તમામ બૅન્કોનો મળીને કુલ ૩૪,૭૭૪ કરોડ રૂપિયાનો નફો થયો
પ્રતીકાત્મક તસવીર
જાહેર ક્ષેત્રની બૅન્કો (સરકારી બૅન્કો)એ જૂન ૨૦૨૩ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૩૪,૭૭૪ કરોડ રૂપિયાનો બમણા કરતાં વધુ નફો નોંધાવીને ફરી એક વાર શાનદાર પ્રદર્શન કર્યું છે.
જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓ દ્વારા પ્રકાશિત ત્રિમાસિક આંકડાઓ અનુસાર, અગાઉના નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન સમયગાળા દરમ્યાન તમામ ૧૨ સરકારી બૅન્કોએ કુલ ૧૫,૩૦૬ કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
ઊંચા વ્યાજના ચક્રને કારણે બૅન્કોને ત્રિમાસિક ગાળા દરમ્યાન સારું ચોખ્ખું વ્યાજ માર્જિન મેળવવામાં મદદ કરી. મોટા ભાગની બૅન્કોએ વ્યાજ માર્જિન ત્રણ ટકાથી વધુ મેળવ્યું હતું.
પુણેસ્થિત બૅન્ક ઑફ મહારાષ્ટ્રે ત્રિમાસિક ગાળા દરમ્યાન સૌથી વધુ ૩.૮૬ ટકા વ્યાજ માર્જિન મેળવ્યું હતું, ત્યાર બાદ સેન્ટ્રલ બૅન્ક ૩.૬૨ ટકા અને ઇન્ડિયન બૅન્ક ૩.૬૧ ટકા હતું.
પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાન ચાર ધિરાણકર્તાઓએ ૧૦૦ ટકાથી વધુનો નફો નોંધાવ્યો હતો. સૌથી વધુ ટકાવારી વૃદ્ધિ પંજાબ નૅશનલ બૅન્ક દ્વારા નોંધવામાં આવી હતી, જેણે અગાઉના વર્ષના સમાન ક્વૉર્ટરમાં ૩૦૮ કરોડ રૂપિયાની સામે ૧૨૫૫ કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો, જે ૩૦૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
એ પછી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)નો નંબર આવે છે, જેણે ૧૭૮ ટકા બૉટમલાઇન ગ્રોથ ૧૬,૮૮૪ કરોડ રૂપિયા નોંધાવ્યો હતો અને બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૧૭૬ ટકાના વધારા સાથે ૧૫૫૧ કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. ૧૬,૮૮૪ કરોડ રૂપિયાનો એસબીઆઇનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો તમામ સરકારી બૅન્કો દ્વારા કમાયેલા કુલ નફાના લગભગ ૫૦ ટકા છે. ગત નાણાકીય વર્ષ દરમ્યાન પણ એસબીઆઇનું યોગદાન લગભગ ૫૦ ટકા હતું, જ્યારે આ બૅન્કોનો સંચિત નફો ૧.૦૫ લાખ કરોડ રૂપિયો કર્યો હતો.


