સેન્સેક્સ અને નિફ્ટી તગડા ઉછાળા સાથે સર્વોચ્ચ સપાટીએ: વિશ્વ બજારમાં સોનું ૨૧૪૬ ડૉલરના અને એમસીએક્સ ગોલ્ડ ૬૪,૦૦૦ના બેસ્ટ લેવલે: બીટકૉઇન ૧૯ મહિના બાદ ૪૦ની ઑર્બિટમાં પ્રવેશી ૪૨,૦૦૦ ડૉલર વટાવી ગયો, બીટકૉઇન સવા લાખ ડૉલર થવાના વરતારા
પ્રતીકાત્મક તસવીર
સેન્સેક્સ સોમવારે ૧૩૮૪ પૉઇન્ટ અને નિફ્ટી ૪૧૯ પૉઇન્ટ વધીને બંધ આવ્યા. બન્ને બજારમાં નવી ઑલ ટાઇમ હાઈ બની. રોકાણકારોને ૫.૮૦ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો. બજારની આ ચાલ રવિવારે ચૂંટણીનાં પરિણામોની સાથે જ નક્કી થઈ ગઈ હતી. પાંચ રાજ્યોના ઇલેક્શનમાં બીજેપીએ જે માતબર દેખાવ કર્યો એના આધારે સોમવારે જશન જામશે એની બધાને ખબર પડી ગઈ હતી. હવે શું? મિની બૅટલમાં બઘડાટી બોલાવી દીધા પછી બીજેપી ૨૦૨૪નો જંગ સહેલાઈથી જીતી જશે, વિપક્ષનો ખેલ પાડી દેશે એવી હવા ઘણી પ્રબળ બનવાની છે. શૅરબજારનો પારો ઑર ઊંચે જશે. અદાણીના શૅર બેલગામ બનશે. આગામી ૬ મહિનામાં સેન્સેક્સ ૭૨,૦૦૦ અને નિફ્ટી ૨૨,૦૦૦ આસપાસ જાય તો જરાય નવાઈ નહીં લાગે.
હાલ એકસાથે ઘણાં ટ્રિગર બજારની ફેવરમાં છે. જીડીપી ગ્રોથ ધારણા કરતાં ઘણો મજેદાર આવ્યો છે. અર્થતંત્રનાં ૮ ચાવીરૂપ ક્ષેત્રને આવરી લેતો કોર સેક્ટરનો ગ્રોથ ૧૨ ટકાને વટાવી ગયો છે. ફુગાવો ૪૦ મહિનાની નીચી સપાટીએ છે. ૮ ડિસેમ્બરે રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ જાહેર થવાની છે. એમાં વ્યાજદરમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. ઊલટું, કેટલાક માને છે કે વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત કે એનો નિર્દેશ કરીને રિઝર્વ બૅન્ક બજારને ખુશ થવાનું એક વધુ કારણ પૂરું પાડશે. અગાઉ નેટ સેલરની ભૂમિકામાં રહેલી એફઆઇઆઇ નવેમ્બરથી નેટ બાયરના સેલમાં આવી ગઈ છે અને સૌથી મહત્ત્વની વાત અમેરિકન ફેડ માર્ચ ૨૦૨૪થી વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત કરશે એ નક્કી મનાય છે. એક સપ્તાહ પહેલાં આવું માનનારા માંડ પચીસ ટકા હતા, હાલ તેજીનું પ્રમાણ બાવન ટકા થઈ ગયું છે. ૨૦૨૪ના અંત સુધીમાં ફેડ રેટ તબક્કાવાર ઘટીને ૪ ટકાએ આવી ગયો હશે. અમેરિકન ટ્રેઝરી કે બૉન્ડ ઉપરનું યીલ્ડ ઘટીને અત્યારે ૪.૨ ટકા જેવું, ત્રણ મહિનાના તળિયે આવી ગયું છે એની પાછળ આ ગણતરી કામ કરી ગઈ છે.
ADVERTISEMENT
આ બધાં કારણ કે પરિબળ કામે લાગતાં માત્ર શૅરબજાર નહીં, સોનું-ચાંદી અને બીટકૉઇનમાં ત્રણ તેજીના વાયરા સાથે નવાં શિખર બનવા માંડ્યાં છે. વિશ્વબજારમાં સોનું ઉપરમાં ૨૧૫૦ ડૉલર નજીક ઑલ ટાઇમ થવાની આગાહી છે. ઘરઆંગણે એમસીએક્સ ગોલ્ડ ૬૪,૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. ચાંદી ૭૮,૫૯૦ રૂપિયા બોલાઈ છે. બીટકૉઇન ગઈ કાલે ઉપરમાં ૪૨,૧૧૦ વટાવી ગયો છે. ઇથર ૨૨૭૦ના લેવલ સાથે ૧૯ મહિનાની ટોચે ગયો છે. અમેરિકામાં બીટકૉઇન ઈટીએફને આગામી વર્ષે મંજૂરી મળવાની આશા, ફેડ રેટમાં ઘટાડાની શક્યતા તેજીનું ચાલક બળ બની છે, જેમાં એપ્રિલ સુધી બીટકૉઇન ૬૩,૧૪૦ ડૉલર તથા ૨૦૨૪ના અંત સુધી એક લાખથી સવા લાખ ડૉલર થવાના બોલ્ડ કૉલ શરૂ થઈ ગયા છે.


