Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેલ્ફ રીડેવલપમેન્ટના કાર્યમાં નિર્ણય લેવામાં વિલંબ ન કરવો જોઈએ

સેલ્ફ રીડેવલપમેન્ટના કાર્યમાં નિર્ણય લેવામાં વિલંબ ન કરવો જોઈએ

07 January, 2023 12:24 PM IST | Mumbai
Dhiren Doshi | feedbackgmd@mid-day.com

હાઉસિંગ સોસાયટીની ઇમારતના સેલ્ફ રીડેવલપમેન્ટ વિશે આપણે વાત કરી રહ્યા છીએ.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


હાઉસિંગ સોસાયટીની ઇમારતના સેલ્ફ રીડેવલપમેન્ટ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આ પ્રક્રિયાના ફાયદા-ગેરફાયદા અને એને લગતી કેટલીક ઝીણવટભરી વિગતો જાણવી જરૂરી હોવાથી આપણે એના પર પ્રકાશ પાડી રહ્યા છીએ. આપણે અગાઉ જોયું કે આ કાર્યમાં સોસાયટીના દરેક સભ્યનો સહકાર આવશ્યક હોય છે. ચાલો, કેટલાક બાકી રહેલા મુદ્દાઓની વાત કરીએ. 
સેલ્ફ રીડેવલપમેન્ટમાં જનરલ બોડી સાથે પદાધિકારીઓએ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ (પીએમસી), અન્ય સંલગ્ન કૉન્ટ્રૅક્ટરો અને પ્રોફેશનલ્સ પર સતત નજર રાખવી જોઈએ, નહીં તો હંમેશાં નાણાકીય નુકસાન થવાની શક્યતા રહે છે. હું સૂચન કરું છું કે નિવૃત્ત અને અનુભવી લોકોનું એક અલગ જૂથ હોવું જોઈએ જેમણે નિયમિત દરરોજ બે વાર રોટેશનલ ધોરણે સાઇટની મુલાકાત લેવી જોઈએ. આનું કારણ એ છે કે પુનઃ વિકાસકાર્ય શરૂ કરવા માટે તમામ સભ્યો પોતાના બીજા/ભાડાના આવાસમાં શિફ્ટ થશે. આવા કિસ્સામાં જો આવા સભ્યોના જૂથની ગેરહાજરી હશે તો કૉન્ટ્રૅક્ટરો અને કામ માટે રાખવામાં આવેલા અન્ય લોકો તેમની રીતે કામ કરશે અને તેમને છૂટો દોર મળશે. પરિણામે સોસાયટીને મોટું નુકસાન થઈ શકે છે. એ ઉપરાંત સામાન પર એકંદર નજર રાખવા માટે સોસાયટી દ્વારા વિશ્વાસપાત્ર એજન્સીના ચોકીદાર અને અન્ય સુરક્ષારક્ષકોની નિમણૂક કરવામાં આવવી જોઈએ. એ બધા પર પણ સતત નજર રાખવા માટે સોસાયટીના સભ્યોનું અલગ જૂથ હોવું જોઈએ. આ જૂથે માલના સ્ટૉકની તપાસ કરતા રહેવું જરૂરી છે. 
એકંદરે સોસાયટીના તમામ સભ્યોએ નવા સરસમજાના ઘર મેળવવા માટે ખુશી-ખુશી વિવિધ જવાબદારીઓ માથે લઈને પોતાના કાર્યના સોનામાં સુગંધ ભેળવવી જોઈએ. 
સ્વયં પુનઃ વિકાસ વધુ સારો નફો મેળવવાની ક્ષમતા ધરાવે છે અને ઇમારતના ભલા માટે સોસાયટીને પ્રક્રિયાનું સંપૂર્ણ નિયંત્રણ આપે છે. જોકે અહીં નોંધવું ઘટે કે એમાં નાણાકીય બાબતે સંભાળવાનું હોય છે. બીજાઓ પર ભરોસો રાખીને કામ કરવાનું નથી એથી પોતાના પર વધુ જવાબદારી લેવાની જરૂર હોય છે. દરેકનો ઇરાદો શુભ હોવો જોઈએ. આ પ્રક્રિયા દરમ્યાન જો કોઈ નિર્ણય લેવાનો આવે તો એમાં વિલંબ કરવો ન જોઈએ અને બધાનો સાથ-સહકાર હોવો જોઈએ. આ કાર્યમાં મોટી ટીમ, ફાઇનૅન્સની યોગ્ય અને સમયસરની વ્યવસ્થા, તમામ ક્ષેત્રોમાં કુશળતા અને તમામ સંબંધિત વિભાગો સાથે યોગ્ય નેટવર્કિંગની જરૂર હોય છે.
બિલ્ડર આ તમામ ક્ષેત્રોમાં નિષ્ણાત હોય છે, કારણ કે એ તેમનો રોજનો વ્યવસાય છે. તેઓ જાણે છે કે કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો અને પુનર્વિકાસની પ્રક્રિયાને આગળ વધારવી. જો હાઉસિંગ સોસાયટી પોતે આ કામ કરવા તૈયાર થઈ હોય તો એણે પણ એટલી જ કુશળતા દર્શાવવી કે વિકસાવવી જરૂરી છે. 
જો સોસાયટીના સભ્યો ઉપરોક્ત તમામ કાર્ય માટે પૂરતા પ્રમાણમાં તૈયાર ન હોય અને પૂરતો સમય ફાળવી ન શકતા હોય તો કામ પોતાની જાતે કરવાને બદલે પ્રતિષ્ઠિત બિલ્ડર દ્વારા કરાવવાનો વિકલ્પ વધુ સારો હોઈ શકે છે.
ફરી એક વાર એ નોંધનીય છે કે માત્ર એવી જ સોસાયટીઓ જેમાં થોડા સભ્યો હોય અને બધા સમાન વિચાર ધરાવતા હોય અને બધા એકબીજા પર ભરોસો ધરાવતા હોય તેમણે સ્વયં પુનઃ વિકાસનો વિકલ્પ પસંદ કરવો જોઈએ.
જો  સોસાયટી ઘણા  બધા સભ્યો અને ઘણા બધા મતભેદોવાળી હોય તો એણે બિલ્ડર મારફત પુનઃ વિકાસ માટે જવું જોઈએ. 
દુનિયામાં કંઈ મફત મળતું નથી. કુછ પાને કે લિએ કુછ ખોના પડતા હૈ. આ જ રીતે જો પોતાને માટે સારું બાંધકામ, વધુ જગ્યા, વધુ નફો અને સંપૂર્ણ નિયંત્રણ સાથેનું સેલ્ફ રીડેવલપમેન્ટનું કામ કરાવવું હોય તો પોતાનાં સમય-શક્તિનો ભોગ આપવો જોઈએ અને પોતાનાં અંગત મંતવ્યો કે વિચારોને બાજુએ રાખીને સોસાયટીના સર્વાંગી હિત માટે જ દરેક પગલું ભરવું જોઈએ. 
એક વાત જણાવવી રહી કે સ્વયં પુનઃ વિકાસ હોય કે પછી બિલ્ડર દ્વારા પુનઃ વિકાસ હોય, બન્નેમાં પીએમસી, ઍડ્વોકેટ્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, આર્કિટેક્ટ્સ વગેરેની વ્યવસાયી સલાહ હેઠળ કામ થવું જોઈએ, કારણ કે તેઓ બધા પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે અને સોસાયટીના સભ્યોને અલગ-અલગ રીતે મદદ કરી છે.
આ સાથે એ પણ કહેવું જરૂરી છે કે પુનઃ વિકાસને સંપૂર્ણ અને સરળ રીતે હાથ ધરવા માટે, નાગરિકોને મદદ કરવા હંમેશાં તત્પર હોય એવા અધિકારીઓ પાસેથી પણ યોગ્ય માર્ગદર્શન અને મદદ લઈ શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2023 12:24 PM IST | Mumbai | Dhiren Doshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK