કન્ટ્રોલ ઑલ્ટ કંપની ટોકનાઇઝેશનના માળખા પર દેખરેખ રાખશે. રિયલ એસ્ટેટનાં ટાઇટલ ડીડ સલામત રીતે ઇશ્યુ થાય અને બ્લૉકચેઇન પર ટ્રેક થાય એનું એ ધ્યાન રાખશે
પ્રતીકાત્મક તસવીર
દુબઈ લૅન્ડ ડિપાર્ટમેન્ટે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ટોકનાઇઝેશન લાવવાની યોજનાનો અમલ કરવા માટે એક્સઆરપી લેજરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. રવિવારે ૨૫ મેના રોજ આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે દુબઈ ફ્યુચર ફાઉન્ડેશન, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મ પ્રિપ્કો તથા બ્લૉકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની કન્ટ્રોલ ઑલ્ટ પણ આ યોજનામાં સહભાગી થશે.
કન્ટ્રોલ ઑલ્ટ કંપની ટોકનાઇઝેશનના માળખા પર દેખરેખ રાખશે. રિયલ એસ્ટેટનાં ટાઇટલ ડીડ સલામત રીતે ઇશ્યુ થાય અને બ્લૉકચેઇન પર ટ્રેક થાય એનું એ ધ્યાન રાખશે. આ યોજનાને પગલે રિયલ એસ્ટેટને આંશિક રીતે પણ ખરીદી શકાશે. લોકો પ્રિપ્કો મિન્ટ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને ૨૦૦૦ દિરહામ ચૂકવીને પ્રૉપર્ટીનો હિસ્સો ખરીદી શકશે. લૅન્ડ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ સલાહકાર મહમૂદ અલબુરાઈએ જણાવ્યું છે કે ૩૦૦૦ કરતાં વધુ રોકાણકારોએ ટોકનાઇઝેશન પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.
ADVERTISEMENT
એક્સઆરપી લેજર પસંદ કરવાનું કારણ એ આપવામાં આવ્યું છે કે એમાં ઝડપથી વ્યવહારો કરી શકાય છે, એની ફી ઓછી છે અને દેશના નિયમનકારી માળખા સાથે એનો મેળ બેસે છે.
અન્ય એક અહેવાલ મુજબ માઇકલ સેયલરની સ્ટ્રૅટેજી કંપનીએ ૧૯થી ૨૫ મેના ગાળામાં આશરે ૪૨૭ મિલ્યન ડૉલર મૂલ્ય ચૂકવીને ૪૦૨૦ બિટકૉઇનની ખરીદી કરી છે. દરેક બિટકૉઇનનો સરેરાશ ભાવ ૧,૦૬,૨૩૭ ડૉલર ચૂકવવામાં આવ્યો હતો. આમ સ્ટ્રૅટેજી પાસે કુલ ૫,૮૦,૨૫૦ બિટકૉઇન થઈ ગયા છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે બિટકૉઇનનો ભાવ ૧,૦૯,૭૨૯ ડૉલર ચાલી રહ્યો હતો. ઇથેરિયમનો ભાવ ૨૫૫૬ ડૉલર અને એક્સઆરપી ૨.૩૨ ડૉલર પર પહોંચ્યો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૭૫ ટકા વધીને ૩.૪૪ ટ્રિલ્યન ડૉલર થયું હતું.


