Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીવન વીમો પ્રેમની અભિવ્યક્તિ સમાન છે

જીવન વીમો પ્રેમની અભિવ્યક્તિ સમાન છે

08 February, 2023 03:08 PM IST | Mumbai
Priyanka Acharya

એક સમયે લોકો જીવન વીમા પૉલિસીને જ રોકાણનું સાધન માનતા હતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આવતા સપ્તાહે વૅલેન્ટાઇન્સ ડે છે. આપણે છેલ્લાં થોડાં વર્ષોમાં જાણી ગયા છીએ કે આ દિવસ પ્રેમની અભિવ્યક્તિનો છે. કઈ વ્યક્તિ પ્રત્યે અભિવ્યક્તિ કરવી એ દરેકનો પોતપોતાનો વિષય છે. જીવન વીમો પણ પ્રેમની અભિવ્યક્તિ જ છે. તમે જેને પ્રેમ કરતા હો એવા તમારા સ્વજનો તમારી ગેરહાજરીમાં પણ આર્થિક રીતે કોઈ પણ રીતે તકલીફમાં આવે નહીં એ હેતુથી જીવન વીમો લેવામાં આવે છે. આ પૉલિસી કોને કઈ રીતે પ્રેમની અભિવ્યક્તિમાં મદદ કરે છે એની આજે વાત કરીએ.

આપણે જોયું છે કે ભાવનાત્મક રીતે દીકરીઓ પિતા પ્રત્યે અને દીકરાઓ માતા પ્રત્યે વધુ સ્નેહ ધરાવતાં હોય છે. આજનાં યુવા વયનાં માતા-પિતાને જીવન વીમા પૉલિસીમાં અનેક પ્રકારના વિકલ્પો મળે છે. કોઈ વ્યક્તિ ટર્મ પ્લાન ખરીદવાનું સૂચન કરે, તો કોઈ બાળકોના શિક્ષણ માટે તો કોઈ વળી નિવૃત્તિકાળ માટેના રક્ષણ અર્થે પૉલિસી લેવાની સલાહ આપતું હોય છે. આ સ્થિતિમાં માતા-પિતાએ પોતાના પરિવારની જરૂરિયાતો અને આર્થિક સ્થિતિના આધારે પૉલિસી નક્કી કરવી જોઈએ. 



એક સમયે લોકો જીવન વીમા પૉલિસીને જ રોકાણનું સાધન માનતા હતા. આજે જેઓ વરિષ્ઠ નાગરિક બની ગયા છે તેમણે બે કે ત્રણ દાયકા પહેલાં કેટલીક પૉલિસીઓ લઈને રાખી હશે. હવે એ પૉલિસીઓ પાકવા લાગી છે ત્યારે શક્ય છે કે વીમા એજન્ટ સાથે સંપર્ક રહ્યો ન હોય. આ સ્થિતિમાં તેમનાં પૌત્ર-પૌત્રીઓની નૈતિક જવાબદારી છે કે તેમને પાકતી પૉલિસી બાબતે મદદ કરે. તેમણે પૉલિસીઓ લઈને પોતાના વારસદારો પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરી લીધી છે. હવે તેમના વારસદારોએ તેમને આવશ્યકતા મુજબ ક્લેમ કરવા માટે સહાય કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવાની છે. આ સાથે જ પૌત્ર-પૌત્રીઓને તેમના વડીલો પાસેથી જીવન વીમાને લગતી જાણકારી મળી શકે છે. બદલાતા સમયની સાથે કયા પ્રકારની પૉલિસી લેવી એના વિશે તેઓ ચર્ચા કરી શકે છે. 


આ પણ વાંચો : જીવન વીમાના પૉલિસી ડૉક્યુમેન્ટનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે?

આજકાલ યુવા દંપતીઓ એક જ સંતાનને જન્મ આપે છે. એક સમય હતો, જ્યારે ભાઈ-ભાંડુઓ એકબીજાનો સધિયારો બની રહેતા. જેઓ હજી પણ ભાઈ-બહેન ધરાવે છે તેઓ તેમની સાથે જીવન વીમા પૉલિસી વિશે વાતચીત કરીને પોતાના પરિવારની વીમાની તમામ જરૂરિયાતો સંતોષવા વિશે નિર્ણય લઈ શકે છે. ભાઈ-બહેનો એકબીજાના ઉત્તમ મિત્રો પણ છે. એટલું જ નહીં, એકબીજાની જરૂરિયાતો ઘણી સારી રીતે સમજી શકે છે. આ બાબતને ધ્યાનમાં લેતાં દરેક ભાઈ-બહેન યોગ્ય પૉલિસી લેવામાં એકબીજાને સહાયરૂપ થઈ શકે છે. 


પતિ-પત્નીએ આ વૅલેન્ટાઇન્સ ડેના દિવસે પોતાની તમામ પૉલિસીઓ શોધીને એક ઠેકાણે સુવ્યવસ્થિત રીતે ગોઠવવી અને વીમા કંપની પાસે સરનામું, નામ વગેરે બાબતે કોઈ ફેરફાર કરાવવો હોય તો કરાવી લેવો. તમારું લગ્નજીવન સુદીર્ઘ હોય એવી શુભકામના છે, પરંતુ જરૂર પડ્યે ક્લેમ કરવા માટે પૉલિસી ડૉક્યુમેન્ટ હાથવગું હોય એ જરૂરી હોય છે. પતિ જો કોઈ પૉલિસી લેવાના હોય તો તેમણે મૅરિડ વિમેન પ્રૉપર્ટી ઍક્ટની જોગવાઈને પૉલિસીમાં સમાવી લેવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ. 

સંતાનોને લાડ લડાવવા ઉપરાંત જ્યારે તેમને જીવન વીમા વિશેની સમજ આપવામાં આવે તો એ પણ પ્રેમની અભિવ્યક્તિ જ કહેવાય. તેમને તમારા પ્રેમના ભાગરૂપે તમે પૉલિસીઓ આપી શકો છો, જે તેમને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. બાળકો પોતાના પૉકેટ મનીમાંથી વીમા પૉલિસીનું પ્રીમિયમ ભરે એવું સૂચન કરીને તેમને પણ નાણાકીય શિસ્ત શીખવી શકાય છે. 
મિત્ર તરીકે પણ તમે પોતાનાં સખા-સખીઓને તેમની આવશ્યકતા મુજબ યોગ્ય પૉલિસી લેવામાં મદદરૂપ થાઓ એ પણ પ્રેમની અભિવ્યક્તિ છે. જરૂર પડ્યે તેમના પરિવારજનોને પણ આ બાબતે સહાય કરી શકાય છે. 

ફરી એક વાર કહેવાનું કે જીવન વીમો ખરા અર્થમાં પ્રેમની અભિવ્યક્તિ છે, ખરુંને?

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2023 03:08 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK