અમેરિકન ફિઝિકલ ડેફિસિટ અને ડેબ્ટ વધી રહ્યાં હોવાથી ડૉલર નબળો પડવાની આગાહી ઃ મુંબઈમાં ચાંદી સતત આઠમા દિવસે વધી : આઠ દિવસમાં ૪૨૫૧ રૂપિયા વધ્યા
કૉમોડિટી કરન્ટ
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ચીને બૉન્ડ-ખરીદી બંધ કરવાનો નિર્ણય લેતાં અને જપાનના ફાઇનૅન્સ મિનિસ્ટરે ઇકૉનૉમિક કન્ડિશન ક્રિટિકલ હોવાની કમેન્ટ કરતાં ચીન અને જપાનની ઇકૉનૉમિક ક્રાઇસિસ વધવાનો સંકેત મળ્યો હતો તેમ જ અમેરિકામાં ફિઝિકલ ડેફિસિટ તથા ડેબ્ટ વધી રહી હોવાથી આગામી સમયમાં ડૉલર નબળો પડવાની ઍનલિસ્ટોની આગાહીથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૮૬.૯૦ ડૉલર અને ચાંદી વધીને ૩૦.૪૨ ડૉલરે પહોંચી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૦૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૬૮ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં ચાંદી સતત આઠમે દિવસે વધી હતી અને છેલ્લા આઠ દિવસમાં એ ૪૨૫૧ રૂપિયા વધી હતી, જ્યારે સોનું સતત ત્રીજે દિવસે વધ્યું હતું, સોનું ત્રણ દિવસમાં ૮૯૨ રૂપિયા વધ્યું હતું.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો ડિસેમ્બર મહિનાનો નૉન ફાર્મ પે-રોલ રિપોર્ટ સ્ટ્રૉન્ગ આવવાના અનુમાનને પગલે ફેડને રેટ-કટનું ડિસિઝન લેવામાં વધુ મુશ્કેલી પડી શકે છે એવી સંભાવનાથી ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે વધુ મજબૂત થઈને ૧૦૯.૨૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડની મિનિટ્સમાં પણ ૨૦૨૫માં રેટ-કટ લાવવા બાબતે વિશ્વાસનો અભાવ દેખાતાં ડૉલર ઇન્ડેક્સને મજબૂતી મળી હતી. વળી જપાનના ફાઇનૅન્સ મિનિસ્ટરે ઇકૉનૉમિક કન્ડિશન ક્રિટિકલ હોવાની કમેન્ટ કરતાં જૅપનીઝ યેન વધુ નબળો પડતાં ડૉલરને મજબૂતી મળી હતી. અમેરિકી રેટ-કટના ચાન્સ ઘટતા હોવાથી એની અસરે ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૧૭ ટકા વધીને ૪.૬૯૮ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૯ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે વધીને છ મહિનાની ઊંચાઈએ ૬.૯૩ ટકાએ પહોંચ્યા હતા અને મૉર્ગેજ રેટમાં સતત ચોથે સપ્તાહે વધારો થયો હતો. ટ્રમ્પના શાસનમાં ઇન્ફ્લેશન વધવાના ચાન્સ વધી રહ્યા હોવાથી મૉર્ગેજ રેટ પણ વધી રહ્યા છે. અમેરિકન કંપનીઓમાં ૨૦૨૪માં કુલ ૭.૬૧ લાખ એમ્પ્લૉઈએ નોકરી ગુમાવી હતી જે ૨૦૨૩ કરતાં ૫.૫ ટકા વધુ હતી. જોકે ડિસેમ્બરમાં નોકરી ગુમાવવાની સંખ્યા પાંચ મહિનાની નીચી સપાટીએ ૩૮,૭૯૨ જ રહી હતી. સૌથી વધુ ટેક્નૉલૉજી કંપનીઓના એમ્પ્લૉઈએ નોકરી ગુમાવી હતી. ચીનની ઇકૉનૉમિક કન્ડિશનને પાટે ચડાવવાના અનેક પ્રયત્નો નિષ્ફળ જવાની સાથે કેટલાક પ્રયત્નો બૂમરૅન્ગ સાબિત થઈ રહ્યા છે. ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટીએ ઇન્ટરેસ્ટ રેટમાં વધુ ઘટાડો કરવાના સંકેત આપતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ઑલટાઇમ લો સપાટીએ ૧.૬ ટકાએ પહોંચતાં બૉન્ડ વેચવાનો પ્રવાહ વધતાં સરકારને બૉન્ડની ખરીદી બંધ કરવાની ફરજ પડતાં તાત્કાલિક અસરથી બૉન્ડ ખરીદી બંધ કરવામાં આવી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીનની ઇકૉનૉમિક કન્ડિશન વિશે ચિંતાઓ વધી રહી છે ત્યારે ચાઇનીઝ બૉન્ડ યીલ્ડ ઑલ ટાઇમ લો સપાટીએ પહોંચતાં ગવર્નમેન્ટે બૉન્ડની ખરીદી બંધ કરી દીધી હતી જેને કારણે ચાઇનીઝ પબ્લિક સલામત ઍસેટની ખરીદી તરફ વળી શકે છે, હાલમાં સોનું અને ચાંદીની ખરીદી સૌથી વધુ સલામત રોકાણ હોવાથી આગામી દિવસોમાં ચીનમાં સોના અને ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધવાની પૂરેપૂરી સંભાવના છે જેની અસરે ચીનની સોના અને ચાંદીની ઇમ્પોર્ટમાં પણ વધારો થશે. ટ્રમ્પના શાસનમાં અમેરિકા દ્વારા ટૅરિફ વધારવાની જાહેરાત થયા બાદ આગામી દિવસોમાં હજી વધુ નિયંત્રણો આવવાની શક્યતા વચ્ચે ચીનની સેન્ટ્રલ બૅન્કે પણ છેલ્લા બે મહિનાથી સોનાની ખરીદી ફરી શરૂ કરી છે. વર્લ્ડમાં ચીન સોના અને ચાંદીનું સૌથી મોટું ઇમ્પોર્ટર હોવાથી આગામી દિવસોમાં ચીનની ડિમાન્ડનો વધારો બન્ને પ્રેસિયસ મેટલ માટે તેજીનું નવું કારણ બની શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૮,૦૧૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૭૦૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૨૬૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)