BSE સ્ટાર એમએફ પર ટ્રાન્ઝૅક્શન્સની સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમ્યાન આગલા વર્ષના ૨૬.૫ કરોડ રૂપિયાથી ૫૫ ટકા વધીને ૪૧.૧ કરોડ રૂપિયા થઈ છે.
પ્રતીકાત્મક તસવીર
BSE લિમિટેડે ૩૧ માર્ચ, ૨૦૨૪ના અંતે પૂરા થયેલા વર્ષનાં ઑડિટેડ કૉન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યાં છે, જે મુજબ આ સમયગાળામાં કુલ એકત્રિત (કૉન્સોલિડેટેડ) આવક વાર્ષિક ધોરણે ૭૦ ટકાના ઉછાળા સાથે ૧૬૧૮ કરોડ રૂપિયાના રેકૉર્ડ-સ્તરે પહોંચી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં BSE લિમિટેડની આવક ૯૫૪ રૂપિયા કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪માં BSE લિમિટેડનો ચોખ્ખો નફો ગયા નાણાકીય વર્ષના ૨૦૬ કરોડ રૂપિયાથી ૯૭ ટકા સુધરીને ૪૦૪ કરોડ રૂપિયા થયો છે. BSE લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટે બે રૂપિયાની મૂળ કિંમતના ઇક્વિટી શૅરદીઠ ૧૫ રૂપિયાના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમ્યાન BSE ખાતે ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ૧૧.૩ અબજ કૉન્ટ્રૅક્ટ્સના સોદા થયા હતા.
BSE લિમિટેડનાં પરિણામો વિશે એમડી અને સીઈઓએ જણાવ્યું હતું કે મને એ જણાવતાં આનંદ થાય છે કે અમે વાઇબ્રન્ટ ટ્રેડિંગ પ્લૅટફૉર્મના અમારા ઉદ્દેશ્યમાં સારું પ્રદર્શન કર્યું છે. અમે બિઝનેસનો મજબૂત પોર્ટફોલિયો, નવીનતાની ઝડપી ગતિ અને સારી રીતે સમજી શકાય એવી વ્યૂહરચના બનાવી છે. BSEના ઇક્વિટી કૅશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર આગલા વર્ષના ૪૧૩૨ કરોડ રૂપિયાથી વધીને ૬૬૨૨ કરોડ રૂપિયા રહ્યું છે. BSE સ્ટાર એમએફ પર ટ્રાન્ઝૅક્શન્સની સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમ્યાન આગલા વર્ષના ૨૬.૫ કરોડ રૂપિયાથી ૫૫ ટકા વધીને ૪૧.૧ કરોડ રૂપિયા થઈ છે.

