Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વબજારોની આડમાં ઘરઆંગણે ૯૨૮ પૉઇન્ટનો ધબડકો, બજાર ‘૬૦’ની અંદર બંધ

વિશ્વબજારોની આડમાં ઘરઆંગણે ૯૨૮ પૉઇન્ટનો ધબડકો, બજાર ‘૬૦’ની અંદર બંધ

23 February, 2023 09:57 AM IST | Mumbai
Anil Patel

રોકાણકારોના ૩.૮૭ લાખ કરોડ રૂપિયા ડૂલ, આઇટીસી સિવાય સેન્સેક્સના તમામ શૅર માઇનસમાં : બન્ને બજારોના બધા જ બેન્ચમાર્ક રેડ ઝોનમાં, માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી બુરાઈ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


અદાણીના શૅરોમાં ખરાબી વધી, તમામ શૅર ગગડ્યા, ૨૦ દિવસમાં ગૌતમબાબુને ૧૧.૬૫ લાખ કરોડ રૂપિયાનો ફટકો : શૅર-વિભાજનમાં આઇઆરબી ઇન્ફ્રા નવી ટોચે જઈ ૧૪.૮ ટકા મજબૂત, પ્રવેગ લિ. ઑલટાઇમ હાઈ થઈ સાડાસોળ ટકા તૂટ્યો : બૅ​ન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી માત્ર ૪ શૅર સુધર્યા, આઇટી ફ્રન્ટલાઇનની નરમાઈ પાછળ સાઇડ કાઉન્ટર્સ ઢીલાં થયાં

ફેડરેટમાં વધારાની સાઇકલ નજીકના ભવિષ્યમાં અટકવાની આશા લગભગ મરી પરવારતાં અમેરિકન શૅરબજારમાં ચાલુ કૅલેન્ડર વર્ષનો મોટો કડાકો નોંધાયો છે. મંગળવારની મોડી રાતે ડાઉ ઇન્ડેક્સ ૬૯૭ પૉઇન્ટ તથા નૅસ્ડેક ૨૯૫ પૉઇન્ટ લથડીને બંધ થયા છે. અમેરિકન બજારોની આ બે-અઢી ટકાની ખુવારી પાછળ બુધવારે તમામ અગ્રણી વિશ્વબજારો માઇનસ ઝોનમાં ગયાં હતાં. એશિયા ખાતે સાઉથ કોરિયા પોણાબે ટકા તથા જૅપનીઝ નિક્કેઈ ૧.૪ ટકા બગડ્યા છે. ઇન્ડોનેશિયા તથા તાઇવાન એકાદ ટકાની નજીક તો ચાઇના, હૉન્ગકૉન્ગ અને થાઇલૅન્ડ અડધા ટકાની આસપાસ ડૂલ થયા હતા. યુરોપ રનિંગમાં અડધાથી પોણો ટકો નીચે દેખાયું છે. બ્રેન્ટક્રૂડ એકાદ ટકો લપસીને ૮૨  ડૉલર તથા નાયમૅક્સ ક્રૂડ ૭૬  ડૉલરની અંદર આવી ગયું છે. બાય ધ વે, પાકિસ્તાની શૅરબજાર અવળી ચાલમાં ૧૦૭ પૉઇન્ટના સુધારામાં રનિંગમાં ૪૧,૦૫૭ બતાવતું હતું. ડૉલરની સામે રૂપિયો ૮૨.૮૨ના લેવલે જોવાયો છે.



વિશ્વ બજારોને તાલે ઘરઆંગણે સેન્સેક્સ પોણાત્રણસો પૉઇન્ટ જેવો નરમાઈમાં ખૂલી છેવટે ૯૨૮ પૉઇન્ટ ખરડાઈ ૫૯,૭૪૫ બંધ થયો છે. નિફ્ટીમાં ૨૭૨ પૉઇન્ટની ખરાબી થઈ છે. માર્કેટ નરમ ખૂલ્યા પછી લપસણીની ચાલમાં નીચામાં ૫૯,૬૮૧ થયું હતુ. સેન્સેક્સ નિફ્ટી અને લાર્જ કૅપની દોઢેક ટકાની નરમાઈ સામે રોકડું તથા બ્રૉડર માર્કેટ થોડુંક અંદર પર્ફોર્મ હતું, પણ ઘટાડાનો વ્યાપ વિસ્તૃત રહેવાથી માર્કેટ બ્રેડ્થ ઘણી જ ખરાબ રહી છે. એનએસઈમાં વધેલા ૩૭૭ શૅરની સામે ૧૬૫૧ જાતો ડાઉન થઈ છે. બન્ને બજારોનાં તમામ ઇન્ડાઇસિસ રેડઝોનમાં ગયાં છે. બૅ​ન્કિંગ, ફાઇનૅન્સ, પાવર, યુટિલિટી, રિયલ્ટી, નિફ્ટી મેટલ જેવા બેન્ચમાર્ક ૧.૭થી ૨.૩ ટકા બગડ્યા હતા. હેલ્થકૅર તેમ જ એફએમસીજી ઇન્ડેક્સ સૌથી ઓછા એવા ૦.૪ ટકાના ઘટાડે બંધ આવ્યા છે. બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ૩.૮૭ લાખ કરોડ રૂપિયા ગગડીને ૨૬૧.૩૪ લાખ કરોડ જેવું રહ્યું છે.


સેન્સેક્સમાં ૨૯ શૅર માઇનસ, માત્ર આઇટીસી સાધારણ સુધારામાં બુધવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૯ અને નિફ્ટીના ૫૦માંથી ૪૭ શૅર ધોવાયા છે. અદાણી એન્ટર ૧૦.૬ ટકા કે ૧૬૬ રૂપિયાના કડાકામાં ૧૪૦૫ બંધ આપીને નિફ્ટી ખાતે તેમ જ સમગ્ર એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. અદાણી પોર્ટ્સ ૬.૨ ટકા ખરડાઈને ૫૪૭ બંધ હતો.

આ ઉપરાંત ગ્રાસિમ ૩.૬ ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૮ ટકા કપાયા હતા. બજાજ ફાઇ. ૨.૯ ટકાના ધબડકામાં ૬૧૯૮ બંધ આપી સેન્સેક્સમાં ટૉપ લૂઝર હતો. બજાજ ફિનસર્વ ૨.૪ ટકા તૂટ્યો છે. મહિન્દ્રની ગાડી અઢી ટકા રિવર્સમાં હતી. ટાઇટન, એનટીપીસી, કોટક બૅન્ક, તાતા મોટર્સ, લાર્સન, આઇસીઆઇસી બૅન્ક, અલ્ટ્રાટેક, તાતા સ્ટીલ, વિપ્રો, એચડીએફસી ટ્વીન્સ, એસબીઆઇ લાઇફ જેવાં કાઉન્ટર્સ પોણાબેથી બે ટકા માઇનસ થયાં છે. રિલાયન્સ દોઢ ગણા કામકાજમાં નીચામાં ૨૩૭૬ થઈ ૨.૩ ટકા ગગડીને ૨૩૭૯ બંધમાં બજારને સર્વાધિક ૧૬૮ પૉઇન્ટ નડ્યો છે.


આઇટીસી દોઢા વૉલ્યુમે ૦.૪ ટકાના સુધારામાં ૩૮૪ બંધ આપીને બન્ને બજારોમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. બજાજ ઑટો નામ પૂરતો પ્લસ હતો. મારરુતિ સુઝુકી ૮૬૫૫ના લેવલે ફ્લૅટ રહ્યો છે. આઇઆરબી ઇન્ટ્રા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ૩૫ ગણા કામકાજમાં ૩૫ની મ​લ્ટિયર ટૉપ બનાવી ૧૪.૮ ટકાના જમ્પમાં ૩૪ ઉપર બંધ આપીને એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર હતો. ઈકેઆઇ એનર્જી ઉપલી સર્કિટનો નવો ધારો જાળવી રાખતાં ૧૦ ટકા ઊછળીને ૮૩૩ નજીક પહોંચી છે. ૧૭ ફેબ્રુ.ના રોજ તાજેતરમાં આ શૅરમાં ૫૧૨ નીચેની ઐતિહાસિક બૉટમ બની હતી. પ્રવેશ લિમિટેડ ૧૬.૬ ટકા કે ૯૮ રૂપિયાના કડાકામાં ૪૯૧ બંધ થતાં પહેલાં ઇન્ટ્રા-ડેમાં ૬૧૨ની વિક્રમી સપાટીએ ગયો હતો. સરકારી દરોડાની અસરમાં યુફ્લેક્સ દસેક ગણા કામકાજમાં ૪૪૩ નજીકના નવા તળિયે જઈ ૬.૯ ટકા ખરડાઈ ૪૪૫ રહ્યો છે. જસ્ટ ડાયલ, આરએચઆઇ મેગ્નેસિટા, અસ્ટ્રામાઇક્રો, એચબીએલ પાવર, ક્રાફ્ટસમેન, રેટગેઇન, શિલ્પા મેડિકૅર જેવી જાતો સવાપાંચથી સવાછ ટકા ધોવાઈ છે.

અદાણીના દસેદસ શૅર ડાઉન, ૫૧,૨૯૪ કરોડ રૂપિયાનો નવો ફટકો

બુધવાર અદાણી માટે બુંદિયાળ નીવડ્યો છે. ગઈ કાલે ગ્રુપના તમામ દસેદસ શૅર ૪ ટકાથી માંડીને સાડાદસેક ટકા જેવા ગગડ્યા છે. દસમાંથી પાંચ જાતો મંદીની સર્કિટમાં બંધ થઈ છે. ત્રણમાં નવાં નીચાં ઐતિહાસિક તળિયાં બન્યાં છે. ફ્લૅગશિપ અદાણી એન્ટર ૧૦.૪ ટકા કે ૧૬૩ રૂપિયા તૂટીને ૧૪૦૫ નજીક તો અદાણી પોર્ટ્સ સવાછ ટકા ખરડાઇને ૫૪૭ બંધ રહી છે. અદાણી પાવર જે સળંગ ચાર દિવસથી ઉપલી સર્કિટ મારી રહ્યો હતો એ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૬૩ થયો છે. અદાણી ટ્રાન્સ, અદાણી ગ્રીન અને અદાણી ટોટલમાં પાંચ-પાંચ ટકાની મંદીની સર્કિટનો સિલસિલો જારી રહેતાં ભાવ નવા ઐતિહાસિક તળિયે બંધ આવ્યો છે. અદાણી વિલ્મર પણ નીચલી સર્કિટમાં પાંચ ટકા બગડી ૩૯૦ હતો. એસીસી ૪ ટકા અને અંબુજા સિમેન્ટ પાંચ ટકાની નજીક તરડાયાં છે. એનડીટીવી ચાર ટકાથી વધુની ખરાબીમાં ૨૦૨ હતો. આ બધાને પગલે બુધવારે અદાણી ગ્રુપને માર્કેટ કૅપની રીતે વધુ ૫૧,૨૯૪ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. આ સાથે છેલ્લા ૨૦ દિવસમાં અદાણી ગ્રુપનું કુલ ધોવાણ ૧૧,૬૫,૨૬૮ રૂપિયે પહોંચ્યું છે. મોનાર્ક નેટવર્થ સાડાછ ટકાની ખુવારીમાં ૨૦૮ તો ​ક્વિન્ટ ડિજિટલ એક ટકો ઘટીને ૯૮ રૂપિયા બંધ હતો.

બૅન્ક નિફ્ટી ૬૭૮ પૉઇન્ટના ધોવાણ સાથે ૪૦ હજારની નીચે બંધ થયો

બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના બગાડમાં ૧.૭ ટકા કે ૬૭૮ પૉઇન્ટ લથડી ૪૦ની અંદર ૩૯,૯૯૬ બંધ આવ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી યુકો બૅન્ક સિવાય બાકીના ૧૧ શૅરની ખરાબીમાં ૧.૯ ટકા કટ થયો છે. સમગ્ર બૅ​ન્કિંગ સેક્ટરના ૩૭માંથી માત્ર ૪ શૅર સુધર્યા છે, જેમાં ઇ​​ક્વિટાસ બૅન્ક સવાટકાથી વધુ તો સૂર્યોદય સ્મૉલ બૅન્ક એક ટકાથી વધુ અપ હતા. યુકો બૅન્ક પોણા ટકાથી વધુના સુધારામાં અને તામિલાનાડુ બૅન્ક નામ પૂરતી પ્લસ હતી. સામે યસ બૅન્ક, જેકે બૅન્ક, કર્ણાટકા બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, કરૂર વૈશ્ય, આરબીએલ, આઇડીબીઆઇ બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, યુનિયન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, પીએનબી, ઇન્ડિયન બૅન્ક, ઉજજીવન સ્મૉલ બૅન્ક અઢીથી સાડાચાર ટકા લથડી ચે. ફ્રન્ટલાઇનમાં એચડીએફસી બૅન્ક બે ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૯ ટકા, કોટક બૅન્ક દોઢ ટકો, સ્ટેટ બૅન્ક તથા ઍ​​ક્સિસ બૅન્ક સવા ટકાથી વધુ તો ઇન્ડસઇન્ડ બૅન્ક પોણા ટકાથી વધુ ડાઉન હતા.

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૬માંથી ૧૦૮ શૅરની નબળાઈમાં પોણાબે ટકા જેવો બગડ્યો છે. પીએનબી હાઉસિંગ, સેન્ટ્રલ કૅપિટલ, ઇન્ડો સ્ટાર, રેલિગેર, બીએફ ઇન્વેસ્ટમેન્ટ અઢીથી ત્રણ ટકાની મજબૂતીમાં સામા પ્રવાહે હતા. મુથૂટ ફાઇ, પ્રુડેન્ટ કૉર્પોરેટ, આઇએફસીઆઇ, બંગાલ ઍન્ડ આસામ કંપની, રેપ્કો હોમ, વીએલએસ ફાઇ, માનાર્ક ચારથી સાડાછ ટકા તૂટ્યા છે. એચડીએફસી બે ટકા લથડીને ૨૬૧૫ હતો. પૉલિસી બાઝાર પોણાત્રણ ટકા ઊંચકાયો છે, પણ પેટીએમ સવાબે ટકા, નાયકા બે ટકા, ઝોમૅટો સવાચાર ટકા અને એલઆઇસી સાધારણ માઇનસ હતા. આદિત્ય બિરલા સનલાઇફ ૩૯૫ના ઑલ ટાઇમ તળિયે જઈ અડધો ટકો ઘટીને ૩૯૭ દેખાયો છે.

આઇટીમાં વ્યાપક નબળાઈ, ૬૦માંથી માત્ર પાંચ શૅર સુધર્યા

આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૫ શૅર પ્લસમાં આપીને ૩૪૯ પૉઇન્ટ કે એક ટકાથી વધુ ડાઉન હતો. રેટગેઇન પોણાછ ટકા, સોનાટા સવાચાર ટકા, ન્યુ​ક્લિઅસ પોણાચાર ટકા, હૅપીએસ્ટ માઇન્ડ સાડાત્રણ ટકા માઇનસ હતા. સિએન્ટ સવાબે ટકા વધી ૯૭૪ થયો છે. ઇન્ફી, ટીસીએસ, એચસીએલ ટેક્નૉ એક ટકાથી વધુ, વિપ્રો પોણાબે ટકાથી વધુ તથા ટેક મહિન્દ્ર પોણો ટકો ઘટ્યા છે. લાટિમ દોઢ ટકો તો તાતા એલેક્સી બે ટકા ડૂલ હતા. આઇટીઆઇ અઢી ટકા અને ઇન્ડ્સ ટાવર એક ટકો વધ્યા. એ સિવાય બાકીના ૧૪ ટેલિકૉમ શૅર કટ થયા છે. વોડાફોન યથાવત્ હતો, ભારતી ઍરટેલ પોણો ટકો ઘટ્યો છે. ટેક્નૉલૉજી ઇન્ડેક્સ આ બધાના ભાર સાથે જસ્ટ ડાયલ સાડાપાંચ ટકા, તાતા ટેલિ ૪ ટકા, એચએફસીએલ ૨.૮ ટકા, નેટવર્ક ૧૮ દોઢ ટકો, ટીવી ૧૮ સવા ટકો, ઝી એન્ટર ૨.૪ ટકા માઇનસમાં બંધ થતાં એક ટકાથી વધુ ડાઉન હતો. ટીવીએસ મોટર્સ, હીરો મોટોકૉર્પ, તાતા મોટર્સ, મહિન્દ્ર, અશોક લેલૅન્ડ સવાથી ત્રણ ટકા ગગડતાં ઑટો ઇન્ડેક્સ ૩૩૯ પૉઇન્ટ માઇનસ હતો. એમઆરએફ અઢી ટકા કે ૨૨૭૮ રૂપિયા લથડી ૮૭,૬૬૦ દેખાયો છે. પાવર યુટિલિટી ઇન્ડેક્સ વ્યાપક ખુવારીમાં બે-સવાબે ટકા ગગડ્યા છે. એનર્જી ઇન્ડેક્સ ૨૭માંથી ૨૪ શૅરના ઘટાડે દોઢ ટકો લપસ્યો છે.

એફએમસીજી આંક ખાતે હિન્દુ. યુનિલિવર, નેસ્લે, વરુણ બિવરેજિસ, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યુમર, તાતા કન્ઝ્યુમર ઇત્યાદિ માઇનસમાં હતા. દસેદસ શૅરના ઘટાડે મેટલ ઇન્ડેક્સ ૧.૭ ટકા પીગળ્યો છે. સેઇલ ત્રણ ટકા ડાઉન હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૬માંથી ૬૭ શૅરની નબળાઈ છતાં માંડ ૦.૪ ટકા કે ૯૯ પૉઇન્ટ ઘટ્યો છે. શિલ્પા મેડિ ૬.૩ ટકા તૂટી છે. અરબિંદો ફાર્મા સવાબે ટકા પ્લસ હતો. 

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2023 09:57 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK