Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વના દેશોમાં ભાવવધારાના રાક્ષસને નાથવા વ્યાજના દર વધારવાની ગળાકાપ હરીફાઈ જામી

વિશ્વના દેશોમાં ભાવવધારાના રાક્ષસને નાથવા વ્યાજના દર વધારવાની ગળાકાપ હરીફાઈ જામી

26 September, 2022 04:29 PM IST | Mumbai
Jitendra Sanghvi

આ સપ્તાહની રિઝર્વ બૅન્કકની મૉનિટરી પૉલિસી ભણી સૌની મીટ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


ફેડ દ્વારા કરાયેલો વ્યાજના દરનો ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો અપેક્ષા પ્રમાણેનો છે (૧૦૦ બેસિસ પૉઇન્ટના વધારાની પણ સંભાવના હતી). તો પણ  વિશ્વના મોટા ભાગના દેશો (ભારત સહિત)માં આ વધારાથી સોપો પડી ગયો છે. સંખ્યાબંધ દેશોની સેન્ટ્રલ બૅન્કોએ ફેડના પગલાના ૨૪ કલાકમાં વ્યાજના દર વધારી દીધા છે

ડૉલર મજબૂત થયો છે એટલે અનેક દેશોનાં ચલણો નબળાં પડ્યાં છે. રૂપિયાએ નવી નીચી ઐતિહાસિક સપાટી સર કરી છે. સ્લોડાઉન અને વૈશ્વિક મંદીનો હાઉ વધતો જાય છે. જાપાનની સેન્ટ્રલ બૅન્કે ૧૯૯૮ પછી પ્રથમ વાર માર્કેટમાં દરમ્યાનગીરી કરી યેનની બાહ્ય કિંમતના ઘટાડાને અટકાવવાનો પ્રયાસ કર્યો છે.



છેલ્લાં ત્રણ વરસથી અને ખાસ કરીને મહામારીના સમયમાં હળવી મૉનેટરી પૉલિસીને કારણે અને માગ વધારવા માટે રિઝર્વ બૅન્કે લીધેલ પગલાથી બૅ​કિંગ સિસ્ટમમાં લિ​ક્વિડિટી (રોકડ નાણાં)ની સરપ્લસ હતી એ હવે ડેફિસિટમાં ફેરવાઈ ગઈ છે.


સરકારી અંદાજ પ્રમાણે આપણા ખરીફ અનાજના ઉત્પાદનમાં ચાલુ વરસે ચાર ટકા (ચોખાના પાકમાં છ ટકા)નો ઘટાડો થઈ શકે. જેની વિપરીત અસર આપણા ભાવવધારા પર થવાની. સરકારે ચોખાની અમુક વરાઇટીની  નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તો અમુક વરાઇટીની નિકાસ પર ડ્યુટી નાખી છે.
કેટલાય સમયથી ઠંડા પડેલા રશિયા-યુક્રેન સંઘર્ષ આવનાર દિવસોમાં વધુ ઉગ્ર બને એવી ધમકી સાથે રશિયાએ યુક્રેન પરના પરમાણુ હુમલાની ચેતવણી પણ આપી છે. એના ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને સાવધાન થઈ જવાનો આદેશ પણ અપાયો છે. આમ વિશ્વના અર્થતંત્ર પરની ભીંસ  વધતી જાય છે.

ફેડની જાહેરાતથી વિશ્વના સંખ્યાબંધ દેશો દોડતા કેમ થઈ ગયા?


ફેડરલ રિઝર્વે આ વરસે ત્રીજી વાર વ્યાજના દરમાં ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યાના ગણતરીના કલાકોમાં બ્રિટન, ​સ્વિટ્ઝરલૅન્ડ, નૉર્વે, સ્વીડન, દ. આફ્રિકા, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, તાઇવાન (૧૨.૫ બેસિસ પૉઇન્ટ) અને વિયેટનામે એમના વ્યાજના દરોમાં ૫૦થી ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો. અપવાદરૂપે ૮૦ ટકાના ભાવવધારાથી ગ્રસ્ત હોવા છતાં ટર્કીએ એના વ્યાજના દરમાં એક ટકાનો ઘટાડો કર્યો.

બે વરસની મહામારીને અંતે મોટા ભાગના દેશોમાં માગમાં અણધાર્યો વધારો થયો. માગના આ વધારા સામે ચીજવસ્તુઓના પુરવઠામાં જોઈતા પ્રમાણમાં વધારો ન થયો (ખાસ કરીને ચીનમાં કોરોનાએ ફરી વાર માથું ઊંચકતાં લૉકડાઉનને લીધે જોવા મળેલ સ્લોડાઉનને કારણે), પણ એના (ખાસ કરીને ગૅસ અને વીજળી) ભાવો રશિયા-યુક્રેન સંઘર્ષને પરિણામે વધતા રહ્યા. પુરવઠો  માગના વધારા સાથે મૅચ ન થતાં વિશ્વના અનેક દેશો ભાવવધારાની વિક્રમ સ્વરૂપ  ઊંચી સપાટીથી  પીડાઈ રહ્યા છે. નબળાં પડતાં ચલણોને મજબૂત કરવા પણ અનિવાર્ય છે. આમ આ નવી પરિસ્થિતિ સામે બાથ ભીડવા માટે વ્યાજના દરના વધારાનું શસ્ત્ર વીંઝાઈ રહ્યું છે.

અમેરિકામાં ફુગાવાના બે ટકાના લક્ષ્યાંક સામે હાલનો ભાવવધારો આઠ ટકાનો છે. ૭૫ બેસિસ પૉઇન્ટના વધારા સાથે વ્યાજના દર ૩-૩.૨૫ ટકાની રેન્જમાં છે. જયાં સુધી બે ટકાના ભાવવધારાનો લક્ષ્યાંક હાંસલ કરવાનો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી ફેડેરલ રિઝર્વ વ્યાજના દર વધારતાં અટકશે નહીં. 

ફેડના અંદાજ પ્રમાણે ૨૦૨૨ના અંત સુધીમાં વ્યાજના દર ૪.૪ ટકા અને ૨૦૨૩માં એ વધીને ૪.૬ ટકા થવાની સંભાવના છે. ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલના આ નિવેદને સમગ્ર વિશ્વને દોડતું કરી દીધું છે. ભાવવધારાના ડેવિલને કચડી નાખવા માટેના ફેડના મક્કમ (ડુ ઑર ડાઇ) અભિગમ મુજબ તો અમેરિકાને મંદીની પણ પરવા નથી.

ફેડનો આ જ અભિગમ હોય તો ડૉલર મજબૂત બને અને ડૉલરની ઍસેટનાં રોકાણો પર વધુ વ્યાજ મળતું થાય એટલે ઇમર્જિંગ દેશોમાંથી સ્ટૉક માર્કેટનું રોકાણ (ડૉલરનો આઉટફલો) બહાર ખેંચાવા માડે અને જે તે દેશનું ચલણ (કરન્સી) નબળું પડે. પરિણામે આયાતો મોંઘી થાય અને ભાવવધારો ઉગ્ર બને. કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધે. જે ભાવવધારો રોકવા માટે વ્યાજના દર વધારાય છે એનાથી જ પાછો ભાવવધારો થાય છે. આમ અનેક પ્રશ્નો ઊભા થાય છે. છેને અર્થતંત્રની જટિલતાનો ઉત્તમ દાખલો?

આ બધી સમસ્યાઓથી બચવા માટે અમેરિકામાં વ્યાજના દર વધે એટલે અન્ય દેશો નિ:સહાય અને લાચાર બની વ્યાજના દર વધારવા માડે, પણ આખરે એ કામચલાઉ સાબિત થાય. 

રિઝર્વ બૅન્ક  રેપોરેટ ૩૫થી ૫૦ બેસિસ પૉઇન્ટ વધારશે

ચાલુ અઠવાડિયે (સપ્ટેમ્બર ૩૦) જાહેર કરાનાર મૉનેટરી પૉલિસીમાં રિઝર્વ બૅન્કે પણ વ્યાજના દરમાં વધારો તો કરવો જ પડશે એ લગભગ નિશ્ચિત મનાય છે. એ વધારો ૩૫થી ૫૦ બેસિસ પૉઇન્ટનો હોઈ શકે.

આ માટેનાં કારણો કયાં?

૧. ફેડના વ્યાજના દરના વધારાને પગલે રૂપિયો ડૉલર સામે એની ઐતિહાસિક નીચી સપાટીએ ઊતર્યો છે. (૮૧થી પણ નીચો). રૂપિયાની કિંમતમાં આ સાથે ચાલુ વરસે આઠ ટકાનો ઘટાડો થયો છે. 
૨. ઑગષ્ટમાં થયેલો છૂટક ભાવવધારો (૭ ટકા) સતત આઠમે મહિને બૅન્કની ઉપરની ટૉલરન્સ લિમિટ (છ ટકા)થી ઊંચો છે. 
૩. ફેડ દ્વારા વ્યાજના દર વધારાતાં આપણા અને અમેરિકાના વ્યાજના દર વચ્ચેનો તફાવત  ઓછો થયો છે. 
૪.  જીઓ – પોલિટિકલ તણાવ (રશિયાની ધમકી) વધ્યો છે. 

મૂડી રોકાણકારોને છે તેમના રોકાણની સહી-સલામતીની ચિંતા

વ્યાજના દર વધારવા ઉપરાંત રૂપિયાની ડૉલર સામેની કિંમત જાળવી રાખવા માટે રિઝર્વ બૅન્ક એના વિદેશી હૂંડિયામણના રિઝર્વમાંથી સમયાંતરે ડૉલર બજારમાં વેચતી રહે છે. છેલ્લા છ મહિનામાં રિઝર્વ બૅન્કે આ રીતે બિલ્યન્સ ઑફ ડૉલર વેચ્યા છે. આપણી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પણ આ વરસે વધી છે. આ અને આવાં અનેક કારણોને લીધે દેશના વિદેશી હૂંડિયામણમા ટોચના લેવલેથી ૯૭ બિલ્યન ડૉલરનો ઘટાડો થયો છે. આપણું વિદેશી હૂંડિયામણ  ચિંતાજનક  સ્તરે  ઘટતું જાય છે એટલે રૂપિયાની કિંમત જાળવી રાખવા માટે વિદેશી હૂંડિયામણ પર મદાર રાખવાનું આપણને હવે વધુ સમય પરવડે નહીં.

રિઝર્વ બૅન્ક ડૉલર બજારમાં વેચે એટલે એટલા રૂપિયાનો જથ્થો બૅકિંગ સિસ્ટમમાંથી ઓછો થાય. જેને પરિણામે લિ​ક્વિડિટી ઘટે. છેલ્લાં ત્રણ વરસમાં (મે ૨૦૧૯ પછી) પ્રથમ વાર લિ​ક્વિડિટી સરપ્લસને બદલે ડેફિસિટમાં ફેરવાઈ (જરૂર કરતાં ઓછી થઈ) ગઈ છે. લિ​ક્વિડિટીની ખેંચને કારણે કૉલ મનીરેટ (૫.૮૫ ટકા) રેપોરેટ (૫.૪૦ ટકા) કરતાં ઊંચો ગયો (સપ્ટેમ્બર ૨૧). પરિણામે રિઝર્વ બૅન્કે લગભગ ૨૨,૯૦૦ કરોડ રૂપિયા સિસ્ટમમાં ઉમેરવા પડયા.

વિદેશી મૂડીનો આઉટફલો શરૂ

જુલાઈ મહિને શરૂ થયેલ વિદેશી પોર્ટફોલિયો મૂડીનો ઇન્ફ્લો ઑગષ્ટ મહિને ચાલુ રહ્યો. સપ્ટેમ્બરની ૧૬ તારીખ સુધી  ૧૨,૦૮૧ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ (૧.૫ બિલ્યન ડૉલર) આવ્યું. ફેડ અધ્યક્ષના વ્યાજના દર સતત વધતા રહેવાના સંકેતોએ ગયે અઠવાડિયે (સપ્ટેમ્બર ૧૯-૨૩) આ મૂડીનો આઉટફલો શરૂ થઈ ગયો (૬,૭૦૦ કરોડ રૂપિયા). 
અમેરિકાનાં ૧૦ વરસના બૉન્ડ પરનું વળતર ૩.૭ ટકાથી પણ વધુ છે અને ડૉલર છેલ્લા બે દાયકાની સૌથી ઊંચી સપાટીએ છે (અન્ય દેશોના ચલણ સામેનો ડૉલર ઇન્ડેક્સ ૧૧૨).
આ સંજોગોમાં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણ નિયમિતરૂપે આપણા સ્ટૉક માર્કેટમાં નહીં થાય. રશિયા-યુક્રેનનો વધતો જતો સંઘર્ષ બળતામાં ઘી હોમવાનું કામ કરશે. 

સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારશે, કિંમતો ઘટાડશે

૨૦૨૦ના અંદાજપત્રમાં નાણાપ્રધાને રાષ્ટ્રીય લૉજિ​સ્ટિક્સ નીતિ ઘડવાના વહેતા કરેલા વિચારનો હવે અમલ કરાયો છે. વડા પ્રધાન દ્વારા  આ નવી નીતિ  જાહેર કરાઈ છે. આ પૉલિસીના અમલથી દેશનાં ચાવીરૂપ માર્કેટોમાં મલ્ટી-મૉડલ (એક કરતાં વધુ પરિવહનનાં સાધનો જેમાં સંકળાયેલાં હોય) લૉજિ​સ્ટિક પાર્ક ઊભાં થશે; વેરહાઉસિંગમાંનુ રોકાણ વધશે તેમ જ સપ્લાય ચેઇનના પ્રથમ અને છેલ્લા માઇલની જોડાણની પ્રક્રિયા (ગતિ) ઝડપી બનશે. પરિણામે આ ક્ષેત્રની કાર્યક્ષમતા વધશે, કિંમતો ઘટશે અને હરીફશ​ક્તિ વધશે. 
હાલમાં વિશ્વમાં લૉજિ​સ્ટિક્સ કૉસ્ટ જીડીપીના આઠ ટકા સામે આપણી લૉજિ​સ્ટિક્સ કૉસ્ટ જીડીપીના ૧૩થી ૧૪ ટકા છે. એમાં ઘટાડો થઈને એ ૮-૧૦ ટકા જેટલી થતાં આપણી હરીફશક્તિ અને નિકાસો વધશે.

ઍગ્રો પ્રોડક્ટ્સ અપૂરતી સગવડોના અભાવે નષ્ટ થાય છે

નવી પૉલિસી વડા પ્રધાનના ગતિશ​ક્તિ માસ્ટર પ્લાનને વેગ આપશે.  
નવી પૉલિસીમાં ચીજવસ્તુઓના પરિવહનમાં રેલવેનો હિસ્સો હાલના ૨૮ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનો લક્ષ્યાંક છે અને જળ મારફત થતા પરિવહનનો હિસ્સો ૨૦ ટકા કરવાની યોજના છે. 
રસ્તાઓ (મુખ્યત્વે ટ્રકો)નો હિસ્સો પરિવહનમાં ઘટે એટલે પ્રદુષણ પણ ઓછું થાય, જે આપણી આજની મોટી જરૂરિયાત છે. એટલે જ ભારત ઇલે​ક્ટ્રિક વાહનો (ઈવી) અને શૂન્ય ઇમિશન ટ્રકની દિશામાં આગળ વધી રહ્યું છે.

આજે પરિવહનની પૂરતી અને કાર્યક્ષમ સગવડોને અભાવે અને અપૂરતા સ્ટોરેજને લઈને આપણા ખેત ઉત્પાદનનો ૧૬ ટકા હિસ્સો પ્રોસેસિંગ થઈ શકતો નથી અને એ કોઈના ઉપયોગમાં આવ્યા સિવાય નષ્ટ થાય છે. આ એક મોટું આર્થિક નુકસાન છે જે આપણને પરવડે નહીં.
ભારતને વિકસિત દેશ બનવા સાથે વિશ્વના મૅન્યુફૅક્ચરિંગ હબ બનવાનું સ્વપ્ન પૂરું કરવામાં આ નવી નીતિ હાથવગી બનશે. 

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2022 04:29 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK