સેક્શન ૮૦સી હેઠળનું ટૅક્સ બચાવવા માટેનું એક સાધન ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ (ઈએલએસએસ) છે. આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડનો જ એક પ્રકાર છે
પ્રતીકાત્મક તસવીર
જાન્યુઆરીથી માર્ચનું ક્વૉર્ટર સામે આવી રહ્યું છે. આપણે ટૅક્સ-બચત કરવા માટે રોકાણ કરવાના સમયગાળામાં પ્રવેશ કરીશું. સેક્શન ૮૦સી હેઠળનું ટૅક્સ બચાવવા માટેનું એક સાધન ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ (ઈએલએસએસ) છે. આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડનો જ એક પ્રકાર છે જે ટૅક્સની બચત કરવાની સાથે સંપત્તિસર્જન કરવાની તક પ્રદાન કરે છે.
અહીં ઈએલએસએસની દસ અનન્ય લાક્ષણિકતાઓ આપેલી છે જે એને આદર્શ રોકાણ માટેનો વિકલ્પ બનાવે છે.
૧. ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ ફન્ડ્સ શું છે?
ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ ફન્ડ્સ (ઈએલએસએસ) ટૅક્સ-સેવિંગ ફન્ડ તરીકે પણ ઓળખાય છે. એ એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ છે જે મુખ્યત્વે ઇક્વિટી શૅરોમાં રોકાણ કરે છે. તમારી વાર્ષિક કરપાત્ર આવકમાંથી ઈએલએસએસ ફન્ડ્સમાં રોકાણ કરવાથી ઇન્કમ-ટૅક્સ ઍક્ટ, ૧૯૬૧ હેઠળ મહત્તમ ૧,૫૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ ઉપર ટૅક્સમાં એક્ઝમ્પ્શન મળે છે.
૨. ઈએલએસએસ ફન્ડ્સ ક્યાં રોકાણ કરે છે?
ઈએલએસએસ ફન્ડ્સ સૂચિબદ્ધ કંપનીઓના શૅરો જેવા ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. આ ફન્ડ્સ એનાં રોકાણોને લાર્જ, મીડિયમ અને સ્મૉલ કૅપ કંપનીઓમાં ફાળવે છે.
૩. ઇક્વિટીની શક્તિ મેળવો
ઐતિહાસિક રીતે ઇક્વિટી રોકાણોએ લાંબે ગાળે અન્ય રોકાણનાં સાધનોની તુલનામાં વધુ વળતર આપ્યું છે. ઇક્વિટી ફન્ડ્સના રોકાણમાં લાંબા ગાળા માટે તમે કરેલા રોકાણમાં તમારાં નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં સહાય કરવાની સંભાવના છે.
૪. રોકાણ પર કોઈ મર્યાદા નથી
ઈએલએસએસ પર મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી. તમે સંપૂર્ણ રોકાણની રકમ પર માર્કેટ-લિન્ક્ડ વળતર મેળવી શકો છો. જોકે રોકાણ પર ટૅક્સ બેનિફિટ્સ કેવળ ૧,૫૦,૦૦૦ રૂપિયા સુધી જ મળી શકે છે.
૫. એસઆઇપી અથવા લમ્પસમ રકમ દ્વારા રોકાણના વિકલ્પ
ઈએલએસએસ ફન્ડ્સમાં રોકાણ કરવાની બે લોકપ્રિય રીત છે – એક એસઆઇપી અને બીજી લમ્પસમ. ઈએલએસએસમાં રોકાણ કરવાનો મહત્તમ લાભ મેળવવા માટે તમે આ બન્ને રોકાણ-વિકલ્પોના મિશ્રણ કરવાની પસંદગી પણ કરી શકો છો. રોકાણની એસઆઇપીની પદ્ધતિમાં તમારે એક નિશ્ચિત સમયગાળા દરમ્યાન નાની રકમનું રોકાણ કરવાની જરૂર હોય છે. જ્યારે, લમ્પસમ રોકાણના કિસ્સામાં, તમે એક જ વારમાં રોકાણ કરી શકો છો.
૬. એસઆઇપીની સુવિધા
જો તમે એસઆઇપી દ્વારા ઈએલએસએસમાં રોકાણ કરવા માગતા હો તો તમારે એક જ સમયે મોટી રકમનું રોકાણ કરવું પડશે નહીં અથવા ટૅક્સ-બેનિફિટ લેવા માટે છેલ્લી ક્ષણ સુધી રાહ જોવાની જરૂર પડશે નહીં. એ એટલા માટે છે કે તમે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ તમારા ટૅક્સ-પ્લાનિંગ શરૂ કરી શકો છો અને નાણાકીય વર્ષ દરમ્યાન એસઆઇપી દ્વારા ઈએલએસએસ ફન્ડ્સમાં રોકાણ કરી શકો છો. પગારદાર વ્યક્તિઓ માટે એસઆઇપી કરવા માટેનો માસિક વિકલ્પ લોકપ્રિય છે, પરંતુ રોકાણકારો સાપ્તાહિક, ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક એસઆઇપી ફ્રીક્વન્સીઝની પણ પસંદગી કરી શકે છે.
૭. રોકાણની લઘુતમ રકમ નાની રાખી શકાય છે
ઈએલએસએસમાં રોકાણ પરવડી શકે એવું હોય છે, કારણ કે એસઆઇપી દ્વારા ઈએલએસએસ ફન્ડમાં ૫૦૦ રૂપિયા જેવી ઓછામાં ઓછી રકમથી રોકાણ કરી શકાય છે. આથી તમારે રોકાણ કરવા માટે મોટી રકમ ભેગી કરવાની ચિંતા કરવાની જરૂર નથી. ન્યુનતમ રકમ દ્વારા કોઈ સમસ્યા વિના ઈએલએસએસમાં રોકાણ કરવાનું વિવિધ રોકાણકારો માટે સરળ બની રહે છે.
૮. સૌથી ટૂંકી લૉક-ઇન અવધિ
ટૅક્સ-સેવિંગ ફન્ડ્સ માટે ૩ વર્ષનો સૌથી નાનો સમયગાળો હોય છે. તમે કોઈ પણ દંડ અથવા એક્ઝિટ લોડ ચૂકવ્યા વિના ત્રણ વર્ષ પછી તમારાં રોકાણોને છૂટાં કરી શકો છો અથવા લૉક-ઇન અવધિના અંત પછી પણ રોકાણ રાખી મૂકી શકો છો.
૯. બહાર નીકળવાનો કોઈ ફરજિયાત સમયગાળો નથી :
ઈએલએસએસમાંથી બહાર નીકળવા માટેનો કોઈ ફરજિયાત સમયગાળો નથી. ૩ વર્ષ પૂરાં થયા બાદ પણ તમારે તમારાં રોકાણોને વેચવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તમે તમારાં રોકાણોને છૂટાં કરવા માટે તૈયાર ન હો ત્યાં સુધી તમે આ રોકાણોમાં નિવેશિત રહી શકો છો.
૧૦. કૅપિટલ ગેઇન ઉપર ટૅક્સ બેનિફિટ
ઇક્વિટી ફન્ડ્સ પર લાંબા ગાળાના મૂડી લાભો ઈએલએસએસ ફન્ડ્સ પર લાગુ પડે છે, કારણ કે એમાં ત્રણ વર્ષનો લૉક-ઇન માટેનો સમયગાળો છે. એક નાણાકીય વર્ષમાં એક લાખ રૂપિયાથી ઓછા કૅપિટલ ગેઇન ઉપર ટૅક્સ બેનિફિટ મળે છે. એક નાણાકીય વર્ષમાં એક લાખ રૂપિયાથી ઉપરના લાંબા ગાળાના મૂડીલાભ પર ૧૦ ટકાના દરે ટૅક્સ લાગુ પડે છે.
હૅપી ઇન્વેસ્ટિંગ.
