ફેડની બેઠક પર નજર : યુરો અને પાઉન્ડમાં આગળ વધતો ઘટાડો
કરન્સી કૉર્નર
પ્રતીકાત્મક તસવીર
ક્રૂડ ઑઇલમાં એકધારી તેજી અને યુરોપ અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતા વચ્ચે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજદર પા ટકા વધારીને ૪ ટકા કર્યા છે. બુધવારે ફેડ વ્યાજદરો વધારે છે કે પછી મૌખિક નિવેદનો વડે હોકિશ સંકેતો આપે છે એ કળવું થોડું મુશ્કેલ છે. ફેડ અને ઈસીબીએ ફુગાવો ડામવા વ્યાજદરો અતિશય ઊંચા રાખ્યા છે. વિકાસના ભોગે પણ વ્યાજદરો ઊંચા રાખ્યા છે. ક્રૂડની બેફામ તેજી સેન્ટ્રલ બૅન્કોનું કર્યું કારવ્યું ધૂળધાણી ન કરી દે તો સારું. બ્રેન્ટ ક્રૂડ પાછલા ૪ મહિનામાં ૩૪ ટકા વધ્યું છે. ૭૨ ડૉલરથી વધીને ૯૪ ડૉલર થયું છે. બ્રેન્ટ ટૂંક સમયમાં ૧૦૦ ડૉલર વટાવે એવી આગાહીઓ થઈ રહી છે. સાઉદી અરેબિયા અને રશિયાએ ઉત્પાદન-કાપ ડિસેમ્બર ૨૦૨૩ સુધી લંબાવતાં ક્રૂડની બજારમાં અછતની સ્થિતિ સર્જાઈ છે. વૈશ્વિક બજારમાં ડીઝલની તીવ્ર અછત છે. અમેરિકાની સ્ટ્રૅટેજિક પેટ્રોલિયન રિઝર્વ ૨૦ વરસની નીચી સપાટીએ અને ઊર્જા વિભાગ પાસેનો ક્રૂડનો સ્ટૉક ૪૦ વરસની નીચી સપાટીએ છે એટલે ક્રૂડની તેજી રોકવા અમેરિકા પાસે પણ પૂરતાં હથિયાર નથી. બજારનો પૂરો કાબૂ સાઉદી અરેબિયાના હાથમાં છે. ક્રૂડમાં તેજી આગળ વધે તો ફુગાવો વધે, ક્રૂડના નેટ આયાતકાર દેશો અને ઘણા ખરા ઇમર્જિંગ દેશોની કરન્સી દબાણમાં આવે.
રૂપિયાની વાત કરીએ તો ઇન્ટરબૅન્ક બજારમાં રૂપિયો ૮૩.૧૮ અને ઑફશૉર બજારમાં ૮૩.૦૪ બંધ રહ્યો હતો. રૂપિયો લાંબા સમયથી ૮૨.૨૦-૮૩.૨૦ની સાંકડી રેન્જમાં અથડાય છે. અમુક ટ્રેડિંગ સેશનને બાદ કરતાં રૂપિયો બે વરસથી ૮૧.૭૦-૮૩.૨૦ની રેન્જમાં રહ્યો છે. રિઝર્વ બૅન્ક ૮૧.૫૦-૭૦ના સ્તરે ડૉલર ખરીદે છે અને ૮૩-૮૩.૨૦ના સ્તરે ડૉલર વેચે છે. આમ બેઉ બાજુ દરમ્યાનગીરી કરી રૂપિયાને સ્ટેબલ રાખી શકી છે. યેન, યુઆન સહિતની સંખ્યાબંધ એશિયાઈ કરન્સી તૂટવા છતાં રૂપિયો ઘણો સ્ટેબલ રહ્યો છે. શૅરબજારમાં તેજી છે. ડૉલર ઇન્ફ્લો સારો છે. ફૉરેક્સ રિઝર્વ ૫૯૫ અબજ ડૉલર છે. મજબૂત ગણાય. સ્થાનિક મેક્રો ફન્ડામેન્ટલ ઘણા સારા છે. બાહ્ય પરિબળોમાં ક્રૂડ ઑઇલ, વૈશ્વિક ફુગાવો અને વ્યાજદરો તેજીની પાર્ટીમાં બાધા નાખી શકે. ઑગસ્ટ માસની વેપારખાધ ૨૪ અબજ ડૉલર રહી છે જે ૧૦ માસનો ઊંચો આંક છે. ગયા વરસે રશિયાનું ક્રૂડ બ્રેન્ટ કરતાં નોંધપાત્ર સસ્તું હતું અને રુપી રૂબલ ટ્રેડનો લાભ મળ્યો હતો. હવે સમીકરણો બદલાયાં છે. જો ક્રૂડની તેજી લાંબી ચાલે તો રૂપિયા પર દબાણ આવી શકે. ચોમાસાની પ્રગતિ પણ અનિયમિત રહી છે અને અનાજ-કઠોળના ભાવોમાં તેજી છે. હાલમાં રૂપિયામાં સપોર્ટ ૮૨.૭૮, ૮૨.૪૮, ૮૨.૨૦ અને રેઝિસ્ટન્સ ૮૩.૧૫, ૮૩.૩૦ અને ૮૩.૩૭ છે. જો ૮૩.૪૮ પર વૉલ્યુમ સાથે બ્રેકઆઉટ આવે તો ૮૪.૨૦-૮૪.૪૦ સુધીની શક્યતા નકારાય નહીં. શુક્રવારે ટેકશૅરોની વેચવાલી જોતાં આજે બજાર થોડું નરમ ખૂલી શકે. બુધવારની ફેડની બેઠક પર બજારની નજર છે.
ADVERTISEMENT
ક્રૉસ ટ્રેડમાં ઈસીબીએ વ્યાજદર વધાર્યા છતાં યુરો ઘટ્યો હતો. યુરોપમાં રિસેશનની સંભાવના વધી છે. યુરો ડૉલર સામે ૧.૦૬૫૦ અને રૂપિયા સામે ૮૮.૫૫ના સ્તરે બંધ થયો હતો. આયાતકારો થોડા અન્ડરહેજ રહી શકે. નિકાસકારો ફુલ્લી હેજ રહી શકે. યુરોનો ટ્રેડ નરમ દેખાય છે. યુરોડૉલર ૧.૦૫ અને યુરોરુપી ૮૭.૩૦-૮૭.૫૦ તરફ જઈ શકે. ઓવરઑલ રેન્જ ૧.૦૪૮૦-૧.૦૭૮૦ અને યુરોરુપીમાં ૮૭.૩૦-૮૮.૯૦ ગણી શકાય. પાઉન્ડ પણ નરમ પડતો જાય છે. પાઉન્ડ ૧.૨૩૮૨ હતો. પાઉન્ડડૉલરની રેન્જ ૧.૨૨-૧.૨૫ અને પાઉન્ડ રુપીની રેન્જ ૧૦૨-૧૦૪ ગણાય. યુરો અને પાઉન્ડ બેઉ કરન્સી રૂપીયા તેમ જ ડૉલર સામે ઠીક-ઠીક ઘટી છે. જપાની યેન ડૉલર સામે નરમ રહ્યો છે. જપાનમાં વપરાશી ફુગાવો ૩.૧ ટકા જેવો ઊંચો છે. વ્યાજદરો અસાધારણ નીચા છે. ડૉલર-યેનમાં વાઇલ્ડ મૂવ આવે તો ઘણી કરન્સીમાં અફડાતફડી વધશે. ચીની યુઆન વીતેલા સપ્તાહે થોડો સુધર્યો એ રાહતની વાત છે. યુઆન ૭.૩૨થી સુધરી ૭.૨૭ થયો છે. ચીન અર્થતંત્રને ટેકો આપવા આક્રમક પગલાં લઈ રહ્યું છે. ડૉલેક્સ ૧૦૨-૧૦૫ની રેન્જમાં સ્ટેબલ છે. અમેરિકામાં બૉન્ડ યીલ્ડ નોંધપાત્ર ઊંચા છે. આવતા વરસે મોટા પાયે બૉન્ડ રીપેમેન્ટ છે. ૨૦૨૪માં અમેરિકામાં મંદી આવે એવો ડર વધ્યો છે.