ક્રૂડના વધતા ભાવો અને વિદેશી મૂડીના આઉટફ્લોની ઐસીતૈસી કરીને માર્કેટની આગેકૂચ જારી

પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં ભારતના અધ્યક્ષપદે યોજાયેલી G20 શિખર પરિષદને અંતે ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડોર બનાવવાનો જે પ્રસ્તાવ રજૂ કરાયો છે એ આ શિખર પરિષદની સૌથી મોટી ફળશ્રુતિ ગણાય. આ પ્રકલ્પને કારણે વિસ્તારવાદી માનસ ધરાવનાર ચીનનો અને એણે શરૂ કરેલ બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ)નો પ્રભાવ ઓછો થશે. નવા કૉરિડોરના એમઓયુ થતાંની સાથે જ શરૂ થયેલ ચીનની અકળામણ સમજી શકાય એમ છે. આવા પ્રોજેક્ટોને પરિણામે ટ્રાન્સપોર્ટ (અને લૉજિસ્ટિક્સ)ની કિંમત ઘટે છે અને એ માટેનો સમય પણ. એટલે ભારતને આ નવા કૉરિડોરથી સારો એવો ફાયદો થશે.
દરમ્યાન ફિસ્કલ ૨૪ના પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલ-જૂન)માં આર્થિક વિકાસના ઊંચા દર (૭.૮ ટકા) પછી ચાલુ નાણાકીય વર્ષે આર્થિક વિકાસનો દર ઊંચો રહેવાની સંભાવના વધી છે.
વિશ્વમાં ક્રૂડના વધતા ભાવો વિલન બની શકે
ઑગસ્ટનો ભાવવધારો (છૂટક અને જથ્થાબંધ), આયાત-નિકાસના આંકડા અને જુલાઈના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ આ સંદર્ભમાં તપાસવા જોઈએ.
ઑગસ્ટ મહિને છૂટક ભાવવધારાનો દર ઘટીને સાત ટકાથી ઓછો થયો છે તો જથ્થાબંધ ભાવોનો ઘટાડો (ડિફ્લેશન) પાંચમે મહિને ચાલુ રહ્યો છે. જુલાઈ મહિને ઔદ્યોગિક ઉત્પાદનના આંકનો વધારો પાંચ મહિનાનો સૌથી ઊંચો છે. ઑગસ્ટ મહિને નિકાસો ઘટી છે, પણ ચાલુ નાણાકીય વરસની શરૂઆત (એપ્રિલથી જુલાઈ)થી ડબલ ડિજિટમાં રહેલો આ ઘટાડો હવે સિંગલ ડિજિટનો થયો છે જે વૈશ્વિક માગમાં થઈ રહેલા સુધારાનો સંકેત કરે છે. નિકાસોની સરખામણીએ આયાતોના ઓછા ઘટાડાને કારણે ઑગસ્ટ મહિને વિદેશવેપારની ખાધ દસ મહિનાની સૌથી ઊંચી રહી.
વિશ્વ બજારમાં ક્રૂડ ઑઇલના સતત વધતા ભાવો આપણા ધીમા પડી રહેલા ભાવવધારાને ફરી ભડકાવી શકે એટલે આપણા માટે એ ચિંતાનો વિષય છે. ક્રૂડના ભાવોની વધઘટ (વૉલેટિલિટી) એટલી બધી હોય છે કે એની આગાહી કરવી મુશ્કેલ જ નહીં, લગભગ અસંભવ છે.
છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી ક્રૂડના સતત વધતા ભાવો (૯૪ ડૉલર બેરલદીઠ)ને કારણે રૂપિયાની કિંમત ફરી ઘટીને ૮૩ને પાર કરી ગઈ છે. તો પણ સતત નવી ઊંચાઈ સર કરી રહેલા સ્ટૉક માર્કેટને કારણે રૂપિયાની કિંમતનો ઘટાડો સીમિત બને છે. સેન્સેક્સ અને નિફ્ટીએ ભૂતકાળના બધા વિક્રમો તોડ્યા છે. ઑગસ્ટમાં ડોમેસ્ટિક ઍર પૅસેન્જરની સંખ્યામાં ૨૩ ટકાનો વધારો (૧.૨૪ કરોડ મુસાફરો) થયો છે તો જાન્યુઆરી-ઑગસ્ટ ૨૦૨૩નો આ વધારો ૩૧ ટકા રહ્યો છે. (૧૦ કરોડ).
અત્યાર સુધી (જૂન ૧થી સપ્ટેમ્બર ૧૫) ચાલુ ચોમાસા (જેના પર આપણા ખરીફ પાકનો અને કેટલેક અંશે શિયાળુ પાકનો આધાર છે)માં વરસાદની ખાધ (૯ ટકા) છે. ખરીફ પાકનાં વાવેતર હેઠળનો કુલ વિસ્તાર ગયા વરસ કરતાં વધુ (૪ ટકા) છે, પણ એ મુખ્યત્વે ડાંગરના વાવેતરના વિસ્તારના વધારાને (૧૧ ટકા) કારણે કઠોળ (૭ ટકા) અને તેલીબિયાંના વાવેતર હેઠળનો વિસ્તાર ઘટ્યો (૨ ટકા) છે.
આમ ફિસ્કલ ૨૪ના બીજા ક્વૉર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)ના મોટા ભાગનાં પરિબળોને સંકેત ગણીએ તો એની સંયુક્ત અસરરૂપે દેશના આર્થિક વિકાસનો દર આ ક્વૉર્ટરમાં (જે નવેમ્બરના અંતમાં સત્તાવાર રીતે જાહેર કરાશે) ઘણો ઊંચો રહી શકે.
ઈસીબીએ વ્યાજના દર વધારીને એ છેલ્લો હોવાનો સંકેત આપ્યો
વિશ્વના અર્થતંત્રની વાત કરીએ તો ઊંચા ભાવવધારા સામેની લડતના ભાગરૂપે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે (ઈસીબી) એના ચાવીરૂપ વ્યાજના દરમાં દસમી વખત વધારો (પચીસ બેસિસ પૉઇન્ટનો) કર્યો છે. ભાવવધારો હજી પણ બે ટકાના લક્ષ્યાંક કરતાં ડબલ જેટલો હોવા છતાં આ વખતના વ્યાજના દરનો વધારો છેલ્લો હોઈ શકે એવો સંકેત પણ ઈસીબીએ આપ્યો છે.
આ અઠવાડિયે વિશ્વની ત્રણ મુખ્ય સેન્ટ્રલ બૅન્કો (ફેડરલ રિઝર્વ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને બૅન્ક ઑફ જપાન) તેમના પૉલિસીના દરોની જાહેરાત કરવાના છે. ફેડરલ રિઝર્વ નવેમ્બર મહિને વ્યાજના દર વધારે એ પહેલાં આ અઠવાડિયે જાહેર થનાર પૉલિસીમાં વ્યાજના દરના વધારા બાબતે પોરો ખાય અને રિઝર્વ બૅન્ક પણ ઑક્ટોબર મહિને જૈસે થેની સ્થિતિ જાળવ્યા પછી ડિસેમ્બર મહિને ફરી વ્યાજના દરના વધારાની શરૂઆત કરે એવો ઍનલિસ્ટોનો મત છે.
ભારતના અર્થતંત્રની વિગતે વાત કરીએ એ પહેલાં લિબિયાના ભારે પૂરે સર્જેલા વિનાશ (બે હજારથી વધુ મોત અને દસ હજારથી વધુ લોકો ગુમ)ની નોંધ લેવી રહી. અગાઉ મૉરોક્કોમાં પણ આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વિશ્વમાં જિયો-પૉલિટિકલ તણાવો વધતા જાય છે ત્યારે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ ઉન જૉન્ગની રશિયાની મુલાકાતની રશિયા-યુક્રેન યુદ્ધ ઉપર શું અસર
પડશે એ વિશે ચોક્કસપણે કંઈ કહી શકાય એમ નથી. હાલપૂરતું તો રશિયા-યુક્રેન યુદ્ધ પતવાનાં કોઈ ચિહ્નો નજરે પડતાં નથી.
આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ‘વન નેશન, વન ઇલેક્શન (લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજ્ય) બાબતે સરકાર બિલ રજૂ કરે એવી સંભાવના છે. એક અભ્યાસ પ્રમાણે વન ઇલેક્શન માટેના ખર્ચનો અંદાજ ૧૦ લાખ કરોડ રૂપિયાનો મુકાયો છે. જો આ ચૂંટણીઓ એક સપ્તાહ જેટલા ગાળામાં પ્લાન કરાય તો અંદાજિત ખર્ચમાં ત્રણથી પાંચ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવે કન્સોલિડેશન અને સાવચેતી જરૂરી
સ્ટૉક માર્કેટ (સેન્સેક્સ અને નિફ્ટી)ની ચાલ ન્યારી છે, માર્કેટ કોઈ જુદા જ મૂડમાં છે. ઘણી વાર અર્થતંત્ર અને માર્કેટ વચ્ચે નેગેટિવ રિલેશનશિપ જોવા મળે છે (અર્થતંત્ર ખરાબ હોય ને માર્કેટ સારું હોય). હાલ માર્કેટ વન-વે સ્ટ્રીટમાં પ્રવેશ્યું હોય એમ પ્રતિકૂળ આર્થિક પરિબળોની અવગણના કરીને પણ નવા વિક્રમો બનાવતું જાય છે, પણ હાલની પરિસ્થિતિમાં રીટેલરને રાજી કરતું માર્કેટ ક્યારે તેને રડાવે નહીં એ માટેની સાવચેતી અનિવાર્ય ગણાય.
મોટા ભાગના અનુકૂળ અને પૉઝિટિવ આંતરિક પરિબળો વચ્ચે માર્કેટ માટે સૌથી નબળું બાહ્ય પરિબળ એટલે ક્રૂડ ઑઇલના સતત વધતા જતા ભાવો. સાઉદી અરેબિયા અને રશિયા દ્વારા મૂકાયેલો ઉત્પાદનનો કાપ અને ચીનની માગ વધવાનો આશાવાદ આ માટેનાં બે મુખ્ય કારણો છે. ક્રૂડ ઑઇલના ભાવો વધે એટલે ઇન્પુટ કૉસ્ટના વધારા દ્વારા કંપનીઓના નફા ઘટે એટલે માર્કેટની તેજીને બ્રેક લાગે.
સેન્સેક્સમાં થઈ રહેલા વધારાનો છેલ્લાં ૧૧ સત્રનો ગાળો છેલ્લાં ૧૬ વરસનો (૨૦૦૭ પછીનો) સૌથી લાંબો ગાળો છે. આ ગાળામાં સેન્સેક્સ પાંચ ટકા જેટલો વધ્યો છે.
અમેરિકા અને ચીનની ધારણા કરતાં સારા આર્થિક આંકડાઓ અને ઈસીબી દ્વારા વ્યાજના દરનો વધારો હવે પછી અટકવાની આશાએ વિશ્વના મુખ્ય સ્ટૉક માર્કેટ વધવાનું કારણ પણ આપણા માર્કેટ વધવા પાછળનું એક મોટું પરિબળ છે.
આંતરિક પૉઝિટિવ પરિબળોમાં હાલના વૈશ્વિક ભાવવધારા વચ્ચે પણ આપણે ત્યાં ભાવવધારામાં થયેલા ઘટાડા ઉપરાંત G20ની ઝળહળતી સફળતાને કારણે ભારતીય અર્થતંત્રના વધુ ઝડપી વિકાસનો ઊભો થયેલો આશાવાદ અને જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ઘટેલી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (જીડીપીના ૦.૨ ટકા) મુખ્ય ગણાય.
સતત વધી રહેલા માર્કેટને લીધે આપણા માર્કેટ કૅપિટલાઇઝેશને પણ નવી સપાટી સર કરી છે (રૂપિયા ૩૨૬ લાખ કરોડ કે ૩૯૩૦ બિલ્યન ડૉલર).
ચાલુ નાણાકીય વરસે વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારોએ (૧.૫૪ લાખ કરોડ રૂપિયા) અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરોએ (૧.૫૭ લાખ કરોડ રૂપિયા) આપણા સ્ટૉક માર્કેટમાં મોટું રોકાણ કર્યું છે તો ચાલુ મહિને (સપ્ટેમ્બર ૧૫ સુધી) આ બન્ને મોટા મૂડીરોકાણકારોએ પોતાની મૂડી પાછી ખેંચી હોવા છતાં સ્ટૉક માર્કેટ અભૂતપૂર્વ તેજીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એ બતાવે છે કે રીટેલ ઇન્વેસ્ટરોએ (સીધા રોકાણ દ્વારાઅને મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા) માર્કેટને મજબૂત સપોર્ટ પૂરો પાડ્યો છે. માર્કેટનો મૂડ બદલાય એ પહેલાં ચાલુ મહિનાના અંત સુધી આ તેજી ચાલુ રહે એવો નિષ્ણાતોનો અભિપ્રાય છે.
રિઝર્વ બૅન્ક વ્યાજના દર ડિસેમ્બરમાં વધારે એવી સંભાવના
છૂટક ભાવવધારાનો દર ઑગસ્ટ મહિને ઘટ્યો હોવા છતાં એ હજી રિઝર્વ બૅન્કના ચાર ટકાના લક્ષ્યાંકથી ઉપર જ છે. રિઝર્વ બૅન્કના અંદાજ પ્રમાણે ફિસ્કલ પચીસમાં પણ ભાવવધારો ચાર ટકાથી વધુ હશે. એટલે ચાલુ ચોમાસું પત્યા પછી અને ખરીફ પાક બજારમાં આવ્યા પછી રિઝર્વ બૅન્ક જરૂર પ્રમાણે ડિસેમ્બરમાં પૉલિસી રેટ વધારે એવી શક્યતા વધારે છે. દરમ્યાન ઑક્ટોબરની પૉલિસીમાં વ્યાજના દર જાળવી રખાય તો નવાઈ નહીં .
આવતા થોડા મહિનાઓમાં વિશ્વનાં મુખ્ય ચલણો સામે ડૉલર મજબૂત થવાની ધારણા સાચી પડે તો રૂપિયો ૮૨ થી ૮૪ની મર્યાદામાં રહેશે. રૂપિયાની વૉલેટિલિટી મર્યાદિત હોવાનું મુખ્ય કારણ રિઝર્વ બૅન્કનું ઇન્ટરવેન્શન (જરૂર મુજબ બજારમાંથી ડૉલર ખરીદવા કે એના વિદેશી હૂંડિયામણમાંથી ડૉલર બજારમાં વેચવા) ગણી શકાય.
ચાલુ નાણાકીય વરસે સીધું વિદેશી મૂડીરોકાણ થોડું ઓછું (પચીસ બિલ્યન ડૉલર) થઈ શકે. વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણ ૩૫ બિલ્યન ડૉલર આસપાસનું થઈ શકે. કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૪૦ બિલ્યન ડૉલર ( જીડીપીના ૧.૨ ટકા) જેટલી રહે તો બૅલૅન્સ ઑફ પેમેન્ટ સરપ્લસ રહી શકે.
રશિયાનું ડિસ્કાઉન્ટ બંધ થતાં આપણી આયાતો વધી શકે
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રશિયા પર નખાયેલા આર્થિક પ્રતિબંધોને કારણે રશિયાએ ભારતને સસ્તા ભાવે ક્રૂડ આપવાનું શરૂ કરેલું. આ ડિસ્કાઉન્ટ મળતું બંધ થવામાં હોવાથી આપણું ક્રૂડની આયાતોનું બિલ વધવાનું. આ સાથે વિશ્વ બજારમાં ક્રૂડના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાને કારણે આપણી આયાતો વધવાની. આમ આપણને ડબલ માર પડવાનો.
સતત બદલાતા રાજદ્વારી સંબંધો વચ્ચે મિત્ર દેશો પાસેથી મળતી ફેવર ક્યારે બંધ થાય એ કહેવાય નહીં. એની સીધી અને મોટી અસર આપણા અર્થતંત્ર પર પડે. એટલે આપણે આવાં અણધાર્યાં જોખમો અને પડકારો માટે પણ તૈયાર રહેવું રહ્યું.