અમેરિકામાં ડેટ લિમિટની કશમકશ, ચીનમાં મંદીની ભીતિ વચ્ચે ટેક્નૉલૉજી શૅરોમાં તેજી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અમેરિકામાં દેવા મર્યાદા વિશે શાસક અને વિપક્ષ વચ્ચે કશમકશ, ચીનમાં આર્થિક મંદીના ભણકારા અને યુઆન તેમ જ ઇમર્જિંગ કરન્સીમાં નરમાઈ આવતાં રૂપિયો નોંધપાત્ર નરમ થયો હતો. છેલ્લાં કેટલાંક સપ્તાહથી રૂપિયો ૮૧.૬૦-૮૨.૬૦ જેવી સાંકડી રેન્જમાં રહેતો હતો. ફૉરેક્સ રિઝર્વ પણ પર્યાપ્ત હોવાથી રૂપિયો મજબૂત થતો હોવાથી સેન્ટિમેન્ટ અપબીટ થયું હતું. ડોવરમાં દરેક ઉછાળે નિકાસકારોની વેચવાલી આવતી હતી. જોકે ૮૨.૬૦ની સપાટી વટાવાતાં અને રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરી ન આવતાં આયાતકારોની ડિમાન્ડ નીકળી હતી. શૉર્ટ કવરિંગ આવ્યું હતું. ઑપ્શન ટ્રેડર્સનું ડેલ્ટા ન્યુટ્રલ હેજ બાઇંગ જોવાયું હતું. શુક્રવારે સાંજે રિઝર્વ બૅન્કે ૨૦૦૦ની નોટ કરન્સી સર્ક્યુલેશનમાંથી હટાવવાની જાહેરાત કર્યા પછી એક તબક્કે રૂપિયો ૮૨.૯૫ થઈ છેલ્લે ૮૨.૮૩ બંધ રહ્યો હતો. ૨૦૦૦ની નોટનો કિસ્સો ૨૦૧૬ જેવો શૉકિંગ નથી. શૅરબજારો માટે તો નૉન-ઇવેન્ટ દેખાય છે. કૉમોડિટીઝ પર થોડી ઘણી અસર કામચલાઉ થઈ શકે.
રૂપિયાની વાત કરીએ તો સામાન્ય રીતે રિઝર્વ બૅન્ક ૮૨.૮૦-૮૩ આસપાસ ડૉલર વેચી રૂપિયાની મંદી રોકવા સક્રિય થાય છે એટલે આજે કરન્સી ટ્રેડર્સની નજર આરબીઆઇ પર રહેશે. ફૉરેક્સ રિઝર્વ ૫૯૩ અબજ ડૉલર જેવી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ નેટ બાયર છે. શૅરબજારમાં આઇટી, ઑટો, ફાર્મા, ટૂરિઝમ, બૅન્કિંગ જેવાં સેક્ટરોમાં મજબૂતાઈ છે. ઘણી ખરી કંપનીઓનાં પરિણામો અને ડિવિડન્ડ અપેક્ષાથી સારાં આવી રહ્યાં છે. ટેક્નિકલી રૂપિયામાં ૮૨.૪૮, ૮૨.૨૦ અને ૮૧.૮૦ સપોર્ટ છે અને ૮૨.૮૪, ૮૨.૯૮, ૮૩.૧૦ રેઝિસ્ટન્સ છે, ૮૩.૩૦ ફાઇનલ રેઝિસ્ટન્સ છે. ચાર્ટ પર વેજ પૅટર્ન બની છે. કન્સોલિડેશન બ્રેકઆઉટ દેખાય છે. રૂપિયો ૮૩.૩૦ વટાવે તો ૮૩.૮૦-૮૪ સુધીની શક્યતા નકારાય નહીં.
વૈશ્વિક બજારોમાં જપાની ટેક્નૉલૉજી શૅરો અને અમેરિકામાં બિગ ટેક શૅરોમાં શાનદાર તેજી છે. જપાની ટેક શૅરોનો ઇન્ડેક્સ ટૉપિક્સ ૩૩ વર્ષની ઊંચી સપાટીએ છે. અમેરિકામાં બિગ ટેક અને ઘણા ખરા સેમી કન્ડક્ટર શૅરોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ડૉલેક્સ પણ ૧૦૦.૪૦થી સુધરીને ૧૦૩.૨૦ થયો છે. ફેડના ચૅરમૅન પૉવેલે ૧૪ જૂનની ફેડની બેઠકમાં વ્યાજદર વધારો અટકે એવા સંકેત આપ્યા છે. જોકે બજારને હાલમાં ડેબ્ટ લિમિટ મર્યાદાની ૧ જૂનની ડેડલાઇન વિશેની ચિંતા છે. નાણાસચિવ યૅલેને બૅન્કો વચ્ચે વધુ મર્જર જરૂરી છે એમ કહેતાં બૅન્કો પરનો ખતરો હજી ટળ્યો નથી એવો અંદેશો પણ જાગ્યો છે. અમેરિકામાં તાજેતરમાં ચાર બૅન્કો કાચી પડી છે. ફુગાવા વિશે ફેડનો મત વિભાજિત છે. વપરાશી ફુગાવો જાન્યુઆરીમાં ૯.૧ ટકા હતો એ હાલમાં ૪.૯ ટકા છે એ જોતાં ફેડનો ફુગાવો બે ટકા થવા વિશેનો આગ્રહ વધુ પડતો આશાવાદી નથી. મારા મતે વ્યાજદરના મામલે ઓવરટાઇટનિંગ થઈ ગયું છે. ફેડ વ્યાજદર વધારવામાં મોડી પડી હતી, એ જ રીતે ઘટાડવામાં પણ મોડી પડશે. ચીનમાં તાજેતરમાં ફુગાવો મંદીજન્ય એટલે કે શૂન્ય નજીક પહોંચ્યો છે. ભારતમાં જથ્થાબંધ ભાવાંક એપ્રિલમાં માઇનસ ૦.૯૨ હતો. આગળ અમેરિકામાં હાઉસિંગ, ઑટો અને ફ્યુઅલ-ફૂડમાં મોંઘવારી ઘટે તો વપરાશી ફુગાવો ડિસેમ્બર સુધી ૨.૫-૩ ટકા આવી જાય એ શક્ય છે, એવી સ્થિતિને સ્ટેગફ્લેશન ગણવું પડે. માગની મંદી અને ઍસેટ બજારોની તેજી એટલે સ્ટેગફ્લેશન યાને મંદીજન્ય ફુગાવો.
એશિયામાં યુઆન ઝડપી તૂટતાં યેન, કોરિયા વોન સહિત ઇમર્જિંગ કરન્સી નબળી પડી હતી. ઑફશૉર યુઆન એક તબક્કે ૭.૦૭ થઈ જતાં ચાઇના સેન્ટ્રલ બૅન્કે સ્પેક્યુલેટર્સને ચેતવણી આપતાં યુઆન ઝડપથી સુધર્યો પણ હતો. જોકે અન્ડરટોન નબળો હતો. ચીનમાં રીઓપનિંગ પછીની રિકવરી ઘણી કમજોર દેખાય છે. પ્રૉપર્ટી ડિફૉલ્ટ્સ અને તાજેતરમાં અમુક વિદેશી કંપનીઓ સામે પણ સરકારી સકંજા પછી ફન્ડ મૅનેજર્સનો ચીની બજારોમાંથી મોહભંગ થયો છે. મોટા હેજ ફન્ડો અત્યારે જપાન માટે બુલિશ છે. અમેરિકામાં બિગટેક, સેમી કન્ડક્ટર શૅરોમાં પણ જોરદાર તેજી છે.
યુરોપમાં પાઉન્ડ, યુરો એકંદરે ટકેલા છે. બજારોનું ફોકસ હાલમાં અમેરિકા ડેબ્ટ ટૉક, બિગ ટેક પર છે એટલે યુરોપિયન બજારો સુસ્ત છે. ૧ જૂનની ડેબ્ટ લિમિટ ૧૪ જૂનની ફેડ મીટિંગ સુધી બજારોમાં અનિર્ણાયકતા હાવી રહેશે.