ડૉલર ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધતાં મર્યાદિત ઘટાડો
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં ડિફ્લેશનનો ભય વધતાં આગામી દિવસોમાં ફિઝિકલ ડિમાન્ડ ઘટવાની ધારણાએ સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો, પણ ડૉલરની મંદીને કારણે આ ઘટાડો મર્યાદિત હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૪ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૮૪ રૂપિયા વધ્યો હતો.
વિદેશ પ્રવાહ
ચીનનું ઇન્ફ્લેશન ૧૪ વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ડિફ્લેશનનો ભય વધતાં આગામી દિવસોમાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ ઘટી શકે છે એવી ધારણાએ સોનામાં વેચવાલી વધી હતી, પણ અમેરિકન ડૉલર સતત ત્રીજા દિવસે ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હોવાથી સોનામાં ઘટાડો મર્યાદિત હતો. સોનું ઘટીને ૨૦૨૨.૩૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૨૩થી ૨૦૨૪ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં, પણ ડૉલરની મંદીથી ચાંદીના ભાવ વધ્યા હતા.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સતત બીજા દિવસે ઘટીને ૧૦૪.૦૩ પ્રૉઇન્ટ રહ્યો હતો. બે દિવસ અગાઉ ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૪.૪૫ પ્રૉઇન્ટ હતો. બૉસ્ટનના ફેડ પ્રેસિડન્ટ સુસાન કૉલિને જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વે હવે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવામાં વધારે સાવચેતી રાખવી પડશે, કારણ કે ઇકૉનૉમિક ડેટા એકધારા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવી રહ્યા છે. ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે પણ એક ઇન્ટરવ્યુમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવામાં ઉતાવળ કરવામાં નહીં આવે તેવી કમેન્ટ કરી હતી. સીએમઈ ફેડ વૉચના રિપોર્ટમાં માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાના ચાન્સ ૧૮.૫ ટકા, મે મહિનામાં ૬૬.૨ ટકા અને જૂન મીટિંગમાં ૯૬.૮ ટકા ચાન્સ બતાવાયા હતા.
ચીનનું હેડલાઇન ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં ૦.૮ ટકા ઘટીને ૧૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ઇન્ફ્લેશન સતત ચોથા મહિને ઘટ્યું હતું અને માર્કેટની ૦.૫ ટકા ઘટાડાની ધારણા કરતાં વધુ ઘટ્યું હતું. ચીન ફૂડ પ્રાઇસ જાન્યુઆરીમાં ૫.૯ ટકા ઘટ્યા હતા, જે ડિસેમ્બરમાં ૩.૭ ટકા ઘટ્યા હતા. હાઉસિંગ, હેલ્થ, એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટેશન તમામના પ્રાઇસ ઘટ્યા હતા. કોર ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં ૦.૪ ટકા વધ્યું હતું, જે છેલ્લા ત્રણ મહિનામાં ૦.૬ ટકા વધ્યું હતું. ચીનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં ૨.૫ ટકા ઘટ્યું હતું જે ડિસેમ્બરમાં ૨.૭ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૨.૬ ટકાની હતી. પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશનમાં સતત સોળમા મહિને ઘટાડો નોંધાયો હતો.
ચીનનું ઇન્ફ્લેશન સતત ઘટી રહ્યું હોવાથી ડિફ્લેશનનો ભય વધતાં ટેન યર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટીને ૨૦ વર્ષની નીચી સપાટીએ ૨.૪૫ ટકાએ પહોંચ્યા હતા. ચીની ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા ઇકૉનૉમિક રિકવરી માટે અનેક પગલાં લેવાઈ રહ્યાં છે, પણ ઇકૉનૉમિક કન્ડિશન વધુ ને વધુ બગડી રહી છે. ચીને સિક્યૉરિટી રેગ્યુલેટર તરીકે નવા રેગ્યુલેટરની નિમણૂક કરી હતી અને તમામ પ્રકારના શૉર્ટ સેલિંગ પર પ્રતિબંધ લગાવી દીધા બાદ સ્ટૉક માર્કેટ સ્ટેબલ થયું હતું.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સતત છઠ્ઠી વખત બેન્ચમાર્ક પૉલિસી રેપો રેટને ૬.૫ ટકાએ જાળવી રાખ્યા હતા, જે અપેક્ષાકૃત હતા. ડિસેમ્બરમાં હેડલાઇન ઇન્ફ્લેશન ચાર મહિનાની ઊંચાઈએ ૫.૬૯ ટકાએ પહોંચ્યા બાદ રિઝર્વ બૅન્કે કોઈ ફેરફાર કર્યા નહોતા, કારણ કે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બેથી છ ટકાનો છે. રિઝર્વ બૅન્કે આગામી ફાઇનૅન્શિયલ યર ૨૦૨૪-’૨૫ માટે ગ્રોથરેટનું પ્રોજેક્શન સાત ટકાનું મૂક્યું હતું, જેમાં ફર્સ્ટ ક્વૉર્ટરનું ૭.૨ ટકા, બીજા ક્વૉર્ટરનું ૬.૮ ટકા, ત્રીજા ક્વૉર્ટરનું ૭ ટકા અને ચોથા ક્વૉર્ટરનું ૬.૯ ટકા મૂક્યું હતું. ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન પાંચ ટકાનું મૂક્યું હતું, જેમાં ફર્સ્ટ ક્વૉર્ટરનું પાંચ ટકા, બીજા ક્વૉર્ટરનું ચાર ટકા, ત્રીજા ક્વૉર્ટરનું ૪.૬ ટકા અને ચોથા ક્વૉર્ટરનું ૪.૭ ટકા મૂક્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના ગ્રોથરેટનું પ્રોજેક્શન ૭.૩ ટકા અને ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ૫.૪ ટકા રાખ્યું હતું.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઇકૉનૉમી ધરાવતા ચીનની હાલત ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી થઈ રહી છે. ચીનનું ઇન્ફ્લેશન ૧૪ વર્ષની નીચી સપાટીએ પહોંચતાં હવે ડિફ્લેશનનો ભય સતત વધી રહ્યો છે. ચીનની નબળી ઇકૉનૉમીની હજી સુધી સોનાની ડિમાન્ડ પર અસર જોવા મળી નથી, પણ આગામી દિવસોમાં નબળી ઇકૉનૉમીને કારણે સોનાની ડિમાન્ડ પણ ઘટી શકે છે. એ ઉપરાંત પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી શરૂ થયેલી સોનાની ખરીદીને પણ બ્રેક લાગી શકે છે. ૨૦૨૨માં સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી પંચાવન વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી, એમાં ચીનની સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો મોટો હાથ હતો. રશિયાની સેન્ટ્રલ બૅન્કની સોનાની ખરીદી છેલ્લાં બે વર્ષથી લગભગ બંધ થતાં એનું સ્થાન ચીને લીધું હતું, પણ હવે ચીનની ખરીદી પણ બંધ થશે તો સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદીમાં મોટો ઘટાડો ૨૦૨૪માં જોવા મળશે. સેન્ટ્રલ બૅન્કોની ખરીદી જો ૨૦૨૪માં ધારણા કરતાં ઓછી થશે તો ૨૦૨૪ના છેલ્લાં બે ક્વૉર્ટરમાં સોનાની તેજીનો પાવર ધારણા કરતાં ઓછો રહી શકે છે.