દરમ્યાન સોની ગ્રુપની કંપનીઓએ રચેલા બ્લૉકચેઇન નેટવર્ક – સોનેઇયમ પર હાલમાં રોજિંદા ધોરણે પાંચ લાખ વ્યવહારોનો વિક્રમ થયો હતો
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે સુધારો નોંધાયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૪૧ ટકા વધીને ૩.૫ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇન ૧.૬૫ ટકા અને ઇથેરિયમ ૨.૦૭ ટકા વધીને અનુક્રમે ૧,૦૨,૦૧૬ ડૉલર અને ૩૧૬૧ ડૉલર થયા હતા. એક્સઆરપીમાં ૯.૦૮ ટકાનો વધારો થતાં ભાવ ૩.૧૩ ડૉલર થઈ ગયો હતો. સોલાના ૧.૯૦ ટકા, ડોઝકૉઇન ૩.૦૭ ટકા, કાર્ડાનો ૪.૭૫ ટકા, ટ્રોન ૧.૩૮ ટકા અને ચેઇનલિન્ક ૧.૭૦ ટકા વધ્યા હતા.
દરમ્યાન સોની ગ્રુપની કંપનીઓએ રચેલા બ્લૉકચેઇન નેટવર્ક – સોનેઇયમ પર હાલમાં રોજિંદા ધોરણે પાંચ લાખ વ્યવહારોનો વિક્રમ થયો હતો. મેઇનનેટ પર લૉન્ચિંગ થયાના માત્ર બે સપ્તાહની અંદર આ વૃદ્ધિ થઈ છે. નોંધનીય છે કે નેટવર્ક પર માત્ર ૨,૦૭,૦૦૦ સક્રિય ઍડ્રેસ છે. એનો અર્થ એ થયો કે સોનેઇયમ ઇકોસિસ્ટમમાં મોટા પાયે વ્યવહાર કરનારા સક્રિય યુઝર્સ છે.


