લૅટિન અમેરિકન કરન્સીમાં શાનદાર તેજી - રૂપિયામાં સંગીન મજબૂતી
પ્રતીકાત્મક તસવીર
ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઈસીબીએ વ્યાજદરમાં પા ટકાનો વધારો કર્યાની સાથે-સાથે સાવચેતીભર્યા હોકિશ સંકેતો પણ આપ્યા છે. ઈસીબીએ કહ્યું છે કે સપ્ટેમ્બરની બેઠકમાં પણ વ્યાજદરો વધવાનો વિકલ્પ ખુલ્લો છે. ફેડે કહ્યું છે કે આગામી રેટ ડિસિઝન ડેટા ડિપેન્ડન્ટ હશે. હવે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની મીટિંગમાં અગાઉની જેમ જમ્બો વ્યાજદર નહીં આવે, પણ પા ટકા આવશે એવું લાગે છે. રાહતની વાત એ છે કે અમેરિકા, યુકેમાં ફુગાવો ધીમે, પણ સતત ઘટી રહ્યો છે. યુરોપમાં હજી ફુગાવો ઘણો ઊંચો છે. એનું એક કારણ લાંબા સમયનું યુક્રેન-યુદ્ધ ગણાય. હાલ યુરોપમાં અનાજ તેલીબિયાંના પાકો અતિશય ગરમીનો સામનો કરી રહ્યા છે. બ્લૅક સી ગ્રેન ડીલ પડી ભાંગ્યા પછી અનાજના આંતરમાળખા પર રશિયાના વધતા હવાઈ હુમલા, ચીન અને એશિયામાં ફૂડ મટીરિયલ અને અનાજમાં તેજીને કારણે યુરોપમાં ફૂડ ઇન્ફ્લેશન થોડું ચિંતાકારક બની શકે. રિસેશનની વાતો વચ્ચે પણ શૅરબજારોમાં ફાટફાટ તેજી છે. ખાસ કરીને ટેક્નૉલૉજી શૅરો, સેમીકન્ડક્ટર, બૅટરી મટીરિયલ્સ જેવા ન્યુ એજ ઇકૉનૉમીના શૅરોમાં જોરદાર તેજી છે. વરસના આરંભે બૉન્ડ બજારમાં મોટી તેજી અને શૅરબજારોમાં રિસેશન અને મોટા કરેક્શનની વાતો સાવ ખોટી સાબિત થઈ છે.
કરન્સીની વાત કરીએ તો રૂપિયો ૮૧.૭૦-૮૨.૩૦ની રેન્જમાં ઘણો જ સ્ટેબલ છે. રિઝર્વ બૅન્ક રૂપિયાને ૮૧.૭૦-૮૨.૭૦ના ટાઇટ બેન્ડમાં લાંબા સમયથી મૅનેજ કરી રહી છે. ફૉરેક્સ રિઝર્વ અંદાજે ૬૧૦ ડૉલર જેવી છે. ઘણી સંગીન સ્થિતિ કહેવાય. ચોમાસાની અનિયમિત પ્રગતિ અને શાકભાજીના ઊંચા ભાવો તેમ જ બ્રૅન્ટ ક્રૂડ ઑઇલ પણ ૭૫ ડૉલરથી સુધરીને ૮૩ ડૉલર થયું છે. મેટલ્સ અને ફૂડ સેક્ટરમાં રિકવરી આવી છે. એક્સ્ટ્રીમ વેધર વિશ્વભરની સરકારો માટે ચિંતાનો વિષય છે. આવા સંજોગોમાં ફૂડ અને એનર્જી સેક્ટરની તેજી સામે ફૉરેકસ રિઝર્વનું કુશન રક્ષણ આપશે. ગૅસના ભાવો હજી પણ ટોચના ભાવથી ૭૦ ટકા નીચા છે, કોલસાનું વૈશ્વિક ઉત્પાદન વિક્રમી ઊંચું છે એ પણ મોટી રાહતની વાત છે. ડૉલરરુપી હાલમાં તો રેન્જ બાઉન્ડ જ લાગે છે. છેલ્લા છ-સાત મહિનાથી ૮૧.૭૦-૮૨.૮૦ વેલ એસ્ટાબ્લિશ રેન્જ બની ચૂકી છે.
ADVERTISEMENT
અન્ય ઇમર્જિંગ કરન્સીની વાત કરીએ તો લૅટામ કરન્સીમાં શાનદાર મજબૂતી છે. મેક્સિકન પેસો ૭ વરસની ઊંચી સપાટીએ ૧૬.૬૦ થયો છે. લૅટિન અમેરિકામાં ફુગાવો ઘટવા લાગ્યો છે. બ્રાઝિલ ત્રણ વરસ પછી પહેલી વાર વ્યાજદર ઘટાડશે. ચિલીએ એક ટકો વ્યાજદર ઘટાડ્યો છે. કૅનેડામાં પણ હવે જમ્બો હાઇક નહીં આવે એવી અટકળે કૅનેડા-ડૉલર પણ ૧.૩૨૫૦ના સ્તરે મજબૂત છે.
મુખ્ય કરન્સીમાં પાઉન્ડમાં નરમાઈ છે. બ્રિટિશ બૅન્કો રાજકીય વિવાદમાં ફસાયા પછી હાઇ પ્રોફાઇલ બૅન્કર્સનાં રાજીનામાં આવ્યાં છે. યુકેમાં હવે વ્યાજદર વધારો ધીમો પડશે. યુરોપિયન કરન્સી હવે ફન્ડામેન્ટલી અને ટેક્નિકલી ઓવરબૉટ-ઓવરવૅલ્યુડ જણાય છે અને મીનિંગફુલ કરેક્શન આવતું દેખાય છે. યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં ઘર્ષણ અને હુમલા વધ્યાં છે. યુરો, પાઉન્ડ ને સ્વિસ ફ્રાન્કમાં ટેક્નિકલ કરેક્શન આગળ વધે એમ લાગે છે.
એશિયામાં યેનમાં અણધારી વૉલેટિલિટી હતી. બૅન્ક ઑફ જપાને દાયકાઓથી અમલી નેગેટિવ રેટ્સ અને ક્વૉન્ટિટિવ ઇઝિંગમાં સુક્ષ્મ બદલાવના સંકેતો આપતાં હવે યીલ્ડ-કન્ટ્રોલ ઘટશે અને બહુ લાંબા ગાળે પૉલિસી નૉર્મલાઇઝેશન આવશે એવી અટકળો છે. આગામી કેટલોક સમય યેનમાં મોટી મૂવમેન્ટ, વૉલેટિલિટી વધે. યેન લાંબા સમયથી નબળો છે, કદાચ થોડો સુધરે. બહુ વરસોથી જપાન દુનિયા માટે નેટ-ક્રેડિટર છે. જપાની રોકાણકારો કદાચ હવે અમુક પૈસા દેશમાં પાછા લાવે પણ ખરા. એશિયાની બીજી મહત્ત્વની કરન્સી યુઆન પણ પૉલિસી સપોર્ટને કારણે મજબૂત થઈ રહ્યો છે. ૭.૨૯થી સુધરી ૭.૧૨ થયો છે. પ્રૉપર્ટી સેક્ટરમાં દબાવ છે. ચીનમાં રિયલ એસ્ટેટ અને ઑટો સેક્ટરમાં ટાર્ગેટેડ રાહત પૅકેજ આવશે એવી મજબૂત અફવાઓ ચાલે છે.
ટ્રેડિંગ રેન્જ-ડૉલેક્સ ૯૯.૭૦-૧૦૨.૮૦, રુપીડૉલર ૮૧.૭૩-૮૨.૬૬, યુરોડૉલર ૧.૦૯-૧.૧૨, પાઉન્ડડૉલર ૧.૨૭૫૦-૧.૨૯૫૦, ડૉલરયેન ૧૩૯-૧૪૪, પાઉન્ડરુપી ૧૦૪.૮૦-૧૦૭.૨૦, યુરોરુપી ૮૯.૭૦-૯૧.૨૦, યેનરુપી ૫૮-૫૯.૨૦, બિટકૉઇન ૨૮,૮૦૦-૩૧,૩૦૦.


