આપણા આરાધ્ય શ્રીરામ જ્યારે તેમના જન્મસ્થળે પાછા બિરાજી રહ્યા છે ત્યારે આપણે તેમના જીવનચરિત્રમાંથી રોકાણ બાબતે શું બોધપાઠ લઈ શકીએ એ વિશે આજે સમજીએ.
રામ મંદિર ની લેટેસ્ટ તસવીર
આપણા આરાધ્ય શ્રીરામ જ્યારે તેમના જન્મસ્થળે પાછા બિરાજી રહ્યા છે ત્યારે આપણે તેમના જીવનચરિત્રમાંથી રોકાણ બાબતે શું બોધપાઠ લઈ શકીએ એ વિશે આજે સમજીએ. ઉપરાંત રામમંદિરના નિર્માણ સાથે થયેલો અયોધ્યાનો વિકાસ આપણને રોકાણ માટે કઈ નવી તકો પ્રદાન કરે છે એ વિશે પણ જાણીએ.
૧. જે ચમકે છે એ બધું સોનું નથી હોતું : લંકાના રાજા રાવણે સીતાજીનું અપહરણ કરવા મામા મારિચને સોનાનું હરણ બનાવીને મોકલ્યા. તેનું છટકું કામ કરી ગયું. પ્રથમ રામે તેનો પીછો કર્યો અને ત્યાર બાદ રામને શોધવા લક્ષ્મણ નીકળ્યા, પરંતુ જંગલમાં સીતાજીને એકલાં છોડતાં પહેલાં તેમણે સુરક્ષા માટે એક રેખા (લક્ષ્મણરેખા) દોરીને સીતાજીને આ રેખા પાર ન કરવાની વિનંતી કરી, પરંતુ એ પછી રાવણ એક સાધુના વેશમાં પહોંચ્યો અને સીતાજીને લક્ષ્મણરેખા પાર કરવા માટે આગ્રહ કર્યો, તેમનું અપહરણ કર્યું. અહીં બોધપાઠ એ છે કે જે દરેક વસ્તુ આકર્ષક લાગે એની પાછળ દોડવાનો અર્થ નથી. આજે ઘણા રોકાણકારો ટિપ્સને આધારે ડાયરેક્ટ સ્ટૉક્સમાં, ક્રિપ્ટોકરન્સીઝ, કવર્ડ બૉન્ડ્ઝ વગેરેમાં રોકાણ કરવા માટે લલચાઈ જાય છે. એથી તમારે ‘લક્ષ્મણરેખા’ દોરવાની જરૂર છે અને ખાતરી કરો કે તમને ગેરવાજબી વળતરની ખાતરી આપતા હોય એવા નાણાકીય પ્રોડક્ટ્સ પર તમારા ઘરને દાવ પર લગાવી રહ્યા નથીને?
ADVERTISEMENT
૨. નાના પથ્થરોથી વિશાળ રામસેતુ બની શક્યો : શ્રીરામે સમુદ્રને પાર કરીને લંકા સુધી પહોંચવા માટે વિવિધ રીતો તપાસી. પ્રથમ તો તેઓ પોતાનાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને સમુદ્રને સૂકવવાનો શૉર્ટકટ અમલમાં મૂકી શક્યા હોત, પરંતુ તે ધૈર્યવાન હતા તેમ જ પ્રકૃતિ પ્રત્યે આદર ધરાવતા હતા. એથી ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી તેમણે નાના ખડકો અને પથ્થરોનો ઉપયોગ કરીને સમુદ્ર પર પુલ બનાવવાનું નક્કી કર્યું. અહીં બોધપાઠ એ છે કે નાની-નાની વસ્તુઓના ઉપયોગથી પણ તમે અસાધારણ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. રોકાણની દુનિયામાં આ નાની જાદુઈ વસ્તુઓ એસઆઇપી છે, જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે, પરંતુ તમારે ધૈર્ય રાખવું પડશે અને નિયમિત રીતે રોકાણ કરવાનું ચાલુ રાખવું પડશે.
૩. સૈન્ય બનાવવાથી શરમાશો નહીં : ભગવાન શ્રીરામ એક મહાન યોદ્ધા હતા. તેમ છતાં, તે સમજતા હતા કે રાવણ જેવા શત્રુને પરાસ્ત કરવા માટે તેમને સૈન્યની જરૂર પડશે. તેમને સમજાયું કે તેઓ એકલા આ કાર્ય કરી શકશે નહીં. સફળ થવા માટે એક મજબૂત સૈન્ય એ એકમાત્ર તક હતી એથી સુગ્રીવ અને હનુમાનની મદદથી એક સેના તૈયાર કરી. ભગવાન શ્રીરામે રાવણના નાના ભાઈ વિભીષણની પણ મદદ લીધી અને એ નિર્ણાયક સાબિત થઈ, કારણ કે રાવણને કેવી રીતે મારી શકાશે એનો ભેદ તેણે શ્રીરામને બતાવ્યો હતો. તેના માથાને બદલે તેની નાભીને નિશાન બનાવવાની સલાહ વિભીષણે શ્રીરામને આપી હતી. જ્યારે તમારા પોર્ટફોલિયોની વાત કરીએ ત્યારે તમારે પણ સૈન્યની જરૂર છે. ચિંતામુક્ત નાણાકીય ભવિષ્ય માટે ફક્ત તમારી બચત અને ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર આધાર રાખશો નહીં. વિવિધ ઍસેટ ક્લાસમાં સારી રીતે વિભાજિત કરેલો વૈવિધ્યસભર પોર્ટફોલિયો રોકાણ કરવામાં સફળ થવાનો મંત્ર છે.
રોકાણની નવી તકો
અયોધ્યામાં રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો આજે પવિત્ર સમારોહનો ઐતિહાસિક દિવસ છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાને એક સ્માર્ટ શહેરમાં પરિવર્તિત કરવા માટે નોંધપાત્ર રોકાણોની ઘોષણા કરવામાં આવી છે. આ જાહેરાતને કારણે વિવિધ શૅરના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સમારોહમાં ભારત અને વિદેશના લગભગ ૭૦૦૦થી વધુ મહેમાનો આવે એવી અપેક્ષા છે તેમ જ પ્રાણપ્રતિષ્ઠાના સમારોહ પછી ઓછામાં ઓછા એક મહિના સુધી રોજ જ ૩-૫ લાખ મુલાકાતીઓ મુલાકાતે આવશે, જે વિવિધ ઉદ્યોગોને આકર્ષિત કરશે.
૧. હૉસ્પિટલિટી ક્ષેત્ર : મંદિરના ઉદ્ઘાટન પછી અયોધ્યા અને એની આજુબાજુના વિસ્તારમાં પર્યટનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાથી હૉસ્પિટલિટી ક્ષેત્રે ભાવિ રોકાણોને પગલે વૃદ્ધિ આવશે. પ્રવેગ લિમિટેડમાં પાછલા મહિનામાં એના સ્ટૉકમાં નોંધપાત્ર ૭૦.૫૯ ટકા વૃદ્ધિ થઈ હતી, કારણ કે એ ૧૫ જાન્યુઆરીએ અયોધ્યામાં રિસૉર્ટ શરૂ થવાનો હતો. રિસૉર્ટના લગભગ ૭૫ ટકા રૂમો પહેલાંથી જ બુક થઈ ચૂક્યા છે. ભારતીય હોટેલ્સ કું, આઇટીસી લિમિટેડ અને ઈઆઇએચ લિમિટેડ જેવી અગ્રણી લક્ઝરી હોટેલ ચેઇન આ વિસ્તારમાં આયોજિત હોટેલના ઉદ્ઘાટનથી લાભ મેળવવા તૈયાર છે. ૧૯ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ હોટેલ રૂમનો દર ૧૭,૦૦૦ રૂપિયાથી લઈને ૭૩,૦૦૦ સુધી હતો. ૩૦ લક્ઝુરિયસ ઍર કન્ડિશન્ડ ટેન્ટ્સ સાથે અયોધ્યા ટેન્ટ સિટી, બાવીસમી જાન્યુઆરી માટે સંપૂર્ણ રીતે બુક થઈ ગયું છે, જેમાં દરેક તંબુની કિંમત એક રાત્રી માટેની ૩૦,૦૦૦ રૂપિયા છે. પાઇપલાઇનમાં ૭૩ નવી હોટેલ છે, જેમાંની ૪૦ હોટેલ બાંધકામ હેઠળ છે.
૨. ઍરલાઇન્સ અને રેલવે : ૩૦ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા અયોધ્યા આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર રામમંદિરના ઉદ્ઘાટન પહેલાં ૧૦ જાન્યુઆરીએ ફ્લાઇટ ઑપરેશન્સ શરૂ થઈ ગયા છે. ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડની ઇન્ડિગો દિલ્હી, અમદાવાદ, બૅન્ગલોર, કલકત્તા, ચેન્નઈથી અયોધ્યાની ફ્લાઇટ ઉડ્ડયન ભરવા માટે તૈયાર છે, જેના કારણે ટિકિટના ભાવમાં વધારો થયો છે. ઇન્ટરગ્લોબ એવિએશન અને સ્પાઇસજેટ લિમિટેડમાં છેલ્લા મહિનામાં સંબંધિત ૩.૧૭ ટકા અને ૨.૦૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કૉર્પ. મંદિરના ઉદ્ઘાટન માટે મોટાં શહેરોમાંથી અયોધ્યા પહોંચવા માટે ૧૦૦૦થી વધુ ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે. છેલ્લા પાંચ દિવસમાં આ શૅરમાં ૨.૮૩ ટકા અને છેલ્લા મહિનામાં ૨૦.૪ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પાછલા મહિનામાં રેલ વિકાસ નિગમ લિમિટેડના શૅરમાં પણ ૩.૭૩ ટકા વધારો થયો છે.
૩. પર્યટન ક્ષેત્ર : થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ, ઇઝમાયટ્રિપ અને રેટગેઇન ટ્રાવેલ ટેક્નૉલૉજીઝ લિમિટેડ જેવી ટૂર ઑપરેટરો અને ટ્રાવેલ એજન્સીઓમાં ઉદ્ઘાટનની ઘોષણા પછીથી પૂછપરછ અને બુકિંગમાં વધારો થયો છે. પાછલા પાંચ દિવસમાં ઇઝમાયટ્રિપના શૅરમાં ૧૩ ટકા અને પાછલા મહિનામાં ૧૮.૬ ટકાનો વધારો થયો છે. હૉસ્પિટલિટી સૉલ્યુશન્સ પ્રદાતા રેટગેઇને અયોધ્યાથી ત્રણ ક્લાકને અંતરે સ્થિત લખનઉમાં ઉદ્ઘાટનના એક સપ્તાહ પહેલાં આંતરરાષ્ટ્રીય બુકિંગમાં વાર્ષિક ૧૨૧ ટકાનો વધારો નોંધાવ્યો હતો અને ઑગસ્ટની તુલનામાં આંતરરાષ્ટ્રીય બુકિંગમાં ૨૭૦ ટકાનો નોંધપાત્ર વધારો નોંધ્યો હતો. ૩૦૦૦ ચોરસ મીટરને આવરી લેતી અયોધ્યામાં મલ્ટિ-લેવલ પાર્કિંગ સુવિધાથી સજ્જ અપોલો સિંદૂરી હોટેલોના શૅરોમાં પાછલા મહિનામાં ૨૭.૦૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.

