NSEનો મહાકાય IPO સફળતાપૂર્વક પાર થયો, ગ્રેમાર્કેટમાં ૩૧૦ થયેલું પ્રીમિયમ ગગડી ૩૦ થઈ હાલ ૪૯ના લેવલે
પ્રતીકાત્મક તસવીર
NSEનો મહાકાય IPO સફળતાપૂર્વક પાર થયો, ગ્રેમાર્કેટમાં ૩૧૦ થયેલું પ્રીમિયમ ગગડી ૩૦ થઈ હાલ ૪૯ના લેવલે ઃ તાતા સન્સ V/S તાતા ટ્રસ્ટ વચ્ચે કાનૂની જંગ શરૂ થવાની દહેશતમાં તાતા ગ્રુપના મોટા ભાગના શૅર નરમ, તાતા અૅલેક્સી લગભગ સાડાપાંચ વર્ષના તળિયે ઃ સારા બજારમાં BSE લિમિટેડ સવાત્રણ ટકા ડૂલ, પેરન્ટના ઋણબોજની ફિકરમાં ઑરેકલ ફાઇનૅન્શિયલ વૉલ્યુમ સાથે ૭૪૨ રૂપિયા લથડીઃ વર્ષમાં ૩૫ ટકા ખરડાયેલી પ્રોટીન e-Govમાં વૅલ્યુ બાઇંગનાં પડીકાં ફરતાં થયાં, શૅર ૨૦ ટકા ઊછળીને બંધ ઃ અલ્ટ્રાટેક ૪ ટકા વધી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બન્યો અે જ શૅર નિફ્ટીમાં ફક્ત પોણો ટકો સુધર્યો
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિવાર્તા ફરી શરૂ થવાની વાર્તાઓ મંડાતાં બ્રેન્ટ ક્રૂડ વધુ પોણાત્રણ ટકા ઘટી ૧૦૧ ડૉલરે આવ્યુ છે. ઈરાનના સમર્થનમાં હુતીઝ તરફથી અમેરિકા સમર્થક મધ્ય-પૂર્વના દેશો પર હુમલા ચાલુ જ છે એટલે શાંતિને હમણાં અવકાશ લાગતો નથી, પરંતુ પ્રચાર-તંત્રનો જમાનો છે. અવનવા એન્ગલથી અવનવી વાર્તાઓની નવાઈ નથી. ઇન્ડોનેશિયાની એક ટકા નજીકની નરમાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર ગઈ કાલે વધ્યાં છે. સાઉથ કોરિયા દોઢ ટકો, જપાન ૧.૪ ટકા, હૉન્ગકૉન્ગ, તાઇવાન તથા ચાઇના એક-એક ટકો તો થાધલૅન્ડ એક ટકા નજીક અપ હતું. યુરોપ પણ રનિંગમાં એકથી સવા ટકો મજબૂત ચાલતું હતું. ડૉલર સામે રૂપિયો ૭ પૈસા વધી ૯૫.૮૧ દેખાયો છે.
ઘરઆંગણે સેન્સેક્સ ૨૪૦ પૉઇન્ટ જેવો પ્લસ, ૭૪,૫૩૫ ખૂલી છેવટે પોણો ટકો કે ૫૬૪ પૉઇન્ટ વધીને ૭૪,૮૫૯ બંધ થયો છે. સામે નિફ્ટીમાં ૦.૩ ટકા કે ૬૮ પૉઇન્ટના સુધારે ૨૩,૪૧૪ રહ્યો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ માર્કેટમાં શૅરઆંક નીચામાં ૭૪,૪૫૪ અને ઉપરમાં ૭૪,૯૮૭ થયો છે. માર્કેટ બ્રેડ્થ રસાકસી સામે ૧૮૫૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૭૯ લાખ કરોડ વધી ૪૮૧.૫૮ લાખ કરોડ થયું છે.
સેન્સેક્સ-નિફ્ટી વચ્ચે વધનારા તેમ જ ઘટનારા ઘણા ખરા શૅરના ભાવમાં જબરું અંતર જોવા મળ્યું છે. સેન્સેક્સમાં અલ્ટ્રાટેક ૪.૧ ટકા કે ૪૩૯ વધી ૧૧,૧૦૯ નજીક બંધ થઈ ટૉપ ગેઇનર બન્યો છે. નિફ્ટીમાં આ શૅર માત્ર પોણો ટકો કે ૮૬ રૂપિયા જ વધ્યો છે. સેન્સેક્સ ખાતે વધવામાં મોખરે રહેલા અન્ય શૅરમાં HCL ટેકનો ૩.૪ ટકા, એટર્નલ ૨.૬ ટકા, ટાઇટન અઢી ટકા, ITC ૧.૯ ટકા, ટેક મહિન્દ્ર અને સનફાર્મા પોણાબે ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૭ ટકા પ્લસ હતી. HDFC બૅન્ક દોઢેક ટકાની આગેકૂચમાં ૭૪૦ના બંધમાં બજારને ૧૪૦ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સે ૧.૧ ટકા વધી ૧૨૪૮ નજીકના બંધ સાથે અેમાં બીજો ૭૭ પૉઇન્ટનો ઉમેરો કર્યો હતો.
નિફ્ટી ખાતે એટર્નલ ૨.૮ ટકા, HCL ટેક્નૉલૉજી અઢી ટકા, ITC ૧.૮ ટકા, સનફાર્મા ૧.૭ ટકા, રિલાયન્સ ૧.૭ ટકા, મૅક્સ હેલ્થકૅર ૧.૭ ટકા, ટાઇટન ૧.૬ ટકા, HDFC લાઇફ દોઢ ટકા, SBI લાઇફ ૧.૪ ટકા, ટેક મહિન્દ્રા ૧.૪ ટકા વધીને મોખરે હતી. ભારતી અૅરટેલ સેન્સેક્સમાં ૧.૯ ટકા બગડી ૧૮૩૦ તો નિફ્ટીમાં ૩.૩ ટકા ખરડાઈ ૧૮૩૦ના બંધમાં ટૉપ લૂઝર બની છે. અન્યમાં સેન્સેક્સ ખાતે પાવર ગ્રીડ ૧.૨ ટકા, ઇન્ફી એક ટકો, અદાણી પોર્ટ્સ પોણો ટકો, તાતા સ્ટીલ ૦.૬ ટકા નરમ હતા. નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ બે ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૮ ટકા, પાવર ગ્રીડ ૧.૬ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝીસ દોઢ ટકો, વિપ્રો ૧.૪ ટકા, ગ્રાસિમ ૧.૪ ટકા, ઇન્ફી સવા ટકો, તાતા સ્ટીલ ૧.૨ ટકા ડૂલ થઈ છે. પેરન્ટ કંપનીના દેવાની ચિંતા વધતાં ઑરેકલ ફાઇનૅન્સ સર્વિસિસ સાડાછ ટકા કે ૭૪૯ રૂપિયા તૂટી ૧૦,૯૨૬ થઈ છે. પ્રોટીન e-Gov વૅલ્યુબાઇંગની થીમ જામતાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૮૮ વટાવી ગઈ છે. રેમન્ડ ૧૦૮ કે ૧૧ ટકાના જમ્પમાં ૧૦૮૬ બંધ હતી. લેન્સકાર્ટ બ્લૉકડીલમાં જંગી વૉલ્યુમે સવાત્રણ ટકા તૂટી ૬૮૪ની અંદર રહી છે.
ADVERTISEMENT
ઇન્ડસ્ટ્રીના ૪૦ના પીઇ સામે વરમોરા ગ્રેનિટો ૬૧ના પીઇથી ઇશ્યુ કરશે
પ્રાઇમરી માર્કેટમાં ધમાધમી ચાલુ છે. આજે, મંગળવારે ૩ ભરણાં ખૂલવાનાં છે. મેઇન બોર્ડમાં ગુજરાતના રાજકોટની વરમોરા ગ્રેનિટો બેના શૅરદીઠ ૧૪૮ની અપરબેન્ડમાં ૭૦૮ કરોડનો IPO કરશે. અેમાંથી ઑફર ફૉર સેલ પેટે ૩૮૮ કરોડ છે. ૨૦૦૩માં સ્થપાયેલી આ કંપની સિરામિક તથા વીટ્રીફાઇડ ટાઇલ્સ બનાવે છે. ગત વર્ષ પાંચ ટકા વધારામાં ૧૫૬૨ કરોડ આવક ઉપર ૭૯ ટકા વૃદ્ધિદરથી ૫૫૦૯ કરોડ નફો બતાવી દીધો છે. દેવું ૩૫૮ કરોડ છે. ઇશ્યુમાંથી ૨૪૫ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે. કંપનીના માલિક પ્રકાશ વરમોરા ગુજરાત વિધાનસભાના સીટિંગ MLA છે. હાલ માર્કેટ લીડર કજરિયા સિરામિક્સ ૩૫ના, સોમાણી સિરામિક્સ ૨૨ના, સેરા સૅનિટરીવેર ૩૬ના અને પોકરણા ૨૪ના પીઇ ઉપર છે ત્યારે આ કંપની લગભગ ૬૧ના અતિ ઊંચા પીઇથી ઇશ્યુ કરી રહી છે. કજરિયાનું નફામાર્જિન સવાસાત ટકા છે, સામે વરમોરાનું પ્રૉફિટ માર્જિન માત્ર સાડાત્રણ ટકા છે. ખર્ચ થોડોક વધશે તો નફો ક્યાંય ગાયબ થઈ જશે. છેલ્લાં ત્રણ વર્ષમાં કંપનીની આવક લગભગ સ્ટેગનન્ટ રહી છે, ગ્રોથ નથી. ઇશ્યુમાં રોકાણ જોખમી દેખાય છે. ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ ૧૫ થઈ હાલમાં ૯ ચાલે છે.
SME સેગમેન્ટમાં હૈદરાબાદની હિમાલયા ન્યુટ્રાવેદિક્સ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૦૬ની અપરબેન્ડમાં ૨૬૫૦ લાખનો BSE SME IPO આજે કરશે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપની આયુર્વેદિક તથા ન્યુટ્રાક્યુટિક્લ ફૉર્મ્યુલેશન્સ બનાવે છે, વેચે છે. ગત વર્ષે ૧૦૫ ટકા વધારામાં ૪૩૧૨ લાખ આવક ઉપર ૨૩૧ ટકા વધારામાં ૭૩૯ લાખ નફો બતાવ્યો છે. દેવું ૫૧૩ લાખ છે. બે વર્ષ પૂર્વે ૧૪૪૩ લાખની આવક તથા ૪૩ લાખનો નફો હતો. ઇશ્યુમાંથી ૧૩૭૫ લાખ વર્કિંગ કૅપિટલમાં તથા ૭૫૦ લાખ બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ પાછળ વપરાશે. પ્રીમિયમ શરૂ થયું નથી. બીજી કંપની ગુજરાતના મહેસાણાના ઇન્ટ્રા-ડે ખાતેની આનંદ સિમલેસ ૧૦ના શૅરદીઠ ૭૨ના ભાવથી ૨૪૨૪ લાખનો BSE SME ઇશ્યુ કરશે. QIB પોર્શન નથી. કંપની સિમલેસ ટ્યુબ્સ તથા પાઇપ્સ બનાવે છે. ગત વર્ષે ૬૭ ટકા વધારામાં ૫૬૧૭ લાખ આવક ઉપર ૨૧૦૭ ટકા વધારામાં ૫૪૮ લાખ નફો દેખાડ્યો છે. દેવું ૨૮૨૧ લાખ છે. ઇશ્યુમાંથી ૧૩૨૦ લાખ વિસ્તરણમાં, ૫૭૩ લાખ દેવાની ચુકવણીમાં, ૩૧૩ લાખ ઇશ્યુ લાવવા પેટેના ખર્ચ તરીકે વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમના સોદા શરૂ થવા બાકી છે.
એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ તાલટેક લાઇફટાઇમ હાઈ થઈ
અૅરોસ્પેસ-ડિફેન્સ સેક્ટરની તાલટેક ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ ૫૭૯૯ના બેસ્ટ લેવલે જઈ પોણાછ ટકા વધી ૫૭૨૪ રહી છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ હાલ ૮૪૯ રૂપિયા છે. બોનસનું ખાનું ખાલી છે. તાતા સન્સનો IPO લાવવા બોર્ડે કરેલા ઠરાવ સામે તાતા ટ્રસ્ટના નોએલ તાતાએ વીટો વાપરતાં શુક્રવારે અઢી ગણા વૉલ્યુમ સાથે સવાઅગિયાર ટકા તૂટી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બનેલી તાતા કેમિકલ્સ ગઈ કાલે નજીવી વધી ૬૯૪ થઈ છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ સવાત્રણ ટકા ઘટી છે. તાતા અૅલેક્સી ૩૨૬૮ની માર્ચ-૨૦૨૧ પછીની બૉટમ બનાવી દોઢ ટકો ઘટી ૩૨૮૬ થઈ છે. નેલ્કો પોણાત્રણ ટકા, તાતા કૅપિટલ બે ટકા, તાતા કમ્યુનિકેશન્સ અઢી ટકા, તાતા પાવર બે ટકા, તાતા ટેલિ સવા ટકો, રાલીઝ ઇન્ડિયા એક ટકા નજીક ઘટી છે. આગલા દિવસે ૪ ટકા પ્લસની ખુવારીમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બનેલી TCS ગઈ કાલે ૧.૪ ટકા સુધરી ૨૧૩૦ રહી છે. ટ્રેન્ટ સવા ટકો, ટાઇટન અઢી ટકા, ઇન્ડિયન હોટેલ્સ ૧.૭ ટકા, તાતા મોટર્સ ૦.૭ ટકા પ્લસ હતી. તાતા સ્ટીલ અડધા ટકાથી વધુ તો તાતા મોટર્સ પૅસેન્જર પોણો ટકો નરમ હતી. વૉલ્ટાસ એકાદ ટકો સુધરી છે.
NSEનો મેગા ઇશ્યુ આખરી દિવસે સફળતાથી પૂરો થયો છે, પરંતુ એક તબક્કે ઉપરમાં ૩૧૦ થયેલું પ્રીમિયમ ગગડતું રહી ૩૦ થઈ ગયું છે. આ ભરણાની મુખ્ય લાભાર્થીમાં IFCI ગઈ કાલે ૩ ટકા, બૅન્ક ઑફ બરોડા સાધારણ, ન્યુ ઇન્ડિયા અૅશ્યૉરન્સ અડધા ટકા નજીક, જનરલ ઇન્શ્યૉરન્સ સવા ટકો, ઇન્ડિયન બૅન્ક અડધો ટકો નરમ હતી. સ્ટેટ બૅન્ક અડધા ટકાથી વધુના સુધારે ૯૯૬ રહી છે. BSE લિમિટેડ સારા બજારમાં સવાત્રણ ટકા બગડી ૩૧૬૧ હતી. NSDL પોણો ટકો ઘટી ૭૯૦ નીચે ગઈ છે. MCX દોઢ ટકો ઘટી હતી.
મણિકામાં ઝીરો રીટર્ન, ઇન્જેક્ટો તથા સેન્ચ્યુરીમાં લિસ્ટિંગ લૉસ
ગઈ કાલે મેઇન બોર્ડમાં સિલ્વાસાની મણિકા પ્લાસ્ટિક બેના શૅરદીઠ ૪૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થઈ ગગડતું રહી નીચામાં દોઢ રૂપિયો થયા પછી છેલ્લે ચાલતા એકના પ્રીમિયમ સામે ૪૩ ખૂલી ત્યાં જ બંધ થતાં ઝીરો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કલકત્તાની SME કંપની ઇન્જેક્ટો પૉલિમર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૯૯ ખૂલી ૯૭ બંધ રહેતાં ત્રણ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. બિહારના પટના ખાતેની સેન્ચ્યુરી બિઝનેસ મીડિયા ૧૦ના શૅરદીઠ ૭૪ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૭૪ ખૂલી ૭૨ બંધ આવતાં અઢી ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આજે મંગળવારે વામા વુવન ફેબ, ક્વૉન્ટો અૅગ્રોવર્લ્ડ તથા શક્તિ પૉલિટ્રેપ SME સેગમેન્ટમાં લિસ્ટેડ થશે. હાલ વામા વુવન ફેબમાં ૩ રૂપિયા, ક્વૉન્ટોમાં ઝીરો અને શક્તિમાં ૬ રૂપિયા પ્રીમિયમ છે.
આગલા દિવસે અર્થાત, શુક્રવારે જે પાંચ ભરણાં લિસ્ટિંગમાં ગયાં હતાં અેમાં મેઇન બોર્ડ ખાતે સાડાત્રણેક ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૪૫ બંધ થયેલી વિગાલૅન્ડ ડેવલપર્સ ગઈ કાલે ૧૩૭ની બૉટમ બતાવી ૨.૭ ટકા ઘટી ૧૪૧ થઈ છે. SME સેગમેન્ટમાં ૪૧ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૬૨ બંધ રહેલી મહારાજા અૅન્ડ સ્પીડેક્સ ઇન્ડિયા ગઈ કાલે નીચામાં ૨૪૯ નોંધાવી પાંચ ટકા તૂટી ત્યાં જ, સાડાબાર ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૨૨ બંધ રહેલી પંચત્વ ભારતમાં ગઈ કાલે કોઈ કામકાજ નથી. એકાદ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૯૧ બંધ આવેલી ઓમ ગૅલૅક્સી ઉપરમાં ૯૦ બતાવી ૩ ટકા ગગડી ૮૮ તથા પાંચ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૮૭ બંધ થયેલી રેક્સન ટ્રાન્સફૉર્મર્સ ગઈ કાલે નીચામાં ૨૭૨ દેખાડી પાંચ ટકા ખરડાઈ ત્યાં જ બંધ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં રેન્ટોમોજો નીચામાં ૫૦૨ થઈ ૫.૫ ટકા વધી ૫૪૧, કરમતારા એન્જિનિયરિંગ ઉપર ૩૭૩ નોંધાવી નજીવા સુધારામાં ૩૫૭, LCC પ્રોજેક્ટ્સ ૧૪૦ની બૉટમ બનાવી ૮.૬ ટકા લથડી ૧૪૨, મનિપાલ પેમેન્ટ ૩૫૯ની નવી ટોચે જઈ દોઢેક ટકા ઘટી ૩૩૫, આર્સિલ નીચામાં ૧૩૨ બતાવી પોણો ટકો ઘટીને ૧૩૫ તથા સ્ટીમ હાઉસ ઇન્ડિયા નીચે ૯૭ થઈ ૭.૭ ટકા વધી ૧૦૫ બંધ આવી છે. ગ્લાસ વૉલ સિસ્ટમ્સ ૯.૭ ટકા ઊછળી ૨૯૬ની ટોચે, કાનોહર ઇલેક્ટ્રિકલ્સ સવાદસ ટકા ઊછળી ૮૬૯ તો પ્રસોલ કેમિકલ્સ ઉપર ૭૦૫ બનાવી ૩.૫ ટકા બગડી ૬૭૬ હતી. SME કંપની એમટેક ઈસ્ટર્સ ૧૧૬ નજીક નવા શિખરે જઈ ૪.૩ ટકા વધી ૧૧૫ થઈ છે. વિનોદ ટેક્સવર્લ્ડ ૮૧ નીચે નવા તળિયે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ હતી.
કુલ પોણાછ ગણા પ્રતિસાદમાં NSEનો ઇશ્યુ પૂરો, પ્રીમિયમ ગગડીને ૩૦નું
ગઈ કાલે ત્રણ SME ઇશ્યુ ખૂલ્યાં છે અેમાં પ્રથમ દિવસે વિવેકાનંદ કોટસ્પિનનો ૧૦ના શૅરદીઠ ૩૭ના ભાવથી ૨૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં પાંચેક ટકા સહિત કુલ ૮ ટકા, FX મલ્ટિટેકનો ૧૦ના શૅરદીઠ ૧૧૬ના ભાવનો ૪૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭ ટકા સહિત કુલ ૨૯ ટકા તથા રોબોકીડ્સ એજ્યુવેન્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૬ના ભાવનો ૩૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૩ ગણા સહિત કુલ આઠેક ગણો ભરાયો છે. હાલ રોબોકીડ્સમાં ૫૫નું, FX મલ્ટિટેકમાં ઝીરો તથા વિવેદાનંદમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.
મેઇન બોર્ડમાં NSE લિમિટેડનો એકના શૅરદીઠ ૧૭૮૫ના ભાવનો ૨૨,૫૬૨ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં દોઢેક ગણા સહિત કુલ પોણાછ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ગગડતું રહી નીચામાં ૮૪ થયા પછી હાલ ૩૦ જેવું બોલાય છે. કેટલાક જાણકારો લિસ્ટિંગ દરમ્યાન કે લિસ્ટિંગ પછી ટૂંક સમયમાં આ શૅર બિલો-પાર થવાની વાત લાવ્યા છે. સોના સિલેક્શન ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવનો ૧૪૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં અઢી ગણા સહિત કુલ બે ગણો ભરાઈ પૂરો થયો છે. ૮થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી ઝીરો થયા પછી બે થઈ હાલમાં અે ઝીરો ચાલે છે.
બરોડાની એક્ઝિઓમ ગૅસનો પાંચના શૅરદીઠ ૫૪ના ભાવનો ૫૧ કરોડનો NSE SME IPO ગઈ કાલે બીજા દિવસના અંતે ૮૫ ટકા જેવો ભરાયો છે. પ્રીમિયમ નથી. સ્પેક્ટ્રા ટેક્નૉલૉજીનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૪૩ કરોડનો ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૩૦૬ ગણા સહિત કુલ ૩૦૧ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ૪૫વાળુ પ્રીમિયમ હાલ ત્યાં જ ચાલે છે. ખેડિયા ઑટોકોમ્પનો ૧૦ના શૅરદીઠ ૧૦૧ના ભાવનો ૪૬ કરોડનો ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ત્રણેક ગણા સહિત કુલ ૨.૪ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ગગડી ૩ થયું છે.
-અનિલ પટેલ
