Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > મોંઘવારી ૪ ટકા થયા પછી ઘટશે વ્યાજદર

મોંઘવારી ૪ ટકા થયા પછી ઘટશે વ્યાજદર

12 February, 2024 07:31 AM IST | Mumbai
Jitendra Sanghvi

ફેડના અધ્યક્ષ પૉવેલે પણ સ્પષ્ટતા કરી છે કે અમેરિકાનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે. એટલે ભાવવધારો અંકુશમાં છે એવો પૂરો વિશ્વાસ ન આવે ત્યાં સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદરના ઘટાડાની શરૂઆત બાબતે ખૂબ ધ્યાનથી વિચારણા કરશે

પ્રતીકાત્મક તસવીર

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર


ગયા અઠવાડિયે રિઝર્વ બૅન્કે ફિસ્કલ-૨૪ની છેલ્લી મૉનિટરી પૉલિસીમાં સતત છઠ્ઠી વાર વ્યાજદર જાળવી રાખ્યા છે. ફિસ્કલ-પચીસના વચગાળાના અંદાજપત્રમાં નાણાપ્રધાને મૂડીરોકાણ વધાર્યા પછી પણ ફિસ્કલ ડેફિસિટનો ઘટાડો જાળવી રાખ્યો. સરકાર દ્વારા કરાતા બૉરોઇંગનો અંદાજ પણ ઓછો મૂક્યો, એટલે ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણ માટે નાણાંની છૂટ થવાથી વ્યાજના દર ઘટવાની સંભાવના વધી (રિઝર્વ બૅન્ક વ્યાજના દર ન ઘટાડે તો પણ) છે. ભાવવધારો ધીમો પડ્યો હોવા છતાં હજી એ રિઝર્વ બૅન્કના ચાર ટકાના લક્ષ્યાંકની ઉપર છે, જ્યારે વિકાસના દર (છેલ્લાં ત્રણ વરસમાં સાત ટકાથી ઉપર) બાબતે ભારતની સ્થિતિ મજબૂત છે. એટલે પણ રિઝર્વ બૅન્કને પૉલિસી રેટ્સ ઘટાડવાની ઉતાવળ ન હોય એ સ્વાભાવિક છે.


ફેડના અધ્યક્ષ પૉવેલે પણ સ્પષ્ટતા કરી છે કે અમેરિકાનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે. એટલે ભાવવધારો અંકુશમાં છે એવો પૂરો વિશ્વાસ ન આવે ત્યાં સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદરના ઘટાડાની શરૂઆત બાબતે ખૂબ ધ્યાનથી વિચારણા કરશે. આ કારણસર પણ રિઝર્વ બૅન્કે વ્યાજદરના ઘટાડા બાબતે ઉતાવળુ પગલું ન લીધું હોય એમ બને.



રાજકારણ ગરમ થતું જાય છે: વિપક્ષોનો મોરચો નબળો પડતો જાય છે
લોકસભામાં તેમની બીજી ટર્મના છેલ્લા ભાષણમાં વડા પ્રધાને બીજેપીની આગેવાનીમાં એનડીએની ભારે બહુમતીએ (બીજેપીને ૩૭૦થી વધુ અને એનડીએને ૪૦૦થી વધુ બેઠકો) જીત બાબતે વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે પોતાની ટર્મની દસ વરસની સિદ્ધિઓનું રિપોર્ટ-કાર્ડ પણ રજૂ કર્યું. રાજકારણમાં ગરમાટો આવતો જાય છે. નીતીશકુમારે ફરી એક વાર બીજેપીમાં જોડાઈને પાટલી બદલવામાં પોતે માહિર છે એમ સાબિત કર્યું છે. સાત દાયકાથી રાજકારણ સાથે સક્રિય રીતે સંકળાયેલા અઠંગ રાજકારણી શરદ પવાર માટે ચૂંટણીપંચનો અજિત પવારની તરફેણનો ચુકાદો મોટા આંચકા જેવો છે. એનસીપી અને શિવસેનાના આંતરિક બળવાથી બન્ને પક્ષો વધુ નબળા પડ્યા છે. કૉન્ગ્રેસ પક્ષ તો પરિવારવાદના રાજકારણને કારણે વરસોથી દિશાવિહીન છે. આપ (અરવિંદ કેજરીવાલ) અને ટીએમસી (મમતા બૅનરજી)ને પોતપોતાની મહત્ત્વકાંક્ષાઓ અને પર્સનલ એજન્ડા છે. આમ દિવસે-દિવસે બીજેપી/એનડીએ માટે લોકસભાની ચૂંટણીઓમાં વધુ ને વધુ બહુમતી મેળવવાનું આસાન બનતું જાય છે. ઝારખંડમાં મુખ્ય પ્રધાન બદલાયા છે. ઉત્તરાખંડમાં યુનિફૉર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ વિધાનસભામાં પસાર કરાયું છે. જેને કારણે ત્યાં તમામ ધર્મના લોકો માટે સંપત્તિ, જમીન, લગ્ન, નિકાહ અને છૂટાછેડા બાબતે એકસમાન કાયદો બનશે. લોકસભાની ચૂંટણીઓ પછી બીજેપીના શાસનવાળાં ઘણાં રાજ્યો યુસીસી કાયદો બને એ માટેની હિલચાલ શરૂ કરશે.


સ્ટૉક માર્કેટનો અન્ડરકરન્ટ તેજીનો: સાવધાની રાખવી જરૂરી
મૂડીરોકાણને અને એ દ્વારા આર્થિક વિકાસને અગ્રક્રમ આપતા વચગાળાના અંદાજપત્રની રજૂઆત પછી સ્ટૉક માર્કેટમાં ટોન (અન્ડરકરન્ટ) તેજીનો છે. પરિણામે જાહેરક્ષેત્રની કંપનીઓ અને બૅન્કોના શૅરો સતત વધવાતરફી છે. ૩૦ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપિટલાઇઝેશન સાથે તાતા ગ્રુપ (૨૪ કંપનીઓ) આ સિદ્ધિ મેળવનાર દેશનું પ્રથમ બિઝનેસ હાઉસ બન્યું છે. વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારો ફરી એક વાર ભારતના બજાર ભણી વળ્યા છે. સતત ઘટી રહેલા ચીનના સ્ટૉક માર્કેટને કારણે ત્યાંથી પાછા ખેંચાઈ રહેલા મૂડીરોકાણનો લાભ પણ ભારતને મળે છે.
પરિણામે ગયા મહિને ૪.૩ લાખ કરોડ ડૉલરના માર્કેટ કૅપિટલાઇઝેશન સાથે ભારત હૉન્ગકૉન્ગને પાછળ રાખી વિશ્વનું ચોથા નંબરનું બજાર (અમેરિકા, ચીન અને જપાન પછી) બન્યું હતું. ફિસ્કલ પચીસમાં કંપનીઓ આઇપીઓ દ્વારા ૭૨,૦૦૦ કરોડ રૂપિયાનું ફન્ડ ઊભું કરે એવી ધારણા છે. એટલે હાઉસહોલ્ડ બચતનો અમુક ભાગ કંપનીઓના મૂડીરોકાણ માટે વપરાશે જે ખાનગી મૂડીરોકાણને પ્રમોટ કરશે.

એઆઈ ટેક્નૉલૉજીમાં ભારત વિશ્વની બરાબરી કરે છે
રિઝર્વ બૅન્કે શા માટે પૉલિસીના દર જાળવી રાખ્યા અને વચગાળાના અંદાજપત્રે રાજ્યોને મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે એ માટે શા પગલાં લીધાં એની વિગતમાં ઊતરીએ એ પહેલાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેક્નૉલૉજીના વધતા જતા ઉપયોગ વિશે અને ભારતમાં આપણે એના ઉપયોગના કયા તબક્કે છીએ એની એક-બે વાત કરવી રહી. આ ટેક્નૉલૉજીના વિકાસ અને ઉપયોગ વિશે ભારત વિશ્વની સરખામણીએ કેટલું આગળ વધ્યું છે એ વિશે માઇક્રોસૉફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ સત્ય નડેલાનો શું અભિપાય છે એ તેમના જ શબ્દોમાં:‘અગાઉની ચાર ટેક્નૉલૉજી-પર્સનલ કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઇલ ડિવાઇસિસ અને કલાઉડ કમ્પ્યુટિંગ-ના વિકાસ અને ઉપયોગ બાબતે ભારત ભલે મોડું સાવધાન થયું હોય, એઆઇના વિકાસ અને ઉપયોગ બાબતે એમ કહી શકાય એમ નથી. આ ટેક્નૉલૉજીના વિકાસ બાબતે ભારતે વિશ્વ સાથે બરાબર કદમ મિલાવ્યાં છે. એટલે કે વિશ્વમાં આ ટેક્નૉલૉજીના વિકાસ અને ભારતમાં એના વિકાસમાં જરા પણ ગૅપ નથી. ભારત માત્ર એઆઇની વાત જ નથી કરતું, પણ એનો અમલ કરે છે. ૨૦૨૫-’૨૬ સુધીમાં એઆઇ ભારતના જીડીપીમાં ૫૦૦ મિલ્યન ડૉલરનો ઉમેરો કરશે. ભારતની પીઠ થાબડનારા આ શબ્દો કર્ણપિય છે, પણ લેબર-સરપ્લસ ભારત જેવા દેશે એનું આંધળું અનુકરણ નહીં કરતાં સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે. એઆઇના દુરુપયોગ દ્વારા મોટું નુકસાન પણ થઈ શકે. હૉન્ગકૉન્ગની એમએનસી સાથે થયેલી છેતરપિંડી આપણા માટે ચેતવણી જેવી છે.


લાંબા ગાળામાં ભાવો ચાર ટકાના દરે સ્થિર થાય પછી જ રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડવાનું વિચારશે
રિઝર્વ બૅન્કે પૉલિસીના દર જાળવી રાખ્યા છે. એટલું જ નહીં, બૅન્કે એક તરફ ભાવવધારો ચોક્કસપણે લક્ષ્ય (ચાર ટકા) પ્રમાણે ઘટ્યો છે એવી ખાતરી ન થાય ત્યાં સુધી બૅન્ક વ્યાજના દર ઘટાડવાની શરૂઆત નહીં જ કરે એવી મક્કમતા દર્શાવી છે. તો બીજી તરફ તેના વિધડ્રૉઅલ ઑફ અકોમોડેશનના અભિગમને પણ જાળવી રાખ્યો છે. એટલે કે જરૂર પડ્યે આર્થિક વિકાસનો દર વધારવા માટે રિઝર્વ બૅન્ક સિસ્ટમમાં નાણાંનો પુરવઠો વધારવામાં જરા પણ ખચકાશે નહીં એવો ભરોસો પણ આપ્યો છે.

ભાવવધારા સામેનાં બધાં જોખમો વિખરાઈ ન જાય ત્યાં સુધી બૅન્ક પૉલિસી રેટ ઘટાડવાની શરૂઆત તો નહીં જ કરે. એનો અર્થ એ નહીં કે આર્થિક વિકાસ બાબતે એ જરા પણ ચિંતિત નથી. ટૂંકમાં, રિઝર્વ બૅન્કનો જરૂર મુજબ ગિયર બદલવાનું ખુલ્લું રાખતો આ અભિગમ ભાવવધારા અને આર્થિક વિકાસ વચ્ચે સરસ સમતોલન કરે એવો છે. ફિસ્કલ ૨૪ના પ્રથમ નવ મહિના (એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૩) દરમ્યાન છૂટક ભાવવધારાનો દર ઘટ્યો છે. (૬.૭ ટકામાંથી ૫.૫ ટકા). ફિસ્કલ પચીસના બીજા ક્વૉર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪)માં એ રિઝર્વ બૅન્કના ચાર ટકાના લક્ષ્યાંક સુધી ઘટે એવી મોટી સંભાવના છે. એ પછીનાં બે ક્વૉર્ટરમાં એ વધીને ૪.૬ ટકા અને ૪.૭ ટકાએ પહોંચે એવું બૅન્કનું અનુમાન છે. ‘અમારું કામ હજી પૂરું થયું નથી. સપ્લાય સાઇડનાં નવાં આંચકાઓ/જોખમો (જે ભાવવધારાના ક્ષેત્રે અત્યાર સુધી મેળવેલી સફળતાને ધોઈ પણ નાખે) બાબતે સજાગ રહેવું પડે,’ એવું ગવર્નર ડૉ. દાસનું નિવેદન બૅન્કના સમતોલ અભિગમને સ્પષ્ટ કરે છે.

એક વાર ઘટીને છૂટક ભાવવધારો 
રિઝર્વ બૅન્કના લક્ષ્યાંક (ચાર ટકા) જેટલો થાય એટલા માત્રથી રિઝર્વ બૅન્ક પોતાનું કામ પૂરું થયાનો સંતોષ નહીં માને. રિઝર્વ બૅન્ક ચોક્કસપણે માને છે કે છૂટક ભાવવધારો ચાર ટકાના સ્તરે લાંબા સમય માટે ટકવો જોઈએ; એને કારણે રૂપિયાની બાહ્ય કિંમત પર કોઈ જોખમ ઊભું થવું ન જોઈએ. અને તો જ આર્થિક વિકાસનો દર પણ લાંબા ગાળાનો અને ટકાઉ બને.

ભાવવધારા સામે ખાદ્ય પદાર્થોના ભાવવધારાનું જોખમ ઊભું જ છે
ખાદ્ય પદાર્થોના ભાવોમાં જે વધુપડતી અસ્થિરતા જોવા મળે છે એને કારણે છૂટક ભાવવધારો લાંબા સમય માટે મર્યાદિત રહે એવો અહેસાસ હજી થતો નથી. સરકારના ખાદ્ય પદાર્થોના ભાવો સ્થિર રાખવાના પ્રયત્નો પછી આ ભાવો ભવિષ્યમાં પણ અમુક હદમાં જ રહે એ માટે ચાલુ વરસનું સાઉથ-વેસ્ટ મૉન્સૂન નૉર્મલ રહેવાની જરૂરિયાત પર ભાર મૂકવાની ભાગ્યે જ જરૂર ગણાય. એક વાર ચોમાસું નૉર્મલ રહે તો પણ આપણા ક્રૂડ ઑઇલની જરૂરિયાત માટે આયાતો પરના આપણા અવલંબનને કારણે વિશ્વમાં વધી રહેલા જિયો-પૉલિટિકલ તણાવોના જોખમની પણ અવગણના કરી શકાય એમ નથી.

દેખીતી રીતે સળંગ છ વાર વ્યાજના દર વધાર્યા પછી અને ભાવો ઘટાડા તરફી હોવા છતાં રિઝર્વ બૅન્કે ‘ન્યુટ્રલ’ અભિગમ અપનાવવાનું ઉચિત માન્યું નથી. ન્યુટ્રલ અભિગમ એટલે બૅન્કની પૉલિસી દર વધારવાની કે ઘટાડવાની એક પણ કમિટમેન્ટ નહીં : રિઝર્વ બૅન્ક એ ઘટાડી પણ શકે કે વધારી પણ શકે. ન્યુટ્રલ અભિગમ નહીં અપનાવીને બૅન્કે હાલ એ પૉલિસી રેટના ફેરફાર માટે (ઘટાડા માટે પણ) તૈયાર નથી એવો સંકેત આપ્યો છે.એટલે પૉલિસી રેટના ફેરફાર સિવાય બૅન્ક લિ​ક્વિડિટી (રોકડ નાણાંની ઉપલબ્ધિ) દ્વારા વ્યાજના દર મૅનેજ કરવા ધારે છે. સદ્ભાગ્યે ફિસ્કલ પચીસમાં સાત ટકાના વિકાસદરની અપેક્ષા છે, એટલે સતત ચોથા વરસે આપણા વિકાસનો દર સાત ટકા કે એથી થોડો ઊંચો રહેશે.

લોકસભાની ચૂંટણીઓ પછી આપણા આર્થિક વિકાસના સંયોગો વધુ ઊજળા બનશે
ઉપલબ્ધ મેકો-ઇકૉનૉમિક પૅરામીટર્સ ખાસ કરીને સેવાઓ માટેનો પીએમઆઇ, રૂપિયાની કિંમતની લાંબા સમયની સારી સ્થિરતા અને આપણું વિદેશી હૂંડિયામણ પણ ભારત વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરવા માટે સજ્જ હોવાનું સૂચવે છે.

વચગાળાના અંદાજપત્રએ પણ મૂડીખર્ચનો વધારો સતત ચોથા વરસે ચાલુ રાખીને આર્થિક વિકાસના દરને પુશ કરવાનો સરકારનો નિર્ધાર દર્શાવ્યો છે. રાજ્યોને તેમને અપાનાર વગર વ્યાજની લોનો દ્વારા મૂડીખર્ચ વધારવા માટે લોનની અમુક રકમ પ્રોત્સાહનરૂપે તેમના પર્ફોર્મન્સ મુજબ મંજૂર કરવાની શરત પણ મૂકી છે. વૈશ્વિક સ્લોડાઉન (પરિસ્થિતિ થોડી સુધર્યા પછી પણ) અને ચીનની વધતી જતી મુશ્કેલીઓના સંદર્ભમાં ભારતની સ્થિતિ વિદેશી મૂડીરોકાણ માટે પણ સાનુકૂળ થતી જાય છે. એક વાર લોકસભાની ચૂંટણીઓનાં ધાર્યાં પરિણામો પછી દેશમાં ત્રીજી ટર્મ માટે સ્થિર અને કામ કરતી સરકાર રચાયા પછી ભારતના આર્થિક વિકાસની ગાડીને સડસડાટ દોડવા માટે જાણે ઢાળ મળી ગયો હોય એવી સ્થિતિ નિર્માણ થશે. ઢગલાબંધ અનિશ્ચિતતાઓથી ભરેલ વિશ્વમાં ભારત માટે કોઈ અણધારી મોટી આફત ઊભી ન થાય એવી આશા રાખીએ. હોપ ઇઝ ઇટરનલ.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 07:31 AM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK