હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવતાં સામાન્ય કારણો કયાં છે એ જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
શું તમે જાણો છો કે હાલમાં તમારી જે કોઈ પણ કંપનીની હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી હોય એને અન્ય હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપનીમાં તમારી વર્તમાન પૉલિસીની કન્ટિન્યુટીના બેનિફિટ સાથે પોર્ટ કરી શકાય છે? જેવી રીતે તમારા મનપસંદ ફોન-નંબરને એક સર્વિસ પ્રોવાઇડર પાસેથી અન્ય સર્વિસ પ્રોવાઇડર પાસે એ જ નંબર જાળવીને તમે ટ્રાન્સફર કરી શકો એવી જ રીતે હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીનું પણ એક કંપનીમાંથી બીજી કંપનીમાં સ્થળાંતર કરી શકાય છે. તમારી પૉલિસીમાં સંચિત થયેલા લાભોનું સાતત્ય જાળવીને આમ કરવું શક્ય છે. તમારા હેલ્થ કવરેજને ફ્લેક્સિબલ રાખવામાં તેમ જ સમય સાથે બદલાતી તમારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આવી સગવડ મદદરૂપ નીવડે છે.
પોર્ટેબિલિટી માટે ક્યારે અરજી કરી શકાય છે?
તમારી વર્તમાન પૉલિસી સમાપ્ત થાય એ પહેલાં તમે ઓછામાં ઓછા ૪૫ દિવસ પહેલાં પૉલિસીની પોર્ટેબિલિટી માટે તમે અરજી કરી શકો છો. નવી ઇન્શ્યૉરન્સ કંપની તમારી ઍપ્લિકેશનને તપાસ્યા બાદ એવી જ અથવા એનાથી વધુ સારી યોજના તમને પ્રદાન કરશે. આથી જો તમે તમારી વર્તમાન પૉલિસીમાં પરિવર્તન ચાહો છો અથવા એનાથી પણ વધુ સારા બેનિફિટ્સવાળી પૉલિસીની શોધમાં છો તો હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીને પોર્ટ કરવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે! ભારતમાં હેલ્થ ઇન્શ્યૉરન્સ પોર્ટેબિલિટી એ પૉલિસીધારકોને પોતાની પૉલિસીને એક ઇન્શ્યૉરન્સ કંપનીથી બીજીમાં ફેરવવાની સગવડ કરી આપે છે સાથે-સાથે વેઇટિંગ પિરિયડ ક્રેડિટ અને નો-ક્લેમ બોનસ જેવા કેટલાક લાભો જાળવી રાખે છે. હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવતાં સામાન્ય કારણો કયાં છે એ જોઈએ.
ADVERTISEMENT
૧) વધુ સારું કવરેજ અને લાભો
લોકો પોતાની હેલ્થ પૉલિસીમાં વધુ વ્યાપક કવરેજ મેળવવા માટે, વધારાના લાભો મેળવવા માટે અથવા તેમની વર્તમાન પૉલિસી અમુક વિશિષ્ટ સારવાર કવર ન કરતી હોય એવી સારવારોને પણ પોતાની પૉલિસીમાં કવર કરવા માગતા હોય છે. આમ નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે લોકો પૉલિસીને પોર્ટ કરવાનું પસંદ કરતા હોય છે.
૨) વાજબી કિંમત
પોર્ટ કરાવવાના નિર્ણય કરવાનું એક મહત્ત્વનું કારણ પૉલિસીમાં આવતા ખર્ચને ઓછું કરવાનું પણ છે. બીજી ઇન્શ્યૉરન્સ કંપની પોતાની પૉલિસી જેવી જ અથવા એનાથી બહેતર પૉલિસીના કવરેજ વધુ વાજબી પ્રીમિયમ પર આપતી હોય છે. પૂરતું કવરેજ જાળવી રાખવાની સાથે જો પ્રીમિયમ પર બચત થતી હોય તો એ એક સમજદારીભર્યું પગલું છે.
૩) ગ્રાહકસેવા
કેટલીક વાર, પૉલિસીધારકો તેમના વર્તમાન વીમા પ્રદાતાની ગ્રાહકસેવાથી અસંતુષ્ટ હોય છે. તેઓ ક્લેમ સેટલમેન્ટમાં વિલંબ થવાથી, કંપની તરફથી યોગ્ય પ્રતિભાવના અભાવને કારણે અથવા અન્ય સેવા સંબંધિત મુદ્દાઓમાં સંતુષ્ટ ન હોય એવા સંજોગોમાં જે કંપનીની આ મામલાઓમાં સારી શાખ હોય એ કંપની પાસેથી પૉલિસી લેવાનો નિર્ણય કરતા હોય છે.
૪) નેટવર્ક હૉસ્પિટલો
નેટવર્ક હૉસ્પિટલોની ઉપલબ્ધતા અને નિકટતા વ્યક્તિની પસંદગીને પ્રભાવિત કરી શકે છે. ધારો કે તેઓ કોઈ એવા વિસ્તારમાં સ્થળાંતરીત થાય જ્યાં તેમના વર્તમાન વીમાદાતાની મર્યાદિત નેટવર્ક હૉસ્પિટલો હોય અથવા ન જ હોય તો એવા કિસ્સામાં તેઓ એ ક્ષેત્રમાં વધુ વ્યાપક નેટવર્કવાળી ઇન્શ્યૉરન્સ કંપની પર પોતાની પસંદગી કરી શકે છે.
૫) સ્થળાંતર થાય અથવા પૉલિસીધારકના અન્ય સંજોગોમાં પરિવર્તન
રહેઠાણ અથવા રોજગારમાં પરિવર્તન ઘણી વાર હેલ્થ ઇન્શ્યૉરન્સના બદલાવ માટે પ્રેરે છે. ધારો કે પૉલિસીધારક કોઈ એક અલગ શહેર અથવા રાજ્યમાં સ્થળાંતર કરે છે જ્યાં તેમના વર્તમાન વીમાદાતા મર્યાદિત કવરેજ પ્રદાન કરતા હોય તો એ કિસ્સામાં તેઓ તેમની પૉલિસીને તેમના નવા સ્થાને વિસ્તૃત નેટવર્કવાળી કંપનીમાં પોર્ટ કરી શકે છે.
૬) વય અને આરોગ્યની સ્થિતિ
જેમ-જેમ લોકોની ઉંમર વધતી જાય એ સાથે તેમની આરોગ્યની સ્થિતિ પણ બદલાતી હોય છે. આ બદલાવ સાથે મેળ ખાય એવી રીતે એમને અન્ય પૉલિસીની જરૂર પડે છે. કેટલાક વીમા પ્રદાતાઓ ચોક્કસ વયજૂથો અથવા આરોગ્યની ચોક્કસ પરિસ્થિતિઓ માટે વધુ સારી શરતો પ્રદાન કરતા હોય તો એ કંપનીમાં પૉલિસીધારક પોતાની વર્તમાન પૉલિસીને પોર્ટ કરી શકે છે.
૭) પૉલિસીમાં ફ્લેક્સિબિલિટી અને કસ્ટમાઇઝેશન
ઇન્શ્યૉરન્સની જરૂરિયાતો વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. કેટલીક વ્યક્તિઓ તેમની જીવનશૈલી અનુસાર અથવા આરોગ્ય બાબતની આવશ્યકતાઓને અનુરૂપ ઍડ-ઓન્સ અથવા રાઇડર્સ પસંદ કરવામાં વધુ ફ્લેક્સિબિલિટી માગે છે. આવા કસ્ટમાઇઝેશન પ્રમાણે પૉલિસી મળી શકે એવી પૉલિસીમાં પોર્ટ કરવાનું ચલણ પણ જોવા મળે છે.
૮) પૉલિસીની કવરેજની રકમ વધારવા માટે
તબીબી ખર્ચમાં થયેલા વધારાને કારણે અથવા કુટુંબ શરૂ કર્યું હોય જેવા જીવનના સંજોગો બદલાવાને કારણે પૉલિસીની કવરેજની રકમ વધારવાની જરૂરિયાત પડે છે. પોર્ટેબિલિટી પર્યાપ્ત કવરેજ સુનિશ્ચિત કરવા માટે વધુ કવરેજવાળી પૉલિસીમાં ફેરબદલ કરવાની મંજૂરી આપે છે.
૯) પૉલિસીમાં બાકાત કરવામાં આવેલી શરતો તથા વેઇટિંગ પિરિયડ
કેટલીક પૉલિસીઓમાં ચોક્કસ શરતો બાકાત કરેલી હોય છે અથવા વેઇટિંગ પિરિયડ હોય છે. પૂર્વ-અસ્તિત્વમાં રહેલી આવી શરતો તથા આવો વેઇટિંગ પિરિયડ બાકાત રાખવા માટે પોર્ટેબિલિટીનો વિકલ્પ પસંદ કરી શકે છે. ભારતમાં તેમની હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીને પોર્ટ કરાવતી વખતે ઉપરોક્ત બાબતો ધ્યાનમાં રાખવાથી વ્યક્તિઓને જાણકાર નિર્ણયો લેવામાં માર્ગદર્શન મળી શકે છે.
