વર્લ્ડ કપમાં નહીં હોય આ ફાઇવ સ્ટાર્સ

Published: 5th December, 2014 04:34 IST

વર્લ્ડ કપ માટેના ૩૦ સંભવિત ખેલાડીઓની જાહેરાત,પાંચ મોટાં માથાં આઉટ ચૅમ્પિયન ટીમના ચાર જ બચ્યા, અપેક્ષા પ્રમાણે આઉટ ઑફ ફૉર્મ યુવરાજ સિંહ, વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને ઝહીર ખાનને સિલેક્ટરોએ અવગણ્યા


૨૦૧૧ની વિજેતા ટીમમાંથી ધોની, રૈના, કોહલી અને અશ્વિન ટીમમાં જળવાઈ રહ્યા : અક્ષર પટેલ, પરવેઝ રસૂલ, મનીષ પાંડે, કુલદીપ યાદવ અને સંજુ સૅમસન જેવા યુવા ખેલાડીઓને તક : ફાઇનલ ૧૫ ખેલાડીઓની પસંદગી માટે ૭ જાન્યુઆરીની ડેડલાઇન

ICC વર્લ્ડ કપ ૨૦૧૫ માટે ભારતીય ટીમના ૩૦ સંભવિત ખેલાડીઓનાં નામની જાહેરાત થઈ ચૂકી છે. સિલેક્ટરોએ સંભવિત ખેલાડીઓમાં પાંચ સિનિયર ખેલાડીઓની પસંદગી નથી કરી. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવનાર વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને ઝહીર ખાનની પસંદગી નથી થઈ. સિલેક્ટરોએ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ મૂક્યો છે. પાંચેય ખેલાડીઓ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં રમ્યા હતા. તેમનાં નામોનો આ યાદીમાં સમાવેશ ન થતાં તેમના ભવિષ્ય પર પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે. વળી આ પાંચેપાંચ ખેલાડીઓ છેલ્લા એક વર્ષથી કોઈ વન-ડેમાં પણ નથી રમ્યા.

જમ્મુ કાશ્મીરના ઑલરાઉન્ડર પરવેઝ રસૂલ, ઉત્તર પ્રદેશના સ્પિનર કુલદીપ યાદવ અને સ્પિનર અક્ષર પટેલને ડોમેસ્ટિક રમતમાં દાખવેલા પ્રદર્શનનો લાભ મળ્યો છે. આ યાદીમાં ઑલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની અને મનોજ તિવારી તેમ જ સંજુ સૅમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ૭ જાન્યુઆરીએ આ ૩૦ પૈકી હજી ૧૫ ખેલાડીઓનો ૧૪ ફેબ્રુઆરીએ શરૂ થતા વર્લ્ડ કપના ખેલાડીઓમાં સમાવેશ થશે. એ માટે તમામ ખેલાડીઓએ ઘણી મહેનત કરવી પડશે. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં રમ્યા હોય એવા ખેલાડીઓમાં ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના તથા રવિચંદ્રન અશ્વિનનો જ સંભવિત ૩૦ ખેલાડીઓમાં સમાવેશ થયો છે. ૨૦૧૧માં ટીમ ઇન્ડિયા વતી રમનાર સચિન તેન્ડુલર રિટાયર થઈ ચૂક્યો છે અને એસ. શ્રીસાન્ત પર સ્પૉટ-ફિક્સિંગમાં સંડોવણીને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK