એપ્રિલ ૨૦૨૩ના મહિનામાં કુલ જીએસટી આવક ૧,૮૭,૦૩૫ કરોડ રૂપિયા છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)નું કલેક્શન એપ્રિલ મહિનામાં ૧૨ ટકા વધીને ૧.૮૭ લાખ કરોડ રૂપિયા થયું છે, જે પરોક્ષ કરપ્રણાલીના રોલઆઉટ પછી સૌથી વધુ માસિક કલેક્શન છે.
એપ્રિલ ૨૦૨૩ના મહિનામાં કુલ જીએસટી આવક ૧,૮૭,૦૩૫ કરોડ રૂપિયા છે, જેમાંથી સીજીએસટી ૩૮,૪૪૦ કરોડ રૂપિયા છે, સ્ટેટ જીએસટી ૪૭,૪૧૭ કરોડ રૂપિયા છે, આઇજીએસટી ૮૯,૧૫૮ કરોડ રૂપિયા છે (જેમાં માલની આયાત પર એકત્ર કરાયેલ રૂપિયા ૩૪,૯૭૨ કરોડનો સમાવેશ થાય છે) સેસની રકમ ૧૨,૦૨૫ કરોડ રૂપિયા આવી છે એમ નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. પાછલા વર્ષે એપ્રિલમાં ૧.૬૮ લાખ કરોડ રૂપિયાનું ઉચ્ચ કલેક્શન હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૩ મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનાની જીએસટી આવક કરતાં ૧૨ ટકા વધુ છે. મહિના દરમ્યાન, ઘરેલુ વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમ્યાન આ સ્રોતોમાંથી આવક કરતાં ૧૬ ટકા વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે કુલ ગ્રોસ કલેક્શન ૧૮.૧૦ લાખ કરોડ રૂપિયા હતું, જે પાછલા વર્ષ કરતાં ૨૨ ટકા વધુ છે.