Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > ચીને લોન પ્રાઇમ રેટમાં ધારણાથી વધુ ઘટાડો કરતાં ફિઝિકલ ડિમાન્ડ વધવાની ધારણાએ સોનું વધ્યું

ચીને લોન પ્રાઇમ રેટમાં ધારણાથી વધુ ઘટાડો કરતાં ફિઝિકલ ડિમાન્ડ વધવાની ધારણાએ સોનું વધ્યું

21 February, 2024 06:54 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા ટેન્શનની અસરે સોનામાં સેફ હેવન ડિમાન્ડમાં વધારો

સોનાની પ્રતીકાત્મક તસવીર

બુલિયન બુલેટિન

સોનાની પ્રતીકાત્મક તસવીર


ચીને લોન પ્રાઇમ રેટમાં ધારણાથી વધુ ઘટાડો કરતાં ફિઝિકલ ડિમાન્ડ વધવાની ધારણાએ સોનાના ભાવ સતત બીજે દિવસે વધ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૨ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૧૨ રૂપિયા ઘટ્યો હતો. સોનાનો ભાવ સતત ત્રીજે દિવસે વધ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં સોનાનો ભાવ ૬૩૧ રૂપિયા વધ્યો હતો. 


વિદેશ પ્રવાહ
ચીને રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયોમાં ઘટાડો કર્યા બાદ મંગળવારે લોન પ્રાઇમ રેટમાં ૧૫ બેસિસ પૉઇન્ટના ઘટાડાની ધારણા સામે પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને ઇકૉનૉમિક રિકવરી માટેની કટિબદ્ધતા ફરી બતાવી હતી જેને પગલે ચીનની સોનાની ફિઝિકલ ડિમાન્ડ આગામી દિવસોમાં સતત વધતી રહેશે એવી ધારણાને પગલે સોનાના ભાવ વધ્યા હતા. વળી જિયોપૉલિટિકલ ટેન્શન વધી રહ્યું હોવાથી સેફ હેવન ડિમાન્ડ પણ સોનામાં વધી રહી છે. સોનું વર્લ્ડ માર્કેટમાં વધીને ૨૦૨૮.૨૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૨૫થી ૨૦૨૬ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 



ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ૦.૦૬ ટકા વધીને ૧૦૪.૩૫ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. અમેરિકાનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન વધતાં હવે ફેડ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવામાં ઉતાવળ નહીં કરે એ ધારણાએ ડૉલરમાં નવી લેવાલી જોવા મળી હતી. વળી અમેરિકન ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ સતત વધી રહ્યાં છે અને મંગળવારે ૦.૦૨૩ ટકા વધીને ૪.૩૧ ટકાની ઊંચાઈએ પહોંચતાં ડૉલર ઇન્ડેક્સને સપોર્ટ મળ્યો હતો. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે ફેડ હવે ૨૦૨૪માં ૧૦૦ બેસિસ પૉઇન્ટ જ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવી ધારણાનો પણ ડૉલરને સપોર્ટ મળ્યો છે. અગાઉ ૧૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો થવાની ધારણા હતી. ચીને લોન પ્રાઇમ રેટમાં ઘટાડો કરતાં ચાઇનીઝ યુઆન નબળો પડતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો. ચીનની સેન્ટ્રલ બૅન્કે પાંચ વર્ષના લોન પ્રાઇમ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને ૩.૯૫ ટકા રેટ નક્કી કર્યો હતો જે માર્કેટની ૧૫ બેસિસ પૉઇન્ટના ઘટાડાની ધારણા કરતાં વધુ હતો. ગયા વર્ષે જૂનમાં લોન પ્રાઇમ રેટમાં ઘટાડો કર્યા બાદ ફરી ૨૦૨૪ના આરંભે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી મોટો પ્રાઇમ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક વર્ષના લોન પ્રાઇમ રેટ ૩.૪૫ ટકાએ જાળવી રખાયા હતા. ચીનની ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા ઇકૉનૉમિક રિકવરી માટે સતત પગલાં લેવાઈ રહ્યાં છે. 


ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કની જાન્યુઆરીમાં યોજાયેલી મીટિંગની મિનટ્સમાં તમામ મેમ્બરોએ જરૂર પડે તો ઇન્ટરેસ્ટ રેટમાં વધુ વધારો કરવાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ૨૦૨૩ના ચોથા ક્વૉર્ટરમાં ૪.૧ ટકા હતું જે સેન્ટ્રલ બૅન્કના બેથી ત્રણ ટકાના ટાર્ગેટ કરતાં ઊંચું હતું. ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટોના મતે રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયા ચાલુ વર્ષે ઇન્ટરેસ્ટ રેટમાં ૪૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરશે. સેન્ટ્રલ બૅન્કની મિનટ્સ બાદ ઑસ્ટ્રેલિયન ડૉલર ઘટ્યો હતો. 

યુરો એરિયાની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ ડિસેમ્બરના અંતે વધીને ૪૨.૬૬ અબજ યુરોએ પહોંચી હતી જે એક વર્ષ પહેલાં ૧૬.૬૨ અબજ યુરો હતી. ગુડ્સ સરપ્લસ ૧૦ અબજ યુરોથી વધીને ૩૬ અબજ યુરો અને સર્વિસ સરપ્લસ ૧૦ અબજ યુરોથી વધીને ૧૨.૧ અબજ યુરોએ પહોંચી હતી. જોકે સેકન્ડરી ઇન્કમ ગૅપ ૧૨.૫ અબજ યુરોથી ઘટીને ૧૨.૩ અબજ યુરો થયો હતો. પ્રાઇમરી ઇન્કમ સરપ્લસ ૮.૩ અબજ યુરોથી ઘટીને ૬.૮ અબજ યુરો થઈ હતી. ૨૦૨૩ના આખા વર્ષ દરમ્યાન કરન્ટ અકાઉન્ટ સરપ્લસ ૨૬૭.૪ અબજ યુરો રહી હતી જે ૨૦૨૨માં ૭૩.૬ અબજ યુરો રહી હતી. 
મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા ટેન્શનને પગલે બાલ્ટિક સી ફ્રેટ ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. સોમવારે બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ૧.૨ ટકા વધીને દોઢ મહિનાની ઊંચાઈએ ૧૬૨૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. દોઢ લાખ ટનની વેસલ્સનો કૅપસાઇઝ ઇન્ડેક્સ ૦.૪ ટકા વધીને ૨૪૫૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, જ્યારે ૬૦ હજારથી ૭૦ હજાર ટનની વેસલ્સનો પનામામેક્સ ઇન્ડેક્સ ૨.૧ ટકા વધીને ૧૬૮૧ પૉઇન્ટે પહોંચ્યો હતો અને નાની વેસલ્સનો સુપરમેક્સ ઇન્ડેક્સ ૧૯ પૉઇન્ટ વધીને ૧૦૯૦ પૉઇન્ટે પહોંચ્યો હતો. 


શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
ચીન વિશ્વનું સૌથી મોટું સોનાનું વપરાશકાર અને આયાતકાર હોવાથી ચીનની ફિઝિકલ ડિમાન્ડ વધવાના કોઈ પણ સંકેતો સોનામાં તેજી લાવનારા બને છે. ચીનની ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા ઇકૉનૉમિક રિકવરી માટે સઘન પ્રયાસો છેલ્લા એક મહિનાથી થઈ રહ્યા છે. ચીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા બાદ હવે લોન પ્રાઇસ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો એકસાથે ઘટાડો કર્યો હતો જે ધારણાથી વધુ મોટો ઘટાડો હોવાથી ચીનની સોનાની ફિઝિકલ ડિમાન્ડ વધવાની ધારણાએ સોનામાં સતત બીજે દિવસે તેજી જોવા મળી હતી. વળી ચીનની સેન્ટ્રલ બૅન્ક છેલ્લાં બે વર્ષથી સોનાની ખરીદી સતત વધારી રહી છે એનો પણ સપોર્ટ સોનાની તેજીને મળી રહ્યો છે. મિડલ ઈસ્ટમાં ટેન્શન હજી પણ વધી રહ્યું છે. યમનના હુથી આતંકવાદીઓ દ્વારા શ્રેણીબદ્ધ મિસાઇલ અને ડ્રોનથી લાલ સમુદ્ર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી સ્ટીમરો પર હુમલાઓ થઈ રહ્યા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેની યુદ્ધ-વિરામની મંત્રણાઓ પડી ભાંગ્યા બાદ બન્ને વચ્ચે આક્રમકતા સતત વધી રહી છે. આથી સોનાને હાલ જિયોપૉલિટિકલ ટેન્શનનો પણ સપોર્ટ મળી રહ્યો છે. સોનામાં કોઈ મોટી તેજીના ચાન્સ નથી, પણ હાલ જિયોપૉલિટિકલ ટેન્શન વધી રહ્યું હોવાથી સોનું ઘટતું નથી. જ્યાં સુધી જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ મળશે ત્યાં સુધી સોનું ૨૦૦૦ ડૉલરની આસપાસ રેન્જ બાઉન્ડ રહેવાની ધારણા છે.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2024 06:54 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK