસનો અને ભાવિ યોજનાઓનો યોગ્ય અભ્યાસ કરવો પડશે. સેન્ટિમેન્ટના આધારે માર્કેટ ચાલતું હોય ત્યારે શૅર ખરીદી બેસી જવાનું પગલું નહીં ચાલે, ફન્ડામેન્ટલ્સને વિશેષ ધ્યાનમાં રાખવાં જોઈશે. ભારતીય માર્કેટમાં હજી ઘણાં સકારાત્મક પરિબળો છે, પણ એના માટે રોકાણકારો પાસે ધીરજ જોઈશે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

હવે પછી સેબીએ બ્રોકરોને આપેલા આદેશ મુજબ દરેક રોકાણકારે માર્કેટમાંથી ખરીદેલા શૅર્સ ક્લિયરિંગ કૉર્પોરેશનથી સીધા તેમના અકાઉન્ટમાં જમા થવા જોઈએ.
સેબીએ રીટેલ ઇન્વેસ્ટરના બેઝિક સર્વિસ ડિમેટ અકાઉન્ટની મર્યાદા (થ્રેસહોલ્ડ) બે લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરી છે, જેથી મેઇન્ટેનન્સ કૉસ્ટ નીચી આવી શકે. 
ગ્લોબલ નાણાં સંસ્થા ગોલ્ડમૅન સાક્સ દ્વારા ભારતીય ખાનગી બૅન્કો માટે બુલિશ અભિપ્રાય વ્યક્ત થયો છે.
બજાજ ગ્રુપની બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ પણ હવે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) લાવવાની તૈયારીમાં છે. 

વિશેષ ટિપ

ટૂંકા ગાળામાં માર્કેટ એ વોટિંગ મશીન હોય છે, પરંતુ લાંબા ગાળામાં એ વેઇંગ મશીન હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2024 08:45 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK