કૅનેડાથી આયાત થતી એનર્જી પ્રોડક્ટ્સની ટૅરિફમાં પણ છૂટછાટો આપતાં ટેન્શન ઘટ્યું
પ્રતીકાત્મક તસવીર
ટ્રમ્પે અમેરિકામાં આયાતી થતી ઑટો પ્રોડક્ટ્સ પર લગાડેલી ટૅરિફ એક મહિના માટે મુલતવી રાખતાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ વધતાં સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો. કૅનેડાથી આયાત થતી એનર્જી પ્રોડક્ટ્સ પરની ટૅરિફમાં પણ છૂટછાટો આપતાં ટેન્શન ઘટ્યું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૨૪ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૬૭ રૂપિયા વધ્યો હતો. ચાંદીનો ભાવ સતત ચોથે દિવસે વધ્યો હતો. ચાંદી છેલ્લા ચાર દિવસમાં ૨૯૮૦ રૂપિયા વધી હતી.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં ફેબ્રુઆરીમાં માત્ર ૭૭,૦૦૦ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે છેલ્લા સાત મહિનાની સૌથી ઓછી હતી અને માર્કેટની ધારણા ૧.૪૦ લાખની તેમ જ જાન્યુઆરીમાં ૧.૮૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. ગવર્નમેન્ટ પૉલિસીની અનિશ્ચિતતા અને કન્ઝ્યુમર સ્પેન્ડિંગ સતત ઘટતું હોવાથી પ્રાઇવેટ સેક્ટરમાં મંદી સતત વધતી હોવાથી નવી નોકરીઓ ઘટી હતી.
ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી ઑટો પ્રોડક્ટ્સ પર લગાડેલો ૨૫ ટકા ટૅરિફ વધારો એક મહિના માટે મુલતવી રાખ્યો છે તેમ જ કૅનેડાથી થતી એનર્જી ઇમ્પોર્ટ પર લગાડેલી ટૅરિફમાંથી ૧૦ ટકા ટૅરિફ રદ કરવાનો સંકેત અમેરિકન ઑફિશ્યલ્સે આપ્યો હતો. આમ, ફરી એક વખત ટૅરિફ વધારામાં પીછેહઠ થઈ હતી. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા નબળા આવતાં ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટીને નવી ચાર મહિનાની નીચી સપાટીએ ૧૦૪.૧૨ પૉઇન્ટ સુધી ઘટ્યો હતો.
અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑફિશ્યલ રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીમાં વધીને ૫૩.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૨.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૬ પૉઇન્ટની હતી, પણ પ્રાઇવેટ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં ઘટીને ૫૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૨.૯ પૉઇન્ટ હતો, પણ પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ગ્રોથ ૪૯.૭ પૉઇન્ટ હતો. સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ ઘટીને ૫૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૨.૭ પૉઇન્ટ હતો, પણ પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ગ્રોથ ૫૦.૪ પૉઇન્ટ હતો.
અમેરિકાના ૩૦ વર્ષીય મૉર્ગેજ રેટ ૨૮ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૫ બેસિસ પૉઇન્ટ ઘટીને બે મહિનાની નીચી સપાટીએ ૬.૭૩ ટકા રહ્યા હતા જે એક વર્ષ અગાઉ ૭.૨૦ ટકા હતા. મૉર્ગેજ રેટમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે મૉર્ગેજ ઍપ્લિકેશનનો ઉપાડ ૨૮ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૦.૪ ટકા વધીને પાંચ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા ધારણા કરતાં ઘણા નબળા આવ્યા છે ત્યારે શુક્રવારે આજે ભારતીય સમય પ્રમાણે સાંજે સાત વાગ્યે જાહેર થનારા નૉન-ફાર્મ પે-રોલ ડેટાનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. નૉન-ફાર્મ પે-રોલ ડેટામાં ડિસેમ્બરમાં ૩.૦૭ લાખ નવી નોકરીઓનો ઉમેરો થયા બાદ જાન્યુઆરીમાં માત્ર ૧.૪૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. હવે ફેબ્રુઆરીમાં ૧.૬૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા છે. અનએમ્પ્લૉયમેન્ટ રેટ જાન્યુઆરીમાં ઘટીને ચાર ટકા રહ્યો હતો જે ડિસેમ્બરમાં ૪.૧ ટકા હતો. ફેબ્રુઆરીમાં અનએમ્પ્લૉયમેન્ટ રેટ ચાર ટકા યથાવત્ રહેવાની ધારણા છે. અમેરિકાનું ઇન્ફ્લેશન સતત વધી રહ્યું છે ત્યારે ઇકૉનૉમિક ઓપ્ટિમિઝમ ડેટા પણ ઘણા નબળા આવ્યા બાદ જો જૉબડેટા ધારણા કરતાં નબળા આવશે તો સોના-ચાંદીની તેજીને બૂસ્ટ મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૮૫,૮૭૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૮૫,૫૩૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૬,૪૬૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

