ડિસેમ્બર મહિનામાં કુલ ૧૨૭.૩૫ લાખ લોકોએ હવાઈ મુસાફરી કરી

પ્રતીકાત્મક તસવીર
ડીજીસીએ દ્વારા જાહેર કરવામાં આવેલા માસિક ટ્રાફિક ડેટા અનુસાર, ડિસેમ્બરમાં ભારતનો સ્થાનિક પૅસેન્જર ટ્રાફિક વાર્ષિક ધોરણે ૧૩.૬૯ ટકા વધીને ૧૨૭.૩૫ લાખ થયો છે. ડેટા મુજબ ડિસેમ્બર ૨૦૨૧માં ભારતીય ઍરલાઇન્સ દ્વારા ઉડાન ભરેલા મુસાફરોની સંખ્યા ૧૧૨.૦૨ લાખ નોંધાઈ હતી.
મહિના દરમ્યાન ૬૯.૯૭ લાખ મુસાફરોને વહન કરતી ઇન્ડિગોએ ૫૫.૭ ટકાનો બજાર હિસ્સો મેળવ્યો હતો, જ્યારે ઍર ઇન્ડિયા અને વિસ્તારાએ અનુક્રમે ૯.૧ ટકા અને ૯.૨ ટકાના બજાર હિસ્સા સાથે ૧૧.૭૧ લાખ અને ૧૧.૭૦ લાખ મુસાફરોને હવાઈ સફર કરાવી હતી.
ઍર એશિયાએ મહિના દરમ્યાન ૭.૬ ટકાના બજાર હિસ્સા સાથે ૯.૭૧ લાખ મુસાફરોએ ઉડાન ભરી છે.
બે અન્ય બજેટ કૅરિયર્સ સ્પાઇસજેટ અને ગો ફર્સ્ટે ડિસેમ્બર ૨૦૨૨માં ૯.૬૪ લાખ અને ૯.૫૧ લાખ મુસાફરોને વહન કર્યા છે.
ઉપરાંત, સ્પાઇસજેટે તમામ સ્થાનિક ઍરલાઇન્સમાં એની ફ્લાઇટ્સ પર સૌથી વધુ લોડ ફેક્ટર જોયું, સમીક્ષા હેઠળના મહિના દરમ્યાન એના ઍરક્રાફ્ટમાં ૯૨.૭ ટકા બેઠકો ભરાઈ હતી.