પાકિસ્તાની શૅરબજાર ૭૩,૪૪૯ની વિક્રમી સપાટીએ, અગ્રણી તમામ વિશ્વબજારો પૉઝિટિવ ઝોનમાં: અક્ષયતૃતીયાનો શુભ દિવસ જ્વેલરી શૅરોને એકંદરે ફળ્યો: મોદીજીના મનોવિક્ષેપના આઘાતમાં ઘવાયા પછી અદાણી-અંબાણીના શૅર ધીમા સુધારામા
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ
પાંચ દિવસની સળંગ નરમાઈ બાદ સેન્સેક્સ શુક્રવારે ૨૬૦ પૉઇન્ટના મામૂલી સુધારામાં ૭૨,૬૬૪ થયો છે. નિફ્ટી ૯૮ પૉઇન્ટ વધી ૨૨,૦૫૫ રહ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૭૧ પૉઇન્ટના ગૅપ-અપ ઓપનિંગમાં ૭૨,૪૭૫ ખૂલ્યા પછી નીચામાં ૭૨,૩૬૬ અને ઉપરમાં ૭૨,૯૪૬ થયો હતો. તક્નિકી સુધારામાં બજારને બ્રૉડર સપોર્ટ મળી જતાં માર્કેટ બ્રેડ્થ સારી રહી છે. એનએસઈમાં વધેલા ૧૪૨૧ શૅર સામે ૮૦૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩.૨૧ લાખ કરોડ વધી હવે ૩૯૬.૫૬ લાખ કરોડે પહોંચ્યું છે. આઇટી ઇન્ડેક્સ ૦.૯ ટકા, રિયલ્ટી બેન્ચમાર્ક અડધા ટકાથી વધુ તો બૅન્ક નિફ્ટી નહીંવત નરમ હતો. અન્ય તમામ સેક્ટોરલ પ્લસ હતા. મેટલ, એનર્જી, પાવર, યુટિલિટીઝ, ઑઇલ–ગૅસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી જેવા ઇન્ડાઇસિસ એકથી દોઢ ટકો અપ હતા. ઑટો બેન્ચમાર્ક એક ટકો કે ૫૫૩ પૉઇન્ટ આગળ વધ્યો છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૨૧૪ પૉઇન્ટ કે ૧.૬ ટકા અને નિફ્ટી ૪૨૧ પૉઇન્ટ કે ૧.૯ ટકા ઘટ્યા છે, જે બે માસનો સૌથી મોટો વીકલી ઘટાડો છે. બૅન્ક નિફ્ટી સપ્તાહિક ધોરણે ત્રણ ટકાથી વધુ ઘવાયો છે. એફઆઇઆઇએ ગઈ કાલે પણ ૨૧૧૭ કરોડની રોકડી કરી છે.



