Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીવન વીમાના પૉલિસી ડૉક્યુમેન્ટનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે?

જીવન વીમાના પૉલિસી ડૉક્યુમેન્ટનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે?

25 January, 2023 03:09 PM IST | Mumbai
Priyanka Acharya

કેટલીક કંપનીઓએ આવા મૃત્યુને સંપૂર્ણપણે બાકાત રાખ્યા છે, જ્યારે કેટલીક કંપનીઓ નૉમિનીને ક્લેમ તરીકે પ્રીમિયમના અમુક ટકા ચૂકવવાની કલમ ધરાવતી હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વીમાની વાત

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


મને મુંબઈની ખૂબ જ પ્રખ્યાત યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓને વીમા વિશે શીખવવાનું સન્માન મળ્યું છે. તાજેતરમાં એક ચર્ચામાં એક વિદ્યાર્થીએ પૂછ્યું, મેડમ, જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનું નક્કી કરે અને એ પહેલાં ટર્મ ઇન્શ્યૉરન્સ પૉલિસી ખરીદી લે તો પરિવારના સભ્યોને ખૂબ લાભ થઈ જાય! વર્ગ ખડખડાટ હસી પડ્યો, પણ વાસ્તવમાં આ એક ગંભીર પ્રશ્ન છે!

સૌપ્રથમ કહેવાનું કે આત્મહત્યા એ ‘માનવ જીવન’ નામની ભેટને અપમાનિત કરવા જેવું છે. જીવન વીમાની પ્રોડક્ટ્સ ઘડતી વખતે પૉલિસીધારકની આત્મહત્યાનું પરિબળ પહેલેથી જ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેટલીક કંપનીઓ પૉલિસી શરૂ થયાના એક વર્ષ પછી જ આત્મહત્યાને પગલે થયેલા મૃત્યુના ક્લેમ પાસ કરે છે. કેટલીક કંપનીઓએ આવા મૃત્યુને સંપૂર્ણપણે બાકાત રાખ્યા છે, જ્યારે કેટલીક કંપનીઓ નૉમિનીને ક્લેમ તરીકે પ્રીમિયમના અમુક ટકા ચૂકવવાની કલમ ધરાવતી હોય છે. કંપનીની શું નીતિ વિશેની જાણકારી પૉલિસીના દસ્તાવેજમાં હોય છે.
જીવન વીમાને લગતી પાંચ મહત્ત્વપૂર્ણ બાબતો આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું.



૧. જીવન વીમો ‘એક્ચ્યુરી’ પર આધારિત હોય છે


જીવન વીમાના પ્લાન એક્ચ્યુરિયલ સાયન્સ પર આધારિત હોય છે. ભારતમાં બહુ ઓછા લોકો એક્ચ્યુરી પ્રોફેશનલ્સ છે. વીમા ક્ષેત્રે તેમની માગ ઘણી વધારે છે! તેઓ એવા પ્રોફેશનલ્સ છે કે જેઓ ઉચ્ચ કક્ષાના આંકડાશાસ્ત્રીઓ હોય છે.

૨. નફામાં ભાગીદારી


દરેક જીવન વીમા પૉલિસીમાં ‘પાર્ટિસિપેટિંગ’ અથવા ‘નૉન-પાર્ટિસિપેટિંગ/નૉન-લિંક્ડ’ એ શ્રેણીઓ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું હોય છે. મેં એવા ઘણા લોકો જોયા છે, જેમને ખબર જ ન હોય ને તેમને યુલિપ પૉલિસી પધરાવી દેવામાં આવી હોય. 
યુલિપ વિશે અગાઉના એક લેખમાં મેં વિગતવાર સમજાવ્યું હતું. જોકે અહીં એ જાણવું અગત્યનું છે કે તમારી પૉલિસીની પ્રારંભિક માહિતી દ્વારા જ એના પ્રકારની ખબર પડી જાય છે. સહભાગી (પાર્ટિસિપેટિંગ) પૉલિસીનો અર્થ એ છે કે જીવન વીમા કંપનીએ કરેલા રોકાણમાં ‘ભાગીદારી’ કરતી એ પૉલિસી છે. આ રીતે એ યુલિપ બને છે. પાર્ટિસિપેટિંગ શબ્દ પરથી તમે આ બાબત જાણી શકો છો.

૩. રાઇડર એક્સપાયરી

જીવન વીમામાં લોકપ્રિય રાઇડર ‘ટર્મ રાઇડર’ છે. અહીં, સરળ શબ્દોમાં કહીએ તો, આ એક ટર્મ ઇન્શ્યૉરન્સ ઍડ-ઑન પ્રકારની સુવિધા છે. જો પૉલિસીની રકમ ૧૫ લાખ હોય અને એમાં ટર્મ રાઇડર ઉમેરવામાં આવે તો ટર્મ રાઇડરનો મૃત્યુ લાભ નૉમિની માટે પણ લાગુ પડે છે. જોકે મોટા ભાગની કંપનીઓ માત્ર ૬૦ કે એની આસપાસની ઉંમર સુધી જ ટર્મ રાઇડર આપે છે. 
નવી ટર્મ વીમા પૉલિસીમાં વયમર્યાદા અલગ-અલગ હોઈ શકે છે. એથી ૬૦ વર્ષ અથવા નિર્ધારિત વય પછી રાઇડર બંધ થઈ જશે. રાઇડર બંધ થવાના સમયની જાણકારી પૉલિસી દસ્તાવેજમાં લખાયેલી રાઇડર એક્સપાયરીની તારીખ પરથી મળી શકે છે. 

આ પણ વાંચો : જીવન વીમા પૉલિસીના વેચાણમાં થતી ગેરરીતિઓથી પોતાનું રક્ષણ કેવી રીતે કરવું?

૪. વીમા અધિનિયમ, ૧૯૩૮ની કલમ ૩૮, ૩૯ અને ૪૫

આ કલમોની સમજૂતી પૉલિસી દસ્તાવેજમાં મળી જાય છે. સામાન્ય રીતે આપણે કાનૂની ભાષા આવે ત્યારે એના તરફ દુર્લક્ષ કરતા હોઈએ છીએ. જોકે આ ૩ કલમોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે, જેની દરેક પૉલિસીધારકને જાણ હોવી જોઈએ. કલમ ૩૮માં પૉલિસીના વેપાર/ટ્રાન્સફરને લગતી પેટા કલમો હોય છે. કલમ ૩૯માં નૉમિનેશન અને પૉલિસીની સોંપણી વિશેની વિગતો હોય છે. કલમ ૪૫ ખોટી રજૂઆત, ગેરવર્તણૂક અથવા છેતરપિંડીઓને લગતી જોગવાઈઓ ધરાવે છે. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ...  ઘણા લોકો એજન્ટો પાસે કમિશનમાંથી હિસ્સો માગતા હોય છે. તમે જ્યારે પ્રપોઝલ ફૉર્મ પર સહી કરો ત્યારે એમાં લખેલું હોય છે કે બન્નેમાંથી કોઈ પણ પાર્ટી આવી ગેરકાનૂની રીતભાતમાં નહીં પડે. તમે એ ફૉર્મ પર સહી કરી એનો અર્થ એવો થયો કે તમે કોઈ હિસ્સો નહીં માગો.

૫. તકરાર નિવારણ

તમારી પૉલિસીમાં તકરાર નિવારણ માટેની વિગતો પણ આપવામાં આવી હોય છે, જેમાં ઇરડાઇ (વીમા નિયામક સંસ્થા)ના તકરાર કક્ષની વિગતો હશે. આ વિગતો એટલે ટોલ ફ્રી નંબર, ઈ-મેઇલ ઍડ્રેસ અને પોસ્ટલ ઍડ્રેસ. પૉલિસીધારક એનો ઉપયોગ કરીને પોતાની ફરિયાદ માટે દાદ માગી શકે છે. 

ઉક્ત મુદ્દાઓ પરથી કહી શકાય કે દરેક પૉલિસીધારકે પોતાના પૉલિસી ડૉક્યુમેન્ટનો બારીકીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.

સવાલ તમારા…

મેં ટર્મ ઇન્શ્યૉરન્સ પૉલિસી ખરીદી છે, જેમાં મારી પત્ની નૉમિની છે. હું એક વેપારી છું અને મને ચિંતા છે કે મારા મૃત્યુની સ્થિતિમાં મારા લેણદારો નાણાં લેવા માટે ક્લેમ મની પર દાવો કરશે. હું મારા ક્લેમનાં નાણાં પરિવારને જ મળે એવી વ્યવસ્થા કેવી રીતે કરી શકું?

તમે મૅરિડ વુમન્સ પ્રૉપર્ટી ઍક્ટ હેઠળ જીવન વીમા પૉલિસી લઈ શકો છો. આ રીતે લેવાયેલી પૉલિસી પાકે ત્યારે એનાં નાણાં પત્ની અને બાળકોને જ મળે, બીજા કોઈને નહીં. આ ક્લેમની રકમ પર કોઈ લેણદાર દાવો કરી શકે નહીં. આથી પૉલિસી લેતી વખતે જ એને ઉક્ત કાયદા હેઠળ લેવા માટે આવશ્યક તકેદારી લઈને પ્રપોઝલ ફૉર્મ ભરવું.

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 03:09 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK