વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૫૩ ટકા વધ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ એક્સઆરપી પર આધારિત ફ્યુચર્સ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) શરૂ કરવા માટે પ્રોશેર્સને મંજૂરી આપી દેતાં એક્સઆરપીના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સોમવારે સાંજે એક્સઆરપીનો ભાવ ૨.૬૧ ટકા વધીને ૨.૨૯ ડૉલર થયો હતો. આ કૉઇનનો ભાવ ગયા સપ્તાહમાં ૮ ટકા વધ્યો છે.
અહીં જણાવવું રહ્યું કે પ્રોશેર્સ બિટકૉઇન ETF પણ ધરાવે છે. એણે એક્સઆરપી પર આધારિત ત્રણ અલગ-અલગ ETF શરૂ કરવા માટે ગયા જાન્યુઆરીમાં અરજી કરી હતી. આની પહેલાં ટ્યુક્રિયમ દ્વારા એક્સઆરપી ફ્યુચર્સ ETF ન્યુ યૉર્ક સ્ટૉક એક્સચેન્જ પર શરૂ કરાયાં છે. પ્રોશેર્સે એક્સઆરપી સ્પૉટ ETF માટે પણ અરજી કરી છે, જેના વિશે હજી નિર્ણય લેવાયો નથી. બીજી બાજુ CME ગ્રુપ એક્સચેન્જ ૧૯ મેના રોજ એક્સઆરપી ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ શરૂ કરવાનું છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૫૩ ટકા વધ્યું હતું. બિટકૉઇનનો ભાવ ૦.૪૭ ટકા વધીને ૯૪,૪૪૦ ડૉલર થયો હતો, જ્યારે ઇથેરિયમમાં ૦.૮૫ ટકાનો ઘટાડો થયો હતો.


