Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આઇટી હેવીવેઇટ્સના ભારમાં શૅરબજારમાં પીછેહઠ જોવા મળી

આઇટી હેવીવેઇટ્સના ભારમાં શૅરબજારમાં પીછેહઠ જોવા મળી

Published : 20 May, 2025 07:43 AM | Modified : 21 May, 2025 06:54 AM | IST | Mumbai
Anil Patel

ડિફેન્સ ઉપરાંત પસંદગીયુક્ત આકર્ષણમાં કેટલાક રેલવે શૅર પણ ઝળક્યા છે. ટીટાગર રેલ ૯૭૨ થયા બાદ ૨.૭ ટકા વધીને ૯૩૭ હતી.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


પરિણામ પછાળ ડિવીઝ લૅબ ૩૦૨ની તેજીમાં નવા બેસ્ટ લેવલે : PAN 2.0 પ્રોજેક્ટમાંથી બાકાત થતાં પ્રોટીન ઈ-ગવર્નમેન્ટ ટેક્નૉલૉજીઝ ૨૦ ટકા લથડી, ભારત બીજલી પરિણામ પાછળ તૂટ્યો : પ્રીમિયર એક્સ્પ્લોઝિવ્સમાં તેજીની આગકૂચ, પરિણામની પૂર્વસંધ્યાએ ૬૩ મૂન્સ ઉપલી સર્કિટમાં બંધ : ઝાયડ્સ વેલનેસમાં પ્રોત્સાહક પરિણામ સાથે શૅર-વિભાજન જાહેર : વર્ચ્યુઅલ ગૅલૅક્સી ઇન્ફોટેકનું લિસ્ટિંગ ગ્રે માર્કેટની ધારણા કરતાં ઘણું નબળું ગયું : ઋણમાફીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં વોડાફોનમાં મોટું ગાબડું : બોરણા વીવ્ઝનો ઇશ્યુ આજે ખૂલશે

વિશ્વબજારોમાં નવા સપ્તાહનો આરંભ પીછેહઠથી થયો છે. એશિયા ખાતે ઇન્ડોનેશિયા અડધો ટકો, સાઉથ કોરિયા એક ટકા નજીક, જપાન પોણો ટકા નજીક, થાઇલૅન્ડ અને સિંગાપોર અડધો ટકો, હૉન્ગકૉન્ગ નહીંવત્ નરમ હતું. ચાઇના પૉઝિટિવ બાયસ સાથે યથાવત્ હતું. યુરોપ પણ રનિંગમાં સાધારણથી માંડી અડધા ટકા સુધી ઢીલું દેખાયું છે. રશિયા-યુક્રેન તથા ઇઝરાયલ ગાઝા વચ્ચે નવા તનાવ છતાં ક્રૂડ પોણો ટકો ઘટી ૬૫ ડૉલરની અંદર જોવાયું છે. સોનું હાજરમાં એકાદ ટકો તો વાયદામાં દોઢ ટકો પ્લસ થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકૉઇન ૧,૦૬,૮૫૭ ડૉલરની ઉપલી સપાટીથી ઘટીને ૧,૦૩,૦૬૩ ડૉલરે આવી ગયો છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૯,૬૪૯ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧,૨૦,૨૮૫ વટાવી રનિંગમાં ૪૯ પૉઇન્ટના ઘટાડામાં ૧,૧૯,૫૯૯ હતું.



ઘરઆંગણે સેન્સેક્સ ૨૫ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૮૨,૩૫૫ ખૂલી છેવટે ૨૭૧ પૉઇન્ટના ઘટાડામાં ૮૨,૦૫૯ તથા નિફ્ટી ૭૪ પૉઇન્ટ ઘટીને ૨૪,૯૪૫ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૮૨,૪૨૪ અને નીચામાં ૮૧,૯૬૪ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીના ૦.૩ ટકાના મામૂલી ઘટાડા સામે સ્મૉલકૅપ પોણો ટકો, મિડકૅપ ૦.૩ ટકા, રિયલ્ટી ૨.૨ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪ ટકા, હેલ્થકૅર અડધો ટકો, પાવર-યુટિલિટીઝ ૦.૪ ટકા, ઑટો ૦.૪ ટકો, નિફ્ટી ફાર્મા અડધો ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકા પ્લસ હતા. આઇટી ઇન્ડેક્સ સવા ટકો કટ થયો છે. માર્કેટ બ્રેડ્થ સારી હતી. NSEમાં વધેલા ૧૮૪૨ શૅર સામે ૧૦૭૪ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૮૩,૦૦૦ કરોડ વધીને ૪૪૩.૬૮ લાખ કરોડ રૂપિયા જોવાયું છે.


નિફ્ટી ખાતે બજાજ ઑટો સવાચાર ટકા કે ૩૬૮ રૂપિયા ઊચકાઈ ૮૮૫૧ બંધમાં મોખરે હતો. શ્રીરામ ફાઇનૅન્સ ૧.૯ ટકા અને હીરો મોટોકા.ર્પ એક ટકો વધી છે. સેન્સેક્સ ખાતે બજાજ ફાઇનૅન્સ ૦.૯ ટકા, પાવરગ્રીડ સવા ટકો, સ્ટેટ બૅન્ક ૦.૪ ટકા, NTPC અડધો ટકો વધી છે. રિલાયન્સ એક ટકાની નરમાઈમાં ૧૪૪૨ હતી. ઝોમાટો ફેમ એટર્નલ ૩.૩ ટકાની નરમાઈમાં ૨૩૮ બંધ આપી સેન્સેક્સમાં ટૉપ લૂઝર હતી. ગ્રાસિમ નિફ્ટી ખાતે પોણાત્રણ ટકા ડાઉન થઈ છે. તાતા કન્ઝ્યુમર દોઢ ટકા ઘટી છે. ઇન્ફોસિસ ૧.૯ ટકા, ટીસીએસ સવા ટકો, ટેક મહિન્દ્ર ૧.૨ ટકા, HCL ટેક્નૉ ૦.૭ ટકા, વિપ્રો એક ટકા કટ થઈ છે. આઇટીમાં નબળા માનસ વચ્ચે સાઇડ શૅરમાં BLS સર્વિસિસ ૧૬.૨ ટકા ઊછળી ૨૦૮ હતી. ન્યુક્લિયસ સૉફ્ટવેર પરિણામની તેજીમાં બાવીસ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૩૫૨ બતાવી ૧૧.૮ ટકાના જમ્પમાં ૧૩૨૪ હતી. ONGCનાં પરિણામ બુધવારે છે. શૅર નજીવા ઘટાડે ૨૪૬ હતો.

ગ્રેફાઇટ ઇન્ડિયા ૨૪ ગણા વૉલ્યુમે ૧૬.૮ ટકાની મજબૂતીમાં ૫૬૮ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી હતી. પિયર ગ્રુપમાં HEG લિમિટેડ ૭.૮ ટકા વધી ૫૨૯ હતી. ઍલેમ્બિક ફાર્મા ૧૨.૫ ટકા, જીઆર ઇન્ફ્રા ૯.૮ ટકા, કેપીઆઇ ગ્રીન દસેક ટકા ઊચકાઈ હતી. ASM ટેક્નૉલૉજી ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૯૦૯ના શિખરે બંધ થઈ છે.


BSE લિમિટેડ નવા શિખર સાથે સરવાળે લાખેણી બની

ડિવીસ લૅબનો ત્રિમાસિક નફો ૨૩ ટકા વધીને ૬૬૨ કરોડ આવતાં શૅર ૬૭૦૫ની ઉપર ઑલટાઇમ હાઈ થઈને પોણાપાંચ ટકા કે ૩૦૨ રૂપિયા ઊચકાઈ ૬૫૮૩ બંધ થયો છે. દિલ્હીવરી ખોટ ભૂંસી નફામાં આવતાં ભાવ ૩૬૮ નજીક જઈ ૧૯ ગણા વૉલ્યુમે ૯.૪ ટકાના ઉછાળે ૩૫૧ હતો. ૬૩ મૂન્સનાં રિઝલ્ટ આજે છે. શૅર પરિણામપૂર્વે સુધારાની આગેકૂચમાં પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૮૫૯ વટાવી ત્યાં જ બંધ થયો છે. પ્રોટીન ઈ-ગવર્નમેન્ટ ટેક્નૉલૉજીઝને સરકારના આવકવેરા ખાતા દ્વારા તરફથી મહત્ત્વાકાંક્ષી PAN 2.0 પ્રોજેક્ટ માટે શૉર્ટલીસ્ટ કરવામાં આવી નથી એવા અહેવાલ પાછળ શૅર ૬ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની નીચલી સર્કિટે ૨૮૬ રૂપિયા પટકાઈ ૧૧૪૩ થયા બાદ ત્યાં જ બંધ રહ્યો છે. ભારત બીજલી નબળાં પરિણામ પાછળ સાત ગણા કામકાજે નીચામાં ૩૦૧૦ થઈ સવાદસ ટકા કે ૩૫૬ રૂપિયા ગગડી ૩૧૦૧ હતી.

BSE લિમિટેડમાં શૅરદીઠ બે બોનસની રેકૉર્ડ ડેટ ૨૩ મે નજીક હોવાથી શૅર ૭૪૭૫ ઉપર ઑલટાઇમ હાઈ બતાવી અઢી ટકા વધીને ૭૪૫૯ બંધ રહ્યો છે. એનું માર્કેટકૅપ ૧.૦૧ લાખ કરોડ નજીક ગયું છે. MCX સાધારણ સુધારે ૬૫૭૧ હતી. વર્ચ્યુઅલ ગૅલૅક્સી ઇન્ફોટેક ૧૪૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતેના ૧૧૦ના પ્રીમિયમ સામે ઢીલા લિસ્ટિંગમાં ૧૮૦ ખૂલીને ઉપલી સર્કિટે ૧૮૯ થઈ ત્યાં જ બંધ થતાં એમાં ૩૩ ટકા જેવો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. પ્રિસીઝન વાયર્સનો નફો ૩૫ ટકા વધતાં શૅર ઉપરમાં ૧૮૮ થઈ સવાદસ ટકાના ઉછાળે ૧૮૩ થયો છે. ઝાયડ્સ વેલનેસની આવક ૧૬.૭ ટકા અને નફો ૧૪ ટકા વધ્યા છે. કંપનીએ ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન નક્કી કર્યું છે. શૅર ઉપરમાં ૧૮૮૯ થઈ નજીવા સુધારામાં ૧૮૩૩ બંધ રહ્યો છે. સરકારે પાંચ અબજ ડૉલરના લેણાને માફ કરવાનો ઇનકાર કરતાં વોડાફોને સુપ્રીમમાં જવાનું નક્કી કર્યું અને હવે સુપ્રીમે અરજી ફગાવી દીધી છે. શૅર ૮.૭ ટકા કપાઈ પોણાસાત બંધ થયો છે.

ડિફેન્સની સાથે-સાથે રેલવે શૅર પણ લાઇમલાઇટમાં

ઝેન ટેક્નૉલૉજીઝે ૧૮૯ ટકાના વૃદ્ધિદરથી ૧૦૧ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર સતત સાતમા દિવસે તેજીની સર્કિટમાં પાંચ ટકા વધી ૧૮૮૪ વટાવી ત્યાં જ બંધ હતો. આઇડિયા ફોર્જ બે ટકા, નાઇબ લિમિટેડ પાંચ ટકા, અવાન્ટેલ સાડાનવ ટકા, ભારત અર્થમૂવર એકાદ ટકા, ઍક્સિસ કેડ્સ પાંચ ટકા વધી છે. અન્ય ડિફેન્સ કંપની ડેટા પૅટર્ન્સ ૬૧ ટકાની નફાવૃદ્ધિના જોરમાં ઉપરમાં ૩૧૩૬ બતાવી અંતે સવાબે ટકા ઘટીને ૨૮૦૩ હતી. ભારત ઇલેક્ટ્રિક ૩૭૩ ઉપર નવું શિખર મેળવી નજીવા ઘટાડે ૩૬૩ રહી હતી. ગાર્ડન રિચશિપ બિલ્ડર્સ ૨૪૮૨ના લેવલે ફ્લૅટ રહી છે. માઝગાવ ડૉક ૩૭૩૭ની સપાટી દર્શાવી ૩.૩ ટકા ઘટી ૩૪૧૦ હતો. કોચીન શિપયાર્ડ પણ ઉપરમાં ૨૧૯૭ વટાવી છેવટે અઢી ટકા ઘટીને ૧૯૮૫ જોવાઈ છે. એસ્ટ્રા માઇક્રોવેવ ૧૧૨૦ના બેસ્ટ લેવલ બાદ પોણો ટકો વધી ૧૦૮૨ રહી છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૫૧૫૯ની ઇન્ટ્રા-ડે હાઈથી સવાબે ટકા ઘટી ૫૦૧૬ હતી. ભારત ડાયનેમિક્સ એક ટકા નજીક, મિશ્ર ધાતુ નિગમ બે ટકા તથા પારસ ડિફેન્સ પાંચ ટકા નરમ હતા. એક્સ્પ્લોઝિવ્સ કંપની સોલર ઇન્ડસ્ટ્રીઝ ૨.૨ ટકા નરમ હતી, પરંતુ પ્રીમિયર એક્સ્પ્લોઝિવ્સ ૧૮.૩ ટકાની તેજીમાં ૫૮૪ થઈ છે. GOCL કૉર્પોરેશન નજીવા ઘટાડે ૩૧૫ હતી. સિકા ઇન્ટર પ્લાન્ટ ૮૯૦ની ટોચે જઈ પોણો ટકો ઘટી ૮૪૭ રહી છે.

ડિફેન્સ ઉપરાંત પસંદગીયુક્ત આકર્ષણમાં કેટલાક રેલવે શૅર પણ ઝળક્યા છે. ટીટાગર રેલ ૯૭૨ થયા બાદ ૨.૭ ટકા વધીને ૯૩૭ હતી. જ્યુપિટર વૅગન્સ સારાં શિઝલ્ટ પાછળ ૮ ગણા વૉલ્યુમે અઢી ટકા વધી ૪૧૨ હતી. રેલ વિકાસ નિગમ ચાર ગણા કામકાજે ઉપરમાં ૪૩૮ વટાવી સવાપાંચ ટકાની મજબૂતીમાં ૪૩૧ રહી છે. અન્યમાં IRFC બે ટકા, રાઇટ્સ ૨.૮ ટકા, ઇરકોન ૪.૬ ટકા, કારનેક્સ માઇક્રો નહીંવત્, રેલટેલ કૉર્પોરેશન પોણાચાર ટકા, કન્ટેનર કૉર્પોરેશન ૨.૨ ટકા વધ્યા છે.

નાદારીનો કેસ ખુલ્લો થતાં વિક્ટરી ઇલેક્ટ્રિક વેહિકલ્સનો ઇશ્યુ કૅન્સલ

ચાલુ સપ્તાહે મેઇન બોર્ડમાં બે ભરણાં છે. સુરતના સચિન ખાતેની બોરણા વીવ્સ ૧૦ના શૅરદીઠ ૨૧૬ની અપર બૅન્ડમાં ૧૪૫ કરોડ નજીક, ચોક્કસ કહીએ તો ૧૪,૪૮૯ લાખ રૂપિયાનો ઇશ્યુ આજે મંગળવારે કરવાની છે. QIB પોર્શન ૭૫ ટકા હોવાથી ભરણામાં રીટેલ પોર્શન ૧૦ ટકાનો છે. કંપની સિન્થેટિક ગ્રે ફેબ્રિક્સ બનાવે છે. છેલ્લા દોઢ વર્ષમાં કંપનીની આવક અને નફામાં તગડો વધારો જોવાયો છે, ઇશ્યુ લાવવાનો હોવાથી આની પાછળનું કારણ સમજી શકાય એમ છે. કંપનીનું દેવું ૫૪ કરોડનું છે. ગ્રે માર્કેટમાં ૬૩થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૬૪ છે. ઔરંગાબાદના વાલુજ ખાતેની ઑટો કૉમ્પોનન્ટ્સ કંપની બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ પાંચના શૅરદીઠ ૯૦ની અપર બૅન્ડમાં ૨૧૫૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ બુધવારે કરશે. કંપની આવક અને નફામાં નોંધપાત્ર વૃદ્ધિદરનો સાતત્યપૂર્ણ ટ્રૅક રેકૉર્ડ ધરાવે છે. ૨૦૨૩-’૨૪માં ૭૫૫૬ કરોડની આવક પર ૩૫૩ કરોડ નફો કરનારી આ કંપનીએ ૨૦૨૪-’૨૫ના છ મહિનામાં ૬૦૬૫ કરોડની આવક પર ૨૪૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. એનું દેવું આશરે ૨૬૦૦ કરોડ રૂપિયાનું છે. ગ્રે માર્કેટમાં ૧૭થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને હાલ ૭ ચાલે છે.

SME સેગમેન્ટમાં નવી દિલ્હીની વિક્ટરી ઇલેક્ટ્રિક વેહિકલ્સે પાંચના શૅરદીઠ ૭૨ના ભાવથી ૪૦૬૬ લાખનો NSE SME IPO ૨૦મીએ લાવવાની યોજના હાલ પડતી મૂકી છે. કંપની સામે નાદારીનો કેસ જાહેર થયાનું આ પરિણામ છે. બુધવારે દાર ક્રેડિટ ઍન્ડ કૅપિટલ ૧૦ના શૅરદીઠ ૬૦ની અપર બૅન્ડમાં ૨૫૬૬ લાખનો NSE SME ઇશ્યુ કરશે. કંપનીએ ૨૦૨૩-’૨૪માં ૩૩ કરોડની આવક પર ચાર કરોડનો નફો કર્યો છે, સામે ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં ૩૧ કરોડની આવક પર પાંચ કરોડ નજીકનો નફો બતાવ્યો છે. ગ્રે માર્કેટમાં ૧૨નું પ્રીમિયમ બોલાય છે. મુંબઈના દિંડોશી ખાતેની યુનિફાઇડ ડેટા-ટેક સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૨૭૩ની અપર બૅન્ડમાં ૧૪,૪૪૭ લાખનો BSE SME IPO બાવીસમી મેએ કરશે. કંપની ડેટ ફ્રી છે. આખો ઇશ્યુ ઑફર ફોર સેલનો છે. ગ્રે માર્કેટમાં ૧૭૫થી શરૂ થયેલુ પ્રીમિયમ ગગડી હાલ ૭૦ ચાલે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2025 06:54 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK