બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ એક વર્ષના તળિયે પહોંચ્યો, યુરો એરિયાનું ઇન્વેસ્ટર મોરલ ઘટ્યું
પ્રતીકાત્મક તસવીર
બ્રિટન, યુરોપ અને ઑસ્ટ્રેલિયાની કરન્સી નબળી પડતાં અમેરિકન ડૉલર સુધર્યો હતો જેને પગલે સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટતાં ભાવ-ઘટાડો આગળ વધ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૪ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો પચીસ રૂપિયા વધી હતી. મુંબઈમાં સોનું છેલ્લા આઠ દિવસમાં સાત દિવસ ઘટ્યું હતું.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
બ્રિટન, યુરોપ અને ઑસ્ટ્રેલિયાની ઇકૉનૉમિક કન્ડિશન સતત નબળી પડી રહી હોવાથી ત્યાંની કરન્સી ડાઉન થઈ રહી છે. બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ એક વર્ષની નીચી સપાટીએ પહોંચતાં પાઉન્ડ ડૉલર સામે ૦.૦૧ ટકા ઘટ્યો હતો. યુરોપિયન ઇન્વેસ્ટર મોરલ ઘટતાં યુરો ડૉલર સામે ૦.૦૭ ટકા ડાઉન હતો. ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રાખતાં ઑસ્ટ્રેલિયન ડૉલર પણ ઘટ્યો હતો. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો ત્યાંથી સુધરીને બુધવારે ૧૦૪.૬૭ પૉઇન્ટ હતો. ડૉલરની મજબૂતીને કારણે સોનામાં ઘટાડો આગળ વધ્યો હતો. સોનું છેલ્લા ૨૪ કલાકમાં ઘટીને ૧૯૦૬.૬૦ ડૉલર થયા બાદ બુધવારે સાંજે ૧૯૧૧થી ૧૯૧૨ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ઘટીને ૯૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૯૧.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૯૧.૬ પૉઇન્ટની હતી. અમેરિકાના ૨૩ ટકા સ્મૉલ બિઝનેસ હોલ્ડર્સના મતે હાલ બિઝનેસ ગ્રોથમાં સૌથી વધુ અડચણરૂપ સમસ્યા ઊંચા ઇન્ફ્લેશનની છે એવું માનનારાઓની સંખ્યા ગયા મહિનાથી બે ટકા વધી હતી. અનેક સ્મૉલ બિઝનેસમેનની દૃષ્ટિએ આગામી સમયમાં સેલ્સ ગ્રોથ અને બિઝનેસ કન્ડિશન બહુ પ્રોત્સાહક નથી.
યુરો એરિયાનું ઇન્વેસ્ટર મોરલ સપ્ટેમ્બરમાં ઘટીને માઇનસ ૮.૯ પૉઇન્ટે પહોંચ્યું હતું જે ઑગસ્ટમાં માઇનસ ૫.૫ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા માઇનસ ૬.૨ પૉઇન્ટની હતી. સપ્ટેમ્બરમાં ૫૮.૫ યુરોપિયન પબ્લિકના મતે ઇકૉનૉમિક કન્ડિશનમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે ૨૫.૨ ટકાના મતે ઇકૉનૉમિક કન્ડિશન વધુ ખરાબ થઈ રહી છે અને ૧૬.૩ ટકાના મતે ઇકૉનૉમિક કન્ડિશન સુધરી રહી છે. કરન્ટ ઇકૉનૉમિક કન્ડિશનનો ઇન્ડેક્સ ૦.૧ ટકા ઘટીને માઇનસ ૭૬.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો.
બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ જુલાઈમાં ૦.૫ ટકા ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જૂનમાં ઇકૉનૉમિક ગ્રોથ ૦.૫ ટકા વધ્યો હતો. માર્કેટની ધારણા ૦.૨ ટકા ઘટાડાની હતી એની સરખામણીમાં ગ્રોથ ૦.૫ ટકા ઘટ્યો હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૦.૫ ટકા ઘટ્યો હતો, જેમાં હેલ્થ સેક્ટરની ઍક્ટિવિટી ૩.૪ ટકા ઘટી હતી. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, કન્સલ્ટન્સી અને એને સંલગ્ન ઍક્ટિવિટી પણ ૩.૪ ટકા ઘટી હતી. બ્રિટનનું મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ પણ જુલાઈમાં ૦.૮ ટકા ઘટ્યું હતું જે જૂનમાં ૨.૪ ટકા વધ્યું હતું. બ્રિટનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જુલાઈમાં ૦.૭ ટકા ઘટ્યું હતું જે જૂનમાં ૧.૮ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૬ ટકા ઘટાડાની હતી. બ્રિટનની એક્સપોર્ટ જુલાઈમાં ૧.૮ ટકા વધી હતી જે જૂનમાં એક મહિનાની નીચી સપાટીએ હતી, પણ ઇમ્પોર્ટ ૦.૨ ટકા ઘટીને ૧૭ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી જેને કારણે ટ્રેડ ડેફિસિટ જુલાઈમાં ઘટીને ૩.૪૪૬ અબજ પાઉન્ડ રહી હતી જે જૂનમાં ૪.૭૮૭ અબજ પાઉન્ડ હતી. બ્રિટનના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં પાઉન્ડનું મૂલ્ય ડૉલર સામે ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૧.૨૫ ડૉલર રહ્યું હતું.
જપાનમાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઑગસ્ટમાં ૩.૨ ટકા વધ્યા હતા જે છેલ્લા ૨૯ મહિનાનો સૌથી ઓછો વધારો હતો. જુલાઈમાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ૩.૪ ટકા વધી હતી. ગ્લોબલ ડિમાન્ડ ઘટતાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ સતત આઠમા મહિને ઘટી હતી. જપાનનો બિઝનેસ મૂડ ૨૦૨૩ના થર્ડ ક્વૉર્ટરમાં ૫.૪ ટકા વધ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૪ ટકા ઘટ્યો હતો. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ મૂડ સપ્ટેમ્બરમાં ઘટીને ચાર પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૧૨ પૉઇન્ટ હતો.
ભારતનું રીટેલ પ્રાઇસ ઇન્ફ્લેશન ઑગસ્ટમાં ઘટીને ૬.૮૩ ટકા રહ્યું હતું જે જુલાઈમાં ૭.૪૪ ટકા હતું અને માર્કેટની ધારણા ૭ ટકાની હતી એનાથી ઇન્ફ્લેશન ઓછું રહ્યું હતું. ફૂડ ઇન્ફ્લેશન ઘટીને ૯.૯૪ ટકા રહ્યું હતુ જે જુલાઈમાં ૧૧.૫૧ ટકા હતું. ભારતનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જુલાઈમાં ૫.૭ ટકા વધ્યું હતું જે જૂનમાં ૩.૭ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૪.૮ ટકા વધારાની હતી. એપ્રિલથી જુલાઈના સમયગાળામાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ૪.૮ ટકા વધ્યું હતું.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૮,૭૯૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૮,૫૫૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૦,૯૨૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

