ભારતમાં ફુગાવો ઘટશે, GDP વૃદ્ધિદર ૬.૩ ટકા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સંયુક્ત રાષ્ટ્ર (UN)નો અંદાજ છે કે વૈશ્વિક અર્થતંત્ર હાલમાં જોખમી સ્થિતિમાં છે. અમેરિકા દ્વારા ટૅરિફમાં વધારાથી વૈશ્વિક સપ્લાય ચેઇન પર ભારે અસર પડી છે. આનાથી ઉત્પાદનખર્ચમાં વધારો થયો છે અને રોકાણમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રના મતે આ અનિશ્ચિતતા વચ્ચે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહેશે. સંયુક્ત રાષ્ટ્રે ૨૦૨૫ માટે ભારતના ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને ૬.૩ ટકા કર્યો છે.
જાન્યુઆરી ૨૦૨૫માં આ અંદાજ ૬.૬ ટકા હતો. જોકે આ ઘટાડા છતાં ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક ગણવામાં આવે છે. આ માહિતી ૧૬ મેના રોજ પ્રકાશિત થયેલા સંયુક્ત રાષ્ટ્રના નવા રિપોર્ટ ‘વર્લ્ડ ઇકૉનૉમિક સિચુએશન ઍન્ડ પ્રોસ્પેક્ટ્સ ટુ મિડ ૨૦૨૫’માં આપવામાં આવી છે. ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા મુખ્યત્વે મજબૂત સ્થાનિક વપરાશ અને સરકારી રોકાણ દ્વારા સમર્થિત છે. આ ઉપરાંત સેવા ક્ષેત્રની નિકાસ પણ આર્થિક વૃદ્ધિને મજબૂત બનાવી રહી છે. ભારતમાં ફુગાવો ૨૦૨૪માં ૪.૯ ટકા રહ્યા બાદ ૨૦૨૫માં ઘટીને ૪.૩ ટકા થઈ શકે છે.


